SELF / स्वयं

યુ ટર્ન

“શું થયું? પુરી વાત કહીશ તો ખબર પડશે, આમ રોતી રહીશ તો કેમ ચાલશે?” ખુશીએ એની બચપણની ફ્રેન્ડ સૂચિને પૂછ્યું.

“પરાગની અમુક વાત અને વર્તન નથી સમજાતું. પહેલા સારી સારી વાતો કરતો હતો અને હવે એમની ખરાબ આદત, પાસ્ટની વાતો અને કુટુંબની વાતો ખબર પડે છે તો એમ થાય છે કે હું કોઈ ભૂલ તો નથી કરતી ને?” સૂચિ આજે પોતાની બધી મૂંઝવણ એની ફ્રેન્ડ ખુશી સાથે શેર કરવા જઈ રહી હતી.

“જેમ કે?” સૂચિને ખુલીને બોલવા માટે ખુશીએ લાંબા સવાલની બદલે ટૂંકો સવાલ પૂછ્યો.

“અમારી પહેલી જ મુલાકાતમાં અમે બંનેએ એક-બીજાને પસંદ કરી લીધા હતા, પપ્પા અને ભાઈએ એમના ઘર વિષે તપાસ કરાવી હતી તો તેમાં પણ કંઈ ખરાબ વાત જાણવા મળી નહોતી એટલે બધું જલ્દી ગોઠવાઈ ગયું. પણ સગાઇ પછી હવે જયારે અમે બંને વાત કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે મેં જેવો ધાર્યો હતો તેવો નથી પરાગ. એજ્યુકેશન સારું છે તો જ આવી સરસ જોબ મળી હોય પણ સમજણનો અભાવ વાત-વાતમાં દેખાઈ આવે. ફોન બીઝી આવે કે મેસેજનો રીપ્લાય આપવામાં મોડું થાય તો પણ શંકા કરે અને હજારો સવાલ કરે છે. આપણે પુરુષોની જેમ કંઈ મોબાઈલ ખિસ્સામાં લઈને ના ફરતા હોઈએ ઘરમાં. તેની ઑફિસનો ગુસ્સો અત્યારથી મારા પર નીકાળે છે. એના ઘરમાં અને કુટુંબમાં આમ નહિ ચાલે તેમ નહિ ચાલે એવી જ બધી વાતો હોય.” સુચિએ એના ફરિયાદોના પોટલાં ખુલ્લા કરતા કહ્યું.

“રૂપિયાવાળા લોકોનું કોઈ ખરાબ ના જ બોલે સમાજમાં. અને તારે પણ જોઈતો હતો એવો મળ્યો, મોટું ઘર, સારી જોબ, કાર વગેરે. તો સ્વભાવમાં જતું કરવું જ પડશે. તું આમ બધામાં વાંધો કાઢીશ તો ક્યાંય ગોઠવાઈ નહિ શકે. લગનનું બીજું નામ જ સમાધાન અને એડજસ્ટમેન્ટ છે. પુરુષોને પ્રેમથી બદલી શકાય, તું ધીરજ રાખ અને તારા પ્રેમથી તેને સમજાવજે, સમજી જશે ધીરે ધીરે.” ખુશીએ સૂચિને સમજાવતા કહ્યું.

“સારી જોબ, બંગલો, રૂપિયા બધું નકામું થઇ જાય જો સમજણ ના હોય તો.” સુચિએ નિઃસાસો નાખતા કહ્યું.

“જ્યાં સમજણ ભરપૂર હતી ત્યાં તને એનો ભૂતકાળ નડ્યો. તું વાંક જોવાનું બંધ કર બધામાં, કોઈ સંપૂર્ણ ના હોય, તું પણ નથી. મને ખબર છે હવે તું નીરંગ અને પરાગ વચ્ચે સરખામણી કરતી હોઈશ એટલે જ મૂંઝવણમાં છો. કેમ બરોબરને?” ખુશીએ ઠપકાના સૂરમાં કહ્યું.

“સરખામણી ના કરવી હોય તો પણ થઇ જ જાય છે યાર શું કરું? નીરંગ સાથે વાત કરતી ત્યારે મને માનવામાં નહોતું આવતું કે કોઈ વ્યક્તિમાં આટલી સમજણ અને સાથ નિભાવવાની ભાવના કેમ હોઈ શકે? એના પર મને ગુસ્સો એટલે આવ્યો કે એણે મને એની બધી વાત અને આદતો કહી હતી અને પાસ્ટની કોઈ વાત ના કરી. એ તો જયારે સગાઈની તારીખ નક્કી થઇ ત્યારે પપ્પા અને ભાઈને કોઈકે કહ્યું એમના પાસ્ટ વિષે. મેં ઘરમાં કેમ સમજાવ્યા હતા એ મારુ મન જાણે હો, અને આ બધી ખબર પડ્યા પછી મારે ખુબ બધું સાંભળવું પડ્યું હતું. એ ગુસ્સામાં મેં નીરંગ સાથે સબંધો તોડી નાખ્યા. એની કોઈ સમજાવટ મને મગજમાં બેસતી નહોતી, કોઈ વાત સાચી લગતી નહોતી પછી પણ અત્યારે મને એની બધી વાત સમજાય છે.” સુચિએ નિખાલસતા થી કહ્યું.

“પાસ્ટની વાત ના કરી એનો મતલબ એવો ના હોય કે એણે છુપાવી, બધાનો ભૂતકાળ ભવ્ય ના હોય સૂચિ. ભૂતકાળની અમુક વાતો ભૂલવા માટે જ હોય છે, એમાં એ ભૂલી ગયો હોય કહેતા તો એનો વાંક નથી. હા, એણે તને વર્તમાનની કોઈ એવી વાત કરી હોય અને ખોટી સાબિત થઇ હોય અને તું આવું કર તો યોગ્ય છે, શું એવું કંઈ જાણવા મળ્યું હતું? શું એણે તને કોઈ એવા સપના બતાવ્યા હતા જે સાકાર ના થઇ શકે એવા લાગ્યા હોય તને?” ખુશીએ વાત પકડી લેતા કહ્યું. નીરંગ અને સૂચિની સગાઈની તારીખ નક્કી થઇ ગયા પછી જે થયું તેનાથી ખુશી માહિતગાર હતી. પરંતુ ત્યારે સૂચિ કોઈનું સાંભળવા તૈયાર નહોતી એટલે આજે જયારે સુચિએ નીરંગની વાત કરી તો તે તક ખુશી મૂકે તેવી નહોતી.

“ના, પણ….” સૂચિની નજર સામે ભૂતકાળમાં જે બન્યું તે ફિલ્મની માફક સામે આવવા લાગ્યું.

*******

“જય શ્રી કૃષ્ણ”

“આપ કોણ?” સુચિએ અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજનો જવાબ આપ્યો.

“ગજબ !!! એક જ ગ્રુપમાં હોવા છતાં અને મારી અનેકો પોસ્ટ પર કૉમેન્ટ્સ અને લાઈક કરવા વાળી વ્યક્તિએ મારો નંબર સેવ ના કર્યો હોય તે માનવામાં નથી આવતું…. સેવ ના કર્યો હોય તો હવે ગાંઠિયા કરી નાખો…. હાહાહાહા..”

સુચિએ તરત ડિટેઇલ ચેક કરી અને લાઈટ થઇ કે આ તો અતરંગી નામ વાળો નીરંગ, જેની પોસ્ટ તેને ગમતી હતી. સાહિત્યના ગ્રુપમાં સૂચિનું યોગદાન ફક્ત લાઈક અને કોમેન્ટ કરવા પૂરતું જ હતું. તેને મજા આવતી હતી લોકોની કલ્પનાની દુનિયામાં વિહરવાની. સુચિએ રિપ્લાઈ આપ્યો “બધા ગ્રુપ મેમ્બરના નંબર સેવ કરવા એ શક્ય નથી, ગાંઠિયા તો દૂરની વાત રહી. બોલો, કેમ પર્સનલમાં મેસેજ કરવો પડ્યો?”

“ગુસ્સો ના કરો, આજે તમારી વિગત કોઈકે મોકલી અને મને ગમી એટલે નંબર સેવ કરવા ગયો ત્યારે ધ્યાન ગયું કે આ નંબર તો મારા મોબાઈલમાં સેવ થયેલો છે, એટલે એ બાબતે વાત કરવા મેસેજ કરવો પડ્યો.” નીરંગે ચોખવટ કરતાં કહ્યું.

“ઓહ, હવે સમજી. માફ કરજો પણ મને આમ કોઈ પ્રાઇવેટમાં મેસેજ કરે તે પસંદ નથી. તમે તમારી વિગત મને મોકલી આપો, હું પપ્પાને બતાવી દઈશ અને તેમનો નિર્ણય તમને જણાવીશ.” સુચિએ વાત ટુંકાવના ઈરાદા સાથે કહ્યું.

“ઓકે, આવું જ કરવું હોય તો પપ્પાનો નંબર કેમ નથી વિગતમાં? તમારો નંબર તમે તમારી મરજી થી લખ્યો છે કે મજબૂરી થી?” નીરંગે વાત કરવાના મૂડ સાથે લખ્યું.

“મજબૂરીમાંથી જન્મેલી મરજી. પપ્પા સ્માર્ટફોન યુઝ નથી કરતાં એટલે મારે મારો નંબર આપવો પડ્યો.”

“ઓકે, મોકલું છું વિગત જવાબની આશા સાથે. હા કે ના કહેજો… લટકાવી ના રાખતા બીજા બધાની જેમ.” આટલું કહીને નીરંગે પોતાના લગ્ન માટે બનાવેલી વિગત શેર કરી.

થોડા દિવસમાં કોરોના લોકડાઉન ને લીધે નીરંગ અને સૂચિ જે સવારે અને રાત્રે ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ના મેસેજ થી આગળ વધીને સામાન્ય વાતચીત સુધી પહોંચી ગયા હતા. તેમાં શરૂઆત તો JSK ટાઈપ કરવાને લીધે થયેલી દલીલ વધુ કારણભૂત રહી. નીરંગની તર્ક સંગત દલીલ સામે સુચિએ ઝૂકવું પડ્યું હતું અને પછી તો વાતોનો સિલસિલો વધવા લાગ્યો. એક દિવસ સૂચિનો જન્મદિવસ હતો એટલે નીરંગે તેની કવિતાની ભાષામાં જન્મદિવસ વિશ કરવા મેસેજ કર્યો. સુચિએ રીપ્લાય આપ્યો”ઓહો, તમને યાદ હતું?”

“વિગતમાં જન્મતારીખ હોય તો યાદ રાખવું એટલું અઘરું ના હોય.” કહીને નીરંગે ફરી એક જન્મદિવસનો મેસેજ કર્યો.

“ઓહો… સારું યાદ રાખો છો.”

“મને ખરાબ વાતો યાદ રાખવી ગમતી નથી એટલે સારું યાદ રાખું છું. હર એક કલાકે તમને અલગ અલગ મેસેજ મળશે જે તમે અગાઉ ક્યાંય વાંચ્યા કે સાંભળ્યા નહીં હોય.”

“એવું કરવાનું કોઈ કારણ?”

“હું આવો જ છું, હું મારા અંગત હોય તેમને આમ જ વિશ કરું અને હર એક કલાકે ચોકલેટ લઇ આવું. હાહાહાહા…”

“આ વધુ પડતું નથી થતું? હું તમારી અંગત ક્યારથી થઇ ગઈ? મને આવી વાતો કે વર્તન નથી ગમતું.” સુચિએ થોડા ગુસ્સા સાથે કહ્યું.

“એ તમારો સ્વભાવ છે, અને હર કલાકે વિશ કરવું એ મારો સ્વભાવ અને આદત છે. છતાં પણ તમને ના ગમતું હોય તો નહીં મોકલું.”

“એવી વાત નથી, પણ મારો ફોન મારી પાસે જ હોય એવું જરૂરી નથી. એટલે જ આપણે એક ફિક્સ સમય નક્કી કર્યો હતો વાત કરવા માટે.”

“એટલે મારા મેસેજ ગમ્યાં એ પાક્કું. બહું કંજૂસ છો હો, એક પણ વાર થેન્ક યુ પણ કહ્યું નહીં તમે. બસ વાંક કાઢ્યો અથવા બીજી વાતે ચડાવી દો છો. બહું હોંશિયાર છો.”

“બસ બસ, ફ્લર્ટ કરવાનું બંધ કરો. મેસેજ માટે થેન્ક યુ.”

*******

“પપ્પા, એક વાર મળી તો લો. મળ્યા વગર તમે કેમ ના પાડો છો? તમે અને દીદીએ પહેલા પણ વાત કરી હતી તેમની સાથે અને તેમને જવાબ આપ્યા વગર વાતને પુરી કરી નાખી હતી. પણ મારા કિસ્મતમાં હશે તો અમે કોન્ટેક્ટમાં આવ્યા અને અમે વાતો કરી. 3 મહિના વાતો કરવાથી મને એટલી ખબર પડી કે એ મને દુઃખી નહીં કરે. મને તેમનો સ્વભાવ ગમે છે. તેણે મને એમની બધી જ વાતો કરી છે, કોઈ મોટા સપના બતાવ્યા નથી.” સુચિએ આખરે તેના પપ્પાને નીરંગ વિશે વાત કરી.

“પણ બેટા, તેને ઘર અને ઓફિસ બંને ભાડાં પર છે. તેની પાસે કોઈ મિલકત નથી. તેવા છોકરા સાથે મારે તારા લગ્ન કેમ કરાવી આપવા?”

“લગન પછી કોઈ એવી પરિસ્થિતિ આવે કે ઘર વેચવું પડે તો તમે મને પાછી તેડાવી લેશો? મિલકત તો આજે છે અને કાલે ના પણ હોય, પણ માણસનો પ્રેમ, સ્વભાવ અને સમજણ આજીવન રહેવાનો. તમે એક વાર મળી તો લો, જો છતાં તમને ના ગમે તો હું જીદ્દ નહીં કરું. પણ એક ચાન્સ તો આપવો જોઈએ ને પપ્પા!!?” સુચિએ તેના પપ્પાને સમજાવતા કહ્યું.

“તું અત્યારે જીદ્દ જ કરે છે. મેં તારા કરતાં વધુ દુનિયા જોઈ છે. 3 મહિનાની વાતોમાં તને એટલો ભરોસો બેસી ગયો કે મારી સામે દલીલ કરતી થઇ ગઈ? હવે મારે તેના વિશે આગળ કોઈ વાત કરવી નથી.” અંબાલાલભાઈએ વાતનો અંત લાવતો તેનો નિર્ણય જણાવી દીધો.

“ઓકે, તો આ તમારો અંતિમ નિર્ણય છે ને? તો મારો પણ અંતિમ નિર્ણય સાંભળી લો, હું જો લગ્ન કરીશ તો એની સાથે. તમારે સંમતિ આપવી મરજિયાત છે, પણ જો ના પાડશો તો મારુ કુંવારા રહેવું ફરજીયાત છે.” સૂચિ આંખમાં ગુસ્સો અને આંસુ સાથે તેના રૂમમાં ચાલી ગઈ.

થોડા દિવસના અબોલા અને હઠાગ્રહ સામે એક પિતા એમની દીકરી સામે ઝૂકી ગયા અને નીરંગને તેના પરીવાર સાથે ઘરે આવાનું આમંત્રણ આપ્યું. સૂચિ અને નીરંગ બંને ખુશ હતા આ વાત થી, પણ સૂચિ હજુ થોડી સંશયમાં હતી અને નીરંગને ભવિષ્યના સપના બહું ના જોવાની સલાહ આપતી હતી. નીરંગ પ્રેમી હતો એટલે તેને ભવિષ્ય દેખાતું હતું જયારે સૂચિ પ્રેક્ટિકલ હતી અને વાસ્તવિકતામાં જીવવા વાળી હતી. નીરંગ તેના મમ્મી, ભાઈ, ભાભી અને ભત્રીજી સાથે સૂચિના ઘરે આવ્યો. ઓળખાણ અને ચા નાસ્તા પછી સૂચિ અને નીરંગને એકાંત પૂરું પાડવામાં આવ્યું.

સૂચિ, શબ્દકોશમાં ‘અપ્સરા’ શબ્દનો અર્થ સમજાવવા માટે બીજું કંઈ લખવાને બદલે ત્યાં એનો ફોટોગ્રાફ ગોઠવી દીધો હોય તો અર્થ આપોઆપ સ્પષ્ટ થઇ જાય એટલી એ સુંદર હતી અને નીરંગ ચહેરો અત્યંત સોહામણો, વ્યક્તિત્વ સ્માર્ટ, શરીર સુડોળ, અવાજમાં લોહચુંબક, અને આંખોમાં વશીકરણ. બંને આજે પહેલી વાર રૂબરૂ મળ્યા હતા.

“સરસ સજાવટ કરી છે રૂમની.” નીરંગે વાતની શરૂઆત કરતા કહ્યું.

“થેન્ક યુ. ચા ભાવી?” સુચિએ શરમાઈને પૂછ્યું.

“હા, તમારા જેવી જ હતી, મીઠી અને કડક.” નીરંગે તેના સ્વભાવ મુજબ કહ્યું.

“બસ હો. કોઈક સાંભળી જશે તો ઉપાધિ થશે.” મોગરાની કળી જયારે બોલતી હતી ત્યારે મધપૂડો બની જતી હતી પણ અત્યારે નીરંગની વાત સાંભળીને સૂચિએ મીઠો ઠપકો આપતી નજરે કહ્યું.

“ઓકે ઓકે. 3 મહિના વાત કરી એટલે હવે મારે તો કંઈ ખાસ પૂછવાનું છે નહીં, તમારે કંઈ પૂછવાનું હોઈ તો પૂછી શકો.” નીરંગે મુદ્દાની વાત પર આવતા કહ્યું.

“ઘરનું ઘર નથી એ જ વાંધો છે બધાને, મને તેમાં તમે સમજાવી પણ હું ઘરનાને સમજાવી શકી નથી. મારે તમને એટલું જ પૂછવું છે કે હવે કોઈ ટેન્શન નથી ને તમારી પર?”

“બધું ટેન્શન દૂર કર્યું પછી જ હું પણ લગ્ન માટે આગળ વધ્યો છું, મારે લગ્નજીવન સુખ-શાંતિ સાથે માણવું હતું એટલે જ મોડો છું. મેં તમને કોઈ મોટા કે ખોટા સપના નથી બતાવ્યા. જે છે તે બધું કહ્યું જ છે.” પોતાની આર્થિક સ્થિતિની કોઈ વાત એણે છુપાવી ન હતી. ભવિષ્યની ઊંચી છલાંગ મારવાના ઉત્સાહમાં એ વર્તમાનની ધરતી પર ઢાંકપિછોડો કરવા માંગતો નહોતો.

“હું તમારી એ જ વાત પર ભરોસો કરીને આગળ વધી છું, તમને ખબર છે કે હું પ્રેમમાં નથી માનતી અને એટલે જ આમ ઘરનાને સાથે લઈને વાત આગળ વધારી છે.”

“તો હવે આ માખણ જેવી હથેળી જીવનભરનો માટે મારા હાથમાં ક્યારે આવશે? મને તમારા જવાબની પ્રતીક્ષા નથી, મને એ દિવસનો ઇન્તેઝાર છે.” નીરંગે ફરી રોમૅન્ટિક અંદાજમાં કહ્યું.

“ઘરનાં હાં પાડે એટલે તરત.” મોગરાની કળી પહેલા મુસ્કુરાઈ અને પછી શરમાઈ ગઈ.

નીરંગના ઘરના તેમના ઘરે આવાનું આમંત્રણ આપીને નીકળી ગયા. સૂચિના ઘરના પણ નીરંગને અને તેના ઘરનાને મળીને થોડે અંશે રાજી થયા અને નીરંગનું ઘર જોવા અને વાત આગળ વધારવા માટે રાજીખુશીથી સંમત થયા. આ વાતની જાણ નીરંગને સુચિએ કરી ત્યારે નીરંગની ખુશીની કોઈ સીમા ના રહી. નક્કી કરેલી તારીખે સૂચિ તેના ઘરનાની સાથે નીરંગની ઘરે હતી, સામાન્ય રીતે કોઈ છોકરીને આવી રીતે ઘર જોવાનો મોકો બહું મળતો નથી હોતો, પણ નીરંગ અને તેના ઘરનાને આ વાતમાં કંઈ વાંધાજનક લાગ્યું નહોતું. નીરંગની ઘરે પણ એ બંનેને એકાંતમાં મળવાનો ફરી મોકો મળ્યો.

“ઘર ગમ્યું?” આ વખતે પણ નીરંગે જ વાતની શરૂઆત કરી.

“હા, સરસ છે.”

“અને ઘરનાં?”

“એ પણ. તમે કહ્યું હતું તેમ સેટ થવામાં વાર નહીં લાગે મને.”

“તો તમારો જવાબ આજે મળશે કે હજુ પણ એ જ જવાબ આપશો જે અનેકો વખત આપી ચુક્યા છો.” નીરંગે આતુરતાનો અંત લાવવા પૂછ્યું.

“મારો જવાબ તો હજુ એ જ છે. હું ઘરનાની વિરુદ્ધમાં જઈને લગન નહીં કરી શકું. તમારે બીજું કંઈ પૂછવાનું કે કહેવાનું હોઈ તો કહો.”

“હા, આ ઘરમાં આવીને બધાની રુચિ તમારામાં રહે, બધાનાં આશીર્વાદની સૂચિમાં તમારું નામ રહે અને તમે લુચી સાબિત ના થાવ એવી પ્રાર્થના. તમારા જવાબની જ રાહ છે, મારો જવાબતો તમને ખબર જ છે.”

“હમમમ…”

સૂચિના પપ્પા અને ભાઈ ભાભીને પણ નીરંગનું ઘર અને ઘરના ગમ્યા અને રહી-સહી શંકા પણ નીકળી ગઈ. એ લોકો સગાઈની તારીખ નક્કી કરીને કહેશે એમ કહીને જતાં હતા ત્યારે નીરંગની મમ્મીએ મીઠાઈનું બોક્ષ સૂચિના હાથમાં આપ્યું અને સુચિએ આનાકાની કરી તો નીરંગની મમ્મીએ કહ્યું કે “અમારા ઘરમાંથી કોઈ ખાલી હાથે ના જાય.” આ વાતથી સૂચિના ઘરનાને પણ આનંદ થયો.

*******

નીરંગ ખુબ ખુશ હતો, પણ નિયતિ તેનું વરવું રૂપ બતાવવા તૈયાર થઈને બેઠી હતી. હૈયાના હેતને રુધિરની ભીનાશમાં ઝબોળીને મહોબ્બતનો સંગેમરમરી મહેલ બાંધ્યો હતો જે તકદીરના એક જ તમાચા થી ધરાશાયી બની ગયો. કોઈ એક અદેખાઈ વાળી વ્યક્તિએ નીરંગના ભૂતકાળનો ચોપડો સૂચિના પપ્પા પાસે ખુલીને મૂકી દીધો, અંબાલાલભાઈએ તે વાતનો બધો જ ગુસ્સો સૂચિ પર કાઢ્યો અને સુચિએ નીરંગ પર.

“તમે મારાથી તે વાત કેમ છુપાવી? તમને ખબર મારે કેટલું સાંભળવું પડ્યું તે? હવે તો મને તમારી બધી જ વાત ખોટી લાગે છે, હું તમારી બધી વાતો પર ભરોસો કરીને આટલી આગળ વધી હતી અને તમે….” સુચિએ ગુસ્સમાં નીરંગને કહ્યું.

“મેં કોઈ વાત છુપાવી નથી, રહી ગઈ કહેવાની. કોઈ વાત કહેવાની ભુલાઈ ગઈ હોય તો એનો મતલબ એવો ના હોય કે જાણીજોઈને છુપાવી. મારામાં એટલી અક્કલ તો છે કે આવી વાત છુપાવી ના શકાય, આજે નહીં તો કાલે તમને ખબર પાડવાની જ હતી. પણ હું ભવિષ્યના સપના સાચા કરવામાં ભૂતકાળની વાત ભૂલી ગયો તમને કહેતા. અને એ વાત હું દુઃસ્વપન ગણીને મુશ્કેલીથી ભુલ્યો હતો.” નીરંગે અફસોસના સુર સાથે સમજાવતાં કહ્યું.

“હવે હું કેમ ભરોસો કરું કે તમે ભૂલી ગયાં હતાં? કોઈ આવી વાત કેમ ભૂલી શકે કે તે લવગુરુ હતાં અને અનેકો લવ મેરેજ કરાવ્યા, ઘરનાની વિરુદ્ધમાં જઈને. તમને એમના મમ્મી પાપા વિશે વિચાર જ નહોતો આવતો? તેવું કરવામાં તમને જેલ જવું પડ્યું તો પણ … હું નથી માની સકતી કોઈ આવી વાત ભૂલી જાય.”

“એ મારો પાસ્ટ હતો, અને મેં ત્યારે પણ કોઈ અયોગ્ય વ્યક્તિની મદદ નથી કરી કે નથી કોઈ ખોટું કર્યું. રહી વાત એ લોકોના મમ્મી પપ્પાની તો તે બધા અત્યારે રાજી જ છે તેમના સંતાનોને ખુશ અને સુખી જોઈને. બધાએ તેમને માફ કરી દીધા છે પણ મને હજુ માફ નથી કર્યો અમુક લોકોએ. મને એ નથી સમજાતું કે મારો એ ભૂતકાળ મારા અને તમારા ભવિષ્યને ક્યાં અને કેવી રીતે નુકસાન કરી શકવાનું? મારા એ ભૂતકાળને લઈને લોકોની સાથે તમે મારુ ભવિષ્ય દાવ પર સુકામે મુકો છો?”

“વાત ભરોસાની હોઈ નીરંગ, જે હવે મને તમારામાં તસુભાર પણ નથી. એટલે મને ભૂલી જજો અને ફોન કે મેસેજ કરવાની કોશિશ ના કરતાં.” સુચિએ પોતાનો નિર્ણય જણાવતા કહ્યું.

“ઓકે, જેવી તમારી મરજી પણ એક વાત યાદ રાખજો મારા જીવનનું સૌથી મોટું સત્ય એ છે કે હું તને પ્રેમ કરું છું અને તું મને. એ સત્ય ક્યારેય નહીં બદલાય. તને પ્રેમ કરવાનું બંધ કરવું હવે મારા માટે તો શક્ય નથી. હું તને કાયમ ચાહતો રહીશ, આજીવન ચાહતો રહીશ. પ્રેમ મારો ધર્મ છે અને તું મારો ધર્મગ્રંથ.”

“બસ બસ, પ્રેમની મોટી મોટી વાતો કરો છો પણ એટલું ના સમજી શક્યા કે સ્ત્રીને જેટલી જરૂર પ્રેમની છે તેના કરતા હજારગણી જરૂર સન્માનની હોય છે. પ્રેમિકાના સુંદર ચહેરાને હથેળીઓમાં લઈને ચૂમવો એ જ માત્ર પ્રેમ નથી, પણ એની તમામ લાગણીઓને પણ હથેળીમાં કાળજીપૂર્વક સમાવીને એનું જતન કરવું એનું નામ જ ખરો પ્રેમ. અને એ પ્રેમમાં તમે અભણ છો. એક સ્ત્રીનો ભરોસો તોડવો એ દિલ તોડ્યા બરાબર જ કહેવાય, અને આજે તમે મારુ દિલ અને ભરોસો બંને તોડ્યા છે.”

“ઓકે તો એમ રાખો. પણ મારો ઈશ્વર સાક્ષી છે કે મેં કોઈ વાત જાણીજોઈને છુપાવી નથી. ભગવાન તમને એ બધી જ ખુશી આપે જે હું આપવા માંગતો હતો.” નીરંગે થાકીને વાત પુરી કરી.

પ્રેમ એ છે કે જયારે તમે માત્ર એટલું જ ઈચ્છો છો કે તે વ્યક્તિ સુખી થાય, પછી ભલે તે સુખના તમે હિસ્સેદાર ન પણ હો. આ વાતમાં સ્પષ્ટપણે માનતા નીરંગે સૂચિનો કોઈ વાંક કાઢ્યા વગર તેના નિર્ણયને સ્વીકારી લીધો અને સોશિયલ મીડિયાના જે પ્લેટફોર્મ પર તે બંને વાત કરતાં હતાં તે મોબાઇલમાંથી હંમેશા માટે ડિલીટ કરી નાખ્યું.

*******

“ક્યાં ખોવાઈ ગઈ?” ખુશીએ સૂચિનો હાથ પકડીને તેને વર્તમાનમાં લાવી.

“શું કરું યાર, કંઈ સમજાતું નથી. એક બાજુ પરાગના શબ્દો અને વર્તન ભાલાની જેમ ખૂંચે છે અને બીજી બાજુ નીરંગની ભૂલને પણ પુરી રીતે માફ નથી કરી શકતી.” સુચિએ રડતાં રડતાં કહ્યું.

“એવું શું કહી દીધું પરાગે?” ખુશીએ સૂચિને ખુલીને વાત કરવા કહ્યું.

“મને કહે કે જે યુવતીની ભૂગોળ અતિ આકર્ષક હોય એનો ઇતિહાસ એટલો આકર્ષક નથી હોતો. આવું કહીને તેણે મારા કેરેક્ટર પર શંકા કરી. લગ્નના પવિત્ર કરારના આલેખન માટે પતિદેવોને કાગળ તો કોરો જોઈએ છે, પણ કલામ કુંવારી રાખવાની સમજ નથી એમનામાં. નીરંગે મને મારા પાસ્ટ વિશે એક પણ સવાલ કર્યો નહોતો.” સૂચિ રડી પડી.

“તો મૂક પડતો એને, શંકાશીલ વ્યક્તિ સાથે સમાધાન ના કરી શકાય. સૂચિ, આપણને આપણી ચોઈસનું ના મળે અથવા જેને ચાહતા હોઈએ એને ન પરણી શકાય તો કઈ નહિ, એને પરણી જવાઈ જે આપણને ચાહતું હોય. નીરંગ તને કેટલો પ્રેમ કરતો હતો તે તને ખબર જ છે. નીરંગનો પાસ્ટ ભલે ગમે તેવો હોય પણ મને તે સાચો પ્રેમી લાગ્યો હતો. કહેવાય છે કે એ માણસ નસીબદાર હોય છે જે કોઈ સ્ત્રીનો પહેલો પ્રેમ હોય…. અને એ સ્ત્રી નસીબદાર હોય છે જે કોઈ પુરુષનો છેલ્લો પ્રેમ હોય. તું તે બાબતમાં નસીબદાર છો. તું નીરંગને કોલ કર.” ખુશીએ સૂચિનું મન જાણીને નીરંગ માટે ફરીથી તેના દિલમાં જગ્યા બનાવાની કોશિશ કરી.

“પણ એ શું સમજશે? હું ક્યાં મોઢે અને શું વાત કરું?” સુચિએ પોતાના મનની શંકા જણાવી.

“જિંદગીમાં અમુક સબંધો pause બટન જેવા હોઈ છે, એ ત્યાંથી જ શરુ થઇ જાય જ્યાંથી તમે મુક્યા હોય. નીરંગ સાચો પ્રેમી અને સમજુ હશે તો તારે કોઈ ચોખવટ કરવી જ નહીં પડે. આપણે જિંદગીમાં બહું બધું ગુમાવી દેતા હોઈએ છે, ક્યારેક “ના” જલ્દી બોલીને અથવા “હા” મોડું બોલીને. એટલે હવે તું બહું વિચાર્યા વગર તેને કોલ કર.” ખુશીએ હિમ્મત આપતા કહ્યું.

સુચિએ ધડકતા હૃદયે નીરંગને કોલ લગાવ્યો…. બીજી બાજુ નીરંગે મોબાઈલની સ્ક્રીન પર સૂચિનું નામ વાંચીને આશ્ચર્ય થયું. ત્રીજી રિંગે કોલ રિસીવ કરતાં બોલી પડ્યો “ઓહો, તમે!!!”

“હજુ નંબર સેવ છે મોબાઈલમાં?” સૂચિને આશ્ચર્ય થયું.

“સેવ પણ છે અને ગાંઠિયા પણ… હાહાહાહા….” નીરંગે તેના નિરાલા અંદાજમાં મજાક કરતા કહ્યું.

“હજુ પણ સુધર્યા નથી તમે. આટલાં સહજ કેમ રહી શકો છો? મને એમ કે તમે મારો નંબર ડીલીટ કરી નાખ્યો હશે.”

“મેં કહેવા ખાતર જ પ્રેમ નહોતો કર્યો, મારી જિંદગીમાં તમારું સ્થાન હજુ એજ છે જે પહેલાં હતું. દૂર અને ડીલીટ તો તમે કર્યો હતો મને તમારી જિંદગીમાંથી.” નીરંગે પહેલા જેટલા જ પ્રેમથી વાત કરી.

“શું આટલું થયા પછી પણ તમે હજુ મને સ્વીકારશો?”

“રિલેશનશિપ, ફ્રેન્ડશીપ અને ફ્રેન્ચ કિસ, આ બધામાં જ્યાં સુધી ટ્વિસ્ટના આવે ત્યાં સુધી મજા ના આવે. આપણી લાઈફમાં અને રિલેશનશિપમાં ટ્વીસ્ટ આવી ગયા, મજા બાકી રહી જે તમે આવશો તો સાથે કરી શકીશું. બોલો એકલો આવું કે ઘરનાને સાથે લઈને?”

*******

-ચેતન ઠકરાર

+919558767835

Leave a Reply