વિશ્વ મહિલા દિન લખેલ નવલિકા “દીકરી”
વાર્તા લેખિકા : – રીટા મેકવાન
મધરાતનો સુમાર , આખું ગામ સ્તબ્ધતા ઓઢીને સુઈ ગયું હતું. એક મા પોતાની લાડકી દીકરીનું માથું ખોળામાં લઇ સુવાડી રહી હતી…….અને દીકરીએ જોરથી ચીસ પાડી…”હું ચોર નથી ..મને નહિ મારો…મને છોડી દો ….મારું શિયળ નહિ લુંટો ……મને જવા દો …”
અને દીકરીને જોર થી ખેંચ આવી.બેભાન થઇ ગઈ. માની આંખમાંથી આંસુ સરી પડ્યા. વાત એ રાતની ભુલાતી નથી..
કોઈ એક અંતરિયાળ ગામમાં એક ગરીબ કુટુંબ રહે.માબાપ અને દીકરી. બાપ મજુરી કરે.નાનકડી ઓરડીમાં ચાર વાસણ એ એમની મિલકત.દીકરીને સાપ નો ભારો માનતા આ લાચાર માબાપે ૨૦ વર્ષે દીકરીને પરણાવી દીધી. પણ ગરીબના નસીબ પણ ગરીબ. સાસરે વળાવેલી દીકરી નો ત્રણ વરસ થવા છતાં ખોળો ખાલી રહ્યો ને સાસરિયાઓનો ત્રાસ શરુ થયો. દારૂડિયો પતિ કહેવા લાગ્યો,” તું હમણાં તારા પિયર જા. હું જુદું મકાન લઈ ને પછી તને તેડી જઈશ.” દીકરી માબાપ પાસે પાછી આવી. દિવસો વિતતા ગયા.જોતજોતામાં વરસ થઈ ગયું.દીકરી ઉદાસ અને આંસુ સભર આંખે પતિની રાહ જોતી હતી.
દીકરી એ વિચાર્યું એ તો ન આવ્યા પણ હું તો જઈ શકું ને ? પણ સાસરે જવાના પૈસા લાવવા ક્યાંથી? બાપની મજુરીના પૈસામાંથી માંડ એક ટંક નું ભોજન બનતું. બાજુમાં રહેતી પડોશણે આ જાણ્યું. તેણે દીકરીને કહ્યું,” હું મજુરી કરવા જાવ છું.એક દિવસના ૧૦૦ રૂપિયા રોજ છે. તું મારી સાથે ચાલ . એમાંથી તું સાસરે જવાનું ભાડું કાઢી શકશે . દીકરી એ હા પાડી.
બીજે દિવસે દીકરી પડોશણ સાથે મજુરી કરવા ગઈ. કોઈ એક મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. આખો દિવસ મજૂરી કરી બળબળતા તાપમાં ભૂખી તરસી રહી દીકરી કામ કરતી રહી. સાંજે ૫ વાગે રોજ પૂરો થયો. હાથ પગ ધોઈ શેઠ પાસે મજૂરી માંગવા લાઈન માં ઉભી રહી.
ગરીબની દીકરી હતી પણ શરીરનું કાઠું સારું હતું. જુવાન હતી. શેઠની આંખોમાં એને જોઈ ને વાસનાના કીડા ખદબદવા લાગ્યા. શેઠે છોકરી ને કહ્યું,”તારું કામ હજુ બાકી છે. એક કલાક વધારે કામ કરશે તો ૧૫૦ રૂપિયા મળશે. દીકરી લલચાઈ ગઈ. પડોશણ ને કહ્યું,” તું જા.હું એક કલાક કામ કરીશ. થોડા વધારે પૈસા મળશે તો બાપુને કામ લાગશે. મારા માબાપને કહી દે જે.” પડોશણ ને બીજા મજુર જતા રહ્યા. ૮.૩૦ થતા વોચમેન દરવાજો બંધ કરવા લાગ્યો. એટલે દીકરી એ શેઠ ને કહ્યું,” મારું કામ પૂરું થયું છે.હું જાવ છું. મારી મજુરી આપો. ૧૫૦ રૂપિયા મળવાથી ખુશ થતી દીકરી ચાલી નીકળી ત્યારે રાતના નવ વાગ્યા હતા.
હજુ તો થોડે દુર ગઈ ત્યાં દારૂના નશામાં ચકચૂર થઈને શેઠ એની પાછળ દોડ્યો. ચોટલો પકડીને એને રસ્તામાં પાડી નાખી. ગંદી ગાળો બોલતો કહેવા લાગ્યો,” સાલી હલકટ નીચ ચોર મારા પાકીટમાંથી ૫૦૦ રૂપિયા ચોરી લીધા અને ભાગી જાય છે? ચાલ બાંધકામ કર્યું તે ઓરડીમાં તારી જડતી લેવી પડશે”.
દીકરી તો શેઠનો મિજાજ જોઈ ધ્રુજી ઉઠી.પહેલી જ વાર કામ કરવા નીકળી હતી. બે હાથ જોડી રડતી કરગરતી કેહવા લાગી , “ જુઓ મેં ચોરી નથી કરી.” શેઠે એક પણ વાત નહિ સાંભળી. એને ઘસડીને ઓરડીમાં લઇ આવ્યો.
શેઠનો મિજાજ ઓળખી ગયેલો વોચમેને ઓરડીનો દરવાજો આડો કરી દીધો.
શેઠે છોકરીના પેટમાં લાત મારી જમીન પર પટકી ને કહ્યું,” કપડા ઉતાર તારી જડતી લેવી છે. બોલ પૈસા ક્યાં સંતાડયા છે?
દીકરી બેબસ અને લાચાર બની ગઈ. એણે કપડા ઉતારવાનો ઇનકાર કર્યો. નશામાં ચકચૂર શેઠે ફરી પેટમાં લાત મારી. માર સહન ન થતા દીકરીએ સાડી ઉતારી નાખી.
શેઠની આંખમાં લોલુપતા ધસી આવી. એણે દીકરીના ઉપવસ્ત્રો પણ ઉતારી કાઢ્યા.દીકરી લજ્જાની મારી કોકડું વળી ગઈ. એની પાસે શેઠે આપેલા ૧૫૦ રૂપિયા સિવાઈ કઈ નહોતું.
હવે શેઠ નફફટ થઇ કેહવા લાગ્યો , ચાલ દારૂ પી ને મને સાથ આપ. એમ કરીને પોતાના કપડા ઉતારવા લાગ્યો. દીકરી શેઠની દાનત પારખી ગઈ ને દોડવા ગઈ પણ શેઠે એને પકડી પાડી ને બાંધી દીધી. અને જબજસ્તી થી દારૂ પીવડાવા લાગ્યો.અને પોતાની હવસ ને અંજામ આપવા લાગ્યો.છોકરી બેભાન થઇ ને પડી હતી. શેઠે પોતાની વાસના સંતોષી.દીકરીનું શિયળ લુંટાઈ ગયું.
દીકરીને કલાકેક માં ભાન આવ્યું.એણે જોયું એના ગુપ્તાન્ગમાંથી લોહી વહી રહ્યું હતું.પોતાના કપડા ઉચકીને નિર્વસ્ત્ર જ દોડવા લાગી.બહાર નીકળી દોડતા અથડાતા જેમ તેમ વસ્ત્રો પેહરી દોડી. શેઠ ભુરાયો થઇ ગાડી લઇ એની પાછળ દોડ્યો.દીકરી ગલીના નાકે દીવાલ આડે સંતાઈ ગઈ. શેઠ ને આ તરફ આવતો જોઈ ફરી ભાગવા લાગી.
થોડે દુર રાતના જમી પરવારી ને ચોરે ભેગા થયેલા લોકો સમજી ગયા અને હાથમાં જે આવ્યું તે લઈને શેઠ તરફ ધસી ગયા.
લોકોનો મિજાજ પારખી જઈ શેઠ ત્યાંથી પલાયન થઇ ગયા.લોકોએ દીકરીને પાણી પીવડાવ્યું.એની કથની સાંભળી. એના માબાપને ખબર આપી.હજુ દીકરીને લોહી વહેતું જ હતું.
એમ્બુલન્સ બોલાવી દીકરીને હોસ્પિટલ લઇ ગયા. ડોક્ટર એ પહેલા તો પોલીસ કેસ કરવા કહ્યું. પોલીસ સ્ટેશને ફરિયાદ લખવી ત્યારે સવારના ચાર વાગી ગયા હતા.ફરીથી હોસ્પિટલ લાવ્યા. ઊંઘ બગડી હોવાથી નર્સે મો મચકોડી પ્રાથમિક સારવાર આપી. અને ઘરે મોકલી દીધા. એમ કહીને કે કાલે સવારે પાછા આવજો.
બીજે દિવસે ન તો હોસ્પીટલમાં જવાના પૈસા હતા,ન તો ડોકટરે લખેલી દવા લાવવાના પૈસા.
આજે પણ પોલીસ ફરિયાદ જ્યાં ની ત્યાં જ ફાઈલમાં બંધ પડી છે.
ગરીબ,લાચાર,બેબસ,નિસહાય દીકરી ખેંચ આવીને બેભાન થઈ જાય છે. ત્યારે એક મા ના હ્રદય નો ચિત્કાર પડઘાઈ ઉઠે છે.
ઉજળો વર્ગ ઉજળા કપડા ઉજળા સમાજમાં રહેતા નરપિશાચો ને
“વિશ્વ મહિલા દિને ” અર્પણ .
મારી દીકરીનું આ તર્પણ.
ભારતીય સંસ્કૃતિ નું દર્શન કરનારાઓ જુઓ આ પણ એક કચડાયેલુ ભારતીય સંસ્કૃતિ નું એક સડી ગયેલું અંગ. તેનું પણ દર્શન કરો.
તો જ ખબર પડશે કે “મેરા ભારત મહાન” કેવું છે….
ઘટના બન્યા ના ત્રીજા દિવસે દીકરીએ આંખ ઉઘાડી….પણ સમાજની આંખ ઉઘડશે ખરી ???
-રીટા મેકવાન “પલ’
Categories: Rita Mekwan