SELF / स्वयं

સ્વર યોગા અનુભવ – 6

સમયના અભાવે 5 ભાગ પછી લખી ના શક્યો, પરંતુ પછીના દિવસોમાં જે જે મને જાણવા મળ્યું તે એક સાથે ટૂંકમાં લખું છું. આ કોર્સ મારી જિંદગીમાં સારો અનુભવ લઈને આવ્યો, ખુબ બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું. હવે આવતા મહિને આનો જ લેવલ-2 પણ જોઈન કરવાનો છું અને પછી લેવલ-3.

છેલ્લે આપણે જોયું કે ધ્યાન કેમ કરવું, હવે આગળ…..

બીજમંત્ર વિશે આગળ જોયું કે ચક્રોમાંથી તરંગો ઉત્પન્ન થાય, હવે તે તરંગોને સાથે કેમ જોડવા તે જોઈએ. શ્વાસ લઈને લંલંલંલં-વંવંવંવં-રંરંરંરં-યંયંયંયં-હંહંહંહં-ૐૐૐ એમ એક સાથે બોલવું, હવે એ હું લખીને નહિ સમજાવી શકું, તેના માટે તમારે કોઈ વિડીઓ જોવો પડશે અથવા કોઈ પાસે પ્રેક્ટિકલ જોવું પડશે. રોજ 5-7-9-11 કે 40 વાર કરવાનું કહેવામાં આવ્યું છે. રોજ 40 વાર કરવાથી કુંડલિની જાગૃત થઇ શકે. (કુંડલિની જાગૃત વિષે અલગથી માહિતી મેળવી લેવી હિતાવહ રહેશે.)

સાંસારિક અને આધ્યાત્મિક : જે તણાવમાં છે તે સાંસારિક છે અને જે આનંદિત છે તે આધ્યાત્મિક છે. સાંસારિક લોકો પાંચ વાતોમાં (પ્રપંચક) ઉલજાયેલા હોય છે, બીજા આધ્યાત્મિક છે.

 1. અવિદ્યા: જે વાતનું જ્ઞાન ના હોય તે આપણને તણાવ આપે. જેટલું જ્ઞાન વધારે તેટલો તણાવ ઓછો. આપણને પ્રોબ્લેમનું કારણ ખબર પડી જાય તો તેનું સોલ્યૂશન પણ મળી રહે અને તણાવ ઓછો થાય.
 2. અસ્મિતા : ન હસવું. જેમને હસવાની આદત ના હોય તે તણાવમાં વધુ રહેતા હોય છે. જે હસતા રહે તે તણાવ મુક્ત હોય છે, જેમકે તમે કોઈ પણ ભગવાનના ફોટા કે મૂર્તિ જુઓ, નાના બાળકો જુઓ તે હસતા જ હોય છે. આધ્યાત્મિક લોકો પણ હસતા જ હોય છે.
 3. રાગ : આસક્તિ – attachment. આસક્તિમાં અટવાયેલો વ્યક્તિ તણાવમાં જીવતો હોય છે. પરિવાર, નોકરી-ધંધો, સંતાનો વગેરેમાં આસક્તિ ભય પમાડે અને ભય તણાવ લાવે. કોઈપણ વ્યક્તિ કે વસ્તુને વધુ પડતો પ્રેમ કરવો તેને આસક્તિ કહેવાય. રાગથી વૈરાગ કે આસક્તિ થી અનાસક્તિ જવું તેને આધ્યાત્મિક કહેવાય. (ધાર્યું થાય તો હરિ કૃપા, ધાર્યું ના થાય તો હરિ ઈચ્છા સમજી ને આગળ વધવું.) ગીતામાં પણ આના વિશે સરસ કહ્યું છે.
 4. દ્રેષ : વિરોધ્ધ, નફરત કે ગુસ્સો કરવો. બીજા લોકોની ભૂલને લીધે ખુદને તકલીફ એવી, ગુસ્સો કરવો તેને દ્રેષ કર્યો કહેવાય. આસક્તિ કરતા દ્રેષ કરવાથી વધુ તણાવ આવે. કોઈની આદતને લીધે આપણે દ્રેષ ના કરવો જોઈએ.
 5. અભિનિવેશ : ભય- ફિઅર. જેમ જેમ ઉમર વધે, અનુભવ વધે તેમ ભય ઘટવો જોઈએ તેને બદલે વધતું હોય છે. ભય તણાવને જન્મ આપે છે. ભયનું કારણ ભવિષ્યમાં જીવવું, આવતીકાલની ચિંતા કરવી. આધ્યાત્મિક કહે છે કે આવતીકાલનું આયોજન કરવું અને આજ માં જીવવું. નિર્ભય પ્રેક્ટિસ થી થવાય અને અભય જ્ઞાન થી થઇ શકાય.

ઉપરની પાંચ વાતો પર કામ કરનારને આધ્યાત્મિક કહેવાય.

બીમાર પાડવાનું મુખ્ય કારણ આપણે શરીરને સાફ (અંદરથી) નથી કરતા. શરીરને સાફ કરવાના છ (6) પ્રકાર છે જેને ષટશુદ્ધિક્રિયા કહે છે.

 1. કપાલ ભારતી: કપાલ ભારતી શુદ્ધિ ક્રિયા છે, પ્રાણાયામ નથી. પેટ અને ફેફસાની વચ્ચે એક આવરણ હોય છે તેમાં લચીલાપણું લાવવાનું કામ કરે છે. સવારે 25 અને સાંજે 25 વખત કરવું જોઈએ. જો આવડતું ના હોય તો એક આસાન રીત છે, જોરથી ઉ બોલવું. ઉ અગ્નિનો મંત્ર છે. કપાલ ભારતી વાત-કફ કે અસ્થમા હોય તેના માટે વરદાન છે. જેને પિત્ત હોય તેણે ના કરવું.
 2. વમન : વોમિટિંગ. વહેલી સવારે 6-7 વાગે એટલેકે સૂર્યોદય પહેલા એક લોટો ગરમ (હુંફાળું) પાણીમાં એક ચમચી નમક (સિંધાળુ હોય તો વધુ સારું) નાખી અને પીવું. બાથરૂમમાં જઈને ડાબો હાથ ગોઠણ પર રાખીને નમવું, પેટને અંદરની તરફ ખેંચવું, મોઢાથી શ્વાસ લેવો અને બે આંગળી મોઢામાં નાખી ઉલટી કરવી. આમ કરવાથી આપણી રગોમાં ચોંટેલી ચિકાસ સાફ થઇ જશે અને ચહેરા પરનો કચરો દૂર થશે, ખીલ હોય કે કાળા ડાઘ દૂર થઇ શકશે. ચહેરા પરની ચમક વધારશે. (મેં અનુભવ્યું છે, ખુબ જ સરસ પરિણામ મળે છે.) આ કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે વમન ચંદ્ર નાડી માં જ કરવું, સૂર્ય નાડી ચાલુ હોય તો ના કરવું.
 3. શંખ પ્રક્ષાલન.
 4. જલ નેતિ.
 5. સૂત્ર નેતિ.
 6. વસ્ત્ર નેતિ.

ધ્યાન માટે એક ખાસ નોંધ. ધ્યાન 15 મિનિટ કરવું ખુબ આસાન છે, પરંતુ 15 થી 30 મિનિટનો સમય અઘરો હોય છે. એટલે રોજ એક એક મિનિટ વધારવી. 30 મિનિટ સુધી પહોંચવું જરૂરી છે.

આહાર : શરીરને સ્વસ્થ રાખવા માટે આહાર વિશે માહિતી હોવી ખુબજ જરૂરી છે. તો હવે તે જોઈએ. કયો આહાર કેટલા સમયમાં પચે છે તે જાણવું જરૂરી છે.

 1. મધનું પાણી : સહુથી ઓછા સમયમાં પચી જાય એવું હોય છે. 0 થી 2 કલાકમાં પચી જાય છે. ચંદ્ર નાડી અને સૂર્ય નાડી બંનેમાં લઈ શકાય. ચંદ્ર નાડીમાં પાણી સાથે અને સૂર્ય નાડીમાં ચાટીને લઈ શકાય. મધ કે મધના પાણીથી શરીરમાં એનર્જી લેવલ વધે. ડાયાબિટીસ અને પિત્ત વાળાએ ના પીવું.
 2. ફળ / ફ્રૂટ્સ : ફળને પચવા માટે 5 કલાકનો સમય જોઈએ. ફળ ખાવા માટે 3 નિયમ રાખવા.
 • રાત્રે એટલે કે સાંજે સાત (7) પછી ના ખાવું જોઈએ કારણકે ફળની તાસીર ઠંડી હોય છે. પપૈયું, ફણસ અને કેરી રાત્રે ખાઈ શકાય.
 • સીઝનલ ફ્રૂટ્સ પર ફોકસ રાખવું જરૂરી છે. હરેક સીઝનના ફ્રુટ્સ ખાવા જોઈએ. જાંબુ તરફ લોકો બહું ઓછું ધ્યાન આપતા હોય છે.
 • કેરી ખાવાની સાચી રીત: કેરી શરીરમાં ગરમી વધારવાનું કામ કરે છે એટલે રાત્રે વધુ ખાવી જોઈએ, કેરીની સાથે બીજું કંઈ ખાવું ના જોઈએ, એકલી કેરીની જ મજા લેવી

3.  શાકભાજી : સલાડ (કાચા શાક ભાજી) પચવામાં 14 કલાક લાગે છે.

4. બાફેલું જમવાનું: નોર્મલ જે આપણે રોજ જમીએ છીએ તેને પચવામાં 24 કલાક લાગે છે.

5. તળેલું અને નોનવેજ: પચવામાં 72 કલાકનો સમય લાગે છે. આવો ખોરાક શરીરમાં એસિડ લેવલ વધારે છે.

1,2 અને 3 નંબરના ખોરાક વધુ લેવાથી તમારી ચંદ્ર નાડી વધુ ચાલશે, અને બીજા 2 એટલે કે 4 અને 5 નંબરનો ખોરાક વધુ લેવાથી સૂર્ય નાડી વધુ ચાલશે.

3 પ્રકારના ખોરાક :

તમસ આહાર:

 • ડુંગળી, લસણ, વાસી ખોરાક, તળેલું વગેરે તામસી ખોરાક કહેવાય.
 • તામસી ખોરાક શરીરનું ઓક્સિજન ખાવાનું કામ કરે છે. જેને લીધે આળસ અને નીંદર વધુ આવે.
 • બપોરે જમવાનું ચંદ્ર નાડી માં જમો તો તે જમવાનું તમસ પેદા કરે. રાત્રે 9 પછી જમવાનું તમસ પેદા કરે.
 • જમવાનું બનાવ્યા ના 8 કલાક પછી ખાવ તો તામસ પેદા થાય.
 • વેજીટેબલ ઓઇલ તમસ માં આવે. બને ત્યાં સુધી વેજીટેબલ ઓઇલ ના ખાવું, ખાવું જ હોય તો ખુબ મહેનત વાળું કામ કરવું જેમ કે ખાડો ખોદીને ફરી ભરવો. મહેનત કરવાથી ઓક્સિજન વધે.
 • ગરમ બનાવેલું જમવાનું રેફ્રિજરેટર / ફ્રીજ  માં રાખવું તે પણ તમસ ખોરાક કહેવાય અને તે બહુ જ ખરાબ અસર કરે. થાયરોઇડ નો પ્રોબ્લેમ આને લીધે જ થાય છે. રોટલી રોટલાનો બાંધેલો લોટ ફ્રિજમાં રાખીને તેની રોટલી બનાવતા હોય છે તે તો બહુજ ખરાબ.
 • માઇક્રોવેવ નવી ચીજ બનાવા માટે સારું પણ જૂની ચીજ ગરમ કરવા માટે ખરાબ.
 • તમસ ખોરાક શરીરનું ઓક્સિજન બધું ઉપયોગ કરી લે છે અને શરીરમાં ઓક્સિજન લેવલ ઘટવાથી ઘણી બીમારીઓ થઇ શકે જેની કોઈ પ્રકારની દવા નથી. શરીરમાં ઓક્સિજન લેવલ ફક્ત પ્રાણાયામ કરવાથી જ વધે છે.

રજસ આહાર:

શરીરમાં ઉર્જા વધારવાનું કામ કરે છે અને ઓક્સિજનનો ઉપયોગ ઓછો કરે છે. આપણું શરીર પાંચ તત્વોનું બનેલું છે અને બધા તત્વોના અલગ અલગ સ્વાદ છે. 1)પૃથ્વી તત્વ : મીઠો સ્વાદ, 2) જલ તત્વ : તૂરો / તસેલા સ્વાદ, 3) અગ્નિ તત્વ : તીખો સ્વાદ, 4) વાયુ તત્વ: ખાટ્ટો સ્વાદ, 5) આકાશ તત્વ: કડવો સ્વાદ. શરીરમાં સ્વાદનું બેલેન્સ બગડે એટલે બીમારી આવે. હવે આ પાંચ સ્વાદને બેલેન્સ કેમ કરવું તે જોઈએ.

 1. પૃથ્વી તત્વ – મીઠો સ્વાદ : 1)ગોળ, રાત્રે જમ્યા પછી એક ટુકડો ગોળ ખાવાથી મીઠો સ્વાદ બેલેન્સ થઇ શકે. ગોળની તાસીર ગરમ એટલે રાત્રે  લેવો. ગોળમાં પણ 3 પ્રકાર હોય છે, પીળો ગોળ જે આવે છે તેમાં કેમિકલની માત્રા વધુ હોય છે એટલે તે ના લેવું. બ્રાઉન અને કાળા કલરનો ગોળ લેવાનું રાખવું. 2) ખાંડ ની બદલે સાકરનો અથવા મિસરીનો ઉપયોગ કરવો જોઈએ. અઠવાડિયામાં એક વાર ગોળની મીઠાઈ બનાવીને ખાવાથી પણ મીઠા સ્વાદનું બેલેન્સ થઇ શકે છે.
 2. જલ તત્વ – તૂરો / કસેલો સ્વાદ: 1) આંબળા. રોજ કોઈને કોઈ પ્રકારે આંબળા ખાસ ખાવા જોઈએ, મુખવાસ-જ્યુસ-અથાણું કે પછી એકલા લુખ્ખા આંબળા. 2) હરડે / ત્રિફલા : આયુર્વેદમાં સહુથી વધુ મહત્વ ત્રિફલાને આપ્યું છે. એક ચમચી ત્રિફલાનો પાવડર રાત્રે પાણીના ગ્લાસમાં નાખી દેવો, સવારે જે ઉપરનું પાણી હોય તે પીવાનું અને નીચેનો કચરો ફેંકી દેવાનો. 10 દિવસ પીવાનું પછી 15 દિવસનો ગેપ રાખવાનો. ત્રિફલાના પાણીનો ઉકાળો બનાવીને પણ લઇ શકાય. 3) લીલા શાકભાજી: પાલક, કોથમરી, મેથીની ભાજી માં પણ જલ તત્વ હોય છે. 4) ખાવાનું પાન : બનારસી, કલકત્તી કે નાગરવેલનું પાન પણ કસેલાં સ્વાદ વાળા હોય છે, પાનમાં થોડો ચૂનો લગાડી થોડી વરિયાળી અને ધાણાદાર અને ગુલકંદ નાખીને રાત્રે જમ્યા પછી ખાઈ શકાય. પાનમાં કાથાનો ઉપયોગ ના કરવો.
 3. અગ્નિ તત્વ : તીખો સ્વાદ. તીખું એટલું ખાવું જે પાણી પીધા વગર ખાઈ શકાય. લીલું મરચું ખુબ જ સારું, જમવામાં રોજ ઉપયોગમાં લેવું. ગરમ મસાલાનો ઉપયોગ રાત્રે જમવાનું બનાવામાં કરવો અને ઠંડા મસાલાનો ઉપયોગ બપોરે. ડુંગળીની તાસીર ઠંડી એટલે બપોરે જમવામાં ખાવી જયારે લસણની તાસીર ગરમ એટલે બપોરે ના ખાવું અને રાત્રે ખાવું જોઈએ.
 4. વાયુ તત્વ: ખાટ્ટો સ્વાદ. ખાટ્ટા સ્વાદની વાત આવે એટલે બધાને લીંબુ પહેલાં ધ્યાનમાં આવે. પરંતુ લીંબુ શરીરમાં ધાતુને પાતળા કરવાનું કામ કેરે એટલે લીંબુનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો. બહુંજ મહેનત કરવા વાળા માટે જ લીંબુ સારું. લીંબુની જગ્યાએ નોર્મલ લોકો ટામેટા, દહીં, અને આંબલી ઉપયોગ કરી શકે. આંબલીની ચટ્ટણી ખુબ સારી. આમચૂર પાવડર અને કોકમનો ઉપયોગ પણ ખાટ્ટા સ્વાદ માટે કરી શકાય.
 5. આકાશ તત્વ: કડવો સ્વાદ. કડવો સ્વાદ વાંચીને જ અમુક લોકોનું મોઢું બગડી જતું હોય છે પરંતુ આ સ્વાદ પણ શરીર માટે જરૂરી છે. કડવા સ્વાદ માટે ઘણું કરી શકાય એમ છે.
 • કારેલા : અઠવાડિયામાં એક વાર તો કરેલા ખાવા જ જોઈએ અને તે બનાવતી વખતે તેની કડવાશ જતી ના રહે તે ધ્યાન રાખવું.
 • મેથીના દાણા : લોકો રાત્રે મેથીના દાણા પલાળીને ખાતા હોય છે, તેમાં ખોટું નથી પરંતુ બીજી રીતે પણ લઇ શકાય. બપોરે અને રાત્રે જમતા પહેલા મેથીના બીજનો પાવડર એક ચપટી મોઢામાં નાખીને પાણી પીવાનું અને પછી જમવાનું રાખવું. મેથીના દાણાને સ્પ્રાઉટ બનાવી ને અઠવાડિયામાં એક વાર એક વાટકી ખાવું. અથવા એક કિલો મેથીના ધાણાનો સ્પ્રાઉટ બનાવીને તડકે સુકવી કાંચની બરણીમાં ભરીને રાખવું. રોજ સલાડમાં એક ચમચી તે સ્પ્રાઉટને પાણીમાં પલાળીને સલાડમાં નાખીને ઉપયોગમાં લઇ શકાય. મેથીના દાણાના 3 ફાયદા છે. 1) આકાશ તત્વને બેલેન્સ કરે. 2) તાસીર ગરમ એટલે સાંધાના દુખાવામાં (જોઈન્ટ પેઈન) કે કમરના દુઃખાવા મટી જાય છે. 3) શરીરને ચીકાશ પુરી પાડે.
 • કડવા લીમડાના પાન : સવારે 2-3 પાન ચાવીને ખાવા. દાંતણ પણ કરી શકાય.
 • ગિલોઈ: ગિલોઈની ગોળી મળે છે (ઝંડુ અને ડાબરની ) તે સવારે ખાલી પેટ 2 ગોળી અઠવાડિયામાં 2-3 દિવસ ખાવી.

સૂર્યાસ્ત થી લઈને રાત્રે 9 વાગા સુધીનું તમસ જમવાનું પણ રજસ ખોરાકમાં આવે જયારે રાત્રે 9 પછી રજસ જમવાનું પણ તમસ માં આવી જાય. સૂર્યાસ્ત થી રાત્રે 8:30 સુધી ધરતી ગરમ હોય છે એટલે રોજ રાત્રે 8:30 પહેલા જમી લેવું. રાત્રે 9 પછી વાતાવરણ ઠંડુ થઇ જતું હોય છે એટલે શરીર પણ ઠંડુ પડી જાય અને ખોરાક પચવામાં મદદ ના મળે. રાત્રે વહુલું જમવાથી ઓક્સિજન લેવલ પણ મેઈન્ટેઈન થાય છે, જો રાત્રે મોડું જમો તો સવારે કસરત અથવા પ્રાણાયામ કરવું જરૂરી છે.

તેલ : તલનું તેલ શિયાળામાં ખાવું. મગફળીનું તેલ ઉનાળામાં ખાવું. સોયાબીન કે રિફાઇન તેલ કોઈ દિવસ ના ખાવું. સનફ્લાવર અને સરસોનું તેલ ખાઈ શકાય.

સાત્વિક ખોરાક:

શારીરિક શ્રમ વધુ કરતા હોય તે લોકોને તમસ આહાર આસાનીથી પચી જાય. મન લગાવીને કે ધ્યાન (કોન્સન્ટ્રેશન)વાળું કામ હોય તેના માટે રજસ આહાર સારો, અને જે લોકોને મગજનો ઉપયોગ એટલે કે બ્રેઈન વર્ક વધુ હોય તેણે સાત્વિક આહાર લેવો જોઈએ. સાત્વિક ખોરાક જ્ઞાન વધુ આપે, ધ્યાન / ફોકસ વધુ રહે અને માણસને વિવેકી / નમ્ર બનાવે છે.

 • લીકવીડ ફૉર્મ (રસયુક્ત) માં જે ખાય તે સાત્વિક ખોરાક કહેવાય.
 • વધુ સમય ટકી શકે તેવો ખોરાક જેમ કે ફ્રૂટ્સ, શાકભાજી, સ્પ્રાઉટ્સ. ફ્રૂટ્સમાં ઉપરથી કંઈ એડ ના કરવું.
 • દેશી ગાયનું ઘી.
 • સૂર્યાસ્ત પહેલાં જમવું.
 • સૂર્ય નાડી હોય ત્યારે જમવું.
 • જમવાનું બન્યાના 3 કલાકમાં જ ખાઈ લેવું.

ઉપરની બધી વસ્તુ સાત્વિક ખોરાકમાં આવે. 100% સાત્વિક બની ના શકાય રેગ્યુલર લાઈફમાં એટલે આપણા માટે બેસ્ટ આહાર રજસ આહાર કહેવાય. અઠવાડિયામાં એક દિવસ શાહી ભોજન (બધા સ્વાદ) લેવું.

પંચ તત્વોના આહાર? અને તેને બેલેન્સ કેમ કરવા?

 1. પૃથ્વી તત્વ: ચાવીને જે ખાઈએ તે પૃથ્વી તત્વમાં આવે. દેખાવમાં વધુ હોય અને એનર્જી ઓછી હોય.
 2. જલ તત્વ: પીવાની બધી જ વસ્તુ જલ તત્વમાં આવે. સૂપ, લીંબુ પાણી, શરબત, દૂધ, ચા વગેરે. દેખાવમાં ઓછું પણ એનર્જી વધુ હોય.
 3. અગ્નિ તત્વ : સૂર્ય સ્નાન વિટામિન D  ક્રિએટ કરે જે પૌષ્ટિક ખોરાક જમા કરવાનું કામ કરે છે. માખણમાં પણ વિટામિન-D  પુષ્કળ પ્રમાણમાં હોય છે. માખણ ખાવાથી સ્કિન ગ્લો થાય, પાચન ક્રિયા સારી રહે, કબજિયાત દૂર કરે, શરીરની ગરમી દૂર કરે. માખણ સવારે જ ખાવું જોઈએ. જમ્યા પછી માખણ ખાવું ના જોઈએ, જમવાની સાથે અથવા જમ્યા પહેલા લેવું. માખણ વોટર લેવલ પણ વધારે છે. ફુદીનામાં પણ વિટામિન-D હોય છે, તેને પણ રોજ જમવામાં ઉપયોગમાં લેવું જોઈએ.
 4. વાયુ તત્વ: વાયુ તત્વ માટે અગાઉ કહ્યું તેમ પ્રાણાયામ ઇઝ બેસ્ટ.
 5. આકાશ તત્વ: શરીરમાં આકાશ તત્વ ઓછું થાય એટલે સહનશક્તિ ઓછી થાય, સ્વભાવ ચીડિયો થઇ જાય, કોઈ સાથે વાત કરવાનું મન ના થાય. આકાશ તત્વ વધારવા માટે ધ્યાન ધરવું, અજપા-જપ અને બીજ મંત્ર બોલવા. કુદરતી વાતાવરણ માં રહેવાથી પણ આકાશ તત્વ શરીરમાં વધે જેમ કે ગ્રીનરી, પહાડ, દરિયો વગેરે. આધ્યાત્મિક લોકોમાં આકાશ તત્વ ભરપૂર માત્રા માં હોય છે. તમે અમુક લોકોને જોતા હશો કે તેમને બધાને ગળે લગાડવાની આદત હોય છે, તો તેમનામાં આકાશ તત્વ ભરપૂર માત્રામાં હોય છે. શરીરમાં આકાશ તત્વ હોવું ખુબજ જરૂરી છે એટલે નેચર સાથે 2-3 દિવસ રહેવું જોઈએ જયારે એવું ફીલ થાય કે આપણામાં આકાશ તત્વ ઘટી ગયું છે ત્યારે. આકાશ તત્વ હોય તો જ આપણે કોઈકને પ્રેમ કરી શકીએ અને શાંતિ થી જીવી શકીએ.

ક્રમશ:

-ચેતન ઠકરાર 

+919558767835

સ્વર યોગા અનુભવ – દિવસ 5                                                                                               સ્વર યોગા અનુભવ – 7

2 replies »

Leave a Reply