Dr. Vishnu M. Prajapati

ખાડો

વર્ષો પછી શહેરના કલેક્ટર કોષ્ઠી સાહેબને એકાએક કંઇક યાદ આવ્યું અને વર્ષો જુની ફાઇલમાં સાચવીને મુકી રાખેલી એક તસ્વીર  હાથમાં લીધી. એ તસ્વીર જોતા જ પચ્ચીસેક વર્ષ પહેલાનું દ્રશ્ય તેમની સામે ખડું થઇ ગયું…..

“કંકુ જલ્દી પગ ઉપાડ અને આ તગારું લે, દિ માથે ચઢ્યો શે…!!!” ઝીણાએ માટીના પાવડાથી તગારુ ભરી દીધું અને ધીરે હાલી આવતી કંકુને જોરથી અવાજ દીધો.

છઠ્ઠે મહિને કંકુનુ દેખાતુ પેટ તેને જલ્દી ચાલવામાં નડી રહ્યું હતું છતાં પણ કંકુએ તેની ઝડપ વધારી. ‘આવી આવી…!!’ એમ કહીને તેને ખાલી તગારું માટીના ઢગલા પર ફેંક્યુ અને ઝીણાએ ભરેલું તગારું લેવા થોડી વાંકી વળી…!

વાંકી વળતા જ પેટનું દબાણ વધતા મોં પર દુ:ખની કરચલીઓ ઉપસી આવી અને તેનો જમણો હાથ પેટ સુધી આપોઆપ પહોંચી ગયો. ‘ખમ્મા….!! હવે થોડી જ વાર હોં…!! પશી…બેસુ સુ નિરાંતે… તું’ય જપ ખા’ને તારે ક્યાં ખાડા ખોદવાના શે કે માટી ઉપાડવાની શે…? તને હેનું દુ:ખ ઉપડે શે…??’ જાણે તે તેના ગર્ભના બાળકને વઢી રહી હોય તેમ બોલી.

ઝીણાએ ભરેલું તગારું પોતાના હાથમાં જ રાખ્યું અને કીધુ, ‘કંકુ, તુ જા… તને ક્યારનો કહુ શુ કે હું માટી નાખી દઇશ… તુ પો’રો ખા…!! પણ તુ મારુ કોઇ’દી માનેશે ?’ ઝીણો કંકુને કામ ન કરવા સમજાવતો પણ કંકુ માનતી જ નહોતી.

‘એક ખાડો તો રોજ પૂરો કરવો પડે’ને, નહિ તો…?’ કંકુને પણ ખબર હતી કે તેમને રોજ એક ખાડો પુરો કરે ત્યારે અડધા દા’ડાની મજૂરી મળતી. રોજ એક ખાડો ખોદવાનો અને તેની માટી દૂર નાંખવા જવાની હતી. ઝીણો એકલો કરે તો એક દાડે ખાડો પુરો નો પડે…. અને આ ખાડો પુરો નો પડે તો પેટનો ખાડો’ય ખાલી રે એવી એમની હાલત…!

‘હું કે’શે ઇવડો ઇ… તને ખબર પડે ?’ ઝીણાએ કંકુના પેટ તરફ ઇશારો કરીને કહ્યું.

કંકુએ તગારુ માથે લઇ લીધું અને કહ્યું, ‘ઇ કે’શે કે બાપુ અને માડી હું આવીશ એટલે તમારે દાડીયે નહી જવુ પડે… હું ભણીને તમને શેરમાં લઇ જઇશ.’ કંકુએ મીઠા સપના સાથે તગારુ માથે લીધું અને ઝીણાના રોમેરોમમાં જોર આવી ગયું. કંકુ પાછી આવી ત્યા સુધીમાં તો  ઝીણાએ ફરી કેટલુંય ખોદી નાખ્યું હતું અને માટી ભેગી કરી દીધી હતી. કંકુને પોતાની હાલત પર સહેજેય વલોપાત નહોતો અને મજૂરી કરતા લોકો માટે તો આ સહજ હતુ.

કંકુએ સંભાળીને  તગારુ માથે મુક્યુ અને કહ્યું, ‘કહુ શુ સાંભળો શો ?’

‘હા બોલને…!’ કોદાળીના ઉંડા ઘા મારતા મારતા ઝીણો બોલ્યો.

‘તમે બાજુમાં પેલા લુણાભાઇનો ખાડો જોયો… ઇ ઉંડો’ય નહી કરતા અને પહોળોય નહી કરતા…પેલા સાહેબ તો જોવાય આવતા નહી…. જો તમે’ય…??’ કંકુ ઝીણાના જવાબની વાટ જોવા ઉભી રહી.

‘હાય… હાય ઇ શું બોલી ? ઇમ કરીએ તો આપણો ભગવાન રુઠે…!’ કંકુનો ઇશારો ઝીણો સમજી ગયો હતો એટલે તેને તરત જ તેને કંકુના મનમાં આવેલા કામચોરીના અવાજને દબાવી દીધો અને ફરી બોલ્યો, ‘તને નો વેઠાતું હોય તો રે’વા દે’જે…! આ તગારુ હું નાખી આવીશ… પણ ખાડો માપનો થશે અને એની માટી’યે સામે પાળી સુધી જ જશે…!’ ઝીણાએ કંકુને સખત શબ્દોમાં કહી દીધુ હતુ કે બીજા બધા ભલે માટી અધવચ્ચે નાખી આવે પણ આપણે આપણું કામ ઇમાનદારીથી જ કરવાનું છે.

જો કે સરકારી મજુરી કરવામાં બધા કામચોરી કરી લેતા હતા અને તેના સાહેબ પણ દુરથી જોઇને દાડી આલી દેતા હતા. લુણો અને એની ઘરવાળી જેમ તેમ કામ પતાવીને વેલા વેલા નીકળી જતા અને ઇમને જોઇને બીજા પણ એવું શીખ્યા હતા.

લુણાએ તો કીધુ હતુ, ‘હવે બે ચાર દાડામાં વરસાદ આવશે એટલે બધા ખાડા પાણીથી ભરાઇ પણ જશે એટલે જેમ ફાવે એમ ખોદી દેવાના…!! કોઇ ક્યાં જોવા જવાનું છે પાણીની અંદર…??

આ તો ઝીણો, એને તો તરત જ કીધું, ‘મારો ભગવાન પાણીમાં’ય જુએ ને ખરા તડકામાં’ય જુએ….! થોડી ઓશી માટી કાઢીશ તો હું એનો ગુનેગાર બનીશ..!!’ બધા ઝીણાને વેવલો કે’તા પણ ઝીણાએ તેની ખુમારી અને સચ્ચાઇ છોડી નહોતી.

તડકો માથે ચડ્યો હતો.. ઉકળાટ વધી રહ્યો હતો… હવે કંકુ અને ઝીણો બે જ બાકી બચ્યા હતા… તે બન્નેને કામ કરતા જોઇ ત્યાંના સાહેબ ઝીણા પાસે આવ્યા અને કહ્યું, ‘લે ઝીણા આ તારી દા’ડી… બસ બહુ થયું.. જા ઘરે અને રોટલા ભેગો થા… તારી બૈરીને પણ આરામ આલ…!’

‘સાહેબ, આ થોડો ખૂણો બરાબર ખોદી લઉ એટલે મારુ કામ પતશે….!’ ઝીણાએ પૈસા હાથમાં ન લીધા અને કામ ચાલુ રાખ્યું.

‘અલ્યા.. ઝીણા…!!!  અહીં કુણ જોવા નવરું શે કે તેં ખાડાનો ખૂણો બરાબર કર્યો કે નહી? તું તારે જા… હું કહું શુ’ને…!!’ સાહેબે ઝીણાને સમજાવ્યો.

‘સાહેબ… મારો વાલો ઉપર બેસીને જોઇ રીયો શે… અને જો આ ખૂણો બાકી રાખીશ તો ઇ જ મને કહેશે કે કામ અડધું કર્યુ’ને દામ પુરા કેમ લીધા…?? તો શુ જવાબ આલીશ..?’

સાહેબ તો ઝીણાને જોઇ જ રહ્યા અને બોલ્યા, ‘વાહ… ઝીણા તારા જેવી સમજણ ભગવાન બધાને આલે…!! તું તારે કામ પતાવ હું સામે જ બેઠો છું…. કામ પતે એટલે દા’ડી લઇ જજે…!!

ઝીણા અને કંકુએ કામ પુરુ કર્યુ અને સાહેબે બધા ખાડાના ફોટા પાડ્યાં. ઝીણાએ ખોદેલા બધા ખાડા સરકારે કહેલા નિયમ પ્રમાણે જ હતા અને બીજાના ખાડામાં કામચોરી દેખાઇ આવતી હતી. ઝીણાના ખોદેલા ખાડા અલગ અલગ તારવી લીધા અને કામ બરાબર થયું છે તેવો રીપોર્ટ પણ બનાવી દીધો હતો.  એમાનો એક ફોટો જે સાચો હતો કે ઝીણાએ એક તસુભાર પણ કામચોરી નહોતી કરી અને બીજાની કામચોરી દેખાતી હતી તે ફોટો કોષ્ઠી સાહેબે પોતાની નોકરીના પહેલા કામની યાદગીરી માટે પોતાની પાસે રાખી લીધો હતો.

નોકરીઓની બઢતી અને પરીક્ષાઓ આપીને તે કોષ્ઠી સાહેબ અત્યારે કલેક્ટર બની ગયા હતા. આજે તે યાદ આવવાનું કારણ જડ્યું હતું… તે યાદ આવતા તસ્વીર હાથમાં લીધી અને પોતાની ગાડી તે ગામ તરફ દોડાવી.

ત્યાં પહોંચતા સૂરજ માથે ચઢી ગયો હતો.. ગામની હાલત એવી જ હતી. ગામમાં પેસતા જ તેમને ઝીણાનું મકાન પૂછ્યુ.

‘ઇ તો તળાવે દાડીએ ગ્યો’શે…!!’ બેરોજગારીને કારણે અત્યારે પણ ગામના તળાવનું ખોદાણ ચાલુ હતું. આ સાંભળતા જ કોષ્ઠી સાહેબે ગાડી તળાવ તરફ દોડાવી.

રસ્તામાં એક છોકરો કોઇ ઘરડા ડોસાને મારતો હતો અને તેની પાસે પૈસા પડાવી રહ્યો હતો. કોષ્ઠી સાહેબે ગાડી ઉભી રાખી અને ઉતરીને તેને પકડ્યો… અને ત્યાં જ તેમની નજર પેલા ડોસા તરફ ગઇ…!!!  ‘લુણાકાકા…!!! તમે..?’ સાહેબની સહેજ નજર હટતા જ પેલો છોકરો તેમની પક્કડ છોડાવી ભાગી ગયો.

કોષ્ઠી સાહેબ તેને પકડવા જાય ત્યાં તે ડોસા બોલ્યા, ‘જવા દો’ને સાહેબ…. અમારા નસીબમાં કપાતર હશે… મારો જ છોરો શે… જુગારની લતે ચડી ગ્યો’શે…. મજુરી કરીને આવુ એટલે તે રોજ અહીં ઉભો રે’શે ને મને આમ જ મારીને લઇ જાય શે…!! પણ તમે કુણ…??’

કોષ્ઠી સાહેબે તેમની વાત સાંભળતા જ યાદ આવ્યું કે આ એ જ લુણાકાકા જેમને તેમના ખાડા ખોદવામાં કાયમ ચોરી જ કરી હતી…!! ‘ઇ તો ઝીણાભાઇને મળવા આવ્યો છું…!!’ એમ કહીને સાહેબ જલ્દી તળાવ પાસે ગયા. તે તળાવમાં આજે પણ એક ખાડાની લાઇન બધા કરતા સરસ હતી. કોષ્ઠી સાહેબ સમજી ગયા કે આ ઝીણાનું જ કામ…!

ગવર્મેન્ટની ગાડી જોઇને ત્યાંનો સુપરવાઇઝર દોડીને આવ્યો…. પણ કોષ્ઠી સાહેબ પેલા ખાડાઓ તરફ દોડ્યા…!!

ત્યાં એક યુવાન પુરા ખંતથી ખાડો ખોદી રહ્યો હતો. ‘અલ્યા એય…! બધા ચાલ્યા ગયા છે.. તુ’ય જા…! તારી દાડી મળી જશે. તું આ ખાડા નાના કરીશ તો ચાલશે… એક બે દા’ડામાં વરસાદ આવશે…!! હું આ બધાનો સાહેબ છું, કોઇને નહી કહુ….!! તળાવ પાણીથી ભરાઇ જશે પછી પાણીમાં કોણ જોશે…??’  કોષ્ઠી સાહેબ જાણી જોઇને તેની પરીક્ષા કરી રહ્યા હતા.

‘સાહેબ… એવું ના બોલો… મારા બાપા સાંભળશે તો તમને વઢશે.. અને કહેશે કે તમને સાહેબ કોને બનાવ્યા છે ? અને હા, સાહેબ પાણીની અંદર ભગવાન તો હોય જ છે’ને..! ઇમને શું જવાબ આપીશ ?’ એનો જવાબ અસ્સલ ઝીણા જેવો જ હતો.

 ‘તું હરીશ છે ને ?’

‘હા… પણ મેં તમને ઓળખ્યા નહી..!!’

‘તું મજુરી કેમ કરે છે?’

‘મારી પરીક્ષાઓ પતી ગઇ છે…. મારા બાપા એકલાથી કામ નથી થતું એટલે તેમને મદદ કરું છું.’

‘તારા પપ્પાનું નામ ઝીણાભાઇ’ને..? અને કંકુબેન ક્યાં ?’

‘હા…! મમ્મી તો ઘરે છે.’ પેલાએ જવાબની સાથે પેલા ખાડાની માટી ઉલેચવા માંડી.

‘હરીશ, મને ગર્વ છે તારા મા બાપના સંસ્કારો પર….!! જો કે તને એક સમાચાર આપવા આવ્યો છું કે તારે હવે મજુરી કરવાની કોઇ જરુર નથી… તુ કલેક્ટરની પરીક્ષામાં પાસ થઇ ગયો છું…!!’ કોષ્ઠી સાહેબે આખરે પોતાના હૈયામાં ક્યારનીયે ધરબી રાખેલી ખુશી વ્યક્ત કરી.

‘ઓહ્હ્હ… ખરેખર….!! થેંક્યુ…!!’ તે ખુશ થયો.

‘ચલ હવે અહીંથી… આ કામ તારુ નથી.’ કોષ્ઠી સાહેબે તેનો હાથ પકડ્યો અને ત્યાં જ તેના પિતાજી હાથમા તગારુ લઇને તેની નજીક ગયા. હરીશે તેમના ચરણસ્પર્શ કરી તેમને બધી વાત જણાવી.

તેના પિતાજીએ બન્ને હાથે તેને આશીર્વાદ આપ્યા. કોષ્ઠી સાહેબે હરીશનો હાથ પકડ્યો અને તેને હવે ત્યાંથી લઇ જવા માંગતા હતા… પણ ઝીણાના પગ ત્યાં ચોંટી ગયા હોય તેમ ઉભો રહી ગયો હતો.

હરીશે કોષ્ઠી સાહેબનો હાથ છોડાવ્યો અને કોદાળી ફરી હાથમાં લીધી અને બોલ્યો, ‘સાહેબ, માફ કરશો.. આજનું મારું કામ બાકી શે અને ઇ પુરુ કર્યા વિના હું બહાર નહી આવી શકુ.’

હરીશે કોદાળી હાથમાં લીધી… ઝીણાએ તે પછી પગ ઉપાડ્યા અને માટી ભરેલું તગારુ માથે ચઢાવી કીધું, ‘સાહેબ, કામચોરી અમારા લોહીમાં આવે તો અમારો ભવ લાજે…!!  હરીશેને ઇનુ કામ પુરુ કરી લેવા દો… પશી તમતમારે લઇ જાઓ..!!’

બાપ દિકરાએ ફરી પોતાનું કામ શરૂ કર્યુ અને કોષ્ઠી સાહેબે તેમને સેલ્યુટ કર્યુ.

ત્યાં જ કોષ્ઠી સાહેબના મોબાઇલની રીંગ રણકી. તેના દિકરા શ્લેષનો ફોન હતો. ફોન ઉપાડતા જ અવાજ આવ્યો, ‘પપ્પા, કલેક્ટરના લીસ્ટમાં મારુ નામ નથી.. તમે તો કહ્યું હતુ કે ઉપર સુધી વાત થઇ ગઇ છે ..?’

કોષ્ઠી સાહેબ બોલી ઉઠ્યાં, ‘હા બેટા, કદાચ, છેક ઉપરવાળા સુધી મારી વગ નહી પહોંચી હોય…!’ અને કોષ્ઠી સાહેબની નજર સામેના અને તસ્વીરના ખાડામાં ચોંટી ગઇ…જ્યાં તેમને ઇશ્વરતત્વના અલૌકિક દર્શન થઈ રહ્યા હતા… અને ત્યાં સુધી કોઈની લાગવગ આજ સુધી પહોંચી નથી.

*******

લેખક : ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ

મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

Categories: Dr. Vishnu M. Prajapati

Tagged as:

Leave a Reply