Nayna Shah

આગમન

શૈલ ઓફિસથી લગભગ મારતા સ્કુટરે ઘરે આવેલો. આજે એની જિંદગીની સૌથી મોટી ખુશીના સમાચાર સાંભળવા મળવાના હતા. ક્ષમાએ સવારના જ તબિયત વિષે ફરિયાદ કરી હતી ત્યારે શૈલે કહેલું “ક્ષમા! હું આજે ઓફિસ નહીં જઊં. તારી સાથે દવાખાને આવીશ.” પણ ક્ષમા એ જ જક કરીને કહ્યું, “નહીં શૈલ, મારી સાથે તારાં  મમ્મી આવાના છે અને સાંજે તું ઓફિસથી ઘેર આવીશ ત્યારે ખબર તાે પડશે જ ને?”

આખા રસ્તે શૈલ  વિચારતો હતો કે આટલી ખુશીના સમાચાર હોવા છતાંય ક્ષમાના ચહેરા પર આનંદ કેમ નથી? કદાચ તબિયત વધુ ખરાબ હશે કે અન્ય કોઈ કારણ હશે? શૈલની ઈચ્છા તાે દાેડીને ક્ષમા પાસે પહોંચી જવાની હતી પણ નીચે રસોડામાંથી મમ્મી બોલી, “શૈલ! હાથ પગ ધોઈને રસોડામાં આવી જા. ચા તૈયાર જ છે અને ગરમ નાસ્તો પણ બનાવ્યો છે.” છતાંય શૈલ દાેડતાે દાદર ચઢી ક્ષમા પાસે પહોંચી ગયો.

ક્ષમાને જોતા જ બોલી ઊઠયો, “ક્ષમા! ડાેકટરે શું કહ્યું?”

ક્ષમા શૈલ સામે જોતા ઉદાસ સ્વરે બોલી, “હા આપણી ઈચ્છા  ટૂંક સમયમાં જ પૂરી થઈ જશે.”

શૈલ ક્ષમા સામે જાેતાં બોલ્યો, “ક્ષમા!આટલી મોટી ખુશીની વાત હોવા છતાંય તું ઉદાસ કેમ છે? આપણા લગ્નને સાત વર્ષ થઈ ગયા અને સાત વર્ષ પછી એક બાળકના આગમનના સમાચારે મને પાગલ બનાવી દીધો છે. પણ તું ઉદાસ કેમ છે? ક્ષમા આજે  તાે હું  તારી ઉદાસીનું કારણ જાણીને  જ રહીશ .”

“શૈલ બેટા! તારી ચા ઠંડી થઈ જશે. જલ્દી આવી જા.” શૈલની મમ્મીએ એને ફરીથી બુમ પાડી. ક્ષમા શૈલ સામે જોતાં બોલી, “મમ્મી બોલાવે છે.”

“મને ખબર છે, પણ જ્યાં સુધી તું કારણ નહીં કહે ત્યાં સુધી હું અહીંથી ખસવાનાે નથી.” શૈલે જક  કરતાં કહ્યું ત્યાં સુધીમાં શૈલની મમ્મીએ ફરીથી શૈલને  બૂમ  પાડી તેથી તાે શૈલ  બોલી ઉઠ્યો ,” ક્ષમા! હવે મમ્મી મને બોલાવવા ઉપર આપણા રૂમમાં આવે એ પહેલા તું મને કારણ કહે.”

ક્ષમા ગભરાઈ ગઈ હતી. બોલી “શૈલ હું તને બધું જ કહીશ,  મારે પણ કોઈ વાત મનમાં રાખવી નથી. પણ તું પહેલા ચા-નાસ્તો કરી આવ.” ક્ષમા વિચારતી હતી કે  શૈલ ને શું કહે? કયાંથી શરૂઆત કરે? શૈલ ખૂબ સમજુ અને સંસ્કારી યુવાન છે, બહુ મોટી પોસ્ટ પર છે. લગ્નના સાત વર્ષ સુધી બાળક નહીં હોવા બાબત કોઈ વાત ઉચ્ચારી નથી. આજની શૈલની ખુશી અસીમ છે એ જોતાં લાગે છે કે સાત વર્ષ સુધી એનું દુઃખ છુપાવી રાખ્યું હશે?

કદાચ આટલી બધી ખુશી મારા આગમન વખતે મારા પપ્પાને થઈ હશે? જવાબ  કદાચ સંજોગો  જ આપી શકે. પોતે કેટલું યાદ કરે? એનું જીવન જ વ્યથાથી  ભરેલું છે. પણ એ ભરપૂર વ્યથાથી શૈલ અજાણ છે. પોતાને જેટલો અન્યાય થયો છે એટલો અન્યાય આવનારને એ થવા નહીં દે. પાેતે તાે કયારેય  પ્રેમનાં બે શબ્દો સાંભળ્યા ન હતા. એ  સમજતી થઇ ત્યારથી એના કાને માત્ર એક જ શબ્દ સંભળાતો રહેલો, “પથરાે.” પાેતે પથરાે એટલે શું એ કયાં સમજી શકતી હતી? એટલે તો એકવાર એની દાદી ને પૂછેલું, “દાદીમા …દાદીમા…હું પથરાે છું?”

ત્યારે દાદીમાની આંખો કરુણાથી છલકાઈ ઊઠી હતી અને દાદી માં એના કપાળે ચુંબન કરતા બોલેલા “ના બેટા, તું તાે મારી પરી છું. એક દિવસ એક રાજકુમાર ઘોડે ચડીને આવશે અને તને લઈ જશે પરીઓના દેશમાં.”

“દાદીમાં,  તમે પણ મારી સાથે પરીઓના દેશમાં આવજો. હું તમને મારી સાથે લઈ જઈશ. તમે ખૂબ સારા છો.” ક્ષમા દાદીમાને ગળે બાઝી પડતા બોલી ઊઠી હતી.

એ જેમ જેમ  સમજણી થઈ તેમ તેમ પથરાનાે અર્થ  સમજતી થઈ ગયેલી. આમ તો એને એક મોટી બહેન પણ હતી. પણ અે પ્રથમ સંતાન હોવાથી લક્ષ્મી ગણી એનું સ્વાગત કરેલું. ત્યારબાદ જ્યારે એના આગમનની શક્યતા જણાઈ  ત્યારે  તેની મમ્મી ડોકટર પાસે દોડી ગઈ  હતી અને કહેલું, ” ડાેકટર! તમે ટેસ્ટ કરી આપો તો મારે તો પુત્ર જ જોઈએ છે. પુત્રી હોય તો પડાવી નાંખીશ. પણ કુદરત ને કંઈક જુદું જ મંજૂર હતું એટલે રિપોર્ટમાં ‘ મેલ ચાઈલ્ડ’ આવ્યું. રિપોર્ટ ખોટો આવ્યો. જો કે દાદી માં ના કહેવા મુજબ રિપોર્ટ આવ્યા બાદ મમ્મી ખુબ  ખુશ રહેતી હતી. એનો પગ જમીન પર પડતો ન હતો એના રોમરોમમાં ખુશી વ્યાપી ગઈ હતી. પણ ત્યારબાદ એની જિંદગી નું શું? વારંવાર એની મમ્મી એની સામે જોઈ ને કહેતી, ‘મારું નસીબ ફૂટલું; બીજું શું? લોકોને ભગવાન છોકરાઓ આપે છે અને મારે જ પથરાઓ …’કયારેક  કોઈક ને ત્યાંથી પુત્ર જન્મ ના પેંડા આવે ત્યારે પણ એ નિ:સાસા સાથે કહતી, ” મારા કરમ…મારા નસીબ જ …”અને આંસુ સારતી .

ક્યારેક એ  કોઈ ચીજની માગણી કરતી તેની મમ્મી તરત બોલી ઉઠતી, ‘ જેટલું ઘસડાય એટલું બાપનું ઘસડી જાવ. ‘

કયારેક એના પપ્પા એના માટે નવી  ચીજવસ્તુ લાવતા તો એની મમ્મી તરત  બરાડી  ઉઠતી,” આપણા બુઢાપાનાે વિચાર કર્યો છે કે  બધું લુટાવી દેવાનું છે?  આપણા પેટે છોકરો નથી કે પાછલી ઉંમરમાં આપણને કમાઈને  આપવાનાે છે. જે ખર્ચ કરો એ રીતમાં કરો. આપણે તો બધું કમાઈ  કમાઈને પેલા જમ જેવા જમાઇઓને જ આપવાનું…? અરે.. રે…મારા નસીબમાં એક પુત્ર નથી. ‘ કહેતાં એ  અવારનવાર એની મમ્મી રડતી. એ જ્યારે એસએસસી બોર્ડ માં પ્રથમ આવી ત્યારે ને આશા હતી  કે મારી પ્રગતિ બદલ મારી મા મને ચોક્કસ બીરદાવશે. પણ એની  આશા ઠગારી નીવડી. કેટલા બધા ઈનામો અને રોકડ મળી હતી! એ જોઈને પણ મમ્મી પણ ખુશ થઇ ન હતી ,”  ઠીક છે ,તારા પૈસા આવ્યા છે તો સોનું ખરીદી લેજે .જે થોડું ઘણું આવ્યું  એ ખરું. તારો બાપ  તાે બેંકમાં સામાન્ય ક્લાર્ક છે. બધું તમારી પાછળ ઉડાવી દઈએ તો અમારું  ભવિષ્ય  શું?”

ક્ષમા તો મમ્મીની દરેક બાબત હસવામાં કાઢી નાખતી હતી .પણ પોતે તો કેટલી બધી સ્વમાની હતી?  મમ્મીના વ્યંગ  બાણોથી કંટાળી એને ભણવાની સાથે ટ્યુશન વગેરેનું પણ નાનું મોટું કામ કરવા માંડેલું અને પોતાનો ખર્ચ પોતે જ ઉપાડી લીધી હતી. આ બદલ પણ એની મમ્મી એને ક્યારેય એની પ્રશંસા કરી ન હતી. અને ક્યારેય એની મમ્મી એ પૂછ્યું પણ નહોતું કે, “ક્ષમા! તારે  પૈસાની જરૂર છે?”  અને ક્ષમાએ  પણ ક્યારેય પૈસા માગ્યા ન હતા .છતાં ક્ષમાનું  મન કહેતું કે પોતે પણ મા-બાપ પાસે જક કરે, રિસાય,કોઈ મનાવે. અરે, એમાં તો જિંદગીની ખરી મજા છે.  પણ એને ક્યારેય જિંદગીની આવી  મજા માણવા મળી જ કયાં હતી?

જો કે કદાચ દાદીમાનું ભવિષ્ય સાચું પડેલું. શૈલ રાજકુમાર થી કંઈ કમ ન હતો અને ખરેખર લગ્ન બાદ એને એવું જ લાગતું હતું કે એ પરીઓના દેશમાં આવી ગઈ છે. કેટલા પ્રેમાળ લોકો વચ્ચે આવી પડી હતી! એની સાસુ ને જોતાં અેને હંમેશ લાગતું  કે આ જ મારી મા છે. કેટલો પ્રેમ આપેલો! વારંવાર કહેતા હતાં, “ઈશ્વરે મને ક્ષમા આપીને દીકરી નહીં હાેવાનું દુખ ભુલાવી દીધું છે.” ક્ષમાને કયારેય છીકં પણ આવે તેની સાસુ જાગે અેને બામ ઘસવા  બેસી જાય .અને શૈલ…એની તો વાત જ જુદી હતી.

ગ્રેજ્યુએટ થયા બાદ બંને એક જ ઓફિસમાં સાથે નોકરી કરતા હતાં. પરિચય ધીરે ધીરે પ્રેમમાં પલટાતાે ગયો. ક્ષમાએ શૈલને  કહેલું, “શૈલ,  લગ્ન એકદમ સાદાઇથી કરવાનું હોય તો જ મને આ સંબંધ મંજૂર છે.” અને બિલકુલ  ધામધૂમ વગર શૈલ અને ક્ષમાના લગ્ન પતી ગયા હતા. આડકતરી રીતે તો ક્ષમા એ એની માને  લપડાક મારવા બરાબર જ આ પગલું ભર્યું હતું. અને ક્ષમા ઘરમાંથી પણ કયાં કોઈ ચીજ વસ્તુ લઈ ગઈ હતી?  હા,  એની દાદીએ અેને લગ્ન સમયે આપવા માટે આપેલો અછોડેા એ સાથે લાવેલી. દાદીની યાદ આવતા ની સાથે જ એનો હાથ ગળામાં પહેરેલા અછાેડા બાજુ ગયો.  દાદીની યાદ સાથે કેટલી યાદો સંકળાયેલી હતી! દાદીમાએ તાે એને  કહેલું, “ક્ષમા બેટી, તારી મા તને ધિક્કારે છે એનું કારણ એની પુત્રેએષણા છે. એટલું જ નહીં, જ્યારે તારો જન્મ થયો ત્યારે અમે બધાએ દિવસો સુધી વાત નહીં કરવાનું વિચારેલું. પણ થોડા કલાકો બાદ જ એને ખબર પડી ગઈ કે એણે જન્મ પુત્રને નહીં પણ પુત્રીને આપ્યો છે, અને આ સમાચાર મળતાની સાથે એણે રડવાનું ચાલુ કરી આખી હોસ્પિટલના સ્ટાફને ભેગો કરેલો .અને કેટલાય દિવસો સુધી તારું મોં પણ જોયું ન હતું .

આ વાત સાંભળ્યા બાદ ક્ષમાને દિવસો સુધી ખાવાનું ભાવતું ન હતું. અરે ,એનું આગમન આટલું બધું દુઃખ દાયક હતું! “ક્ષમા! સોરી … મમ્મી ની બેનપણી આવી ગઈ હતી એને મૂકવા જવું પડ્યું. “હા, તો આપણી વાત આગળ કહે…. બોલ ક્ષમા તને શું દુઃખ છે? “

શૈલ મને તારા થી દુર જવું  નહિ ગમે. હવે હું મહિનાઓ સુધી તારાથી દૂર જતી રહીશ. ક્ષમા ઉદાસ ચહેરે બનેલી.  શૈલ!

ખડખડાટ હસતાં  હસતાં બોલ્યો, ” બસ આટલી જ વાત …મમ્મી તો કેટલાય દિવસોથી કહે છે કે ક્ષમા ને  હું મારાથી દુર કરવાની નથી. હું એને પિયર મોકલવાની નથી એને ડિલિવરી આપણે ત્યાં જ કરાવીશું મારી વહુ નહીં,  દીકરી છે .હવે તો ખુશ ને?”

ક્ષમા ફિક્કું હસી બોલી “અને શૈલ,બીજી પણ એક વાત છે. ધાર કે આપણું આવનાર બાળક પુત્રને બદલે પુત્રી હોય તો …શું તું, મમ્મી …બધા પ્રેમથી સ્વીકારશો?”

“ક્ષમા !પુત્ર હોય કે પુત્રી, શું ફરક પડવાનો છે? અને અત્યારે તો ખુશ રહેવાને બદલે આવું  બધું વિચારે છે ?” શૈલે ક્ષમાનો હાથ હાથમાં લેતાં કહ્યું.

“એ તો ઠીક છે શૈલ,  પણ બીજી…ત્યારબાદ ત્રીજી પણ પુત્રી જ  જન્મસે તો તું એનો પ્રેમથી સ્વીકાર કરી શકીશ?” ક્ષમા એકી શ્વાસે બોલી ઊઠી.”

“ક્ષમા ! આજ પછી તું ક્યારેય એવી વાત કરી મારી નજરમાંથી ઉતરી ના જઈશ. ક્ષમા એક વાત યાદ રાખ. બાળક એ બાળક છે. પછી એ પુત્ર હોય કે પુત્રી…શું ફરક પડે? બાળક એ તો દેવદૂત છે. ઈશ્વરને જ્યારે પૃથ્વી પર અવતારવાનું  મન થાય છે ત્યારે એ બાળક સ્વરૂપે આવે છે અને ઈશ્વરનું આગમન તો પ્રિય જ  હોય.” ક્ષમા શૈલના ચહેરા સામે જાેઈ રહી. ક્ષમાના ચહેરા પરથી ઉદાસીનતા ગાયબ થઈ ગઈ હતી. તેની જગ્યાએ એક સંતોષદાયક સ્મિત ફરકી ઉઠ્યું હતું.

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

Categories: Nayna Shah

Tagged as:

Leave a Reply