આજનો દિવસ અનુભવ માટે શ્રેષ્ઠ રહ્યો. નાનપણમાં જેમ જાદુ જોઈને અચંબિત થતા અને ખુશી થતી તેવી જ કંઈક ખુશી આજે થાય છે. આટલું મોડું કરવા માટે અફસોસ થાય છે. આજે જે શીખવા અને જાણવા મળ્યું તેનાથી મને તો આગળ જતાં ખુબ જ લાભ થવાનો છે એ પાક્કું, અત્યારે પણ થાય છે. મારી વર્ષો જૂની અનિંદ્રાની બીમારી દૂર કરવાની અને વિચારોના વંટોળને શાંત કરવાની ચાવી આજે મને હાથ લાગી. તો ચાલો આજે હવે હું આજે શું શીખ્યો કે જાણ્યો એ જણાવું.
આંતર મનના વિચારો કેમ શાંત કરવા?
વિચારોને વારંવાર કરવાથી નેગેટિવિટી વધે છે. જે વિચારો વારંવાર રિપીટ થાય તે સબકોન્સીઅસ માઈન્ડમાં સેવ થાય અને એ વિચારો ભય, ચિંતા અને નેગેટિવિટી ને જન્મ આપે અને બ્લડ પ્રેશર અને માનસિક તાણ જેવી બીમારી થાય. આનો ઉપાય એ જ કે જેની સાથે તેવા થવું એ. એટલે કે વિચારોને વિચારો વડે મારવું. ખાડા માં ગંદુ પાણી હોય તો તેને સાફ પાણી વડે જ સાફ કરી શકાય તેમ. હકીકતમાં ચિંતા, ભય અને નેગેટિવિટી એ બધું છે જ નહિ એ ફક્ત મનના વિચારો જ છે.
વિચારો બે પ્રકારના હોય છે. એક સારા વિચાર અને બીજ ખરાબ વિચાર. આપણે કંઈક નવું કામ ચાલુ કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે જે વિચાર આવે તેને નવનિર્મિત વિચાર કહેવાય જે સારા વિચાર જન્માવે. અર્થાત કંઈ પણ કામમાં હોઈએ ત્યારે સારા વિચારો જ આવતા હોય અથવા ખરાબ વિચાર ના આવતા હોય. પરંતુ જયારે આપણે કંઈ કામ વગર બેઠા હોઈએ ત્યારે ભૂતકાળની ભૂલો, અનુભવો યાદ કરીને ખરાબ વિચારો મન પર કબ્જો જમાવીને બેસી જતા હોય છે. ક્યારેક કોઈક માણસ આપણું મગજ ખરાબ કરી જતું હોય કોઈ એવી વાતો કરીને. તો હવે એ શીખવાનું કે એ બધા નકામા વિચારોને કેમ બહાર કાઢવા?
સંસ્કૃતમાં સારા વિચારને મંત્ર કહે છે. ।। मन ना प्रायेति इति मंत्रः।। મંત્ર બે પ્રકારના હોય છે. સગુણ અને નિર્ગુણ. સગુણ મંત્ર એટલે આપણે કોઈ એક ચોક્કસ ધ્યેય કે પ્રાપ્તિ માટે કોઈ જાપ કરીએ તેને સગુણ મંત્ર કે કાર્ય કહેવાય. જેમ કે સોળ સોમવારનું વ્રત કે બીજું કોઈ આવું વ્રત કે માનતા. નિર્ગુણ મંત્ર એટલે કોઈ પણ જાતના સ્વાર્થ વગર જપવામાં આવતો મંત્ર. જેમ કે ગાયત્રી મંત્ર કે ૐકાર. હવે આપણે આ મંત્રને અનવોન્ટેડ વિચારોને દૂર કરવા માટે કેમ ઉપયોગમાં લેવું એ જોઈએ.
ૐ કાર મંત્રનો ઉપયોગ કેમ કરવો?
ૐ કાર ને બે ભાગમાં વહેંચી દેવાનું. ઓમ અને કાર. શ્વાસ લેતી વખતે મનમાં ઓમ (ૐ) બોલવું અને શ્વાસ છોડતી વખતે કાર બોલવાનું. એક મિનિટમાં કેટલા શ્વાસ થાય તે ગણવાનું. પહેલા દિવસે જયારે શ્વાસની સંખ્યાની વાત કરી હતી ત્યારે મારા શ્વાસની સંખ્યા 14 હતી અને આજે જયારે ઓમ – કાર નો ઉપયોગ કર્યા પછી ગણ્યા તો માનવામાં નહીં આવે પણ ખાલી 6 જ થયા. આમ કરવાથી મનમાં એક પણ વિચારો આવ્યા નથી અને એટલે શ્વાસની સંખ્યા ઘટી ગઈ. કંઈક ઘટતું હોય તો સામે કંઈક વધતું હોય. મગજને કંઈક કામ આપશો તો ઓક્સિજન આપવું પડશે, કામ ના આપો તો ઓક્સિજન ઓછું જોઈએ એટલે શ્વાસની ગતિ ઘટે. મનને વિચાર શૂન્ય સુધી લઈ જવાની શક્તિ રાખે છે મંત્ર અને ધ્યાન.
ધ્યાનના સ્ટેપ :
- વિચાર શૂન્ય : ધ્યાનથી આપણે વિચારને શૂન્ય લેવલ સુધી લઈ જઈ શકીએ.
- શ્વાસ શૂન્ય : ધ્યાનથી આપણે શ્વાસને શૂન્ય લેવલ સુધી લઈ જઈ શકીએ. તમે જોયું સાંભળ્યું હશે કે કોઈ યોગી કેટલીક મિનિટો સુધી શ્વાસ વગર રહી શકે છે.
- દેહ શૂન્ય : ધ્યાનથી આપણે દેહ વગર ના છીએ તે પણ અનુભૂતિ કરી શકીએ.
- સ્થાન શૂન્ય : આપણે કંઈ જગ્યાએ છીએ તે પણ ભૂલી જઈ શકીએ.
- સમય શૂન્ય : આપણે કેટલી વખતથી ધ્યાનમાં છીએ તેનું પણ ભાન ના રહે.
જપા કે જાપ 2 પ્રકારના હોય છે. (1) જપા – અજપ અને (2) અજપા – જપ. જેમ રામ રામ રામ જલ્દી બોલો અને એ મરા મરા થઇ જાય. જપા જયારે અજપા માં ફેરવાઈ જાય ત્યારે તે સબકોન્સિયસ માઈન્ડમાં છપાઈ ગયું કહેવાય. એવું જરૂરી નથી કે તમે ઓમ-કાર નો જ ઉપયોગ કરો. તમારા ગુરુદેવે કોઈ મંત્ર આપ્યો હોય તો એ પણ ઉપયોગમાં લઈ શકાય અથવા તો બીજું કંઈ પણ લઈ શકાય. જેમ કે જયશ્રી- કૃષ્ણ, જયસિયા-રામ, જલા-રામ, ઓમ-શાંતિ, કે બીજું કંઈ પણ. બસ એ મંત્રને બે ભાગમાં અલગ કરીને એકને શ્વાસ અંદર લેતી વખતે બોલવાનું અને બીજો ભાગ શ્વાસ છોડતી વખતે. 40 દિવસ આમ કરવાથી સબકોન્સીઅસ માઇન્ડને આની આદત પડી જશે. જેને જપા – અજપા માંથી અજપા – જપ ની સ્થિતિ પણ કહી શકાય. પહેલાં ધ્યાનમાં પણ બેસી શકાતું નહોતું સરખું, નીંદર માટે પણ ટેબ્લેટ લેવી પડતી હતી. વિચારો સતત પીછો કરતાં હતા. પણ આજના આ અનુભવે મને જાદુઈ અનુભુતી કરાવી છે. જેને હું શબ્દોમાં ધારું તો પણ વર્ણવી શકું એમ નથી.
આજનો સારાંશ:
- ૐ અગિયાર વખત બોલવું અને અંતમાં શાંતિ મંત્ર.
- દિવસમાં પાંચ વખત પાંચ-પાંચ મિનિટ પ્રાણાયામ કરવું.
- દિવસમાં ચાર વખત બીજ મંત્ર બોલવા. (લં, વં, રં, યં, હં, ૐ, ૐ)
- ધ્યાન કરવું પણ આજે ઓમ-કાર નો ઉપયોગ કરીને. (મિનિમમ સાત મિનિટ થી પંદર મિનિટ )
*******
-ચેતન ઠકરાર
+919558767835
Categories: DIARY, SELF / स्वयं
Leave a Reply
?