Nayna Shah

સુખ, સુખ અને સુખ

ઉષ્માએ નજર ઉંચી કરીને જોયું અને ચા નો કપ તૈયાર હતો. હજી તેમાંથી વરાળ નીકળી રહી હતી. બાજુમાં થરમોસ પણ તૈયાર હતું. ઉષ્માએ લખેલાં પાનાં વ્યવસ્થિત ગોઠવ્યા. ગરમ ચાના થોડા ઘૂંટડા ભર્યા. તે ચા પીતા વિચારતી હતી કે પોતે કેટલી ભાગ્યશાળી છે! આવું નસીબ કેટલાનું હશે!

બપોરના બે વાગ્યા હતા. પોતે બરાબર બાર વાગ્યાની લખવા બેઠી હતી. પરંતુ તેના સાસુ તેને કેટલું સમજે છે! તેનું કેટલું ધ્યાન રાખે છે! એ હજી વિચારતી ત્યાં તેના સાસુ બોલ્યા “બેટા, હું બે-ત્રણ કલાકમાં પાછી આવી જઈશ. તું તારું લખજે. મેં તારી ચા પણ તૈયાર કરીને થમાેઁસમાં ભરી છે .” અને ઉષ્મા તરફ પ્રેમાળ સ્મિત કરી એ બહાર નીકળ્યાં.

ઉષ્માએ થોડું લખ્યું ત્યાં ડોરબેલ રણકી ઉઠી. ઉનાળામાં ભર બપોરે કોણ આવ્યું હશે? એવું  વિચારતાં ઉષ્મા ઊભી થઈ થઈ. બારણું ખોલતાં જ સ્તબ્ધ બની ગઈ. થોડી મિનિટો સુધી એ કંઈ બોલી જ ન શકી. આવનાર સ્ત્રી ઉષ્માને ઉમળકાભેર ભેટી પડી અને ઉષ્મા રુંધાયેલા  સ્વરે બોલી ઊઠી, “દીદી!”  બંને એકબીજાને ક્યાં સુધી જોતાં જ રહ્યા.  ઉષ્માને  એકાએક કંઈક ખ્યાલ આવ્યો હોય તેમ બોલી, “દીદી! અંદર તો આવ. દીદી! આખરે તેં મને શોધી કાઢી,નહીં? દીદી! સાચુ કહે,તમે બધાં મને યાદ કરતા હતા? ઘરે બધા મજામાં છે? અરે દીદી  તારો સામાન ક્યાં છે? તું એકલી આવી છે?”

“ઉષ્મા, તું એક સાથે આટલા બધા સવાલો પૂછે તો હું કઈ રીતે  જવાબ આપું? તારા દરેક પ્રશ્નનો જવાબ આપીશ, પણ થોડી ધીરજ તો રાખ.”

“હા દીદી, તારી વાત સાચી. તું બેસ. હું પહેલા પાણી લઇ આવું. પછી આપણે વાતો કરીએ. ઉષ્મા પાણી લેવા ગઈ એ દરમિયાન દીદીએ એક નજર ઘરમાં ચારે તરફ નાખતાં તેમની ઉચ્ચ મધ્યમ વર્ગીય સ્થિતિનો સહેજે ખ્યાલ આવી જતો હતો. દરેક વસ્તુ ઢંગ થી  સુરુચીપૂર્ણ રીતે ગોઠવાયેલી હતી. ” દીદી! પાણી. હવે તો કહે દીદી, તેં મને કઈ રીતે શોધી? તમે મને યાદ કરતા હતા?”

“ઉષ્મા, તને શોધવા નો એક રસ્તો હતો અને તે એ કે તારી વાર્તાઓ. પરંતુ મુંબઈના કોઈ મેગેઝીમાં તારી વાર્તાઓ તારા ગયા પછી વાંચવા માં આવતી ન હતી એટલે માની લીધેલું કે તે લખવાનું છોડી દીધું હશે. પરંતુ એક મહિના પહેલાં મારા પતિની બદલી ઇન્દોર થી બે કલાક દુર એવા ગામમાં થઈ. અહીંના છાપાઓમાં તેમજ મૅગેઝિનમાં હું વાર્તાઓ વાંચતી હતી. મેં એકવાર મારા પતિને કહ્યું ‘ગુલમોહર ‘ના ઊપનામે લખતી વ્યક્તિ ઉષ્મા જ લાગે છે. શૈલી પણ ઊષ્મા જેવી જ છે. વળી અમુક પ્રસંગો નું વર્ણન પણ આપણા જીવનને મળતું આવતું હતું. મેં આ બાબતે મારા પતિનું ધ્યાન દોર્યું  તેા એ કહે, “ઉષ્મા! એવું કાંઈ નહિ. વાર્તાની વિશેષતા એ છે કે વાંચનારને લાગે કે જાણે કે આ આપણું  જ જીવન છે. અને વાર્તા પણ વાસ્તવિકતા વગર તો બનતી જ નથી ને?” પરંતુ આ બધી વાતો માનવા મન તૈયાર ન હતુ. મેગેઝીનના તંત્રીને વિનંતી કરી કે મને ‘ગુલમહોર’ નું સરનામું આપો અને એમને જ્યારે સરનામું આપ્યું ત્યારે હું આનંદવિભોર બની ગઈ. કારણ મારી ધારણા સાચી ઠરી હતી. ઉષ્મા !મા બાપનું દિલ છે, તને યાદ તાે કરે જ  ને ?પણ તું જે રીતે ઘર છોડીને જતી રહી એ આઘાત એટલો તો અસહ્ય હતો કે….”

ઉમા થોડુ અટકી એ જોતાં ઉષ્મા બોલી, “દીદી! શા માટે અટકી? જે હોય તે કહે ,બેધડક કહે .હું સાંભળવા તૈયાર જ છું .”

“ઉષ્મા જ્યારે પણ તું યાદ આવે છે ત્યારે તારી સાથે તારી અસામાન્ય બુદ્ધિ અને તેજસ્વિતા પણ યાદ આવે છે. મમ્મી-પપ્પાને એ જ દુઃખ હતું કે તારા જેવી સમજું અને ગુણીયલ છોકરી લગ્નના આગલા જ  દિવસે ઘર છોડીને ચાલી જાય અને અઠવાડિયા પછી છાપામાં આવે કે તેં કોઇક અજાણ્યા સૂચિત નામના છોકરા સાથે લગ્ન કરી લીધા છે તો કેટલું દુઃખ થાય? તું નહીં સમજી શકે. દુઃખનું ઓસડ દહાડા. મમ્મી પપ્પા દુઃખ ભુલતાં ગયા. દુઃખ ભુલ્યા વગર છુટકાે  પણ ન હતો. તારા તાે કંઈ સમાચાર જ ન હતા. એમની પણ ઉંમર થવા આવેલી છે. સાજામાંદા  રહે છે અવારનવાર. હું ત્યાં જતી હતી. એમને આપણા બે સિવાય બીજું છે પણ કોણ?”

ઊમાએ ઊષ્મા  સામે જોયું .એની આંખોમાંથી આંસુ ટપકતાં હતા. બોલી “દીદી, મેં તો માનેલું કે મમ્મી પપ્પા મને સમજી શકશે પણ…હવે જવા દો એ વાત. હું ભાગી ગઈ ન હતી, પરંતુ લગ્નના ત્રણ દિવસ પહેલાં જ હું ધૈવત ને મળવા ગઈ હતી. તેને કહ્યું, “તારા મા-બાપ ને તમે બે બહેનો  સિવાય છે પણ કોણ? ઉષ્મા! લગ્ન બાદ હનીમૂન કરવા આપણે અમેરિકા જઈશું. બે ટિકિટની વ્યવસ્થા કરી લીધી છે. પણ એ પૈસા તારા પપ્પા પાસે ફેરા ફરતી વખતે માંગીશ. દીદી! મેં ત્યારે જ  નિશ્ચય કરી લીધો કે જે છોકરો લગ્ન વખતે સસરા પાસે પહેલાં જ  ફેરામાં અમેરિકા ની ટિકિટના પૈસા માંગે તે બાકીના ફેરામાં તાે શું નૂ શું માંગે? તે ઉપરાંત પૈઠણમાં ખૂબ મોટી રકમ આપવાનું નક્કી થયું હતું. સોનું, ટીવી, ફ્રીઝ બધું ખરીદેલું. સ્કુટર પણ આપવાનું હતું. ત્યારબાદ પપ્પા પાસે મૂડી ખાસ રહેતી ન હતી. તેમાંય ધૈવત  વધારે માગણી કરે, પપ્પા મારા સુખ અને એમની ઈજ્જત ખાતર જરૂર તેની માગ પૂરી કરત-  દેવું કરીને પણ. તો પાછલી જિંદગીમાં એમનું શું થાત? હું માત્ર આ કારણે જ ધૈવત  સાથે લગ્ન કરવાની ના પાડું  તાે પપ્પાને એમની ગરીબી અને પુત્ર નહીં હોવાનું દુઃખ થાત. અને હું ચાલી ના ગઈ હોત તો બળજબરીથી પણ  ધૈવત સાથે મારા  લગ્ન કરાવત. એક આખો દિવસ મેં ખૂબ વિચાર્યું અને નિર્ણય કર્યો કે ઘર છોડીને જતા રહેવું. પણ મુંબઈમાં તો તમે મને ખાેળી જ કાઢેા. તેથી મેં મારી એક બહેનપણી જે હોસ્ટેલમાં રહેતી હતી અને ઈન્દોર ની હતી, તેને વાત કરી કે થોડા દિવસ મને તારે ત્યાં ઈંદાેર લઈ જા. અમે ઇંદાેર આવ્યા. તેના ઘરનાને મારી વાતની ખબર પડી. દરેકે મારા પ્રત્યે હમદર્દી બતાવી. પરંતુ મારી બહેનપણીના કાકાનો દીકરો સૂચિત મારી પાસે આવીને બોલ્યો, ” હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, મારે તમારા જેવી જ પત્ની ની જરૂર છે તમારી ઈચ્છા હોય તો ….”અને મેં પણ એ પ્રસ્તાવ સ્વીકારી લીધો .બસ પછી હું અહીં જ છું. મુંબઈ આવી જ નથી.”

ઉષ્મા થોડીવાર અટકી. ઉમા આશ્ચર્યથી તેના તરફ જોતી રહી .પછી કંઇક યાદ આવી ગયુ હોય તેમ બોલી, “ધૈવતના ત્યારબાદ એક મહિને લગ્ન થયેલા. તેણે તેની પત્નીને કાઢી મૂકી હતી. અને અત્યારે બીજી કોઈ શ્રીમંત યુવતિ સાથે લગ્ન કર્યા છે. ઉષ્મા !તેં ખરેખર સારું પગલું ભર્યું! પરંતુ આ રીતે લગ્ન કરી ને તું સુખી તો છે ને ? દીદી !સાચું કહું તાે મેં માત્ર સુખ, સુખ અને સુખ જ જાેયું છે. પ્રેમાળ પતિ છે. માબાપના પ્રેમ ની ઉણપ ન સાલે એવા સાસુ-સસરા છે અને એક બાબો છે. એ અત્યારે સ્કૂલે ગયો છે. તારો સંસાર કેવો ચાલે છે દીદી?”

“મારા પતિ મુંબઈમાં નોકરી કરતા હતા. પરંતુ હાલમાં એમને નોકરી બદલી. એ ફાેરેસ્ટ ઓફિસર છે.  બે બેબી છે. બંને મજામાં છે.” ઉષ્મા હજી કંઈ પૂછવા જતી હતી ત્યાં જ ડોરબેલ રણકી ઊઠી. તેના સાસુ પાછા આવી ગયા હતા. બોલ્યા ,”ઉષ્મા! મારૃં કામ જલ્દી પતી ગયું. તારી વાર્તા લખાઈ ગઈ? તેં ચા પીધી કે નહીં ?અે હજી આગળ કંઈક બોલવા જતાં હતાં ત્યાં જ એમની નજર એક અજાણી સ્ત્રી પર પડી ને અટકી ગયાં.

ઉષ્મા બોલી, “મમ્મી! મારી મોટી બહેન છે. એની બદલી નજીકમાં જ થઇ છે. મને મળવા આવી છે.”

“ચા નાસ્તો કર્યો કે નહીં? ઉષ્માને હવે  જ ખ્યાલ આવ્યો કે વાતોમાં  એ વિવેક કરવાનું પણ ભૂલી ગઈ હતી. ઊમાએ નમસ્કાર કર્યા અને ઉષ્માનાં સાસુએ આશીર્વાદ આપતાં કહ્યું, ” બેટી! સદા સુખી રહે. હવે તો તું અહીંયા આવી એટલે મારી ઉષ્મા પણ ખુશ રહેશે.”

ઉમા આ સાંભળીને  સ્તબ્ધ બની ગઈ. એ વિચારી રહી હતી કે દહેજ વગર ઉષ્મા એ લગ્ન કર્યા છે એટલે તેને સાસરે દુઃખ હશે. એના બદલે ઉષ્માને કેટલો બધો પ્રેમ મળે છે !એના સાસુ પણ ઉષ્મા માટે ‘ મારી ઉષ્મા’ શબ્દ વાપરે છે. ઉમા વધુ વિચારે તે પહેલાં જ એને સાસુ બોલી ઊઠયાં ,”તારા મમ્મી પપ્પાની તબિયત સારી છે? તેઓ મજામાં છે? તું એકલી કેમ આવી છે ?”

ઉમા ફરીથી ચમકી. એને હતું કે ઉષ્માએ મા-બાપની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે એટલે એના સાસરે કોઈ મમ્મી-પપ્પા વિષે પૂછે છે જ નહીં. પણ વસ્તુસ્થિતિ બિલકુલ ઉલટી હતી.  ઉષ્માના સાસુ બીજા રુમ માં ગયા કે ઉમા બોલી ઊઠી ,”ઊષ્મા તું તો ખરેખર નસીબદાર છે. તારા સાસરે બધા તને ખૂબ પ્રેમ કરે છે, નહીં?”

“સાચું કહું દીદી!   મારા સાસુ તો હંમેશા કહે છે કે મારી  ઊષ્મા ને કંઈ પણ દુઃખ પડે તેા તે ક્યાં જાય? બિચારી માટે પિયર નો દરવાજો બંધ છે. જે ગણો એ એના માટે અમે  જ છીએ. અને અમારી ફરજ છે કે તેને ક્યારેય મા-બાપની ખોટ સાલવા ના દેવી.”

ઉષ્મા આગળ કંઈક બોલવા  જતી હતી, ત્યાં તેના સાસુ રૂમમાં પ્રવેશતા બોલ્યા, “હવે તમે બંને નાસ્તો કરી લો.” અને ઉમા સામે જોઈને બોલ્યા, “ઉષ્મા,  લખવા બેસે ત્યારે તેને ખાવા-પીવાનું ધ્યાન જ રહેતું  નથી. મારે જ યાદ રાખવું પડે છે. જો હું થર્માેસમા ચા મૂકીને ગઈ હતી, અને એને એ પીવાનું  ય યાદ ન રહયું.” ઊમાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એ માની પણ શકતી ન હતી કે સાસુ વહુનું આટલું બધું ધ્યાન રાખે. અત્યારે પણ ઉષ્મા તેની સાથે વાતો કરી રહી હતી અને ચા નાસ્તો તેના સાસુ જ  લાવેલા…તે પણ કેટલા પ્રેમથી !

ત્યાં જ ડોરબેલ રણકી અને ઉષ્માનો પતિ અને તેનો પુત્ર દાખલ થયા. ઉષ્માએ ઘડિયાળમાં જોયું પતિ તથા પુત્રને જોડે વહેલા આવેલા જોઈ આશ્ચર્ય પામતા કોઈ કંઈ પૂછે તે પહેલાં જ તેના સાસુ હસતાં હસતાં બોલ્યા ઘડિયાળમાં જોવાની જરૂર નથી. મેં  જ સૂચિત ને ફોન કરીને બોલાવ્યો અને કહ્યું કે અદ્વૈતને એ સ્કૂલેથી સાથે લેતો આવજે. એ પણ એના માસી ને મળે ને? થોડીવાર વારમાં એના પપ્પા પણ આવી જશે “.ઉષ્માને થયું કે તેના મનની વાત જાણે  એના સાસુએ સાંભળી લીધી હતી.

ઊમાએ તાે આટલા બધા પ્રેમાળ વાતાવરણની કલ્પના પણ કરી ન હતી.એ તો હજુ પણ માની શકતી ન હતી કે સાસરીમાં વહુ ને માટે આટલો બધો પ્રેમ- ઇજ્જત હોઈ શકે. ઊમાને તાે બીક હતી કે ઉષ્મા કદાચ સુખી નહિ હોય. કોણ જાણે એના સાસરે  બધાનાે સ્વભાવ પણ કેવાે હશે? પરંતુ અહીં તો બધા એની સાથે એવી રીતે વાતો કરતા હતા જાણે કે વર્ષો નો પરિચય હોય. વાતોમાં પણ પ્રેમની સરવાણી વહેતી હતી. જૂની વાતોનો ક્યાંય ઉલ્લેખ સરખો ન હતો .

ઊષ્માના સસરા પણ હવે આવી ગયા હતા .ઉષ્માના સાસુ-સસરા તો એની સાથે એવી રીતે વર્તતા હતા જાણે કે એમની પુત્રી ! અને ઉમાને  અધિકારપૂર્વક ઠપકાે પણ એકલા આવવા બદલ આપ્યો. ઊમા  બચાવ કરતાં થોડાક ઉદાસ સ્વરે બોલી, “મારી બે બેબીઓને અહીં ગામડામાં ગમતું નથી. ઘરની બહાર જ નથી નીકળતી. મુંબઈમાં અંગ્રેજી માધ્યમમાં ભણતી હતી. ગામડામાં અંગ્રેજી માધ્યમની સ્કૂલ નથી એટલે સ્કુલે પણ છોકરીઓ જતી નથી. ઘેર હું અને એના પપ્પા છોકરીઓને ભણાવીએ છીએ.”

વાતમાં ને વાતમાં સાંજ થવા આવી. ઊમા જવા તૈયાર થઈ ગઈ ત્યારે બધાએ ખૂબ આગ્રહ પૂર્વક રોકાવાનું કહ્યું,પરંતુ ઊમાએ “ઘેર બંને પુત્રીઓ અને પતિ રાહ જોતા હશે” કહી  વાત ટાળી અને જ્યારે ઊમા  જવા તૈયાર થઈ ત્યારે  ઊષ્માના સાસુ સાડી આપતા બોલ્યા, “બેટી! સહેજ પણ આના-કાની ના કરીશ. નહીં તો અમારું દિલ  દુઃખાશે. તું પણ અમારી ઉષમા જેવી જ દીકરી છું.” વિદાય વખતે ઊમાનુ દિલ લાગણીથી ભરાઈ આવ્યું. ઊમા ઘેર પહોંચી ત્યારે ખૂબ ખુશ હતી.

બહેનનાે સુખી સંસાર તેની સામે ખડો થઇ ગયો હતો. કેટલું સંસ્કારી અને પ્રેમાળ કુટુંબ હતું !આખી રાત તે પતિ અને પુત્રીઓ સાથે ઊષમાની તથા તેના ઘરની વાતો કરતી રહી એટલું જ નહીં, તે રાત્રે પત્ર દ્વારા ઉષ્માના સુખી સંસાર નું વર્ણન તેના મમ્મી-પપ્પાને લખી નાખ્યું. બે દિવસ બાદ એક  બપોરે ઉમાના ઘરની ડોરબેલ રણકી ઉઠી. ઉમા એ બારણું ખોલ્યું તો સ્તબ્ધ બની ગઈ. સામે ઉષ્માના સસરા ઉભેલા.  શું બોલવુ   એ ખબર પડતી ન હતી ત્યાં જ સ્નેહાળ  સ્મિત વેરતા ઊષ્માના  સસરા બોલ્યા,”મને ઘરમાં આવવાનુ નહીં કહે?”

ઊમા ક્ષોભ છુપાવતા બોલી, “હું તાે તમને જોઈને એટલી ખુશ થઈ ગઈ કે તમને કયા શબ્દોમાં આવકાર આપવો એ જ ખબરના પડી.”

ઉષ્માના સસરા બોલ્યા ,”બેટી !  હું ખાસ કામે આવ્યો છું. તારા પતિ …” ત્યાં જ એક જુવાન આવ્યો. ઉષ્માએ પતિ નો પરિચય કરાવ્યો અને ઉષ્માના સસરા વાત આગળ ચલાવતા બોલ્યા, “હું ,તમારી બંને પુત્રીઓને લેવા આવ્યો છું. ઈન્દોરમાં મારા મિત્રની ઓળખાણથી બંને જણને અંગ્રેજી માધ્યમની શાળામાં એડ્મિશન મળી ગયું છે અને બંને જણાં મારે ત્યાં જ રહેશે”.

ઉમા અને તેના પતિની ખુશીની સીમા ન હતી. તેમની મૂંઝવણનો અંત સહેજમાં આવી ગયો હતો. પરંતુ હજી આ વાત માન્યામાં આવતી ન હતી. પતિ-પત્નીના મનની મૂંઝવણ તેઓ સમજી ચૂક્યા અને હસતાં  હસતાંબોલ્યા, “અમારા અધ્વૈત ને બહેન નથી. એને એક સાથે બે બહેનો મળશે તો બહુ જ ખુશ થઇ જશે .”

દિવસો પસાર થવા લાગ્યા. બંને બહેનોને માસીને ત્યાં ગમવા લાગ્યું. હવે ઉષ્માના માતા-પિતાએ પણ ઉષ્મા સાથે  પત્ર વ્યવહાર ચાલુ કર્યો હતો. એકવાર ઉષ્માનો સાસરીયા ના આગ્રહ ને  વશ થઈને દીકરી ને ત્યાં નહીં રહેવાનો નિયમ નેવે મૂકીને  ઈંદાેર પણ આવી ગયા. દાૈહિત્ર અધ્વેતને રમાડી ગયાં અને પુત્રીનો સુખી સંસાર જોઈ આનંદિત બની ગયા.

પરંતુ બંને પુત્રીઓ દૂર જવાથી ઊમા અને તેના પતિને ઘર ખાલી લાગવા લાગ્યું અને તેઓએ  નિર્ણય કરી લીધો કે આ નોકરી છોડી પાછા મુંબઈ જતા રહેવું અને તેમના નસીબ એ ત્યાં નોકરી પણ મળી ગઈ. એ દરમિયાન વર્ષ પૂરું થવા આવ્યું હતું. બંને પુત્રીઓ પ્રથમ નંબરે પાસ થઈ હતી. હવે તેઓ પાછાં મુંબઈ જઈ રહ્યા હતા. પરંતુ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયેલી છતાં ઈંદાેર છોડીને મુંબઈ પાછા ફરતાં બંને પુત્રીઓની આંખો  માં આંસુ આવી ગયા. એ જોઈ  ઊમા અને તેનો પતિ ઉષ્માના સાસરિયાંએાને કહ્યા વગર ના રહ્યા કે ,”અહીં કંઈક એવું છે કે આવનાર ને આ જગ્યા છોડીને જવું ગમતું નથી.”

ઉષ્માના  સસરા ગંભીર અવાજે બોલ્યા, “સાચી વાત છે . અહીં માત્ર પ્રેમ, પ્રેમ અને પ્રેમ જ છે. એક મનુષ્ય બીજા મનુષ્યને સમજવા પ્રયત્ન કરે, તેની મુસીબતોમાં મદદ કરે, હૃદયથી સ્નેહ આપે,  એવા વાતાવરણમાં દુઃખ પ્રવેશી પણ ના શકે. ત્યાંનું વાતાવરણ સ્વર્ગ થી સહેજ પણ ઊતરતું ના હોય.” સહેજ સ્મિત કરતા ઉમેર્યું, “અને સ્વર્ગ છોડીને જવું તો  કોઈને ગમે જ નહીં ને?”

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

Categories: Nayna Shah

Leave a Reply