DIARY

સ્વર યોગા અનુભવ – દિવસ 2

આજે મુખ્યત્વે બે વાત શીખવા અને જાણવા મળી. આ બધું આપણી રોજિંદી જીવનશૈલી જ છે, પણ આપણું એ તરફ કોઈ દિવસ ધ્યાન જ નથી ગયું કે નથી એવી ઈચ્છા જાગી કે આ બધું જાણીએ. તો ચાલો આજે હું જે શીખ્યો અને જાણ્યો છું તે જાણવું છું અને મારા માટે નોંધ ટપકાવું છું કે જેથી કરીને મને આગળ જતા કામ લાગે.

શરીરમાં ગેસના પ્રોબ્લેમ કેમ થાય? : ગેસ બે પ્રકારના થતા હોય છે.

  • ખરાબ વાસ વાળો ગેસ. આ ગેસ અપચાને લીધે થતો હોય છે. ખોરાક પચે નહિ એટલે તે પેટમાં સડી જાય અને તેમાંથી ગેસ ઉત્પન્ન થાય. એ ગેસ બહાર નીકળે ત્યારે દુર્ગંધ વાળો હોય છે કારણકે ખોરાક સડી ગયો હોય છે એટલે. ખોરાક કંઈ પરિસ્થિતિમાં ના પચે? તો તેના પણ કારણ છે, જેમ કે વધુ જમવાથી અને ચંદ્ર નાડી (ડાબું નાક) કાર્યરત હોય ત્યારે જમવાથી અપચાની સ્થિતિ આવે. આવી સ્થિતિમાંથી બચવા માટે સૂર્ય નાડીમાં (જમણું નાક ચાલું હોય ત્યારે) જમવાનું રાખવું.
  • બીજો ગેસ હોય જે બહાર આવે ત્યારે દુર્ગંધ ના ફેલાવે પણ અવાજ કરતો હોય. આવો ગેસ થવાનું મુખ્ય કારણ છે સૂર્ય નાડીમાં પાણી પીવું. ચંદ્ર નાડીમાં જમવું પડે તો જમી શકાય (નાડી ચેન્જ કરતાં આવડતી ના હોય તો) પણ સૂર્ય નાડીમાં પાણી કોઈપણ કાળે પીવું નહિ. ચંદ્ર નાડીમાં સામાન્ય રીતે તરસ લાગતી ના હોય, તો પણ ત્યારે પાણી પીવું ખુબ જરૂરી છે જેથી શરીરમાં પાણીની જે 70% માત્રા છે તે જળવાઈ રહે.

જમવું ક્યારે? પાણી ક્યારે પીવું?:

સામાન્ય રીતે આ સવાલનો જવાબ બધાનો હોય કે ભૂખ લાગે ત્યારે જમવું અને તરસ લાગે ત્યારે પાણી પીવું અથવા જમવાનો એક ચોક્કસ સમય રાખવો અને ત્યારે જમવું. પણ આ વાત ખોટી છે. એક ઉદાહરણ જોઈએ. આપણે ઘરમાં અનાજ, કપડાં કે પાણી નો સંગ્રહ કરીએ છીએ કે જયારે જરૂર પડે ત્યારે બજારમાંથી લઇ આવીએ છીએ? કોઈ જરૂર પડે ત્યારે બજારમાંથી લઇ આવે તો શું કહો તમે તેને? મૂરખ!! બરોબર ને? તો ખોરાક અને પાણીનું પણ એવું જ છે. ભૂખ્યા રહેવાથી શરીરમાં એસિડ પેદા થાય અને જો તેને ખોરાક ના મળે તો તે આંતરડાને ખોરાક સમજીને ખાવા લાગે. આવું થાય એટલે આંતરડાના પડ ધીરે ધીરે ખવાતા જાય અને તેમાં ચાંદા અથવા કાણું પડી જાય અને જેને આપણે અલ્સર તરીકે ઓળખીએ છીએ. આનાથી બચવા માટે ભૂખ લાગે એટલે તરત પેટમાં કંઈક ખોરાકની આહુતિ આપી દેવી. ત્યારે સૂર્ય નાડી હોય તો તો ખુબજ સારું, આગળ જતાં એ પણ શીખવા મળશે કે નાડી જરૂરિયાત મુજબ ચેન્જ કરવી તે.

પાણી. તરસ લાગવી વાત જ ખોટી છે. જો તમે શરીરમાં પાણીનું લેવલ (70%) મેઈન્ટેઈન કરતાં હો તો તરસ લાગશે જ નહિ. આપણે ઘરમાં જરૂરિયાતની ચીજો જેવી આગળ કહ્યું તેમ અનાજ, કપડાં વગેરેનો સંગ્રહ કરતા હોઈએ તેમ શરીરમાં 70% પાણીનું લેવલ પણ મેઈન્ટેઈન કરવું જરૂરી છે. સવારે 5 થી 10 ની વચ્ચે જે પાણી પીવામાં આવે છે તે શરીરમાં પાણીનું લેવલ મેઈન્ટેઈન કરવામાં ખાસ્સી મદદ કરે છે. પણ પાણી કેમ પીવું એ કાલે કહ્યું તે મુજબ ધીરે ધીરે પીવું. બપોરે 2 થી 7 વચ્ચેનું પાણી શરીરના એસિડને શાંત કરવાનું કામ કરે છે. રાત્રે 9 વાગા પછી પાણી પીવાનું ટાળવું જોઈએ.

સૂવું કંઈ રીતે જોઈએ?

સુવાની મુખ્યત્વે 4 રીતો હોય છે. સીધું સૂવું, ઉલટું સૂવું, ડાબી બાજુ પડખું વળીને અને જમણી બાજુ પડખું વળીને. સીધું સૂવું એટલે સવાસન. પીઠપર સૂવું, શવાસનમાં સૂવું કે સીધું સૂવું તે ગલત રીત છે. હા, થાકી ગયા હોવ અને 5 મિનિટ પીઠને આરામ આપવાની વાત હોય તો અલગ વાત છે પરંતુ રાત્રે જયારે લાંબી નીંદર કરવી હોય ત્યારે ડાબા પડખે સૂવું ખુબ ફાયદાકારક છે. ડાબા પડખે સૂવાથી આપણા ડાબા હાથ પર વજન આવે અને જેને લીધે આપણી સૂર્ય નાડી ચાલુ થઈ જાય અને આખી રાત રહે. સૂર્ય નાડી ચાલુ થવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય અને તે ખોરાક પચાવામાં મદદ કરે છે. રાત્રે આકાશમાં ચંદ્ર હોય અને વાતાવરણ પણ ઠંડુ હોય એટલે શરીરને ગરમ રાખવામાં પણ મદદ કરે છે.

ઘણાં લોકોને બપોરે સુવાની આદત હોય છે (મને જ ☺️😜 ) જેને વામકુક્ષી કહેવામાં આવે છે, તો જો જમીને તરત સુવાની આદત હોય તો તેણે પણ ડાબે પડખે સુવાનું અને એ પણ 30 મિનિટ થી વધું નહિ. ડાબે પડખે એટલે કે સૂર્ય નાડી ચાલુ રાખવા માટે જેથી જમવાનું પચાવવામાં મદદ મળે. વધું સૂવું હોય તો પછી જમણે પડખે સૂવું. સુવામાં પણ ગાદલા અને ઓશિકાનું મહત્વ ઓછું નથી. ગાદલું એટલું નરમ પણ ના હોવું જોઈએ કે જેથી તેમાં શરીર અંદર જતું રહે, જો એવું થશે તો કરોડરજ્જુમાં તેની અસર દેખાશે. એટલે ગાદલું 4 ઇંચ થી વધું જાડું ના હોવું જોઈએ. ઓશીકું ડાબા કે જમણા પડખે સૂતી વખતે આપણા ખભા અને માથાની વચ્ચેનો ગેપ પુરવાના કામ માટે હોય છે. સીધું સૂવું હોય તો ઓશિકા વગર સૂવું સારું રહે.

કાલે જોયું હતું કે નાડી એક કે બે કલાકે ચેન્જ થતી હોય છે. એનો આધાર તમે રાત્રે કંઈ સાઈડ સુતા હતા તે છે. રાત્રે એક સાઈડ વધુ સુતા હોવ તો દિવસે એ બાજુની નાડી એટલી વાર વધુ ચાલુ રહે. જેને માનસિક થાક, ટેંશન, બીક કે વિચારો બહું આવતા હોય તે લોકો રાત્રે પડખાં વધુ ફેરવતાં હોય છે. તમે બાળકોને સુતા હોય ત્યારે જોજો, તે એક જ પોઝિશનમાં 4 થી 5 કલાક સુતા હોય છે, કારણકે તેનું મન શાંત હોય છે.

સ્વર યોગમાં એક વાત કહેવામાં આવી છે : “दिन में चले चंद्र, रात में चले सूर्य; वो संत कहेलाता है, वो योगी कहेलाता है।” જે માણસના શરીરમાં દિવસે ચંદ્ર અને રાત્રે સૂર્ય ચાલતો હોય તે સંત કહેવાય, યોગી કહેવાય. સંત એટલે એ માણસ ખુબ જ શાંત હશે અને યોગી એટલે એ માણસ બીમાર ભાગ્યે પડતો હોય તેને યોગી કહેવાય. દિવસે ચંદ્ર નાડી ચલાવી એટલે શરીરને આલ્કલાઈન રાખવું અને દિવસે સૂર્ય નાડી ચલાવી એટલે શરીરને એસિડિક રાખવું. દિવસે શરીર એસિડિક રાખવાથી અને રાત્રે શરીરને આલ્કલાઈન રાખવાથી કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે.

આજનો સારાંશ:

  • રાત્રે 9 પછી પાણી ના પીવું.
  • રાત્રે ડાબે પડખે સુવાની આદત પાડવી.
  • પાણી બેસીને પીવું.
  • રાત્રે બહું મોડે સુવાનું થાય એટલે કે 3-4 વાગા પછી તો જમણે પડખે સૂવું.
  • જેના શરીરમાં પિત્ત હોય તેણે તાંબાના વાસણનું પાણી ન પીવું. બીજા લોકોએ તાંબાના વાસણનું પાણી શરીરને ગરમ રાખે એટલે તે શિયાળામાં જ પીવું. રેગ્યુલર વપરાશમાં ચાંદીના કે સોનાના વાસણનું પાણી ખુબજ સારું.
  • રાત્રે 9 પછી પાણી ના પીવાથી અને ડાબે પડખે સૂવાથી ઘણી બીમારીઓ મટી શકે છે જેમકે સ્ત્રીઓની માસિકની અનિયમિતતા, અસ્થમા, પ્રોસ્ટેટ…વગેરે.
  • સારા ખેલ રાત કે હૈ.

*******

-ચેતન ઠકરાર
+919558767835

સ્વર યોગા અનુભવ – દિવસ 1                                                                                                                        સ્વર યોગા અનુભવ – દિવસ 3

Categories: DIARY, SELF / स्वयं

Tagged as: ,

2 replies »

Leave a Reply