SELF / स्वयं

ગુરુની શિખામણ

એક યુવાન માણસે ત્યાગની પ્રતિજ્ઞા લીધી અને સ્વામી બની ગયો. તેના ગુરુએ તેને ત્રણ વસ્તુથી દૂર રહેવાનું કહ્યું, સોનુ-સ્ત્રી અને કીર્તિ.

એક દિવસ સ્વામી નદી પાર કરતો હતો અને તેના ધ્યાન પર આવ્યું કે નદી કિનારાનો થોડોક ભાગ ધોવાઈ ગયો હતો. પછી તેણે જોયું કે સોનાના સિક્કા ભરેલા થોડાક વાસણો ખુલ્લાં થઈ ગયાં હતા. તેણે વિચાર્યું “મારે આની જરૂર નથી કારણ મેં દુનિયાનો ત્યાગ કર્યો છે, પરંતુ જો હું એક મંદિર બાંધું તો તે સારું છે.” આથી તે કેટલાક બિલ્ડરો પાસે ગયો અને પોતાને જે મળ્યું હતું તે દેખાડ્યું અને તેમને એક મંદિર બાંધવાનું કહ્યું. બિલ્ડરો એકબીજાને કહ્યું “એક સ્વામી પાસે આટલા બધા પૈસા શા માટે હોવા જોઈએ? ચાલો આપણે તેને નદીમાં ફેંકી દઈએ અને પૈસા આપણી વચ્ચે વહેંચી લઈએ.”

તે સ્વામી લગભગ ડૂબી ગયો હતો, પરંતુ ઈશ્વરની કૃપાથી કોઈક રીતે બચી ગયો. પછી તેણે આખરી નિર્ણય કર્યો “ગમે તે થાય, પૈસાને અડવું નહીં.” તે જંગલમાં ઘણે દૂર ચાલ્યો ગયો. જયારે કોઈ તેને મળવા આવતું તો તે કહેતો “ત્યાં જ થોભો. જો તમારી પાસે કંઈ ધન હોય તો નજીક આવતાં પહેલાં તેને બાજુએ મુકો.”

એક મહિલા આવી અને સ્વામીએ આદેશ આપ્યો “મારી નજીક આવશો નહિ.” તેણીએ કહ્યું “સ્વામી, હું માત્ર અહીં દરરોજ ખાવાનું મૂકીને ચાલી જઈશ.” પરંતુ તે દરરોજ થોડીક તે સ્વામીની વધારે નજીક આવતી. સ્વામીને વિશ્વાસ હતો કે તેણી સારી વ્યક્તિ હતી. તેણે વિચાર્યું “તેણી ખરેખર મારી સંભાળ રાખવા માંગે છે અને હું તેને જ્ઞાન આપું તેમ ઈચ્છે છે.”

એક દિવસ તે મહિલા સ્વામીને સાથ મળે તે માટે એક બીલાડી લઈ આવી. પરંતુ બીલાડી સ્વામી માટે તૈયાર કરેલો ખોરાક નહોતી ખાતી. સ્વામીએ વિનંતી કરી “મારે બિલાડી માટે દરરોજ થોડુંક દૂધ જોઈશે.” તેણી એક ગાય લઇ આવી. સ્વામીએ પૂછ્યું “આ ગાયની સંભાળ કોણ રાખશે?” તેણીએ પૂછ્યું “હું તેની સંભાળ રાખું?” સ્વામી સંમત થયો.

તે મહિલા સ્વામીની વધુને વધુ સંભાળ રાખવા લાગી. છેવટે તેઓ સાથે રહેવા લાગ્યા, અને તે સ્ત્રીએ તેનું બાળક ધારણ કર્યું. એક દિવસ તે સ્વામી બાળકની સંભાળ રાખતો હતો ત્યારે બીજો સ્વામી આવ્યો અને કહ્યું “તને શું થઈ ગયું છે?”

સ્વામીને જયારે ખ્યાલ આવ્યો કે તે ફરી પાછો દુનિયા સાથે કેટલો બંધાઈ ગયો છે, ત્યારે તે રડવા લાગ્યો. તે જંગલમાં વધુ ઉંડે ચાલ્યો ગયો. તેણે ખૂબ ગંભીરતાપૂર્વક અભ્યાસ કર્યો અને થોડાં વર્ષો પછી કેટલીક સિદ્ધિઓ (શકિતઓ) મેળવી. 

એક દિવસ એક નજીકના ગામના માણસે તેને શોધી કાઢ્યો તેણે પ્રણામ કાર્ય અને કહ્યું “સ્વામીજી, તમે ખૂબ દયાળુ છો અને આટલા મોટા જ્ઞાની પુરુષ છો. હું ખૂબ ગરીબ છું; મારાં બાળકો પાસે પૂરતું ખાવાનું પણ નથી. મને મદદ કરો!” સ્વામીજીએ કહ્યું “મારી દાઢીનો એક વાળ લઇ લે અને તારા કબાટમાં રાખ. આવતી કાલે તારો કબાટ પૈસાથી ભરાઈ જશે. પરંતુ બીજા કોઈને આ વાત કરીશ નહિ.”

જયારે તે માણસ ઘરે પાછો ફર્યો ત્યારે તેણે સ્વાભાવિક રીતે તેની પત્ની પાસે વાત ખૂલ્લી કરી, અને તેની પત્નીએ બીજા ઘણાને વાત કરી. સમાચાર ઝડપથી દૂર દૂર પ્રસરી ગયા. સેંકડો લોકોએ સ્વામી પાસે તેમની દાઢીમાંથી એક વાળ ખેંચવા માટે ભીડ કરી મૂકી. તેનો ચહેરો સૂજી ગયો અને લોહી નીકળવા લાગ્યું. 

ફરી એકવાર તેણે ચાલ્યા જવું પડ્યું અને નવેસરથી અભ્યાસ શરુ કરવો પડ્યો. પરંતુ તે એક અમૂલ્ય બોધપાઠ શીખ્યો હતો. હવે તે સોનુ, સ્ત્રી અને કીર્તિ સાથે સંકળાવાનું પરિણામ જાણી ગયો હતો. ગુરુએ કેમ આ ત્રણ થી દૂર રહેવાનું કહ્યું હતું તે તેને અનુભવથી સમજાયું.

*******

-ચેતન ઠકરાર 

+919558767835

Leave a Reply