હું યોગા વગેરે માં માનતો નહોતો. હા મૌન યોગ કરતો હતો. ત્યાં મારા હાથમાં એક પુસ્તક આવ્યું “હિમાલયના સિદ્ધયોગીઓ સાથે જીવન” અને ત્યાર પછી મને યોગ અને સાધનામાં રસ આવ્યો. કહે ને કે જયારે જે વસ્તુ થવાની હોય ત્યારે બધા પરિબળો તમને તે તરફ જ ખેંચે, એમ મારી એક મિત્રએ મને સ્વર યોગા વિષે વાત કરી અને મને જોઈન કરવાનો આગ્રહ કર્યો. આજથી એટલે કે 05-01-2021 એ મારો સ્વર યોગનો પહેલો દિવસ હતો.
અનુભવ ખુબજ સરસ રહ્યો અને ઘણું નવું જાણવાનું મળ્યું, શીખવાનું મળ્યું. એ બધું યાદ રાખવા માટે (યાદશક્તિ પહેલા જેવી નથી એટલે) અને બીજા કોઈને વાંચીને મન થાય અથવા તો કંઈક નવું જાણવા મળે એ માટે આ લખું છું.
સ્વર યોગાનો ઉદ્દેશ્ય આપણા શ્વાસની ગતિ પર કંટ્રોલ અને શરીરમાં પાણીનું બેલેન્સ કેમ કરવું એ ઉપર છે. આજે મારો પહેલો દિવસ જ છે એટલે વધુ તો હું કંઈ લખી નહિ શકું પણ જેટલું હું આજે શીખ્યો છું એ લખીશ.
- આપણા નાકની બે સાઈડ હોય છે. ડાબી (Left) બાજુના નાકને ચંદ્ર નાડી કહેવાય છે. જે શરીરને ઠંડુ કરવાનું કામ કરે છે અને જમણી બાજુના મગજને વધુ કાર્યરત કે અસર કરે છે. જ્યારે જમણી (Right) બાજુના નાકને સૂર્ય નાડી કહેવાય છે. જે શરીરને ગરમ કરવાનું કામ કરે છે અને ડાબી બાજુના મગજને વધુ કાર્યરત કે અસર કરે છે.
- વાતાવરણ (Nature) સાથે શરીર તાલ-મેલ (Tune) કરતાં શીખી જાય તો ઘણી બીમારીથી બચી શકાય છે. વાતાવરણ ગરમ હોય તો શરીરને ઠંડુ રાખવું પડે અને વાતાવરણ ઠંડુ હોય તો શરીરને ગરમ રાખવું પડે.
હવે સવાલ એ થશે કે એ કંઈ રીતે કરવું? તો તેના માટે આપણે એ જાણવું જરૂરી છે કે અત્યારે આપણું કંઈ બાજુનું નાક વધું કામ કરે છે તે. તે જાણવા માટે આપણી હથેળીની પાછળની સાઈડ નાક પાસે લઈ જવી અને શ્વાસ છોડવો. તમને મહેસુસ થશે કે કંઈ બાજુનું નાક અત્યારે કામ કરે છે. સામાન્ય રીતે એક થી બે (1 to 2) કલાકે આ સાઈડ આપમેળે બદલાતી રહેતી હોય છે. કોઈકનું એક કલાકે થતું હોય કોઈકનું બે કલાકે.
- જયારે ડાબી બાજુનું નાક કામ કરતુ હોય એટલે કે શ્વાસ શરીરને ઠંડુ કરવાનું કામ કરતુ હોય ત્યારે જમવાનું ટાળવું જોઈએ અને પાણી પીવાનું વધારવું જોઈએ.
- જયારે જમણી બાજુનું નાક કામ કરતુ હોય એટલે કે શ્વાસ શરીરને ગરમ કરવાનું કામ કરતુ હોય ત્યારે પાણી પીવાનું ટાળવું જોઈએ અને જમવા માટેનો શ્રેષ્ઠ સમય હોય છે.
શ્વાસની ગતિ (Speed) પણ અગત્યનો ભાગ ભજવે છે. શ્વાસની ગતિ ઓછી હોય તો આયુષ્ય વધુ અને શ્વાસની ગતિ વધુ હોય તો આયુષ્ય ઓછું. ઉદાહરણ તરીકે નીચેનું ટેબલ જોઈએ.
જીવ | શ્વાસની ગતિ /મિનિટ | આયુષ્ય (અંદાજીત) |
કૂતરો (ડોગ) | 50-80 | 14 વર્ષ |
ઘોડો (Horse) | 30-35 | 30 વર્ષ |
હાથી (Elephant) | 15-19 | 100 વર્ષ |
માણસ (Human) | 12-15 | 100-150 વર્ષ |
કાંચબો (Tortoise) | 8-9 | 500 વર્ષ |
સાપ-સર્પ (Snake) | 1-3 | 1000 વર્ષ |
શ્વાસની ગણતરી એટલે એક વાર શ્વાસ તમે અંદર લ્યો અને બહાર છોડો તેને એક શ્વાસ લીધો કહેવાય. તમે શું ખાવ છો તે અગત્યનું નથી, પણ તમારા શ્વાસની ગતિ કેવી અને કેટલી છે તે ઉપર તમારું આયુષ્યનો આધાર છે. સાપ અને કૂતરો બંને નોન-વેજીટેરીઅન પ્રાણી કહેવાય પણ બંનેના શ્વાસની ગતિ અલગ છે એટલે તેમના આયુષ્યમાં આટલો ફર્ક છે.
હવે સવાલ એ થાય કે શ્વાસ વધે કેમ?
- શ્વાસ વધવાના 3 મુખ્ય કારણો છે. 1) વાતો કરવાથી (એટલે જ તો મૌન નો આટલો મહિમા છે, અને ઋષિ મુનિઓ મૌન બહું રાખતા હોય છે.) (2) ચાલવાથી અને (3) જમતા હોઈએ ત્યારે. આ ત્રણ ક્રિયા કરતા હોઈએ ત્યારે આપણા શ્વાસની ગતિ સામાન્ય કરતાં 3 કાઉન્ટ વધી જાય. સામાન્ય તમારી શ્વાસની ગતિ 14 હોય તો આ ત્રણ ક્રિયા કરતી વખતે તે 17 થઇ જાય.
- દોડવાથી શ્વાસની ગતિ 30 થી 35 થઇ જાય. દોડવામાં શારીરિક અને માનસિક બંને આવી ગયું. માનસિક એટલે જયારે તમે બહું વિચારોમાં હોવ ત્યારે શ્વાસની ગતિ વધી જતી હોય છે. અને એટલે જ બ્લડ પ્રેશર અને તેના જેવી બીજી બીમારીઓ થતી હોય છે.
- સુવા થી / નીંદર કરતા હોઈએ ત્યારે શ્વાસની ગતિ દોઢી (1.5 Times) થઇ જાય છે. એટલે કે સામાન્ય તમારી શ્વાસની ગતિ 14 હોય તો આ ત્રણ ક્રિયા કરતી વખતે તે 20-22 થઇ જાય. શારીરિક થાક કે માનસિક તાણ હોય અને નીંદર કરતુ હોય કોઈ ત્યારે તેના નશ્કોરા બોલતાં હોય તો તેનું આ પણ એક કારણ છે.
શ્વાસ વધારતા છ (6) દુશ્મન :
- કામ (Lust)
- ક્રોધ (Anger)
- અહમ (Ego)
- મોહ / લોભ (Greed)
- ઈર્ષા / સરખામણી ( Jealousy / Compassion )
- ગર્વ (Pride)
પહેલા બે એટલે કે કામ અને ક્રોધ કરવાથી શ્વાસની ગતિ 20-25 સુધી થઇ જતી હોય છે. બાકીના ચાર એટલે કે અહમ, મોહ-લોભ, ઈર્ષા-સરખામણી અને ગર્વ-અભિમાન કરીએ ત્યારે આપણા શ્વાસની ગતિ 18 સુધી જતી હોય છે. આપણને અત્યાર સુધી એવું જ લાગતું હતું અને બધા કહેતા પણ હોય છે કે કામ અને ક્રોધ બહુ ખરાબ. પણ હકીકતમાં બીજા ચાર છે તે વધું ખરાબ. કારણકે કામ અને ક્રોધનો સમય બહું ઓછો હોય છે જયારે અહમ, મોહ-લોભ, ઈર્ષા-સરખામણી અને ગર્વ-અભિમાનનો સમયગાળો બહું વધુ હોય છે.
જમવાની યોગ્ય પદ્ધતિ:
આપણું જમણું નાક જયારે કાર્યરત હોય એટલે કે સૂર્ય નાડી જયારે ચાલુ હોય ત્યારે શરીર ગરમ થતું હોય છે. ત્યારે જમવાથી ફાયદો થાય છે. જમવાનું તરત પચી જાય છે. કારણ કે આપણા પેટમાં ત્યારે અગ્નિ ચાલુ હોય છે, શરીર ગરમ હોય છે. શાસ્ત્રોમાં જમવાને પેટ પૂજા પણ કહી છે અને ખોરાકને પેટના યજ્ઞની આહુતિ કહી છે. જયારે યજ્ઞ ચાલુ હોય અને તમે તેમાં પાણી નાખો તો શું થાય? ચૂલા પર જમવાનું બનાવતા હોવ ત્યારે તમે તેમાં પાણી નાખો તો શું થાય? આગ ઠરી જાય…. એમ જમતી વખતે કે શરીર ગરમ હોય ત્યારે તમે પાણી પીવો તો તે શરીરની આગને ઠારી નાખે અને ખોરાકને પચવા દેતું નથી. માટે જમતી વખતે પાણી પીવાનું સદંતર ટાળવું જોઈએ. માણસ જ એક એવું જાનવર છે જે જમતી વખતે પાણી પીવે છે.
કોઈકને સવાલ થશે કે જમતા જમતા પાણીની તરસ લાગે તો શું કરવું? પાણી પીવું પડે તો શું કરવું? તો પહેલા તો એ વિચારીએ કે જમતી વખતે એવું મન થવાનું કારણ શું હોઈ શકે? ત્રણ કારણ મેઈન હોય,
- જમવાનું સૂકું હોય ત્યારે. જેમ કે બાજરાનો રોટલો એકલો ખાવ તો ગળે ઉતારવામાં તકલીફ થાય. તો આવા ખોરાકને ભૂકો કરી તેમાં થોડું પ્રવાહી જેમ કે દૂધ, દહીં, શાક, દાળ મિક્ષ કરવાથી ખોરાક ગળે સરળતાથી ઉતારી શકાશે અને પાણી પીવાથી દૂર રહી શકાશે.
- સામાન્ય કરતાં વધુ તીખો ખોરાક ખાતી વખતે મન થાય પાણી પીવાનું. આવા કિસ્સામાં તીખું ખાવાનું ટાળવું જોઈએ જેથી પાણીની તરસ ના લાગે કે મન ના થાય.
- ખોરાક સરખી રીતે ચાવી ને ના ખાતા હોઈએ ત્યારે પાણી પીવાનું મન થાય. ખાસ કરીને ભાત (ચોખા) ખાતી વખતે ઘણાંખરાં લોકો ચાવવાનું ટાળતા હોય છે. ખોરાક ચાવીને ખાવાથી મોઢામાં લાળનું ઉત્પાદન વધશે અને પાણીની તરસ નહિ લાગે.
- જમ્યા પછી ચંદ્ર નાડી (ડાબું નાક) કાર્યરત થયા પછી જ પાણી પીવાનું રાખવું.
દિવસમાં પાણી કેટલું અને ક્યારે પીવું જોઈએ?
સામાન્ય અને વૈજ્ઞાનિક મુજબ શરીરને રોજ પાંચ (5) લીટર પાણી જોઈએ. ચા, દૂધ, ફ્રૂટ, છાસ, જમવાનું આ બધા માંથી 1.5 લીટર પાણી શરીરને મળી રહે. બીજું 3.5 લીટર પાણી આપણે ચંદ્ર નાડી ના સમયમાં પીવાનું રહે. 80% બીમારી પેટ ને (પેટની ગરમી ને લીધે) લીધે થતી હોય છે જે ફક્ત પાણી પીવાની યોગ્ય પદ્ધતિ દ્વારા દૂર કરી શકાય છે.
એક સમયે વધુ પાણી પીવું ના જોઈએ. આપણે જયારે ખુબ તરસ લાગે ત્યારે એક સાથે 1 અથવા 2 ગ્લાસ પાણી પી જઈએ છીએ જે ખોટું છે. એક સાથે પાણી પીવાથી શરીર ફક્ત 30% જ પાણી સાચવી શકે છે, બાકીનું 70% મૂત્ર દ્વારા બહાર કાઢી નાખે છે. આપણે જે પાણી પીએ તે મિનિમમ 6 કલાક શરીરમાં ફરવું જોઈએ. મોઢામાં પાણી ભરી અને તે ત્રણ ઘૂંટડે ગળે ઉતારવું જોઈએ.
શરીરમાં પાણીની કમી હોઈ ત્યારે શરીર કોઈ પણ રીતે તે પૂરું કરવાની કોશિશ કરે અને ક્યાંય થી ના મળે તો એ આપણા મળ માંથી પાણી ખેંચે અને મળ માંથી પાણી ખેંચાઈ જવાથી મળ કઠણ થઇ જાય અને તેને લગતી બીમારી પણ થાય જેમ કે હરસ, મસા, ભગંદર વગેરે. મળ માંથી ખેંચાયેલું પાણી શુદ્ધ ના હોય અને તે ગંદુ પાણી શરીરના બીજા પાણીને પણ ગંદુ કરે. ગંદુ પાણી અને પાણી ની કમી શરીરમાં ઘણાં રોગોને આમંત્રણ આપે છે. ચહેરા પરના ડાઘ, ખીલ કે આંખો નીચેના કાળા કુંડાળા પાણીની કમીની નિશાની કહી શકાય.
સૂર્ય નાડીમાં પાણીની તરસ લાગે તો ત્યારે ફ્રૂટ, ફ્રૂટ જ્યુસ કે લચ્છી પીવાથી પાણીની કમી પુરી થઇ શકે.
*******
-ચેતન ઠકરાર
+919558767835
Categories: DIARY, SELF / स्वयं
1 reply »