SELF / स्वयं

સાચું જ્ઞાન

પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાન વચ્ચેનો તફાવત સમજવા માટે મદદ મળે તે માટે આજે એક વાર્તા મમળાવીએ, પછી તેના પર વાત કરશું. 

એક ગુરુનો એક વિદ્યાર્થી હતો. જેણે ક્યારેય ગાય જોઈ ન હતી કે દૂધ ચાખ્યું ન હતું, પરંતુ તેને ખબર હતી કે દૂધ પોષણક્ષમ છે. આથી તે એક ગાય શોધવા, તેને દોહવા તથા દૂધ પીવા માંગતો હતો. તે તેના ગુરુ પાસે ગયો અને પૂછ્યું “તમે ગાયો વિશે કંઈ જાણો છો?”

ગુરુએ જવાબ આપ્યો “હા, ચોક્કસ.”

વિદ્યાર્થીએ વિનંતી કરી “મને એક ગાય વર્ણવી દેખાડો.”

આથી ગુરુએ ગાયનું વર્ણન કર્યું “ગાયને ચાર પગ હોય છે. તે એક પાલતું, નરમ પ્રાણી છે. જંગલમાં નહીં પણ ગામડાંઓમાં જોવા મળે છે. તેનું દૂધ સફેદ હોય છે. અને તારાં આરોગ્ય માટે ઘણું સારું છે.” ગુરુએ તેની પૂંછડીને કાન કેવાં હોય છે, વગેરે બધાનું વર્ણન કર્યું. 

ગુરુના વર્ણન પછી વિદ્યાર્થી ગાયની શોધમાં ગયો. માર્ગમાં તેણે એક ગાયનું પુતળું જોયું. તેણે વિચાર્યું “આ ચોક્કસ એ જ છે, જે મારા ગુરુએ વર્ણવ્યું હતું.” સંજોગવશાત તે દિવસે નજીકમાં રહેતા કેટલાક લોકો તેમનાં ઘરને ચૂનો લગાડતા હતા અને ચૂનો ભરેલી એક બાલટી તે પૂતળાં પાસે પડી હતી.

તે વિદ્યાર્થીએ તે જોઈ અને નક્કી કર્યું “આ જ એ દૂધ હોવું જોઈએ જે પીવા માટે સારું છે.” તે થોડુંક ચૂનાનું ધોળ ગળી ગયો અને ભયંકર બીમાર થઈ ગયો, તેને હોસ્પીટલમાં લઈ જવો પડ્યો.

તે સાજો થયો પછી તેના ગુરુ પાસે ગયો અને ગુસ્સે થઈને આરોપ લગાડ્યો “તમે શિક્ષક નથી!તમારું ગાયનું વર્ણન જરાપણ સચોટ ન હતું.”

ગુરુએ પૂછ્યું “વાત શું છે? શું થયું?”

વિદ્યાર્થીએ જે બન્યું હતું તે સમજાવ્યું અને ગુરુએ પૂછ્યું “તે તારી મેળે ગાયને દોહી હતી?”

“ના.” વિદ્યાર્થીએ જવાબ આપ્યો.

“માટે જ તું હેરાન થયો.”

*******

આજે બુદ્ધિશાળીઓમાં હેરાન થવાનું કારણ એ નથી કે તેઓ ખરેખર જાણતા નથી. તેઓ થોડુંક જાણે છે, પરંતુ તેઓ જે જાણે છે તે તેમનું પોતાનું જ્ઞાન નથી. અને આથી જ તેઓ હેરાન થાય છે. થોડુંક અથવા આંશિક જ્ઞાન, આંશિક સત્યની જેમ હંમેશા જોખમી હોય છે. આંશિક એ સત્ય જ નથી, એવું જ આંશિક જ્ઞાન સાથે છે. ડાહ્યા માણસો સત્યને પ્રત્યક્ષ સમજે છે. પ્રત્યક્ષ અનુભવ એ જ્ઞાનની કાયદેસરતાની અંતિમ કસોટી છે. જયારે તમે સત્યને પ્રત્યક્ષ રીતે જાણી લીધું છે, તો તમને શ્રેષ્ઠ પૂરાવો મળી ગયો છે. 

મોટાભાગના લોકો તેના વડીલો અને મિત્રો પાસે જાય છે અને પોતાનું દ્રષ્ટિબિંદુ રજુ કરે છે. તેમના અભિપ્રાયમાં પોતાનું સમર્થન ઈચ્છે છે. પોતે જે કાંઈપણ વિચારે છે, તેને વિશે બીજા તમારી સાથે સંમત થઈને “હા, તમે જે વિચારો છો તે સાચું છે.” એવું કહીને સમર્થન આપે તેમ બધા ઈચ્છે છે. પરંતુ બીજા કોઈકનો અભિપ્રાય એ સત્યની કસોટી નથી. જયારે તમે પ્રત્યક્ષ રીતે સત્ય જાણો છો તો તમારે તમારા પડોશી કે તમારા શિક્ષકને પૂછવાની જરૂર નથી. તમારે પુસ્તકોમાં પણ સમર્થન શોધવું નથી પડતું. 

આધ્યાત્મિક સત્યને બહારના સાક્ષીઓની જરૂર નથી. જ્યાં સુધી તમને શંકા પડે, એનો અર્થ એવો છે કે તમારે હજુ જાણવાની જરૂર છે. જ્યાં સુધી તમે એવી અવસ્થા પ્રાપ્ત ન કરો, જ્યાં બધું સ્પષ્ટ છે, જ્યાં સુધી તમારી બધી શંકાનું સમાધાન ન થાય, ત્યાં સુધી પ્રત્યક્ષ અનુભવના માર્ગ પર ચાલો. એકલો પ્રત્યક્ષ અનુભવ જ સાચાં જ્ઞાન સુધી પહોંચી શકે છે. 

આપણે ક્યાં સુધી રિવાજોના નામે અથવા પરંપરાના નામે બધું કરશું? જાતે સત્ય અથવા જ્ઞાન શોધવાની તસ્દી લીધા જેવી છે.

જય શ્રી કૃષ્ણ 

-ચેતન ઠકરાર 

+919558767835

Leave a Reply