SELF / स्वयं

સત્યની ચકાસણી

એક ગુરુ શિષ્ય પ્રવાસ કરતા હતા. એ જ્યાંથી પસાર થતા હતા તે ગામના સ્ટેશન માસ્તર તેમની પાસે આવ્યા અને કહ્યું “મને અભ્યાસ કરવા માટે કંઈક આપો. હું વચન આપું છું કે હું વફાદારી પૂર્વક તેને અનુસરીશ.”

ગુરુએ શિષ્યને કહ્યું “તેમને કશુંક નિશ્ચિત અભ્યાસ કરવા માટે આપ.”

શિષ્યએ કહ્યું ” શા માટે એક મૂર્ખે બીજાને ગેરમાર્ગે દોરવો જોઈએ? તમે તેને સૂચન કરો તે વધુ સારું રહેશે.” (શિષ્યની વિનમ્રતા જોવા જેવી છે, જેને ખબર છે કે હજુ તેણે ઘણું શીખવાનું બાકી છે એટલે પોતાની જાતને મૂર્ખ કહેવામાં સંકોચ નથી.)

ગુરુએ શિષ્ય સામે વ્હાલથી જોયું અને પછી સ્ટેશન માસ્તરને કહ્યું “આજ પછી ખોટું બોલીશ નહિ, એ નિયમનો આવતા ત્રણ મહિના સુધી વફાદારીપૂર્વક અભ્યાસ કર.”

તે પ્રદેશના મોટાભાગના રેલબોર્ડના કર્મચારીઓ અપ્રમાણિક હતા અને લાંચ લેતા હતા. પરંતુ આ માણસે નક્કી કર્યું કે હવે તે લાંચ નહીં લે અને ખોટું નહીં બોલે. 

એ જ અઠવાડિયે તેમનાં મુખ્ય કાર્યાલયમાંથી એક સુપરવાઈઝર તેમની તથા તેમના સહાયકોની તપાસણી માટે આવ્યો. સ્ટેશન માસ્તરે સુપરવાઇઝરના અણીયાળા પ્રશ્નોનો પ્રામાણિકતાથી ઉત્તર આપ્યા. આ પૂછપરછ તેમના કર્મચારીઓ માટે ઘણી ગંભીર મુશ્કેલી લઈ આવી. સ્ટેશન માસ્તરના પોતાના સહિત જેઓ લાંચ લેતા હતા તે બધા કર્મચારીઓ પર કામ ચલાવાયું. સ્ટેશન માસ્તરે વિચાર્યું “હજી તો માત્ર તેર જ દિવસ થયા છે, અને જોવો હું કેવી મુસીબતમાં છું! ત્રણ મહિનાના સમયમાં મારુ કોણ જાણે શું થશે?”

થોડા વખતમાં તેની પત્ની અને બાળકો તેને છોડી ગયાં.એક મહિનામાં તો તેની જિંદગી એક જ સ્પર્શથી પત્તાંના ઘરની જેમ વેરણ છેરણ થઈ ગઈ. 

સ્ટેશન માસ્તર જયારે ખુબ જ યાતનામાં હતા તે સમયે ગુરુ અને શિષ્ય ત્યાંથી બહું દૂર કોઈ નદીને કિનારે હતા. ગુરુ એક વૃક્ષની નીચે સુતા હતા અને ઓચિંતા હસવા લાગ્યા. તેમણે શિષ્યને કહ્યું ” તને ખબર છે શું થઈ રહ્યું છે? પેલો માણસ, જેને મેં ખોટું ન બોલવાની સૂચના આપી હતી તે આજે જેલમાં છે.”

શિષ્યએ પૂછ્યું ” તો તમે હસો છો કેમ?

ગુરુએ કહ્યું “હું તેના તરફ નથી હસતો, હું આ મૂર્ખ જગત પર હસું છું!”

સ્ટેશન માસ્તર સાચું બોલતો હોવા છતાં, તેની ઑફિસની બાર વ્યક્તિઓએ એકઠા થઈને કહ્યું કે તે ખોટું બોલતો હતો. તેમણે તેને એક ને જ લાંચ લેનાર દોષી ઠરાવ્યો. તેને જેલમાં પૂરવામાં આવ્યો અને બાકી બધાને છોડી મુકાયા. જયારે તે સ્ટેશન માસ્તર કોર્ટમાં ગયા ત્યારે જજે તેમના તરફ જોઈને પૂછ્યું “તમારા વકીલ ક્યાં છે?”

સ્ટેશન માસ્તરે કહ્યું” મારે વકીલની જરૂર નથી.”

જજે કહ્યું “પરંતુ કોઈ તમને મદદ કરે તેમ હું ઈચ્છું છું.”

“ના”, સ્ટેશન માસ્તરે કહ્યું “મારે કોઈ વકીલની જરૂર નથી, હું સત્ય બોલવા-કહેવા માંગુ છું. તમે ગમે તેટલા વર્ષ સળીયા પાછળ ધકેલી દો તેનો વાંધો નથી. હું ખોટું નહીં બોલું. હું લાંચમાં ભાગ પડાવતો હતો. પછી હું એક જ્ઞાની પુરુષને મળ્યો, જેણે મને કહ્યું કે ગમે તે થાય ક્યારેય ખોટું બોલીશ નહિ. મારી પત્ની અને બાળકો મને છોડી ગયા છે. મેં નોકરી ગુમાવી છે, મારી પાસે પૈસા કે મિત્રો નથી અને હું જેલમાં છું. આ બધું એક જ મહિનામાં બન્યું છે. ગમે તે થાય વાંધો નહીં પણ મારે હજી વધારે બે મહિના સત્યની ચકાસણી કરવાની છે. સર, મને સળીયા પાછળ ધકેલી દો, મને વાંધો નથી.”

ન્યાયધિશે વિરામ જાહેર કર્યો અને સ્ટેશન માસ્તરને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો. પૂછ્યું “તમે આ કહ્યું તે જ્ઞાની પુરુષ કોણ છે?” સ્ટેશન માસ્તરે ગુરુનું વર્ણન કર્યું. સદ્ભાગ્યે તે ન્યાયધિશ પેલા ગુરુના આશ્રમમાં તેના શિષ્ય બનીને રહી ચુક્યા હતા. તેણે સ્ટેશન માસ્તરને નિરપરાધ જાહેર કર્યો અને કહ્યું “તું સાચા માર્ગ પર છે, તેને વળગી રહેજે. હું ઈચ્છું છું કે હું પણ તેમ કરી શકું.”

ત્રણ મહિના પછી તે માણસ પાસે કશું જ ન હતું. ત્રણ મહિના પૂરા થવાના બરાબર તે જ દિવસે તે શાંતિથી એક વૃક્ષ નીચે બેઠો હતો, જયારે તેને એમ જણાવતો તાર મળ્યો કે “તમારા પિતા પાસે જમીનનો એક વિશાળ ટુકડો હતો, જે લાંબા સમય પહેલાં સરકારે લઈ લીધો હતો. હવે સરકાર તમને વળતર આપવા માંગે છે.” સ્ટેશન માસ્તરને આ જમીન વિશે જાણ પણ ન હતી. 

તેણે વિચાર્યું “આજે, મેં ખોટું ન બોલવાના ત્રણ મહિના પૂરા કર્યા છે અને મને આટલો બધો બદલો અપાયો છે.” તેણે તે વળતર તેની પત્ની તથા બાળકોને આપી દીધું અને પત્ની અને બાળકોએ આનંદથી કહ્યું “અમે તમારી પાસે પાછા આવવા માંગીએ છીએ.”

“ના” સ્ટેશન માસ્તરે કહ્યું “અત્યાર સુધી તો મેં ત્રણ મહિના સુધી ખોટું ન બોલવાથી શું થાય છે તે જ માત્ર જોયું છે. હવે હું એ જાણવા માંગુ છું કે આખી જિંદગી ખોટું ન બોલું તો શું થશે?”

*******

-ચેતન ઠકરાર 

+919558767835

Leave a Reply