Mythology

ઈશ્વરમાં અડગ શ્રદ્ધા

શ્રદ્ધામાં અસાધારણ સામર્થ્ય છે પણ અહંકાર વિનાશકારી છે.

પોતાના ગુરુમાં અનંત વિશ્વાસ ધરાવતો એક ચેલો, માત્ર ગુરુનામ લેતાં લેતાં ચાલતો-ચાલતો નદી પાર કરી ગયો. આ જોઈ એના ગુરુને વિચાર આવ્યો: “શું મારા નામમાં આટલી શક્તિ છે? તો પછી હું જાતે કેટલો મહાન અને સમર્થ હોઈશ!” ‘હું’, ‘હું’, ‘હું’ બોલતાં બોલતાં બીજે દિવસે એના ગુરુએ નદી પર ચાલવાની કોશિશ કરી પણ જેવો એમણે પાણી પર પગ દીધો તેવા એ ડૂબી ગયા; દુર્ભાગ્યે એને તરતાં પણ આવડતું ન હતું. શ્રદ્ધા ચમત્કાર સર્જી શકે પણ મિથ્યાભિમાન કે અહંકાર મનુષ્યનો નાશ નોતરે.

શ્રદ્ધાના અસાધારણ સામર્થ્ય વિશે એક બીજું ઉદાહરણ આપણને રામાયણમાંથી મળે છે. નિર્ગુણ બ્રહ્મના અવતાર હતા તે રામને લંકા જવા માટે સેતુ બાંધવો પડ્યો હતો. પણ રામનામ લખેલા પથ્થર તરી રહ્યા અને પુલ બની ગયો, રામનામમાં શ્રદ્ધા ધરાવતા હનુમાન એક કૂદકે સાગર પાર કરી ગયા હતા અને સામી બાજુએ પહોંચી ગયા હતા. એમને પુલની જરૂર પડી ન હતી.

હજુ એક નાની વાર્તા મમળાવીએ, શ્રદ્ધા અને ભક્તિ જોઈએ. શ્રદ્ધાનું જોર કેટલું, તે સાંભળો. એક માણસને લંકાથી સમુદ્ર ઓળંગીને જવું હતું. વિભીષણે કહ્યું કે આ વસ્તુ કપડાને છેડે બાંધી રાખો. એના પ્રભાવથી તમે સહીસલામત ચાલ્યા જશો; પાણી ઉપર થઈને જઈ શકશો. પરંતુ ઉઘાડીને જોશો નહિ, ઉઘાડીને જોવા જતાં જ ડૂબી જવાના.

એ માણસ સમુદ્રની ઉપર થઈને મજાનો ચાલ્યો જતો હતો. શ્રદ્ધાનું એટલું જોર. થોડુંક ચાલ્યા પછી તેને વિચાર આવ્યો કે “વિભીષણે એવી તે શી ચીજ બાંધી દીધી છે કે જેથી પાણી ઉપર થઈને ચાલી જઈ શકું છું?” એમ વિચાર કરીને લૂગડાની ગાંઠ છોડીને જોયું તો તુલસીના પાંદડા પર માત્ર ‘રામ’ નામ લખેલું. ત્યારે એને થયું કે “અરે, બસ આ જ ચીજ!!!” એ વિચાર આવતાંની સાથે જ ડૂબી ગયો!

બોધ: સંપૂર્ણ શરણાગતિ અને ઈશ્વરમાં અડગ શ્રદ્ધા જ બધાં ચમત્કારી કૃત્યોના મૂળમાં છે.

આજની પરિસ્થિતિ: આપણે લોકો ભગવાનની ભક્તિ, પૂજાપાઠ કોઈને કોઈ આશાએ કરીએ છીએ. ચાલો એનો પણ વાંધો નહિ, પણ એમના પર શ્રદ્ધા પણ 100% રાખી શકતા નથી એટલે હેરાનગતિ વધુ ભોગવીએ છીએ. સંપૂર્ણ સમર્પણ અને શ્રદ્ધા હોઈ તો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઈશ્વર આપણને હેમખેમ બહાર લાવી આપે. અર્જુને પોતાના મનના બધા સંશયો કૃષ્ણને પૂછ્યા ત્યારે આપણને ગીતા જેવો મહત્વનો ગ્રંથ પ્રાપ્ત થયો તે બદલ આપણે અર્જુનનો આભાર માનવો જોઈએ. બધા સંશયો દૂર થયા પછી અર્જુને કૃષ્ણ સમક્ષ સંપૂર્ણ સમર્પણ અને શરણાગતિ સ્વીકારીને કૃષ્ણે કહ્યા માર્ગે ચાલ્યો તો મહાભારત જેવું યુદ્ધ પણ જીતી શક્યો. આપણે એ સત્ય સમજવા છતાં પણ એ કરી નથી શકતા. અફસોસની વાત તો એ છે કે માણસ જે ભક્તિ કે પૂજાપાઠ કે વ્રત કરે છે એનું એને અહંકાર કે અભિમાન હોય છે. અને અહંકાર કે અભિમાન જ્યાં હોય ત્યાં શ્રદ્ધા કે શરણાગતિ હોઈ શકે?

હરે રામ, હરે કૃષ્ણ… કૃષ્ણ કૃષ્ણ હરે હરે…. 

-ચેતન ઠકરાર 

+9558767835

Leave a Reply