SELF / स्वयं

એરેન્જ મેરેજ

પગના પંજા પર સહેજ ઊંચી થઈને મેં મહેંદી વાળા હાથેથી દરવાજાની સ્ટોપર બંધ કરી. સવારથી પહેલીવાર હાથની બંગડીઓ આટલી જોરથી ખણકી હતી. સવારથી પહેલીવાર હું ભીડથી દૂર હતી. મેં ચારે બાજુ જોયું, આ એજ રૂમ હતો જે હવે મારું નવું ઘર હતું. એક ડ્રેસિંગ ટેબલ હતું, એક કબાટ, એક ડબલ બેડ અને એક બુકશેલ્ફ. હું પલંગ પર થાકીને સુઈ ગઈ, પંખો ધીરેધીરે ચાલતો હતો. તો…. આ હતાં એરેન્જ મેરેજ!!!

મારી નજર સામે છેલ્લા થોડાં દિવસોમાં બનેલી ઘટનાઓ રિવાઇન્ડ થવા લાગી. હું લગ્નના સ્થળની બહાર આવી, મારી સામે ફૂલોથી શણગારેલી ગાડી ઉભી હતી, આ એ વાહન હતું જે મને નવી દુનિયામાં લઇ જવાનું હતું. હું એક એવી દુનિયા મૂકીને જવાની હતી જ્યાં હું વર્ષોથી રહેતી હતી, એક અજાણ્યા માણસની સાથે એના ઘરે રહેવા માટે, એના ઘરને મારુ ઘર કરવાં માટે, એના મમ્મીને મારા મમ્મી બનાવા, એના મમ્મીને મારા મમ્મી જેવો આદર આપવા માટે….. કેવી હતી નિયતિ!!! હું કઈ નવું કરવા જઈ રહી હતી? લાખો છોકરીઓ કરતી હોય છે ભારતમાં, આ જ જીવનની રીત છે, મમ્મી આમજ કહેતી હતી. હર બીજી છોકરી કરતી હોય છે એરેન્જ મેરેજ.

શરૂમાં હું બહું ઝગડી હતી પપ્પા સાથે, શું હું એટલો મોટો બોજ બની ગઈ હતી એમના પર !!!? કે જે પહેલો છોકરો મળ્યો એમની સાથે મારુ નક્કી કરી નાખ્યું!!? શું એ થોડો સમય વધારે રાહ નહોતા જોઈ શકત!!!? કે જેથી કરીને હું મારી પસંદના છોકરા સાથે લગન કરી શકું! અને એનો શું મતલબકે મને બહું સમય આપી દીધો હતો મારી પસંદનો છોકરો ગોતવા માટે!! આવી વાતમાં કોઈ ટાઈમ લિમિટ થોડી હોય? આ જીવનનો સવાલ છે, કંઈ ઘરની ચીજ વસ્તુ થોડી ખરીદવાની હતી!!!? પણ છેલ્લે હું પપ્પા અને ફોઈ સામે હારી ગઈ હતી અને એમનું દિલ રાજી રાખવા મેં હાં પાડી દીધી હતી અને આજે હું અહીં છું. વિદાઈ પછી કારમાં હું રડતી હતી, મારો રૂમાલ મારા પર્સમાં હતો, અને પર્સ મારી કોઈ એક બેગમાં હતો. અચાનક મારી નમેલી અને આંસુ વાળી આંખો સામે સફેદ રૂમાલ આવ્યો, જોયું તો મારા હસબન્ડે એ રૂમાલ મારી સામે ધર્યો હતો. મેં સંકોચ સાથે એમના હાથમાંથી રૂમાલ લઇ લીધો. એરેન્જ મેરેજ પછીનો પહેલો સ્પર્શ.

અમારે દોસ્તી થઇ નહોતી, બસ એક મુલાકાત થઇ હતી. બધું એટલું અચાનક બની ગયું હતું કે બીજા લોકોની જેમ અમને એટલો સમય જ મળ્યો નહોતો. પપ્પાની અચાનક તબિયત બગડી અને એ બધામાં મને અતીતને (સોરી, કહેવાનું ભૂલી જ ગઈ કે મારા હસબન્ડનું નામ અતીત છે.) ઓળખવાનો કે સમજવાનો સમય જ ના મળ્યો. હાં, એ રોજ પપ્પાની ખબર પૂછી જતો હતો અને કંઈ કામ હોય તો કોલ કરવાનું કહેતો હતો. એવું નહોતું કે મને એ પસંદ નહોતો, પણ હું માનસિક રીતે તૈયાર નહોતી.

*******

હું અને પાપા મમ્મીના અવસાન પછી એકબીજાનો પર્યાય બની ગયા હતા. બંને એકબીજાના સહારે જ હતા. અમે બંને બાપ દીકરી કરતાં વધુ એક ફ્રેન્ડની જેમ રહેતા હતા. પપ્પા કોઈ દિવસ રોક-ટોક કરતા નહોતા. ફોઈ જયારે આવતાં ત્યારે અમને બંનેને ખીજાતા અને સલાહ સૂચનો આપતાં. પણ એક દિવસ આવ્યા ત્યારે મને ખુબ વહાલથી બધું સમજાવતા હતા ત્યારે જ મને કંઈક શંકા ગઈ હતી. એ શંકાનું નિરાકરણ તરત જ થઇ ગયું જયારે એને પપ્પાને એક ફોટો અને વિગત બતાવી.

પપ્પા મારી પાસે આવ્યા અને કંઈ બોલે તે પહેલાં જ મેં કહ્યું હતું કે “પપ્પા, આટલી જલ્દી શું છે? તમને ખબર છે કે મારે તમને મૂકીને ક્યાંય જવું નથી. આપણે એવો છોકરો શોધીશું કે જે આપણી સાથે રહે. તમને ખબર છે કે મને બધા સાથે રહેવું કેટલું ગમે છે એ. તમે અને મમ્મીએ બંનેના ઘરનાની વિરુદ્ધમાં લવ મેરેજ કર્યા અને એ બધાએ સંબંધ કટ કરી નાખ્યો, મેં તમને અને મમ્મીને વાર તહેવારે તમારાં ઘરનાને મિસ કરતાં  ખુબ જોયા છે. હું તમને ક્યાંય મૂકીને જવા ની નથી.”

“આભા, અતીત ખુબજ સરસ છોકરો છે, તને ગમતું સયુંકત કુટુંબ છે અને મેઈન વાત તો એ કે ગામમાં ને ગામમાં જ છે. તને મન થાય ત્યારે તું આવી જજે મને મળવા અને મને મન થશે ત્યારે હું આવી જઈશ.” પપ્પાએ મને સમજાવતાં કહ્યું.

“આવું પાત્ર દીવો લઈને તો ઠીક, પણ ગુગલ ઉપર શોધીશ તોયે મળશે નહિ. હું આ ફેમિલીને વર્ષોથી ઓળખું છું આભા. એકનો એક દીકરો છે, સારી જોબ છે, સયુંકત કુટુંબ છે. તને ના ગમતું કંઈ જ નથી, હા બસ, એમના મમ્મીનો સ્વભાવ સહેજ કડક છે.” ફોઈએ પપ્પાની પાસે આવીને એમના સૂરમાં સુર પુરાવ્યો અને કહ્યું “તું સમજાવ આભાને, એ તારી લાડકી છે.”

“આ દીકરીઓને કેટલી માથે ચડાવીએ છીએ ત્યારે એ મોટી થાય છે ખબર છે!!? થોડા લાડ તો કરે જ બેન.” પપ્પાએ ફોઈની સામે  જોઈને કહ્યું. પછી મારો હાથ એમના હાથમાં લઈને કહ્યું “આભા, હું તારું ભલું જ ઈચ્છું છું, હું તને ફોર્સ નથી કરતો પણ એક વખત મળી તો લે. તને ના ગમે તો આપણે વાત આગળ નહીં વધારીએ.”

“આ વાત પર અડીગ રહેજો, પછી કોઈ મેલોડ્રામા કરતાં નહિ.” મેં પપ્પાની આંખમાં જોઈને કહ્યું.

બીજે દિવસે અતીત એની સાથે બીજા ચાર લોકોને લઈને અમારી ઘરે આવ્યા. હું બારીમાંથી એમને આવતા જોતી હતી અને અચાનક અતીતની જેવા લગતા એક બહેને નજર ઊંચી કરતાં મારી સામે જોયું. મને સમજતાં વાર ના લાગી કે એ અતીતના મમ્મી હતાં. હું તરત અંદર ચાલી આવી. પછી બધું એટલી ઝડપી બની ગયું કે મને હજુ માનવામાં નથી આવતું કે મારા આજે લગન થઇ ગયા છે.

*******

અમારી કાર અતીતના ઘરે આવીને ઉભી રહી. અતિતનું કુટુંબ અને અડોસ પાડોસના લોકો નવી વહુને જોવા એકઠા થયા હતા. લગ્ન પછીની ઘરે થતી વિધિની બધી તૈયારીઓ થઇ રહી હતી, અતીતના ભાણીયા -ભાણકી અને ભત્રીજા-ભત્રીજી મારી પાસે બેસીને મને હસાવવાની કોશિશ કરતા હતા. થાળમાંથી વીંટી શોધવાની વિધિમાં બધા અતીતને ચીઅર-અપ કરતાં હતા, મારા પક્ષે કોઈ નહોતું. ત્યાં અતીતના અને મારા હાથમાં વીંટી ટકરાઈ, અતીતે એને મૂકીને મને આપી દીધી. મને થોડી હાશ થઇ. અતીત પ્રત્યે મને હવે થોડો પ્રેમ થવા લાગ્યો હતો.

બધી વિધિ પતાવીને હું રૂમમાં આવી, પગના પંજા પર સહેજ ઊંચી થઈને મેં મહેંદી વાળા હાથેથી દરવાજાની સ્ટોપર બંધ કરી. સવારથી પહેલીવાર હાથની બંગડીઓ આટલી જોરથી ખણકી હતી. સવારથી પહેલીવાર હું ભીડથી દૂર હતી. મેં ચારે બાજુ જોયું, આ એજ રૂમ હતો જે હવે મારું નવું ઘર હતું. એક ડ્રેસિંગ ટેબલ હતું, એક કબાટ, એક ડબલ બેડ અને એક બુકશેલ્ફ. હું પલંગ પર થાકીને સુઈ ગઈ, પંખો ધીરેધીરે ચાલતો હતો. તો…. આ હતાં એરેન્જ મેરેજ!!!

******

સવારે નાહીને બહાર આવી ત્યાં ફોઈનો કોલ આવ્યો “જાગી ગઈ ગુડ્ડી!!?” પપ્પા અને ફોઈ મને ક્યારેક વહાલથી ગુડ્ડી કે ગુડ્ડુ બોલાવતા હતા.

“હા, પપ્પાની તબિયત કેમ છે?” મેં અતીતની નીંદરમાં ખલેલ ના પહોંચે એમ ધીરેથી પૂછ્યું.

“સારી છે, બસ સહેજ ઉદાસ છે. પણ તું ચિંતા ના કરતી, હું હજુ અહીં જ રોકવાની છું હમણાં.” ફોઈએ મને નિશ્ચિંન્ત કરવા માટે કહ્યું.

“ઓકે.” હું આટલું જ બોલી શકી.

“સાંભળ, આજે તારો એ ઘરમાં રસોઈ બનવાનો પહેલો દિવસ છે. તે લોકોના ઘરમાં રિવાજ છે કે નવી વહુ પહેલી વાર કોઈ મીઠાઈ બનાવીને બધાને ખવડાવે અને સારી બને તો ભેંટ પણ આપે. સાસુનું દિલ જીતવાનો આ મોકો ચૂકતી નહીં.”

“મને તો ખીર સિવાય બીજું કંઈ બનાવતાં નથી આવડતું.” મેં મૂંઝાઈને કહ્યું.

“હા તો એ બનાવી નાખજે. ચિંતા ના કરતી, અમારા આશીર્વાદ તારી સાથે જ છે. ઇનામમાં શું મળ્યું એ કહેજે પછી.” કહીને ફોઈએ ફોન મૂકી દીધો.

ડ્રેસ અને કુર્તી પહેરવા ટેવાયેલી હું સાસુમાને ખુશ કરવા માટે આજે સાડી પહેરીને રૂમની બહાર આવી, સાસુમાને પગે લાગવા આગળ વધી ત્યાં સાડીમાં પગ ફસાતાં હું પડતા પડતા બચી, નણંદે મજાક કરી કે “નીંદર પુરી નથી થઇ લાગતી!!!”

ત્યાં ભાભી (મારા જેઠાણી) આવ્યા અને પૂછ્યું કે “પહેલી વાર શું બનાવીશ? મેં  રસોડામાં બધા ડબ્બા પર સ્ટીકર મારી દીધા છે, કોઈની પણ મદદ વગર બનવું પડશે તારે.” ભાભીએ હસતા હસતા કહ્યું.

“ખીર…. ખીર બનાવું મમ્મી!!!?” મેં સહેજ ધીરા અવાજે મારી સાસુ સામે જોઈને પૂછ્યું.

એમણે હકારમાં માથું હલાવીને ઇશારાથી હા કહી. મેં રસોડામાં જઈને ખીર માટે જરૂરી સામગ્રી કાઢી. દૂધનું તપેલું ગેસ પર મૂક્યું, ચોખા ધોઈને પલળવા મુક્યા, ખાંડ માપીને સાઈડમાં રાખી દીધી, અને એક પ્લેટમાં કાજુ બદામ બારીક સુધારવા લાગી. આ ખીર સાસુમાને મમ્મી બનાવાનો રસ્તો હતો એવું ફોઈએ કહ્યું હતું. ગરમ દૂધમાં ચોખા નાખીને ધીરે ધીરે ચમચા વડે હલાવા લાગી. મને મારી મમ્મી જેવી રીતે ખીર બનાવતી એ યાદ આવવા લાગ્યું. મમ્મીના ગયા પછી પપ્પા ક્યારેક મને કહેતા કે “ગુડ્ડુ ખીર બનાવને, એવી જેવી તારી મમ્મી બનાવતી હતી.”

અજીબ ગંધ આવતાં હું મારા વિચારોમાંથી બહાર આવી અને મારા કીધે ધીરી ચીસ નીકળી ગઈ. મને ભાન થયું કે આ બળવાની વાસ હતી અને એ મારી ખીરમાંથી આવતી હતી. જલ્દીથી ગેસ બંધ કર્યો અને મારી આંખમાંથી પાણી ચાલુ થઇ ગયા. આ ખાઈને બધાં શું વિચારશે!!!? શું કહેશે!!? અને મમ્મી!!!? એ સાસુ જ રહેશે!!!? એટલી વારમાં મારા ખભા પર કોઈનો સ્પર્શ મેં અનુભવ્યો. જોયું તો અતીત હતો. ખબર નહીં એ ક્યારે આવી ગયો અને મને રડતી જોઈને પૂછ્યું ” શું થયું? ઓહ હો, આ તો બળી ગઈ.”

મેં એની સામે લાચારીથી જોયું. એણે હસીને મારા ચહેરા પર આવી ગયેલી વાળની લટને મારા કાન પાછળ રાખીને કહ્યું “કંઈ વાંધો નહિ, આને ફેંકી દે. હું બજારમાંથી લઇ આવું છું છાનોમુનો, તું એ પીરસી દેજે.”

હું એને જોતી જ રહી. આંખમાં ઝળઝળિયાં હતાં એટલે ચોખ્ખું નહોતું દેખાતું પણ મન ની આંખ ચોખ્ખું જોઈ સકતી હતી. અતીતને કેટલી ચિંતા હતી મારી!!! એ અતીત, જેની સાથે મેં હજુ કાલે લગન કર્યા હતાં, એટલી વાતચીત પણ થઇ નહોતી. જયારે કોઈ આમ સમજે કે કેર કરે તો કોને પ્રેમ ના ઉભરાઈ!!!? મેં આંખ પર આંગળીથી આંસુ સાફ કરતાં કહ્યું “પણ આવું કરવું તો ખોટું કહેવાય ને? હું આને ઠીક કરવાની ટ્રાઈ કરું છું. બેસ્વાદ લાગશે તો માફી માંગી લઈશ.”

મારા માથા પર એના ગાલ અડાડીને ઉભેલ અતીતે કહ્યું “યાર, આ ખીર બેસ્વાદ થઇ ગઈ તો શું થયું!? આપણી જિંદગી બહુંજ મીઠી થવાની છે એ નક્કી.” અમે બંને એ ના જોઈ શક્યા કે બારણાં પાછળ મારા સાસુ ઉભા હતાં અને અમારી વાત સાંભળીને ધીરેથી પાછા વળી ગયા હતાં.

અતીતના ગયા પછી મેં ધ્યાનથી ઉપર ઉપરથી ખીર લઈને બીજા તપેલામાં ફેરવવા લાગી. અને બળી ગયેલા તપેલાને ધોવા ફળિયામાં ગઈ. પાછી રસોડામાં આવીને સુધારેલા કાજુ બદામ ખીરમાં નાખીને બહાર લઇ આવી. બધાને રાહ જોઈને બેઠા જોઈને મારા દિલની ધડકન વધી ગઈ. આરામથી ખીર ચાખતાં જોઈને હું અને અતીત આશ્ચર્યથી જોતા જ રહ્યા. બીતા બીતા મેં અને અતીતે પણ ચમચીથી ખીર ચાખી. હું આભા, આભી બની ગઈ. ખીરમાં મમ્મી જેવી બનાવતી હતી એવો સ્વાદ અને સુગંધ આવતી હતી, એલચી અને જાયફળની સુગંધ આવતી હતી. પણ આવું બને કંઈ રીતે!!!?

ત્યાં મારા ફઇજી બોલ્યા “સાંભળો ભાભી, હવે તમારી હોંશિયાર વહુંને ઇનામ આપી દો.”

સાસુમાએ પોતે પહેરેલો હાર કાઢીને મારા ગળામાં પહેરાવ્યો તો હું ચોંકી ગઈ. એમનાં હાથમાંથી એલચી અને જાયફળની સુગંધ આવતી હતી. એનો મતલબ એણેજ મારી બળી ગયેલી ખીરને સુધારી હતી અને સ્વાદ વાળી બનાવી હતી. સાચ્ચેજ માં આવી જ હોય છે. કોઈને ખબર ના પડે એમ અને કંઈ કહ્યાં વગર વહુને દીકરી બનાવી દેતી હોય છે. હું આંખો બંધ કરીને કેટલી વાર એમ જ બેઠી રહી. ત્યાં ફોઈનો મેસેજ આવ્યો અને પૂછ્યું “અરે ગુડ્ડી, ઈનામમાં શું મળ્યું?”

મેં હસીને જવાબ આપ્યો”મમ્મી મળી ગઈ મને.”

*******

-ચેતન ઠકરાર 

+919558767835

12 replies »

Leave a Reply