SHORT STORIES / लघु-कथाए

પસ્તાવો

“તું મને છૂટાછેડા આપવાનો છે તો શશાંકથી સારો વકીલ બીજે ક્યાં મળશે. એ આવશે એટલે હું જ કહીશકે તમારામિત્રને મારાથી છૂટકારો અપાવી દો. એનું જીવન દુઃખમય બની ગયું છે…. હવે પછીનું જીવન તો સુખી થઈ જાય.” પૂર્વાએ શાંતિથી કહ્યું.

અમિત પરેશાન બનીને કહે, ”શું થયું છે તને? આવી વાત કેમ કરે છે? તારી તબિયત તો સારી છે ને?”

એ દિવસે પણ પૂર્વાએ અનુભવ્યું કે આટલાં વર્ષો પછી પણ તે અમિતને સમજી શકી નહોતી. તેને ક્યારેક ક્યારેક આ શું થઈ જતું હશે? હરઘડી પ્રેમથી વાત કરનાર વ્યક્તિ અચાનક આટલો કઠોર કેવી રીતે બની જતો હશે? એની જીભમાંથી કેવાં ઝેરી બાણ જેવા શબ્દો છૂટવા લાગે છે અને થોડો સમય જતાં પાછો સામાન્ય બની જઈ કહે છે, ”આ તો માત્ર મજાક હતી.”

‘મજાક, આવી મજાક હોઈ શકે?’ એવું વિચારતી પૂર્વાનું મન બેચેની અનુભવતું હતું. એકાંતમાં એ કેટલીય વાર અમિતને સમજાવી ચૂકી હતી, ”મજાક મજાકની રીતે કરાય, મજાકમાં એવા શબ્દો ના બોલો જે હૈયા પર ઘા કરે!”

”અરે, તું નકામી રાઈનો પર્વત કરે છે. જે કંઈ કહું છું એને મજાક સમજી ભૂલી જવાનું.

”મજાક તરીકે લઈને અત્યાર સુધી બધું ભૂલતી આવી છું. જો આપણે મુસલમાન હોત તો તારી આ મજાકના લીધે ક્યારનાય છૂટાછેડા થઈ ગયા હોત.”

”છોડ હવે એ વાત. મને માફ કરી દે. હવેથી હું મજાકમાં આવું કશું નહીં કહું બસ.” આમકહી અમિત પૂર્વાને બાથમાં લેતો અને વાત આડીઅવળી થઈ જતી.

પરંતુ પંદર-વીસ દિવસ પછી ફરી તકરાર થતી અને ફરી એ જ ધમકી મળી.

એ દિવસે તો હદ થઈ ગઈ. રજાઓમાં પૂર્વાનો પિતરાઈ ભાઈ પીયુષ આવ્યો હતો. અમિત ચાર-પાંચ દિવસ પછી કામ અંગે અજમેર જવાનો હતો. પૂર્વાની એક માસી છેલ્લા ઘણા સમયથી બીમાર હતી. પૂર્વા એની તહિયત જોવા જવા ઈચ્છતી હતી. આ માસી પણ અજમેરમાં રહેતી હતી.

”શું તમે સરકારી ગાડી લઈને જવાના છો?” સવારે નાસ્તાના સમયે પૂર્વાએ અમિતને પૂછ્યું.

”ના, કેમ?” અમિતે છાપું વાંચતા વાંચતા સવાલ કર્યો.

”એમ જ. મેં વિચાર કર્યો કે સરકારી કામથી જતા હો તો હું માસીની ખબર કાઢતી આવું.”

”તારી માસી પાસેના શહેરમાં તો રહે છે. આટલા દિવસથી બીમાર છે તો તું જઈ શકી હોત આટલા દિવસથી બીમાર છે તો તું જઈ શકી હોત ને! તું ભણેલી ગણેલી હોવાથી એકલીજઈ શકે તેમ છે. ઘણી બધી બસ આવે જાય છે.બસ, આટલી નાની અમથી વાતમાં તારે સરકારી ગાડીનું શું જરૂર પડી ગઈ?

અમિતના શબ્દોમાં એટલી તીખાશ હતી કે પૂર્વાનો ચહેરો ઊતરીગયો. ચૂપચાપ નાસ્તાની પ્લેટ તેણે પીયૂષ તરફ સરકાવી.

પરંતુ અમિત તો એના તાનમાં બોલતો જતો હતો, ”પીયૂષ, તારી બહેનને કોણ જાણે શું થાય છે એની ખબર પડતી નથી. આટલાં વર્ષોથી મારી સાથે રહે છે છતાં મને ઓળખી શકી નથી. સરકારી ગાડીને હું ક્યારે પણ ઘરકામ માટે ઉપયોગમાં લેતો નથી એ વાત તે સારી રીતે જાણે છે. છતાં પણ સરકારી કાર વિના તેને ચાલતું નથી. એના બીમાર સગાંની ખબર કાઢવા પણ જઈ શકતી નથી. સરકારી નોકર વિના એક દિવસ પણ એને ચાલતું નથી.એની ફરમાઈશોને પૂરી કરવા માટે મારે કેટલાં નીચે નમવું પડે છે, કેટલી બાંધછોડ કરવી પડે છે. અગર કાલે મારી બદલી દિલ્હીમાં થઈ તો ત્યાં કેવી રીતે કામ ચાલશે? કેટલીક વાર તો એવું લાગે છે કે અમારી વચ્ચે એટલો બધો મતભેદથઈ ગયો છે કે અલગ થવા સિવાય બીજો કોઈ છૂટકો જ નથી.”

આ સાંભળી પીયૂષ અવાક બની ગયો પછી કહેવા લાગ્યો, ”છોડોને જીજાજી, તમે પણ ક્યાંની વાત ક્યાં લઈ જાવ છો. નાસ્તો કરો અને દીદી, તું શા માટે ગૂમસૂમ થઈ ગઈ છે. જો ચા ઠંડી થઈ રહી છે.”

પીયૂષ ઘરે પાછો ગયો અને અમિત ઓફિસે ચાલ્યો ગયો. પૂર્વાનો મૂડ એટલો ખરાબ થઈ ગયો હતો કે ફરી સહજ બની શકી નહોતી.

શું વિચાર્યું હશે પીયૂષે? પૂર્વાના મનમાં ઘમસાણ મચ્યું હતું. અમિત સારી રીતે જાણે છે કે ન તો મને સરકારી કારની લાલચ છે કે ન તો સરકારી નોકરોની જરૂર છે. આખા ઘરનું કામકાજ તો હું એકલી જ કરું છું. માસીની ખબર કાઢવા જઈ શકી હોત, પરંતુ મોનુની શાળામાં પરીક્ષા ચાલીરહી હતી એટલે જઈ શકી નહોતી. તેણે તો માત્ર પૂછવા ખાતર પૂછ્યું હતું. આટલી નાની વાતમાં બખેડો કરવાની જરૂર ક્યાં હતી? સહન કરવાની પણ એક હદ હોય છે.હવે તો તેની સહનશક્તિ પણ ખલાસ થવા આવી હતી. પૂર્વા લગભગ રડવા લાગી.

સાંજે અમિત ઓફિસેથી પાછો ફર્યો ત્યારે સાવ સામાન્ય હતો. ”પૂર્વા, શશાંક આજે સાંજે જમવા આવવાનો છે. રત્નાભાભી આજકાલ અહીં નથી.” આવતાની સાથે જ અમિતે કહ્યું. શશાંક શહેરનો સુપ્રસિદ્ધ વકીલ હતો અને પાછો અમિતનો બાળપણનો ગોઠિયો હતો.

”ઠીક છે. આ પણ સારું જ થયું.”પૂર્વા બોલી.

”સારું? કેવી રીતે” અમિત સમજ્યો નહીં..

”સારું એટલા માટે કે આજે સાંજના જ બધી વાતની ચોખવટ થઈ જશે.”

”કઈ વાતની ચોખવટ?”

”એ જ કે તું મને છૂટાછેડા આપવાનો છે તો શશાંકથી સારો વકીલ બીજે ક્યાં મળશે. એ આવશે એટલે હું જ કહીશકે તમે તમારા આ મિત્રને મારાથી છૂટકારો અપાવી દો. એનું જીવન દુઃખમય બની ગયું છે…. હવે પછીનું જીવન તો સુખી થઈ જાય.” પૂર્વાએ શાંતિથી કહ્યું. અમિત પરેશાન બની ગયો અને કહે, ”શું થયું છે તને? આવી વાત કેમ કરે છે? તારી તબિયત તો સારી છે ને?”

”કેમ તબિયતને શું થયું છે? તેં જ તો સવારે પીયુષને આ બધી વાત કરી હતી. એ જ વાતને દોહરાવી રહી છું.”

”પૂર્વા, એ બધું…”

”ના, અમિત એ મજાક નહોતી.તું હવે મને નફરત કરે છે તોે આજે હું હાર સ્વીકારી લઉ છું. આટલાં વર્ષોના સમર્પણ પછી હું તને સુખ આપી શકી નથી. આજે હું સાચેસાચું કહું છું કે તું તારી રીતે જાવવા માટે હવે સ્વતંત્ર છે. તારે જે રીતે રહેવું હોય તે રીતે રહી શકે છે.”

”પણ તું ક્યાં જઈશ, તારા પિયર જઈશ?” અમિતે પૂછ્યું ત્યારે જીભના લોચા વળતા હતા.

”મારી ચિંતા ન કીરશ. જ્યારે તું મને અપનાવી ન શક્યો પછી પિયર શું મોઢું લઈને જઈશ? હું મારું જીવન મારી રીતે જીવીશ.”

”પૂર્વા, તારી તબિયત તો સારી છે ને? શશાંકને જમવાની ના પાડી દઉં છું અને ડોેક્ટરને બોલાવું….”

”ના, રસોઈ તૈયાર છે પછી શા માટે ના કહેવી?”

”પૂર્વા, પ્લીઝ…”અમિત આગળ કશુંકહે તે પેહલાં પૂર્વા અંદર જઈ ડાઈનિંગ ટેબલ પર ભોજનની સામગ્રી ગોઠવવા લાગી.

પરંતુ અમિતને જે વાતનો ડર હતો એવું કશું બન્યું નહીં.પૂર્વાજોકે ઓછું બોલી, પરંતુ શશાંકને ગંધ સુધ્ધાં આવી નહીં. વિદાય લેતાં તેણે કહ્યું કે કામ અંગેતે અજમેર જઈ રહ્યો છે.

”અજમેર તો મારે પણ માસીની તબિયત જોવા જવું હતું.” પૂર્વાના મુખમાંથી શબ્દો સરી પડયા.

”તો ચાલોને ભાભી, રસ્તામાં હું કંટાળી પણ નહીં જાઉ.” શશાંક બોલ્યો.

”હા, ચાલો આવું છું. બસ એક નાની બેગ સાથે લઈ લઉં, કાલે પાછી આવી જઈશ.” પૂર્વાએ અમિત તરફ જોયું.

”તું … અત્યારે આ સમયે…” અમિત ખચકાઈ ગયો.

”તો શું થયું? મારી સાથે તો આવે છે. ભાભી,જરા ઉતાવળ કરો.”

પૂર્વા અંદર ચાલી ગઈ. થોેડી વારમાં બેગ લઈને આવી. અમિત સાથે એકાંતમાં વાત કરવાનો પણ સમય મળ્યો નહીં.

”તો અમે નીકળીએ છીએ.” હાથ હલાતવતાં શશાંકે કાર સ્ટાર્ટ કરી.

અમિત પરેશાન થઈ ગયો. આ તે કેવું વર્તન કે આમ અચાનક કદાપિ કોઈની સાથે બહાર ન જનારી પૂર્વા માસીને મળવા કોઈની સાથે જતી રહી. પછી ગમે ત્યારે જઈ શકી હોત. મોનુ વિશે પણ કશો વિચાર ન કર્યો? ગમેતેમ અર્થવિહીન વાતો કરવી, વકીલ છૂટાછેડા … એનું માથું ચકરાવા લાગ્યું. આખી રાત એ સૂઈ શક્યો નહીં. સવારે ઊઠીને પૂર્વાની રાહ જોવા લાગ્યો. બપોર થઈ, સાંજ થઈ પૂર્વા આવી નહીં. અરે,ફોન પણ ન આવ્યો. કોઈને ફોન નંબર પણ આપ્યો નહોતો.

અમિત હેરાન થઈ ગયો. એણે કોેઈ એવી વાત… શશાંક તરફથી પણ કશો ફોન ન આવ્યો. એ પોતાની જાતને સંભાળી લેવાનો પ્રયાસ કરતો હતો એટલો જ અંદરથી તૂટતો જતો હતો. આખી રાત એ ઊંઘી શક્યોનહીં.

ત્રીજા દિવસે પૂર્વા પાછી ફરી. શશાંકે એને અજમેર માસીને ત્યાં ઉતારી દીધી હતી.

”ક્યાં હતી આટલા દિવસ?” વરંડામાંથી અમિતે સવાલ કર્યો.

”આટલા દિવસની વાત ક્યાં છે? એક દિવસ તો રોકાઈ છું. મોટી બહેન પણ આવી હતી એટલે તેમણે રોકી રાખી.”

”ફોન કરીને તો કહેવું હતું.આટલી લાપરવાહી તો તું પહેલાં ક્યારેય નહોતી. શું વીતી હશે મારા પર…”

”શું? એવું તે શું થઈ ગયું?”પૂર્વાએ વિસ્ફારિત આંખે સવાલ કર્યો.

”શું થયું…જતી વખતે તું કેવી વાત કરતી હતી. વકીલની, છૂટાછેડાના કાગળોની… અને પાછી વકીલ સાથે ગઈ હતી. હું તો ગભરાઈ ગયો હતો.”

”ઓહ!” પૂર્વા હસી પડી, ”એ બધી તો મજાક હતી…. તું પણ આટલાં વર્ષોથી આવી મજાક કરતો આવ્યો છે ને… મેં થોડીક મજાક કરી તો આટલો ગંભીર કેમ બની ગયો?”

”ગંભીર બની ગયો?કેવી વાતો કરે છે? બે રાત ઊંઘી નથી શક્યો, બ્લડપ્રેશર વધી ગયું…તબિયત બગડી ગઈ હોત તો?

”અચ્છા… તો હવે મજાક નહીં કરું બસ? પણ તું….’

”અરે બાબા, હાથ જોડી, પગે પડી કહું છું કે હું પણ ક્યારેય આવી મજાક કે વાત નહીં કરું, સપનામાં પણ નહીં, કરું તો મારા કાન પકડીને ખેંચજે.” અમિત અને પૂર્વા ખડખડાટ હસી પડયાં.

-અજ્ઞાત 

Leave a Reply