SHORT STORIES / लघु-कथाए

બા મા મમ્મી મોમ

”બસ આખો વખત છાપા અને ટીવીમાં જ ખોડાયેલા રહેશો? દીકરીની છે જરાય ચિંતા? તમારી લાડલી હવે નાની છોકરી નથી રહી, સત્તર વરસની યુવતી બની ગઈ છે. આ રીતે એકલું તેનું મોડી રાત્રે ડિસ્કોથેકમાં જવું…”

સરલાબેનની એની એ જુની રેકોર્ડ સાંભળી રમેશભાઈ છાપામાંથી ડોકું બહાર કાઢયા વગર મલકાયા, ‘અરે ત્યાં તે એકલી ઓછી હશે? જાણે તેને કોઈ ખાઈ જવાનું હોય! નકામી ચિંતા કરે છે તું. મારી દીકરી સમજુ છે. ડાહી છે. ફ્રેંન્ડસ સાથે આ ઊંમરે એન્જોય નહીં કરે તો ક્યારે કરે? સૌ મિત્રો જતા હોય ત્યારે શું એ ઘરે એકલી બેસી રહે?’

‘કંઈ બોલવા જેવું નથી. બાપે દીકરીને માથે ચડાવી છે. ચિંતા ન કરું તો શું ભજન ગાઊં? કેવો ખરાબ જમાનો આવ્યો છે.’ વિચારી સરલાબેન ચૂપચાપ અનીકાને જતી જોઈ રહ્યા. ચહેરા પર આછો મેકઅપ, બ્લેક કલરનો લો-કટ નેકનો સ્લીવલેસ ટૂંકો ચપોચપ ડ્રેસ અને હાઈ-હીલ પહેરીને હાથ હલાવી ‘બાય’ કરીને તે નીકળી. તેને  લેવા આવેલ મિત્રો સાથે ગાડીમાં જતી અનીકા સોહામણી દેખાતી હતી.

‘સમયસર આવી જજે અને…’ વાક્ય પુરું બોલાય તે પહેલાં તો ‘ઓફ્ફો મંમી, પ્લીઝ ફરી તારું આ ચિંતા થાય છેનું આઉટડેટેડ ગાણું ચાલુ ન કર.’કહી અનીકા દાદરા ઊતરી ગઈ.

ફરી તે રાત્રે સરલાબેન પડખા ફેરવતાં ઘડિયાળને તાકતા રહ્યા. ફફડતા મનને સહેજ ખખડાટ સંભળાય કે, ‘તે આવી, તે આવીદ એવા વ્યર્થ ભણકારા તેમને સંભળાતા રહ્યા. ફરી ટક ટક કરતી આગળ વધતી ઘડિયાળ બોલી, સાડા અગિયાર, પોણા બાર, બાર, સવા બાર, સાડા બાર. ‘હે પ્રભુ આ ઘડિયાળના કાંટા આમ ઝડપથી કેમ દોડતા હશે?’

મન કેટલીયે અમંગળ શંકાઓથી ઘેરાઈ ગયું. ‘તે બરાબર હશે ને? કોઈ હેરાન કરે કે છેડતી કરે તો? આવા કપડા પહેરવાની ના કહું છું ત્યારે, તને આજની લેટેસ્ટ ફેશન ન સમજાય તેવું કહી મોઢું  ચડાવે છે. તેની સાથેના તેના બોય ફ્રેંન્ડસ કેવા હશે?  તેને કંઈ થશે તો નહીં ને?  આટલે મોડે સુધી બધાં શું કરતા હશે? મારું ચાલે તો સાથે જાઊં પરંતુ મારું કંઈ ચાલે તો ને? કોઈ તેનો ગેરલાભ તો નહીં લે ને? આ લોકો શારીરિક છૂટછાટ લેતા હશે? મારે તેને શી રીતે સમજાવવી?’  શું કરવું તે સમજ ન પડતા સરલાબેન વધુ ગુંચવાયા અને વધુ ગુંગળાયા.

પતિને ઉઠાડવાનું મન થઈ આવ્યું પરંતુ જવાબ શું મળશે તે ખબર જ હતી અને ઉપરથી તેઓ ‘ઊંઘ ડીસ્ટર્બ  ન કર’ કહી ગુસ્સે ભરાય તે નફામાં. હસતા હસતા કહેવાતું, ‘તું નાહક ચિંતા કરે છે.’પણ તેનો ઊપાય શો? ચિંતા કરવાથીયે કશું જ નહોતું વળવાનું. કડક, ઓલ્ડ ફેશન્ડ, રુઢિચુસ્ત આઉટ ડેટેડ મમ્મીનું લેબલ લાગી જતું હતું. છો લાગતું પણ અત્યારે…?

‘હજુ ન આવી? આવતી જ હશે.’ જાતને ટપારી સરલાબેન પાણી પીવા ઊઠયાં ત્યાં તો જાણે તેમનું આખું શરીર પાણી પાણી. મંદ મંદ ફૂંકાતા શીતળ પવનની લહેરખીઓ વચ્ચેય પરસેવો  લુછતા બાલ્કનીમાં આંટા ફેરા કરી ઊંઘવાના કેટલાય પ્રયત્નો છતાં ઊંઘ નહોતી જ આવતી. બહાર આકાશમાં ટમટમતા તારલાં પણ ખુલ્લી આંખે વાદળ પાછળ લપાયેલ ચંદ્ર દેખાવાની પ્રતીક્ષા કરતા હોય તેવું લાગી રહ્યું હતું. મધરાત્રિના ગોરંભાયેલા આકાશને સરલાબેન તાકી રહ્યા. રમેશભાઈ નિશ્ચિંત થઈ નિરાંતે ઘોરતા હતા. સરલાબેનના મનમાં અકથ્ય અકળામણ અને પેટમાં જાણે કશુંક ચૂંથાચૂંથ થતું હતું. ‘પોણો વાગ્યો, હજુ ન આવી? શું કરું?’  તેમની અપલક નજર પોઢી ગયેલા ડામરના શાંત રસ્તા પર પથરાઈ. આછી નહિવત્ત અવર જવરને તેઓ તાકતા રહયા. એકલ દોલત સિવાય દરેક ઘરની લાઈટો બુઝાઈ ગયેલી. એકાદ ગાડી પસાર થઈ. તેમને થયું આમાં જ અનીકા હશે. હમણા ગાડી ગેટ પાસે ઊભી રહેશે પરંતુ તેમની ધારણા ખોટી નીકળી. હેડલાઈટ ફેંકતી એ ગાડી આગળ વધી ગઈ. પોતાના આકુળ વ્યાકુળ મનને કંઈ ન સૂઝતા છેવટે તેઓ ઘર-મંદિરમાં ભગવાનના ફોટા સમક્ષ બેસી પડયા.

‘હે ભગવાન, મારી અનીકા જલ્દી હેમખેમ ઘરે આવે તેવું કંઈ કર.’ ત્યારે ઊપર ભીંતે જડેલ હાર ચઢાવેલો બાનો હસતો ફોટો ફ્રેમમાંથી કંઈક બોલતો હોય તેવું ભાસ્યું.

‘તું આવડી જ હતી સરલા, ને રાત વરત બેનપણીઓ હાયરે ગરબે રમવા જાવા જીદ કરતી. દેખાવડી કેવી! સરસ તૈયાર થઈ, ચણિયા ચોળી પેરીને મોડે લગીનં નવરાતે રમવા જા ને મારા જીવમાં ફડકો પડે. તને કોદકની નજર ન લાગે તો હારું એમ ભગવાનને હાથ જોડી કઊં. અને તું પાછી ન વળ તિંયા લગી મારો જીવ અધ્ધર. ઝાંપો દેખ્યા કરું… તને હાજી હમી ભાળું પછી જ આ જીવમાંય જીવ આવે હોં…’

તેવામાં લેચ કીથી બારણું ખૂલ્યું.

‘હાશ! આવી ગઈ અનીકા?’સરલાબેનનું એ વાક્ય સાંભળતા જ અનીકા છંછેડાઈ પડી.

‘હજાર વાર કહ્યું છે મમ્મી તને. ચિંતા કર્યા વગર ઊંઘી જા. પણ તું કંઈ સમજતી જ નથી. તારીયે ઊંઘ બગાડે છે અને મારો મૂડ.’ સરલાબેનના કાને અનીકાનો છણકો પડઘાયો હતો. ગમ્યું તો નહીં પરંતુ જીવને હાશકારો થયો. ‘હા. નથી સમજાતું બેટા, એ તો પોતાના પગ નીચે રેલો આવે ને ત્યારે જ સમજાય. આટલું અમથું પૂછયું તેમાં કયો ગુનો કર્યો? મા છું ને, એટલે.’તેઓ સ્વગતથ બોલ્યા.

‘પાછી કોણ કોણ હતું? શું કર્યું? ક્યાં ગયેલા? તેવા વાહિયાત સવાલોનો મારો ચલાવી મને બોર ના કરીશ. ગુડ નાઈટ.’અનીકા ઊંઘવા જતી રહી. અને… અને દુનિયાની લાખો મમ્મીઓની જેમ સરલાબેનના હોઠ સિવાઈ જતાં.

પછી તો વર્ષો વીત્યાં. અને આજે અનીકા પરણીને ઢીંગલી જેવી એક દીકરીની મોડર્ન મામ. પાંખો પર સવાર સમયને પસાર થતાં ક્યાં વાર લાગે?

મમ્મી, જો ને પીંકી થર્ટી ફર્સ્ટની ફાર્મ પાર્ટીમાંથી હજુ ઘરે પાછી નથી આવી. મોબાઈલ પણ નથી ઉપાડતી. બહુ ચિંતા થાય છે. શું કરું તે જ સમજાતું નથી.’ મોડી રાત્રે ફોનના એક છેડે બોલતી અનીકાનો ગભરાટભર્યો  અવાજ સરલાબેનના ફોનને સામે છેડે ગુંજ્યો.’

‘તું સાચી હતી બા. એક માના નાનકડાં  હૃદયના ચારેચાર ખાનાંઓમાં ભગવાને ચિંતા નામક રસાયણ શાથી ભરી દીધું હશે? મા નામની એક અક્ષરની વ્યક્તિમાં આખી બારાખડી સમાઈ જાય તેવડી બાળકોની ફિકર? જાણે યુગો યુગોથી ચાલી આવતું સનાતન સત્ય. સરલાબેન બાના ફોટાને પૂછી રહ્યા અને…

‘યેસ મમ્મી, યુ વર એલવેઝ રાઈટ…પરંતુ હું તને સમજી નહોતી શકી.’અનીકા આગળના એ શબ્દો ગળી ગઈ પરંતુ તોય સરલાબેનને જાણે સંભળાઈ જ ગયાં. શું તેના અવાજમાં પોતાનોય અવાજ ભેળસેળ થઈ ગયેલો? જાણે પોતે પોતાની બાને જ આવું ન કહેતા હોય!

‘આવશે બેટા, રિલેક્સ. સરલાબેને દીકરીને ધરપત આપી ફોન હેઠે મૂક્યો અને તેમનાં હોઠ મલકાયાં. એ જ વખતે એક કુતરી પોતાનાં બચ્ચાંની નજીક આવેલા એક કુતરા સામે ક્યાંકથી ધસી આવીને જોરથી ભસી. પેલું ગલૂડિયું, કું…. કું… કરતું પૂંછડી પટપટાવતું પોતાની માની ગોદમાં જઈ લપાયું.

‘જસ્ટ ચીલ મામ.’એ કોણ બોલ્યું? આમતેમ જોતી અનીકાની વ્યાકુળ નજર ઘરના બારણે ચોંટેલી જ રહી. પીંકીનો અવાજ હતો? કે પોતાનો!

‘એક માની મનોવ્યથા બીજી મા જ સમજી શકે.’ અનીકા મનોમન બોલી. ‘પીંકી તું પણ મા બનીશ ત્યારે…’ શું આજે પોતાની અંદર જાણે મમ્મીનો કે પછી તેનીયે બાનો આત્મા ઘૂસી ગયો હતો?

રાતના નીરવ અંધકારમાં એક બારણું ઉઘડયું અને અનીકાના મનમાં ઊજાસ ફેલાયો.

‘હાશ..’  તે બોલી, તેની મમ્મી સરલાબેન જેવું જ.

લેખક-  સુષમા શેઠ

Leave a Reply