Dr. Nimit Oza

મિત્રોના પ્રકારો હોય છે

મિત્રોના પ્રકારો હોય છે. કેટલાક કૉફી ફ્રેન્ડ્ઝ જેમની સાથે કોફી ટેબલથી આગળ વધવાનું મન જ ન થાય. કેટલાક એવા જેમની સાથે રાતના અંધારામાં ખુલ્લી સડક પર દુનિયાની પરવા કર્યા વગર હાથમાં હાથ પકડીને ચાલી શકાય. કેટલાક એવા જેમના ખભા પર માથું મૂકીને રડી શકાય.

અમૂક ફોર્મલ મિત્રો જેમની સાથે કોરોના પોઝીટીવ પેશન્ટ્સની સંખ્યા, પોલીટીકલ ચર્ચાઓ, વેબસીરીઝ અને વરસાદ કે હવામાનથી વધારે કશું જ ડિસ્કસ ન કરી શકાય. તો કેટલાક એવા જેમની સાથે નોન-વેજ જોક્સ શેર કરી શકાય, જેમની સાથે ઈમ્પલ્ઝીવ થઈ શકાય, જ્યાં ફિલ્ટર યુઝ ન કરવા પડે. ન તો ભાષામાં, ન તો વિચારોમાં. જીભ સુધી આવી ગયેલી ગાળ ગળી જવાને બદલે, જેની સામે એફર્ટલેસલી બોલી શકાય એવા મિત્રો. એવા મિત્રો જેમની સામે ગાળ ન બોલીએ, તો એને લાગે કે આપણે રીસાઈ ગયા છીએ. જેના વોલેટ કરતા ખિસ્સા પહોળા હોય અને ખિસ્સા કરતા છાતી.

જેની હાજરીમાં પહેરેલા દરેક માસ્ક ઉતરી જાય, એવા ઓક્સીજન જેવા મિત્રો. જેની સામે સોશિયલ ડિસ્ટન્સીંગનો છડે-ચોક ભંગ થઈ જાય એવા મિત્રો. દૂર રહેવાને બદલે ‘રિફલેક્સલી’ ગળે મળી જવાય એવા મિત્રો.

કેટલાક એવા જેમની સાથે આપણી અસલામતીઓ અને ડર વહેંચી શકાય. ‘યાર, મારી ફાટે છે’ એવું બિન્દાસ્ત બોલી શકાય. બહુ ઓછા પણ એવા મિત્રો જેમની સાથે આપણી નિષ્ફળતાઓ શેર કરી શકાય. જેને કોન્ફીડન્સથી કહી શકાય કે ‘યાર, Couldn’t make it’ અને એ પણ જ્જ થવાના ડર વિના.

કેટલાક એવા જેમને પ્રેમીની જેમ પ્રેમ કરી શકાય. ડાર્લિંગ મિત્રો.

કોઈ વહેતી નદી જેવા મિત્રો જે હાથતાળી આપીને પોતાની દુનિયામાં વહેવા લાગે, તો કોઈ ઘૂઘવતા સમુદ્ર જેવા મિત્રો જે આપણને એમની અંદર સમાવી લે. કેટલાક એવા જેમની સામે શબ્દો કપડાની જેમ સિલેક્ટ કરવા પડે, કેટલાક એવા જેમની સામે બેઆબરૂ બની શકાય.

કોઈ એવા જેમની સાથે નિરાશાઓ વહેંચવી ગમે, કોઈ એવા જેમની પાસેથી આશાઓ ઉધાર માંગવી ગમે. કેટલાક એવા જેમનાથી ઘણું બધું સંતાડવું પડે જેથી એમને ખરાબ ન લાગે. તો કોઈ એવા જેમની સાથે આપણી  નબળાઈઓ શેર કરી શકાય.

કેટલાક એવા કે બે દિવસ ઓનલાઈન ન થઈએ તો ફોન કરીને પૂછે કે ‘કોવીડમાં ગુજરી તો નથી ગયો ને ?’ તો કેટલાક એવા જેમને વર્ષો સુધી ન મળીએ તો પણ રોજ મળતા હોવાનો અહેસાસ થાય. ન મળીએ તો  ખખડાવે એવા મિત્રો, તો કોઈ એવા જેમની સાથેની મિત્રતા એમને મળ્યા વગર વધારે ગાઢ થતી જાય.

પ્રોબ્લેમ એ છે કે ક્યારેક આપણે એક જ વ્યક્તિમાં આ બધા ગુણધર્મો શોધતા હોઈએ છીએ. ક્યારેક ભૂલી જઈએ છીએ કે સામેવાળો માણસ ફક્ત મિત્ર છે, ગુણધર્મો અને આપણી અપેક્ષાઓનું સુપરમાર્કેટ નહીં જ્યાં જીવન જરૂરી બધું જ મળતું હોય. બહુ નસીબદાર હોય છે એ લોકો જેમને એક જ વ્યક્તિમાં પોતાનું આખું સુપરમાર્કેટ મળી જાય.

-ડૉ. નિમિત્ત ઓઝા

Categories: Dr. Nimit Oza

Leave a Reply