Nayna Shah

મમ્મી ! તું સાચી…

“તું શું બોલી રહી છે. એ તને ખબર પડે છે? આ તારું ઘર નથી. ચાલ  ઊઠીને હાથ પગ – માેં ધોઇ કાઢ, તારે કોલેજ જવાનું મોડું થશે .”

“મમ્મી! મેં લગ્ન કોર્ટમાં કરી લીધા છે. એની મુદત તો ક્યારનીય પૂરી થઈ ગઈ, પણ હવે તું નાની બનવાની છું અને સમાજ એવું ના સમજે કે હું કુંવારી છું .”અલ્પના એકીશ્ર્વાસે બાેલી ગઈ. અલ્પનાની મમ્મી થોડી ક્ષણો કંઈ જ બોલી ન શકી. બીજી  ક્ષણે આંખાેમાં આંસુ ના પૂર ધસી આવ્યા. ગુસ્સાે પણ કાબૂ બહાર જતો હતો. તેથી બરાડી ઊઠી,”કોણ છે એ  છોકરો? તે અમને વાત પણ ના કરી ? તું તો અમારું એકનું એક સંતાન, અમે તારા ધામધૂમથી લગ્ન કરાવત. તેં આ શું કર્યું? “

“મમ્મી મને વિશ્વાસ હતો કે તું લગ્ન નહીં કરાવે. એથી જ મેં આ પગલું ભર્યું છે. એ લોકો આપણા કરતાં ઊતરતી જ્ઞાતિના છે.”

“અલ્પના મેં ક્યારેય જ્ઞાતિને મહત્વ આપ્યું નથી. મેં સંસ્કારને જ મહત્વ આપ્યુ છે. બાકી શબરીજી કે કેવટ પણ ક્યાં ઉચ્ચ જ્ઞાતિના હતા? છતાં ઉચ્ચ જ્ઞાતિ વાળા માટે પણ એ વંદનીય છે. બોલ એ છોકરો કોણ છે? “

“બાજુની સોસાયટીમાં રહેતો પ્રવીણ કે જે તને નથી ગમતો. તું અનેકવાર મને એનાથી દૂર રહેવાનું કહી ચૂકી છું. મમ્મી! પ્રવીણ અબજપતિ છે. મારે અેને ત્યાં કંઈ જ કામ કરવું નહીં પડે. મારા જતા પહેલાં એ લોકોને ત્યાં મારા નામે કાર પણ આવી ગઈ છે અને ડ્રાઈવર પણ રાખી લીધો છે. હમણાં મને લેવા માટે આવશે.”

“અલ્પના !  તારી ખુશી થી જા પણ ફરી ક્યારે આ ઘરમાં આવીશ નહીં. હવેથી આ ઘરના દરવાજા તારા માટે સદાને માટે બંધ થઈ ગયા છે એવું માની લેજે. તારા પપ્પાને પણ હું વાત કરું છું. પણ આ મારો આખરી નિર્ણય છે.”

જોકે બાજુના રૂમમાં તૈયાર થઈ રહેલા  અલ્પના ના પપ્પા એ બધી જ વાત સાંભળી લીધી હતી તેથી રૂમમાં આવીને બોલ્યા ,”તારી મમ્મી નો ફેંસલો મને મંજુર છે તું આ ઘરમાં ક્યારેય પણ પગ ના મુકીશ મેં તારા માટે… “

અલ્પના વચ્ચેથી વાત કાપતાં બોલી, “તમારા મિત્રનો દીકરો જે બિલકુલ મધ્યમવર્ગનો, માથામાં તેલ ચીપકાવી ફરતો, પૈસા પૈસા માટે મહેનત કરતો, આવક જાવક ના  બે છેડા માંડ ભેગા કરતો એ મને બિલકુલ પસંદ નથી.”

“વિદર્ભ ભલે અબજપતિ નથી પણ બાપના પૈસે પ્રવીણ જેવી તાગડધિન્ના કરતો નથી. મહેનત કરીને સાથે સાથે ભણે છે, જ્યારે બાજુની સોસાયટીમાં રહેતો અબજોપતિ નબીરા નાે બાપ લાંચ  લેતા પકડાયો હતો અને જેલમાં પણ ગયો છે. મહેનત વગર નો પૈસો સુખ નથી આપતો.પ્રવિણ ના મોટાભાઇનો વિવાહ  તૂટ્યો. ત્યારબાદ લગ્ન કર્યા અને છૂટાછેડા લીધા. એની બેન સાસરેથી પાછી આવી છે. પહેલીવાર ના લગ્ન બાદ  એણે પણ છુટાછેડા લીધા અને બીજી વખત લગ્ન કર્યા બાદ છુટાછેડાનો કેસ ચાલે છે. પૈસો તમને સુખ આપશે એવું માની લેવાની જરૂર નથી અને મહેનત વગર નો પૈસો તમને ક્યારેય સુખ નહીં આપી શકે .હજી પણ મોડું થયું નથી તું સમજ… “

ત્યાં જ કારનું હોર્ન વાગ્યું. પ્રવીણ તથા ડ્રાઇવર આવી ગયા હતા. અલ્પના દોડતી બહાર આવી ગઈ, પપ્પા તરફ નજર કરતા બોલી ,”હું પહેરેલ કપડે તમારું ઘર છોડીને જવું છું મને ખાતરી છે કે તમે આશિર્વાદ નહી આપો. હું હવે પછી ક્યારેય આ ઘરમાં તમારી ઈચ્છા નથી તો, નહીં આવું ” કહેતા કારનો દરવાજો ખોલી પ્રવિણ સાથે જતી રહી.

અલ્પના ના મા-બાપ ક્યાં સુધી આંસુ સારતા રહ્યા. આજે અેમને  પહેલીવાર મધ્યમ વર્ગના હોવાનું દુઃખ થયું. મધ્યમ વર્ગના હોવું એ ગુનો નથી, પણ પોતાની જ દીકરી પૈસાની ચમક દમક માં આટલી હદ સુધી પ્રભાવિત થઇ જશે અને નાનપણથી આપેલા સંસ્કાર ભૂલી જશે એવું વિચાર્યું પણ ન હતું. અલ્પનાના પપ્પા મન મુકીને ના રડી શક્યા. ના મનની વાત પણ કોઈ ને કરી શક્યા!  મનમાં મુંઝાતા જ  રહ્યા અને ચાર પાંચ મહિનામાં જ એટેક આવતા સુતા બાદ ઉઠી ના શકયા. અલ્પના ને બાબો આવ્યો ત્યારે તેની ઘણી ઈચ્છા હતી કે એકવાર જઈ  મા બાપ ની માફી માંગી લે.

અલ્પનાને પણ લગ્ન બાદ લાગ્યું કે બંને ઘરના વાતાવરણ અને સંસ્કાર માં ઘણો જ  ફેર છે. લગ્નના બીજા જ દિવસે એ ઉઠી ને બોલી ,”કરાગ્રે વસતે…”ત્યાં જ પ્રવીણ બોલી ઊઠ્યો “હજી તો   સવારના છ વાગ્યા છે. અમારા માટે અડધી રાત કહેવાય.”

પણ અલ્પના ભક્તિભાવથી બોલી રહી હતી અને પલંગ નીચે પગ મુકતા બોલી, “સમુદ્રે વસતે ..”

હવે પ્રવીણ બરાબર ગુસ્સે થતાં બોલ્યો “તારા  રાગડા બંધ કર અને મને સુવા દે, તું પણ સૂઈ જા. આ ઘરમાં કોઈપણ સવારે નવ વાગ્યા પહેલાં ઉઠતું નથી.”

અલ્પના ક્યાંય સુધી પડખાં ફેરવતી રહી. અને જ્યારે નવ વાગે પ્રવીણે સુતા સુતા બુમ મારી” , અરે, સેવકરામ તું ક્યાં મરી ગયો? હજી સુધી ચા નથી મૂકી ?”

અલ્પના જાણતી હતી કે સેવક રામ  ઘણી મોટી ઉંમરના છે, એને પણ તુંકાર થી બોલવવાના? એ તો ઠીક સવાર પણ આવા અપશબ્દોથી શરૂ કરવાની? ભગવાનનું નામ પણ નહીં લેવાનું? નાના-મોટાં ને માન  પણ નહીં આપવાનું? આવા અપશબ્દો તેમના ઘરમાં ક્યારેય બોલાતા નહિ.

અરે એકવાર વાસણ કરવા આવતી છોકરીને એણે કહેલું “એ..ઈ, કામ બરાબર કર, પૈસા આપીએ છીએ. બસ તમારે હરામ નું ખાવું છે ..”અને મમ્મી એ સાંભળી ગઈ અને ગુસ્સે થઈને બોલી, “અલ્પના !  એ છોકરી ની માફી માગ. એનું નામ એ…ઈ નથી એનું નામ જાનકી દીદી છે. કયારેક માણસ થાકી પણ ગયું હોય તો એને શાંતિથી કહેવું જોઈએ. એ પણ મજૂરી કરીને પૈસા કમાય છે. ‌એની માફી માગ. પોતે માફી ના માગી તો એ દિવસે મમ્મી ઉપવાસ કર્યો હતો. જો કે બીજે દિવસે એને જાનકીદીદી ની માફી માંગી હતી. મમ્મીએ ત્યારે પણ કહ્યું હતું “આ છોકરી મહેનત કરી પોતાનું તથા ઘરનું પૂરું કરે છે. એવી વ્યક્તિ સામાન્ય ના હોય. અને બીજી વાત તમારા બાેલવા પરથી તમારા સંસ્કાર છતાં થાય છે. તમારે માન મેળવવું હોય તો બીજાને માન આપતા, પ્રેમ આપતા શીખો.”

‌એનો બાબાે રાત્રે રડતો ત્યારે પ્રવીણ ખૂબ ખૂબ ગુસ્સે થઇ જતો. વારંવાર કહેતો, “બાબો મારી મમ્મી રાખશે. આપણા તો હરવા ફરવા ના દિવસો છે. આ ઝંઝટ ના જોઈએ.” પ્રવીણ નોકરી ધંધો નહિ કરતો હોવાથી આખો દિવસ નવરો જ રહેતો. પોતે સામાન્ય દેખાવ વાળાે  અને અપ્સરાને પણ શરમાવે એવી રુપના ના ખજાના જેવી અલ્પના અેને ખુબ પસંદ હતી અને એમાંય  બાળકના જન્મ બાદ તેનું રૂપ વધારે ખીલી ઊઠ્યું હતું.

શરૂઆતના દિવસોમાં તો અલ્પના ને પ્રવિણ એની પાસે રહે  એ ખૂબ ગમતું પણ વખત જતાં એને લાગવા માંડ્યું કે પોતે પૈસા ને મોહી પડી હતી. બધી બહેનપણીઓ જ્યારે પોતાનાે પતિ નોકરી થી પાછો આવે એની રાહ  જોતી બેઠી હોય,  રસોઈ તૈયાર રાખી હોય. જ્યારે પોતાનો પતિ તો ચોવીસ કલાક ઘરમાં જ હોય. એની એક બહેનપણીએ કહ્યું પણ ખરું ,”અલ્પના !તારા સસરા ની આવક સારી છે એમાં બે મત નથી પણ તારા સસરા નિવૃત્ત થશે પછી શું? અને સાંભળ , બેઠા બેઠા  ખાવાથી તો કુબેરનાે ભંડાર પણ ખાલી થઈ જાય છે અને તારા સસરા ની મિલકત માં તારા જેઠ તથા નણંદ નો પણ ભાગ તો ખરાેજ  ને.”?

‌અને ત્યારબાદ અલ્પનાએ એકવાર પ્રવીણને કહ્યું પણ ખરું કે, “તમે ક્યાંક નોકરી ધંધો કરો.આખો દિવસ ઘરમાં શું બેસી રહેવાનું?”

ત્યારે પ્રવીણે એ અલ્પના પર ગુસ્સે થઈ હાથ ઉપાડ્યો હતો “તુ ભૂખી  મરે છે? નોકરી એટલે ગુલામી. હું નોકરી નથી કરવાનાે. આખો દિવસ ધંધામાં રચ્યાપચ્યા રહેવાનું મને પસંદ નથી. પણ સાચી વાત તો એ છે  કે તું મારાથી કંટાળી ગઈ છું. તને કોઈ બીજો સગલાે પસંદ પડ્યો છે? તારા મનની વાત કર, નહીં તો તને મારી મારીને તારા હાડકાં ભાંગી નાખીશ.” અલ્પના ડઘાઈ ગઈ હતી. આવા પ્રતિભાવની તાે એને આશા જ ન હતી.

‌મમ્મી ઘણી યાદ આવતી હતી. હવે પપ્પા પણ હયાત ન  હતા. એના મનમાં ઊંડે ઊંડે આશા હતી કે આખરે મા છે તો મને બોલાવશે જ ને? પણ મમ્મી તરફથી કોઈ સંદેશો મળતો ન હતો. કાકા, મામા ,માસી ફાેઈ દરેક જણ મારફતે એને તપાસ કરી હતી કે એની મમ્મી એને યાદ કરે છે કે નહીં? પણ દરેક જણે કહ્યું કે “તારી મમ્મીની જિંદગી ભક્તિમય બની ગઈ છે. મંદિરમાં પૂજા-પાઠ કરે છે. ઘેર આવીને થાેડી રસોઈ બનાવી ભગવાનનું નામ લે છે.”

ક્યાંય કોઈ  એ એવું તો ના જ કહ્યું કે તારી મમ્મી તને યાદ કરે છે. દિવસે દિવસે પ્રવીણે અલ્પના પર હાથ ઉપાડવાનું વધારી દીધું હતું. અલ્પના ફરી વાર એક દીકરીની મા બની ગઈ હતી. હવે પ્રવીણને તેનામાં રસ ઓછો થતો જતો હતો. એકાદવાર અલ્પનાએ રડતાં રડતાં મમ્મીને ફરિયાદ પણ કરી હતી, ” મમ્મી! હું દુઃખી છું મારે પાછું આવવું છે.”

ત્યારે જો કે એની મમ્મીને ઘણું દુઃખ થયું હતું છતાં પણ કહ્યું હતું, “અલ્પના તુ  તો સંસ્કારી ઘરની છું. એ લોકો એમના સંસ્કાર છોડી નથી શકતા, તો શું કામ તારા સંસ્કાર છોડી દે છે? એક સંતના શબ્દોથી વાલિયો લૂંટારો વાલ્મીકિ ઋષિ બની શકતો હોય તો શું તારા શબ્દાે બૂઠ્ઠા છે? તારા શબ્દો માં તાકાત નથી ?અને મારી વાત સાંભળી લે કે સ્ત્રી એ સહનશક્તિની સાક્ષાત મૂર્તિ છે. છુટાછેડા એટલા માટે થાય છે કે નારી ની સહન શક્તિ ઘટી ગઇ છે અને મા-બાપનો સહારો મળી રહે છે. તુ  મારી દીકરી છું. હું તને ક્યારેય મારી સાથે રાખીશ નહિ. જિંદગીનાે પડકાર ઝીલે  લે, પ્રેમથી તારા પતિને  સમજાવ. બાગનાે એક   છોડ કાઢી બીજી જગ્યાએ વાવીએએ તો એને ત્યાં પાંગરતા સમય લાગે છે .પણ એ ભવિષ્યમાં વટવૃક્ષ બને છે અને હા, હવે થી મને ફોન ના કરીશ.”

‌અલ્પના ને લાગ્યું કે મમ્મીના શબ્દો માં દ્રઢતા અને આત્મવિશ્વાસ છે. મમ્મી એને ઘેર આવવાની ના કહી પણ મમ્મીના દરેકે દરેક શબ્દમાં દ્રઢતા હતી. અલ્પનાએ જોયું કે પ્રવીણને જૂદી જૂદી ડિઝાઈન ના કપડાં પહેરવાનો ખૂબ શોખ છે. એ પોતાના દિકરા અને દીકરી ને પણ આધુનિક ડિઝાઈન ના કપડાં  પહેરાવે છે. તેથી જ અલ્પના એક દિવસ કહ્યું , “આપણે પણ દરજી બેસાડીને જુદી જુદી જાતના કપડાં સીવડાવીએ તાે? અને ઓળખીતાઆેને ભેટ આપી શકીએ.”

પ્રવીણને  બધાંને આપીને મોટાઈ બતાવવાનો પહેલેથી શોખ હતો. પ્રવીણને  અલ્પનાની  એ વાત  ગમી ગઈ. ધીરે ધીરે અલ્પના એ એનાં વખાણ કરવા માંડયાં અને એને પ્રોત્સાહન આપી કપડાંની દુકાન ચાલુ કરાવી. અલ્પના નું કહેવું હતું હતું, “મારે પણ તમારી સાથે જ  દિવસ વીતાવવાે છે. આપણા દીકરા-દીકરીને મમ્મી રાખે છે ને?”

દિવસે દિવસે અલ્પનાની મહેનત રંગ લાવવા માંડી. પ્રવીણને ધંધામાં રસ પણ પડવા માંડ્યો હતાે. એક દિવસ અલ્પના મંદિર ગઈ  ત્યાં તેની મમ્મી બેઠી હતી, અલ્પના પગે લાગતા બોલી, ” મમ્મી!  તું જ  મારી ભગવાન છે. તારી હિંમતથી આજે હું સુખી છું. મમ્મી! મને ઘરમાં ના બોલાવે તો કંઈ નહીં, તારા દિલના દ્વાર મારા માટે હંમેશા ખુલ્લા રાખજે. મમ્મી! તું સાચી હતી… “

વાર્તાકાર : નયના શાહ
મો. નં. ૭૯૮૪૪૭૩૧૨૮

Categories: Nayna Shah

Leave a Reply