Mythology

અનુપમ મિત્ર-સુદામા

હાલમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત સીરિયલ ‌ચાલી રહી છે. એમાં કૃષ્ણ- સુદામાની જંગલમાં લાકડા લેવા જવાનો પ્રસંગ દર્શાવાયો ત્યારે આ એક વાત માંડવાની જરૂર લાગી.એમની ઘનિષ્ઠ મૈત્રી હોવા છતાં ય સુદામા આજીવન ગરીબ રહ્યા એ પાછળ એમની ચોરીથી ચણા ખાવાની વાત પ્રચલિત છે ,પણ‌ આ એક ભ્રાંતિ છે, જોઈએ આની પૃષ્ઠભૂમિ:

એક અતિ નિર્ધન, વૃધ્ધ હરિભક્ત સ્ત્રી હતી. ભિક્ષાથી પેટ‌ ભરતી આ સ્ત્રી જે‌ કંઈ મળે ‌તે‌ હરિ ને ધરાવીને જ ખાતી.એક‌ વાર એવું બન્યું કે ‌સતત પાંચ દિવસ એને ભિક્ષામાં કંઈ જ ન‌ મળ્યું. હરિને‌ પણ પ્રેમથી પાણી ધરાવી, એ પી સૂઈ જતી. છઠ્ઠે‌ દિવસે‌ છેક સાંજે બે મુઠ્ઠી ‌ચણા મળ્યા. એ લઈ ઘરે આવતા રાત પડી ગઈ, તેથી એણે ‌વિચાર્યુ કે સવારે હરિને ધરાવી ખાઈ લઈશ. ચણાને પોટલી  બાંધી મૂકી દીધા અને હરિનામ જપતાં જપતાં એની આંખ મળી ગઈ. તે દરમ્યાન એક ચોર ઝૂંપડીમાં આવ્યો. પોટલીમાં સિક્કા હોવાનું ધારી એ પોટલી લઈ નાઠો. વૃદ્ધ ‌સ્ત્રી ઝબકીને જાગી અને બૂમાબૂમ કરી મૂકી. આસપાસના લોકોએ ચોરને પકડવા ભાગદોડ કરી મૂકી તેથી તે ગભરાઈને સાંદિપની ઋષિના આશ્રમમાં છૂપાઈ ગયો.આ એ જ આશ્રમ હતો જ્યાં બાળસખા શ્રીકૃષ્ણ અને સુદામા ભણતા હતાં.

ચોરના પગરવથી ચોંકી ગુરૂ માતા એ સાદ દીધો,”કોણ છે?” જેથી ડરીને ચોર પોટલી ત્યાં જ મૂકી આશ્રમ છોડી ભાગી ગયો. આ બાજુ હરિભક્ત ભૂખી સ્ત્રીએ ચોરને શ્રાપ આપ્યો “જે કોઈ મુજ નિર્ધનના ચણા ખાશે એ આજીવન દારિદ્રય ભોગવશે.”

સમયની બલિહારી જુઓ કે ગુરુ માતાએ આ જ ચણા આપી, શ્રીકૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા. સુદામા પણ જન્મજાત બ્રહ્મજ્ઞાની હતા તેથી ચણાના શ્રાપ વિશે તુરંત જાણી ગયા. ગુરૂમાતાની આજ્ઞા શિરોમાન્ય હોવા છતાં ય સુદામાએ મિત્ર વિશે પ્રથમ વિચાર્યું,”આ‌ ચણા મારો સખા, ત્રણ લોકના સ્વામી ખાશે તો આખું ય જગત દરિદ્ર થઈ જશે. હું આ ચણા એને ખાવા નહીં જ આપું. મારા પહેલા મારા મિત્રનું હિત મારે હૈયે વસે!”

તેથી જંગલમાં  શ્રીકૃષ્ણ નિદ્રાધીન થયા એવું જાણ્યું કે સુદામાએ શ્રાપિત ચણા ખાઈ લીધા અને મિત્ર ને બચાવી ઈતિહાસ માં અપયશ વહોરી લીધો. ત્યાગ અને ઉત્તમ મૈત્રીનું આનાથી ઉમદા ઉદાહરણ ક્યું હોઈ શકે? જગતના નાથ શ્રીકૃષ્ણ ને કંઈ આ વાતનું  જ્ઞાન નહીં હોય એવું શક્ય છે ? એવો સહજ સવાલ થાય તો એનો જવાબ પણ મૈત્રી જ આવે ને! શ્રીકૃષ્ણ દરિદ્ર ન બને એ માટે ઈતિહાસમાં ચોર અંકિત થઈ જવું એ વાતથી સુદામાનું પલ્લું ભારી જ છે. તેથી જ વર્ષો‌ બાદ સુદામા આવતા શ્રીકૃષ્ણ દોડી ગયા અને અદ્ભુત આતિથ્યથી એમની સરભરા કરી. આ ત્યાગ, નિઃસ્વાર્થ મૈત્રીનું આનાથી સારું દષ્ટાંત બીજું ક્યું હોય?

Categories: Mythology

Tagged as:

Leave a Reply