Ujas Vasavda

નેવર ગીવ અપ

વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો. હું ઝબકીને ઊઠી ગયો અજબ બેચેનીનો અનુભવ થયો. મારૂં અસ્તિત્વ જ શંકાસ્પદ લાગ્યું. બારીની બહાર થોડી થોડી વારે ઝબકતાં વીજળીના પ્રકાશ સાથે મારા જીવનની ઘટનાઓ ફ્લેશ થઈ ગઈ. ઊંઘ ઊડી ગઈ, બેચેની સાથે ભય અને ગભરામણ પણ થવા લાગી. ઝડપથી ફુંકાતા પવનના લીધે બત્તી પણ ગૂલ થઈ. વિચારોની ગતિએ મને અદ્રશ્ય દોરડાં વડે ઝકડ્યો હોય તેવો ભાસ થયો.  મારા હાથ-પગમાં વિચિત્ર ભાર મહેસુસ થયો. “હું કેમ હલી-ચલી નથી શકતો!” વિચારોમાં ભૂતદર્શન ચાલું હતું. વ્યર્થ બગાડેલો સમય, મેં કરેલું અસભ્ય વર્તન, જુદાં જુદાં તબક્કે મળેલી નિષ્ફળતાં. “શું હું અત્યાર સુધી જીવ્યો એ સાર્થક રહ્યું?” વિચારોમાં ક્યારે હું ઊંધી ગયો ખબર જ ન પડી.

“ગઈ રાત કેટલી બધી ભયાનક હતી! આજે ફરી એ જ સવાર. આ જીવન એક યંત્ર બની ગયું છે. કોઈ રોમાંચ નહીં, કોઈ નવીનતા નહીં. રોજ સવારે ઉઠી એક જ કકળાટ, એનું એ જ રૂટિન. ઘરથી ઓફિસ અને પછી ઘર. રોજ ગ્રાહકો સાથે એકની એક માથાકૂટ, ઘરે બાળકો અને પત્નીની કચકચ. ખબર નહીં પણ મન-મસ્તિષ્ક પર અક્ષમ્ય ભાર અનુભવાય છે. થોડો સમય મનને જુદા માર્ગ પર ચડાવવા આ વ્હોટ્સએપ, ફેસબુક ઇન્સ્ટાની દુનિયામાં પણ ચક્કર લગાવ્યું. ત્યાં પણ એજ રૂટિન એકનું એક કોઈ બદલાવ નહીં, કઈં નવીનતા નહીં. મોટિવેશનલ સ્લોગનો, જૂના નવા ફિલ્મી ગીતો, નવી જાહેરાતો કે પછી વ્યક્તિગત મળેલી સિદ્ધિઓની વાહવાઈ. શું આ તે કંઈ જીવન છે? બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, પ્રોઢાવસ્થા, અને વૃદ્ધાવસ્થા સમગ્ર જીવનમાં વ્યક્તિ દોડતો જ રહે. કંઈક મેળવવાની ઝંખના! પણ શું મેળવવાનું? પદ, પ્રતિષ્ઠા અને પૈસો જ! ગરીબ કે તવંગર સતત દોડતાં રહેવું એ જ ફિતરત.  ધિક્કાર છે આવા જીવનને.”

“મન-મસ્તિષ્કમાં ઘોડાપૂર બનેલા વિચારો નિરાશાવાદી છે. શું મારે મનોચિકિત્સક પાસે જવાની જરૂર છે? પણ એવું કેમ બન્યું! હું સ્વસ્થ છું.” થોડું વિચારી, “મારે આજે જવું જ પડશે.”

“પણ , કોઈને ખબર પડશે તો! હું મનોચિકિત્સકને મળવા ગયેલો! લોકો મને ગાંડો કહેશે. જુવો…પેલો ગાંડો જાય…”

“ના…ના…મારે નથી જવું ગાંડાના ડોકટર પાસે. અરે…આ કેવા વિચારો આવે છે. હું ખરેખર ગાંડો થઈ જઈશ. અરીસામાં જોઉં. શું હું ગાંડો…?”

અરીસા સામે ઊભાં રહી, “વાહ… કેવી સરસ આંખો છે. સ્નાયુબદ્ધ શરીર..સિલ્કી વાળ.. ફિલ્મી હીરો પણ મારી પાસે પાણી ભરે. આજદિન સુધી હજું પણ છોકરીઓ મને જોઈ મારા પર મોહી પડે. પણ…આ ગાંડા પર કોણ મોહિત થાય!”

“મને આવા નપુંસક, નબળા વિચારો કેમ આવી રહ્યાં છે. અરે..હું ગાંડો નથી…આ વિચારોથી છૂટવા મારે મનોચિકિત્સકને મળવું જ પડશે.ઝડપથી તૈયાર થઈ એપોઇન્ટમેન્ટ લઈ લઉં.”

****

“આ રસ્તાઓ પર બધાં હરીફાઈમાં લાગ્યા છે. હું પહેલાં, હું પહેલાં… મોટર વાળો કે સ્કૂટર વાળો, બાઈક વાળો કે સાઈકલ વાળો, અરે …આ ચાલીને જનારાઓ પણ પોતાની ગતિથી વધુ ગતિમાન બન્યા છે. પોતાની જાતને કંઈક સાબિત કરવાની રેસ લાગી છે. પણ શું સાબિત કરવાનું? ક્ષણભરમાં આ જીવન પર પૂર્ણવિરામ લાગી જાય છે એવું આ જીવન તદ્દન નિરર્થક છે. આ હાલતાં ચાલતાં પૂતળાંઓ જ છે. હા.. હા..” મનોમન અટ્ટહાસ્ય સાથે, “હું..હું પણ આવું પૂતળું જ છું જીવીને કોઈ ફાયદો નથી. હું ચાવી ભરેલા રમકડાં માફક જ વર્તન કરું છું. ઊઠું છું, સુઈ જાઉ છું, ચાલું છું, ખાઉં છું. બસ આ ‘મન’ ચાવી છે એ ભરાઈ એટલે હું વર્તન કરું. આ ચાવી જ ઉખાડી ફેંકી દઉં તો!”

“અરે..દવાખાનું આવી ગયું. આ નિરાશ વિચારોથી માથું ભારે થઈ ગયું. ઝડપથી ડોકટરને મળી લઉં. હવે સહેવાતું નથી.”

દવાખાને પહોંચીને જોયું તો ત્યાં પણ ભારે ભીડ. “અરે…મનોચિકિત્સકને ત્યાં ભીડ! તો શું મારી જેવાં અસંખ્ય લોકો હશે! તો પછી આવી જીંદગી શું કામની? કોઈ રંગ નહીં, કોઈ રૂપ નહીં. રોજ સવારે પડે અને પછી રાત પડે…ફરી એજ સવાર…જો આ જ જીંદગી છે તો મારે નથી જીવવું…આ ભાગદોડ મારે નથી કરવી.. મારુ જીવવું કે મરવું કોઈને કંઈ જ ફેર નહીં પડે. ઘરના સભ્યો થોડો સમય શોક પાળશે અને ફરી  એ જ પદ, પ્રતિષ્ઠા અને પૈસા પાછળની નિરર્થક દોડમાં જોડાઈ જશે.”

ડોક્ટરના રૂમની બહાર કર્કશ ઘંટડી વાગે છે. કમ્પાઉન્ડર મારી સામું જોઈ મને ડોકટર પાસે જવા ઈશારો કરે છે. હું ઉભો થયો અને ડોકટરના રૂમ તરફ જતાં જ મારા પગ જમીન સાથે ચોંટી ગયાં.

“આ ગાંડાઓનો ડોકટર પણ ગાંડો જ હશે તો! ના…ના…રે મારે નથી જાઉં તેની પાસે..” મારા પગ ડોકટરના રૂમના દરવાજેથી બહાર જવા તરફ આપો આપ ચાલવા માંડ્યા.

“આ બધું જ નકામું છે. કોઈને મારી જરૂર નથી અને મને પણ કોઈની જરૂર નથી, લોકો જન્મે છે વૃદ્ધિ પામે છે અને મરે છે. આ રોજની દોડધામ, નીરસ જીંદગી અને એકના એક કકળાટથી છુટવા  ‘આત્મહત્યા’ એક જ ઉપાય છે. આમ પણ મોટેરાઓ એ કહ્યું જ છે ને કે ‘કલ કર સો આજ, આજ કર સો અબ’. જો પેલો ટ્રક પૂરપાટ આવે છે. એમની વચ્ચે જ ઉભો રહી જાઉં.”

“બસ હવે આ હાડ-ચામનાં શરીરમાંથી મુક્તિ પાકી. આ ટ્રકને આગોશમાં સમાવી લઉં. આવી જા.. હું તને આવકારું છું. નથી મને રંજ, નથી મને ઈર્ષા, નથી મને કોઈ ઈચ્છા બસ આ ટ્રકને જ મારું સર્વસ્વ સોંપી દઉં. આ ક્ષણભગુંર શરીરને ત્યજી દઉં અને આ દુનિયામાંથી આઝાદ થઈ જાઉં. આવ… ઝડપથી આવ..” આંખો બંધ, હાથો ફેલાવી, રસ્તાની વચ્ચોવચ મૃત્યુને આવકારતાં ઊભો હતો, ત્યાં અચાનક કોઈએ જોરદાર ધક્કો માર્યો. રસ્તાની બીજી તરફ હું અફળાયો. ઊભા થઈ જોયું તો એક 14-15 વર્ષનો છોકરો. તેણે મારી તરફ ખૂનન્સ નજરે જોઈ કહ્યું, “મેન્ટલ હે ક્યાં? રસ્તે કે બીચમે હાથ ફેલાકે ખડા હે! ટાઈમ પે આ ગયા વરના તેરી ચટની બન જાતી.”

 “એ છોકરો કોણ હતો! અરે મારે મરવું જ હતું, પણ, શા માટે? ખરેખર મારે મનોચિકિત્સક પાસે પહોંચવું જ પડશે બાકી હું હતો ન હતો થઈ જઈશ.”

ફરી મનોચિકિત્સકના દવાખાના તરફ દોટ મૂકી. અંદર પ્રવેશતાં જ સામે પોસ્ટર દેખાયું જ્યાં લખ્યું હતું, ” જીવન એ ઈશ્વરીય પ્રસાદ છે. પ્રસાદ કદાચ ભાવતો ન હોય તો પણ ઈશ્વરીય કૃપા સમજી ગ્રહણ કરીએ છીએ. તેમ આ જીવન પણ ઈશ્વરીય કૃપા સમજવી. નકારાત્મક વિચારોના બોજ હેઠળ આ પવિત્ર પ્રસાદને વેદફવો નહીં.” નીચે મોટા અક્ષરે લખ્યું હતું, “નેવર ગીવ અપ.”

આ પોસ્ટર મને પહેલાં કેમ ન દેખાયું? પહેલીવાર આજે મન-મસ્તિષ્કમાં હકારાત્મક વિચાર પ્રવેશ્યો. જાણે કે ભયંકર અંધકારમાં દીપપ્રાગટોત્સવ. બધું મારૂં પોતાનું લાગવા માંડ્યું. આત્મહત્યાના નિર્ણય પર અફસોસ થયો અને સાથે જ પેલા અજાણ્યા છોકરાં પર અંતરથી આશિર્વાદ વર્ષવાં લાગ્યો.

ઘંટડીના કર્કશ અવાજ સાથે ફરી કમ્પાઉન્ડરે મારી તરફ જોયું અને હું મારા પગને કાબુમાં રાખી ડોકટરના રૂમમાં પ્રવેશ્યો…

-ઉજાસ વસાવડા

Categories: Ujas Vasavda

Tagged as: ,

Leave a Reply