Very Nice

સ્વામી વિવેકાનંદ

( ૧૨ જાન્યુઆરી , ૧૮૬૩–૪ જુલાઇ, ૧૯૦૨),

નરેન્દ્રનાથ દત્ત,  ૧૯મી સદીના ગુઢવાદી સંત, રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે.  યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે  અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુ ધર્મના પુનરોદ્ધારમાં  વિવેકાનંદને મુખ્ય પરિબળ સમા ગણવામાં આવે છે.

તેઓ “અમેરિકાના ભાઈઓ તથા બહેનો” સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.

સ્વામી વિવેકાનંદનો જન્મ સન ૧૮૬૩માં કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં થયો હતો.તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી – પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથી. બાળપણથી જ તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો.* ઇશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે તેવા વ્યક્તિની શોધમાં તેઓ રામકૃષ્ણને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા.રામકૃષ્ણએ તેમને એક ગુરૂ તરીકે અદ્વૈત વેદાંત અને બધા જ ધર્મો સાચા છે તથા માનવ સેવા એજ સાચી પ્રભુપ્રાર્થના છે તેવુ શીખવ્યું હતું.

ગુરૂના અવસાન બાદ પરિવ્રાજક બની તેમણે સમગ્ર ભારત ખંડમાં પરિભ્રમણ કર્યુ અને ભારતની સ્થિતિનો તાગ મેળવ્યો. તેઓ પાછળથી શિકાગો ગયા અને સન ૧૮૯૩ની વિશ્વધર્મ પરિષદમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પ્રખર વક્તા વિવેકાનંદને યુનાઇટેડ સ્ટેટ્સના અમુક મંચોએ યુનિવર્સિટીઓ અને ક્લબોમાં વક્તવ્ય આપવા તેમને નિમંત્રણ આપ્યું હતું. તેમણે કેટલાક જાહેર અને ખાનગી ભાષણોમાં કર્યા, અમેરિકા, ઇંગ્લેંડ અને યુરોપના અન્ય કેટલાક દેશોમાં વેદાંત , યોગ અને હિન્દુ ધર્મનો પ્રચાર કર્યો હતો.

તેમણે અમેરિકા તથા ઇંગ્લેંડમાં વેદાંત સોસાયટીઓની પણ સ્થાપના કરી હતી. પછીથી તેઓ ભારત પરત આવ્યા હતા તથા સન ૧૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન – એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી. સ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છે. મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ ,સુભાષચન્દ્ર બોઝ , અરવિંદ ઘૉષ, રાધાકૃષ્ણન જેવા અન્ય રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો.

-યુવરાજસિંહ જાડેજા  (૯૦૯૯૪૦૯૭૨૩)

*******

સ્વામીવિવેકાનંદ એટલે આત્મવિશ્વાસનો હિમાલય

વિવેકાનંદનું નામ સ્મરણ કરતાં જ શરીરમાં એક અદ્ભુત રોમાંચ , સ્ફૂર્તિ , તાજગી , આનંદ અને ભરપૂર આત્મવિશ્વાસનો અનુભવ થવા લાગે છે . એક હિમાલયની માફક અડગ અવસ્થામાં સ્મિત ચહેરે અદફ વાળીને ઊભેલો હંમેશ માટેનો ભારતીય યુવાન એટલે આપણા દેશનું ગૌરવ અને હિંદુઓનું ગૌરવ……સ્વામીવિવેકાનંદ

વિવેકાનંદના જીવનપ્રસંગોમાંથી દરેક યુવાન અને ભારતીયોએ પ્રેરણા મેળવવાની વર્તમાન સમયે જરૂર છે . પરંતુ કમનસીબે આજનું યુવાધન કઇ દિશા તરફ જઇ રહ્યું છે તે એક ચિંતાનો વિષય છે . સાથે – સાથે અન્ય પરિબળો પણ એટલાં જ જવાબદાર છે . વાસ્તવિક્તા એ છે કે આપણે સૌ મહાપુરુષોને માત્ર જન્મ જયંતિ પૂરતા જ યાદ કરીએ છીએ . 12 મી જાન્યુઆરી આવે ત્યારે જોર – શોરથી સ્વામીવિવેકાનંદને યાદ કરવામાં આવે છે અને ગુણગાન ગાવામાં આવે છે . દિવસ પૂરો થતા ફરીથી એક વર્ષ માટે મહાપુરુષ સમાધિસ્થ…..!

આજના બાળકો , યુવાનો અને નેતાઓ માટેતો વિવેકાનંદનું જીવન કામધેનુ સમાન છે પરંતુ બાળકો અને યુવાનો મોબાઇલમાંથી નવળા પડતા નથી અને નેતાઓ આક્ષેપબાજીમાંથી…..! વિવેકાનંદનું બાળપણનું નામ નરેન્દ્ર દત્ત હતું . તેમની અંદર બાળપણથી જ ઉત્તમ પ્રકારના ગુણોનું સિંચન થયું હતું . પ્રખર તેજ બુધ્ધિ , ચતુરાઇ , નીડળતા , નેતૃત્વ , નિર્ણયશક્તિ અને ભારોભાર આત્મવિશ્વાસ વિવેકાનંદમાં ભરેલો હતો . તેમના જીવનનાં કેટલાક પ્રસંગો પર નજર કરીએ તો જરૂરથી પ્રેરણા મળી શકે તેમ છે . વિવેકાનંદના ગુણોને બાળકો અને યુવાનોના જીવનમાં ઉતારવામાં આવે તો અને તો જ તેમને સાચી શ્રધ્ધાંજલિ આપીએ છીએ તેમ કહી શકાય . તેમના જીવનનો એક બાળપણનો પ્રસંગ……

( 1 ) શાળાએથી બાળકોનો પ્રવાસ જઇ રહ્યો હતો. તેમાં નરેન્દ્ર પણ હતો. એક કિલ્લો જોવા જવાનું હતું. બધા બાળકો અને શિક્ષકો કિલ્લો ચડવામાં તલ્લીન હતા. એક બાળક અશક્ત અને બીમાર હતો. તે ચડતાં–ચડતાં ઢળી પડ્યો. નરેન્દ્ર અને બીજા બાળકોની નજર તેના ઉપર પડી. બીજા બાળકો આગળ જતા રહ્યા જ્યારે નરેન્દ્ર તેની સેવામાં લાગી ગયો. અન્ય બાળકો અને શિક્ષકો પાછા ફળ્યા ત્યાં સુધી નરેન્દ્ર તે બાળકની સેવા તેમજ ડોક્ટરની વ્યવસ્થામાં લાગી રહ્યો હતો. બાળક હવે સ્વસ્થ થઇ ગયો હતો. શિક્ષકો અને અન્ય સાથી મિત્રોએ નરેન્દ્રની પ્રશંશા કરી. આવા અંગત સ્વાર્થનો પણ ત્યાગ કરીને બીમાર અને સાથી મિત્રની સેવા કરવાનો ઉત્તમ ગુણ બાળપણથી જ વિવેકાનંદમાં હતો.

( 2 ) બીજાને નુક્શાન ન થાય તેવી રીતે કામ કરવાની અદમ્ય આવડત વિવેકાનંદમાં હતી એ બાબત તેમના આ જીવન પ્રસંગમાંથી ગ્રહણ કરી શકાય તેમ છે. વિવેકાનંદને અમેરિકામાં હિંદુ ધર્મ સંમેલનમાં ભાગ લેવા માટે જવાનું હતું. ગુરુ પત્નીને તેમની પરીક્ષા કરવાની ઇચ્છા થઇ કે આ યુવાન પરદેશમાં કેટલો સફળ થશે. તેમને નરેન્દ્ર પાસે શાક સમારવા એક ચપ્પુ માંગ્યું. નરેન્દ્રએ ચપ્પુ લાવીને આપ્યું. ચપ્પુ લેતા જ ગુરુ પત્ની બોલી ઊઠ્યા કે તું જરુરથી પરદેશમાં સફળ થઇશ. નરેન્દ્રને આ વાતની કાંઇ ખબન ન પડી. ત્યારે ગુરુમાતાને તેમણે પૂછ્યુ.  ગુરુમાતાએ કહ્યુ “હું તારી પરીક્ષા કરી રહી હતી. તારી પાસે ચપ્પુ મંગાવ્યું, તે ચપ્પુની ધાર મને આપતી વખતે તારી તરફ હતી અને ચપ્પુ પકડવાનો ભાગ મારી તરફ હતો. આ બાબત એ વસ્તુ બતાવે છે કે તું હંમેશા સામે વાળાનું ભલુ ઇચ્છે છે અને બીજા કોઇને નુક્શાન પહોંચાડીશ નહિ. તારી અંદર જરાપણ સ્વાર્થ ભરેલો નથી. તું હંમેશા પરમાર્થી છે. દેશ માટે તું ગૌરવ પ્રાપ્ત કરીશ.” આટલી કુનેહ સૂક્ષ્મ બુધ્ધિ હતી વિવેકાનંદમાં .

( 3 ) હાજર જવાબીપણું અને યોગ્ય જવાબ આપવાની શક્તિનાં દર્શન તેમના જીવનનાં આ પ્રસંગમાંથી થાય છે. એકવાર સ્વામીજી રેલવેમાં મુસાફરી કરી રહ્યા હતા. તે હિંદુ સાધુસંતોના ભગવા કપડામાં હતાં. તે જ રેલવેના ડબ્બામાં બે અંગ્રેજ અધિકારી પણ સામે બેઠા હતાં. થોડા સમય પછી આ અંગ્રેજ અધિકારીઓને સામે બેઠેલા સાધુની મજાક કરવાની ઇચ્છા થઇ. તેમને હિંદુ સાધુઓ વિશે અંગ્રેજીમાં મશ્કરી કરવાનું શરુ કર્યું. તેઓ એમ માનતા હતા કે આવા બાવાઓને અંગ્રેજીમાં શું ખબર પડવાની છે. તેમનો વાર્તાલાપ પૂરો થયો ત્યા સુધી આ વિવેકાનંદ બધુંજ શાંતિથી સાંભળી રહ્યા હતાં. જેવા અંગ્રેજો શાંત પડ્યા કે સાધુ સ્વરૂપે બેઠેલા વિવેકાનંદે અંગ્રેજી ભાષામાં અંગ્રેજોને જવાબ આપતા કહ્યું કે “અમે હિંદુ કપડાથી નહિ વિચારોથી શોભીએ છીએ, અમારા કપડા ભલે મેલાં હોય પરંતુ અમારા વિચારો પવિત્ર હોય છે જ્યારે તમારા અંગ્રેજોનાં કપડા ભલે ચોખ્ખા હોય પણ મન ગંદા હોય છે.” આગળનાં સ્ટેશને બન્ને અંગ્રેજો સીટ ખાલી કરી જતાં રહ્યા. આ શક્તિ હતી આપણા હિંદુ પુરુષની.

( 4 )  સ્ત્રી માટેનાં ઉત્તમ વિચારો વિશ્વમાં કોઇએ શીખવા હોય તો તે વિવેકાનંદનાં વિચારોમાંથી જ શીખી શકાય છે. અમેરિકાનાં શિકાગો શહેરમાં પ્રવચન આપ્યા બાદ વિવેકાનંદ અમેરિકા અને ભારતમાં લોકપ્રિય બની ગયા. અમેરિકામાં એક ધણાઢ્ય સ્ત્રી તેમના વિચારોથી એટલી બધી પ્રભાવિત થઇ કે તેમણે પોતાના ઘરે રોકાવાનું આમંત્રણ આપ્યું. સ્વામીજીએ આમંત્રણ સ્વીકારી લીધું. સ્વામીજી ત્યા રોકાયા પણ ખરા. આ સમય દરમિયાન તે સ્ત્રી સ્વામીજી તરફ આકર્ષાયી. તેણે સ્વામીજી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. સ્વામીજીએ લગ્ન માટેનું કારણ પૂછ્યું. સ્ત્રીએ જવાબ આપતા કહ્યુ કે “મારે તમારા જેવો તેજસ્વી અને પ્રખર બુધ્ધિશાળી સંતાન એટલે કે બાળક જોઇએ છે. હું તમારા જેવા પુરુષની માતા બનવા માંગુ છું. જગત મને શ્રેષ્ઠ બાળકની માતા તરીકે ઓળખે તેવી મારી ઇચ્છા છે.” આ સમયે સ્વામી વિવેકાનંદે આપેલો જવાબ વર્તમાન સમયે આપણા સૌના માટે ગર્વ અપાવે તેવો હતો. સ્વામીજીએ તે સમયે તે સ્ત્રીને જવાબ આપતા કહ્યુ કે “જો તમે ખરેખર મારા જેવા પુત્રની અપેક્ષા રાખતા હો તો તેના માટે તમારે કમસેકમ નવ મહિનાની તો રાહ જોવી જ પડશે….. અને એની પણ ક્યાં ખાતરી છે કે પુત્ર મારા જેવો જ જન્મે ? પરંતુ એક રસ્તો છે જો આપ મને અત્યારથી જ આપનો પુત્ર સમજી લો તો નવ મહિના સુધી પણ રાહ જોવી નહિ પડે.” એક હિંદુ યુવાનનાં સ્ત્રી અંગેના વિચારો સાંભળી અમેરિકન સ્ત્રી સ્વામીજીનાં ચરણોમાં પડી ગઇ. આવી ઉત્તમ દ્રષ્ટી હતી સ્ત્રી અંગેની સ્વામીજીની.

( 5 ) ધર્મ અને ભગવાન અંગેના સ્વામીજીનાં વિચારો જોઇએ. સ્વામીજી આસ્તિક હતાં. એક રાજ દરબારની ઘટના છે. એક દરબારને એક પુત્ર હતો, તે ભગવાનમાં માનતો ન હતો. ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કાંઇ ફરક પડ્યો નહિ. ઘણાબધા સાધુસંતોનો આધાર લીધો પરંતુ સફળતા મળી નહિ. કોઇકે કહ્યુ કે સ્વામીજીને બોલાવો. દરબાર સ્વામી વિવેકાનંદ પાસે આવ્યા અને પોતાના દિકરાની બધી બાબત કહી સંભળાવી. દિકરાને ઘરે આવીને સમજાવવા કહ્યું. સ્વામીજીએ ચોક્કસ દિવસ અને સમય ફાળવી દીધો. તે સમય મુજબ સ્વામીજી દરબારના ઘરે પહોંચી ગયા. સ્વામીજી દિવાનખંડમાં બેઠા હતા. દરબારનો છોકરો આવ્યો ત્યાં સુધી દિવાનખંડનું નિરીક્ષણ કરતાં હતાં. દિકરો ઉપરનાં માળેથી સીડી ઉતરી નીચે આવ્યો. સ્વામીજીની સામે આવીને બેસી ગયો. સ્વામીજીએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભલે આપણે ભગવાનને જોયા નથી પરંતુ ભગવાન છે તે શ્રધ્ધાનો વિષય છે. છોકરો કોઇ કાળે માનવા તૈયાર ન હતો. ત્યારે સ્વામીજીએ સૂક્ષ્મ સમજનો ઉપયોગ કરીને દિવાનખંડમાં લગાડેલા દાદા પરદાદા અને પૂર્વજોનાં બતાવતા છોકરાને પૂછ્યું કે “તે તારા દાદાને જોયા છે?” છોકરાએ હા પાડી . ફરી પૂછ્યું , દાદાના દાદાને જોયા છે ? છોકરાએ ના કહ્યું . છોકરાને ફોટા બતાવતા સ્વામીજીએ કહ્યુ આ ફોટાના માણસને જો તું ઓળખતો ના હોય, તે ક્યારેય તેમને જોયા ન હોય તો તું આ ફોટા પર થૂંક …… સ્વામીજીનો આ પ્રશ્ન સાંભળી દરબાર અને છોકરો બન્ને લાલ-પીળાં થઇ ગયા. છોકરાએ કહ્યું , આ તમે શું કહી રહ્યા છો ? મારા દાદા પરદાદાને જોયા નથી તો શું થયું ? હું તેમના ફોટા પર થૂંકી ન શકું . ત્યારે સ્વામીજીએ ખૂબજ સુંદર જવાબ આપતા છોકરાને સમજાવ્યું કે , જો તે તારા દાદા પરદાદાને જોયા નથી છતાં માને છે કે તે મારા દાદા છે તો પછી આ સંસાર જેમને બનાવ્યો છે અને જે જગતને ચલાવી રહ્યા છે તેમને જોયા હોય કે ન જોયા હોય તેનાથી કાંઇ ફરક પડતો નથી . આપણે તેના અસ્તિત્વને નકારી ન શકીએ . ભગવાન એ શ્રધ્ધાનો વિષય છે . છોકરો સ્વામીજીના પગમાં પડી ગયો અને ભગવાનના અસ્તિત્વને માનવા લાગ્યો .

સ્વામી વિવેકાનંદ એટલે આત્મવિશ્વાસનો હિમાલય ……. મહાસાગર એમ કહેવામાં જરાપણ અતિશયોક્તિ નથી કારણકે તેમને દેશના યુવાનોને જે ઉત્સાહ વર્ધક વાક્ય કહ્યું એ વાક્ય જ તેમના વ્યક્તિત્વને સાકાર કરે છે . તેમનો આત્મવિશ્વાસ જુઓ ……….. જો તમે મને દેશનાં 100 નવયુવાનો આપશો તો હું દુનિયા બદલી આપીશ . YOU CAN GIVE ME ONE HUNDRED NACHIKETA , I WILL CHANGE THE WORLD .

-જીતુ નાયક….મો. 9228705796

(સ્વામી વિવેકાનંદ વિષેના આ બે લેખ મને ખુબજ ગમ્યાં એટલે બંને એકસાથે પોસ્ટ કર્યા છે.)

Categories: Very Nice

Tagged as: ,

Leave a Reply