Ujas Vasavda

પ્રથમ રાત્રી

(ફરી ભયાવક વાર્તા પ્રસ્તુત કરું છું આશા છે આપને ગમશે.🙏)

“ૐ ઐ. હ્રીં. કલી. ચામુંડાય વિચ્ચે..”
“ૐ ઐ. હ્રીં. કલી. ચામુંડાય વિચ્ચે..”
“ૐ ઐ. હ્રીં. કલી. ચામુંડાય વિચ્ચે..”

મોટેથી મંત્રોચ્ચાર મારા કાને અથડાતાં, હું પથારીમાં સફાળો જાગી ગયો. સામે ઘડિયાળ પર દીવાલમાં રાત્રીના ત્રણ વાગ્યાં હતાં. પાવરકટ થયો હોય અંધારપટ છવાયો હતો. હજુપણ મંત્રોચ્ચાર સ્પષ્ટ સંભળાતાં હતાં. બેડ પરથી ઉતરી મંત્રોચ્ચારની દિશામાં હું આગળ વધ્યો. મારી બાજુના ફલેટમાંથી જ અવાજ આવી રહ્યો હતો જે મેં દીવાલની નજીક જઈ નક્કી કર્યું. પણ, બાજુના ફ્લેટમાં તો કોઈ જ રહેતું ન’તું. બાજુનો ફ્લેટ વર્ષોથી બંધ છે. તેવું બ્રોકરે કહ્યું હતું.

ઘરમાં સામાન પણ અડધો-પડઘો ગોઠવાયો હતો. ફ્લેટમાં પ્રથમ રાત્રી જ હોય હું એકલો જ રોકાયો હતો. બ્રોકરે ફલેટ બતાવતી વખતે બોલેલા શબ્દો યાદ આવ્યાં, “એક માળ પર બે ફ્લેટ અને તેમાં એક ફ્લેટ વર્ષોથી બંધ તમને એકાંત તેમજ પ્રાઈવસી મળશે.” પણ, આ મંત્રોચ્ચારથી હું અચરજ પામ્યો હતો. મેં મોબાઈલની ટોર્ચ ચાલુ કરી અને મારા બેડરૂમ બહાર નીકળી ફ્લેટના મેઈન ડોર પાસે પહોંચી દરવાજો ખોલ્યો. મારી સામેના જ ફ્લેટનો દરવાજો અડધો ખુલ્લો જોવા મળ્યો. બહાર સંપૂર્ણ અંધારપટ છવાયેલો હતો અને તેમાં વળી હું એકલો..! સામે ફ્લેટના ખુલ્લા દરવાજામાંથી પીળો પ્રકાશ બહાર આવતો હતો. જાણે કોઈ અગ્નિ પ્રજ્વલિત હોય.

એક ઘડી એવો વિચાર આવ્યો કે આ બધી લપમાં પડ્યાં વગર ઘરમાં જતો રહું અને દરવાજો બંધ કરી પાવર ચાલુ થવાની રાહ જોઉં. હું પરત દરવાજો બંધ કરવા ગયો ત્યાં મંત્રોચ્ચાર બંધ થઈ ગયાં. મારા અંતરમાં ફડક પેસેલી હતી જ પણ સાથે ઉત્સુકતા ઉત્પન્ન થઈ. મારી ઉત્સુકતાને રોકી ન શક્યો અને હિંમત ભેગી કરી સામેના અધખુલ્લાં દરવાજા માંથી ફ્લેટમાં ડોકીયું કર્યું. મારા હૃદયના ધબકારા ખૂબ ઝડપથી ધબકવા લાગ્યાં અને શરીરે પરસેવો બાઝી ગયો. દરવાજામાં ડોકિયું કરવા જતાં જ અચાનક ખાલી ડ્રોઈંગરૂમમાં ઉડતું છીપલું મારા માથેથી પસાર થઈ બહાર નિકળ્યું. હું અચાનક આવી પડેલા છીપલાંથી ખૂબ જ ડરી ગયો અને દરવાજા પાસે પાછા પગલે નીકળતાં ત્યાં નીચે પડી ગયો.

છીપલાંની ખરાઈ થતાં થોડો હાશકારો થયો. ફરી હીંમત એકઠી કરી ઉભા થઈ ફ્લેટમાં ધીમા પગલે પ્રવેશ્યો. અમારા ફ્લેટની જ મીરર ઈમેજ હતી. દરવાજાની ડાબી બાજુના રૂમમાંથી પીળો પ્રકાશ ડ્રોઈંગરૂમમાં આવી રહ્યો હતો. ખરેખર ઘણા જ વર્ષોથી ફ્લેટ બંધ હોય એ વાતની ચાડી ખાતું હોય તેમ કરોળિયાના ઝાળા તેમજ ધુળ્યો ડ્રોઈંગરૂમ મારી સામે હતો. આખા ડ્રોઈંગરૂમમાં નીચે કબૂતરની ચરક પડી હતી અને તેની તીવ્ર વાસ પણ મહેસુસ થતી હતી. રૂમને નિરખતો હતો ત્યાં જ એક કાળી બિલાડી મારા પર કૂદી, અચાનક કૂદેલી બિલાડીથી હું ખુબજ ગભરાઈ ગયો. આગળ ડગલાં ભરવાની હિંમત ન’ટી થતી.

અચાનક પેલા રૂમમાંથી આવતો પીળો પ્રકાશ લબુકઝબૂક થવા લાગ્યો. ખબર નહીં કેમ પણ મારા પગ એ રૂમ તરફ વધવા લાગ્યાં. મારા મનના વિચારો તીવ્ર દોડવા લાગ્યાં હતા. હું મારી જાત પર કાબુ મેળવવા મથવા લાગ્યો સાથે મારૂં મગજ પણ તોફાને ચડ્યું. ત્યાં રૂમમાં કોઈ ચોર હશે કે પછી આવારા તત્વ ફ્લેટમાં ઘુસી ગયા હશે! જો તેવું કોઈ હોય તો પછી મંત્રોચ્ચાર…! આ આકર્ષકણ? ચોક્ક્સ કોઈ તાંત્રિક હશે, ખાલી ઘર જોઈ તેની કોઈ વિધી પૂર્ણ કરવા ઘૂસ્યો હશે! મનના વિચારોની સાથે મારા ધીમા પણ મક્કમ પગલાં રૂમ તરફ આગળ વધ્યા. મને મારા પર વિશ્વાસ ન’તો કે હું આટલો હિંમતવાન હોઈશ.

રૂમની નજીક પહોંચતા જ જે દ્રશ્ય જોયું એ જોઈ એ કમકમાટી મારા શરીરમાં વ્યાપી ગઈ. જમીન પર એક વિચિત્ર યંત્ર સફેદ પદાર્થથી દોરેલું હતું. તેમાં ચોક્કસ અંતરે ફરતે મીણબત્તીઓ પ્રજ્વલિત હતી. યંત્રની વચ્ચે બે બેઠક વ્યવસ્થા હતી. જેમાં એક ખાલી હતી અને એક પર કોઈ સ્ત્રી બેઠી હતી.

વિખરાયેલા મોં આડા વાળ, માત્ર લાલ ચટક શરીર પર વીટેંલી સાડી, પદ્માસનની સ્થિતિમાં બેસી ધૂણી રહી હતી. તેના હાથ લોહીથી તરબોળ હતાં. આજુબાજુ કકું વેરાયેલું હતું. બે બેઠકની વચ્ચે એક લીંબુ પડ્યું હતું કે જેમાં લાંબી સોઈ ભરાવેલી જોવા મળી. તેની બાજુમાં રમકડાંની ઢીંગલી અને ઢીંગલો સુવાડેલી અવસ્થામાં હતાં. સમગ્ર ચિત્ર જોઈ હું અવાચક બની ગયો હતો. હું પરત ફરવા માંગતો હતો પણ મારા પગ જામી ગયાં હોય તેવું અનુભવાયું. મહામહેનતે એક પગલું પાછળ માંડ્યું ત્યાં એ સ્ત્રી જોર જોરથી હસવા લાગી પણ તેનો અવાજ..!

એ સ્ત્રીનો અવાજ પાકટ પુરુષ જેવો ઘેરો હતો. તેણે અચાનક હસવાનું બંધ કર્યુ અને મોટેથી બોલી, “એય…ક્યાં જઈ રહ્યો છે? આજ વર્ષો પછી દેવીને ખુશ કરવાનો મોકો મળ્યો છે. આવ… અહીં આવ આ જગ્યા તારી જ છે.” બીજી બેઠક તરફ ઈશારો કરી મને બેસવા પ્રેર્યો. હું ગમે તેમ ત્યાંથી ભાગી છૂટવા માંગતો હતો. પણ એ સ્ત્રીનો ઘટ્ટ અવાજ અને આભા એટલી પ્રબળ હતી કે મારા પગ ખોડાઈ ગયા. એ સ્ત્રીએ તેના લોહીથી તરબોળ હાથ વડે મારા તરફ આંગળી ચીંધી અને હું તેના તરફ ખેંચવા લાગ્યો. હું તરફડતાં જમીન પર ઘસડાતાં એ યંત્ર પાસે પહોંચ્યો. એ સ્ત્રીએ તેની સામેની બેઠક પર બેસવા મને મજબૂર કર્યો.

તેના પગ પાસે રહેલા ઢીંગલાને હાથમાં લઈ મારા માથા પાસે ગોળ ગોળ ફેરવ્યો. ફરી પુરુષના ઘોઘરા અવાજમાં મંત્રોચ્ચાર શરૂ કર્યા. અચાનક જ એક સોઈ ઢીંગલાના માથાંમાં ક્રૂરતા પૂર્વક ખૂંચાડી. સોઈ ખૂંચાડતાંની સાથે જ મારા માથામાં અસહ્ય દુખાવો થવા લાગ્યો જાણે એ સોઈ મારા જ માથામાં ખૂંચાડી હોય. હું મારું માથું પકડી બૂમો પાડવા લાગ્યો. જ્યારે એ સ્ત્રી મોટેથી મંત્રોચ્ચાર બોલવા લાગી. અચાનક એ પોતાની જગ્યાએથી એ યંત્ર બહાર નીકળી રૂમમાં મારી ફરતે હવામાં ફરવા લાગી. મારુ માથું ચકરાવવા લાગ્યું અને ત્યાં જ ઢળી પડ્યો.

પછી શું થયું તેની મને કંઈ જ ખબર નથી. ઘણા પ્રશ્નો મારા મનમાં જ રહી ગયા જેવાકે, હું ફરી મારા જ ઘરમાં કેવી રીતે પહોંચ્યો? એ સ્ત્રી કોણ હતી? એ શું કરી રહી હતી? તેનો અવાજ પુરુષ જેવો કેમ હતો?

નવા ઘરમાં વિતાવેલી પ્રથમ રાત્રીના અનુભવ વિશેનું નિવેદન ઇન્સપેક્ટર પ્રશાંતે લખવાનું પૂર્ણ કર્યુ. તેણે સુશાંતની સહી લીધી અને બેડરૂમની બહાર નીકળી સુશાંતની પત્નિ રૂત્વાને ઈન્સપેક્ટરે કહ્યું, “મી. સુશાંતને કોઈ સારા મનોચિકિત્સક સાથે સિટિંગ કરાવવાની જરૂર લાગે છે. ફ્લેટના અન્ય લોકોનું નિવેદન અને સુશાંતનું નિવેદન તદ્દન અલગ છે.

ઈન્સપેક્ટર માથે પોતાની કેપ પહેરી પગથિયાં ઉતરવા લાગે છે. રૂત્વા સતત એ ઈન્સપેક્ટર તરફ અને પછી સામેના ફલેટ તરફ જોતી વિચારવા લાગે છે સત્ય શું હશે? ત્યાં રૂત્વાને બેડરૂમમાંથી સ્ત્રીના અવાજમાં મંત્રોચ્ચાર સંભળાય છે.

-ઉજાસ વસાવડા

Categories: Ujas Vasavda

Tagged as: ,

Leave a Reply