Very Nice

ફિલિંગ્સઃ રજૂ કરવી અને અનુભવવી

લાગણી વ્યક્ત કરવાની આવે ત્યારે આપણી અપેક્ષાઓ આપોઆપ વધી જાય છે. ખાસ કરીને સામેની વ્યક્તિ પાસેથી લાગણીઓની અપેક્ષા હોય ત્યારે આપણી ઈચ્છા અને અપેક્ષાઓ સાતમા આસમાને હોય છે. આપણને એમ જ હોય છે કે, સામે રહેલી વ્યક્તિ, પ્રિય પાત્ર તેની તમામ લાગણીઓને એક જ શ્વાસે અને અવિરત વ્યક્ત કરતી રહે. આપણી આ અપેક્ષાઓ જ સંબંધોને સૌથી મોટું નુકસાન કરે છે. આપણા પોતાના સંબંધો હોય કે પછી આપણી આસપાસ રહેલી વ્યક્તિના સંબંધો હોય. ધ્યાન આપો તો ખ્યાલ આવે કે આપણને લાગણીઓ હોવા કરતાં તેને વ્યક્ત કરાવવામાં વધુ રસ હોય છે.

મોટાભાગે લગ્નને થોડો સમય પસાર થયા પછી આ લાગણીઓનાં લાઉડસ્પીકર વગાડવા માટે ધમપછાડા થતા હોય છે. તમે હવે પહેલાં જેવા રહ્યા જ નથી, મારી સાથે વાત કરતા જ નથી, તમને મારામાં રસ જ નથી. તું સાવ બદલાઈ ગઈ છે. આખો દિવસ ઘરના કામમાં જ પડેલી રહે છે. તને આપણા માટે સમય મળતો જ નથી. આવી ઘણી વાતો, વાક્યો, સંવાદો જાણે કે અજાણે આપણે સાંભળ્યાં છે અથવા તો આવા સંવાદોમાં સીધી રીતે પણ જોડાયા છીએ. લગ્ન પછી સૌથી મોટો સવાલ એક જ આવતો હોય છે કે તેઓ ક્યારેય મને આઈ લવ યુ કહેતા નથી કે લાગણી રજૂ કરતા નથી. મોટાભાગે આ બાબત સ્ત્રીઓ દ્વારા જ કહેવાતી હોય છે. તેમની ઈચ્છા હોય છે કે તેમનો જીવનસાથી સમયાંતરે શબ્દો દ્વારા લાગણી વ્યક્ત કરે. બીજી તરફ પુરુષને એવું ઓછું ફવતું હોય છે. તેના માટે સ્પર્શ, સંવેદના, ચિંતા અને વ્યવહાર બધું એક જ હોય છે. પત્નીને કામ કરતાં હાથમાં વાગે તો પણ તે ગુસ્સો કરીને જ પોતાની લાગણી વ્યક્ત કરતો હોય છે. તેમાં રોષ કરતાં ચિંતા વધારે હોય છે. સ્ત્રીઓ આ જાણે છે પણ સ્વીકારી શકતી નથી.

સ્ત્રીઓ અને પુરુષોની લાગણીઓ જુદા સ્તર પર કામ કરતી હોય છે. સ્ત્રી માટે લાગણીની અભિવ્યક્તિ અનિવાર્ય છે જ્યારે પુરુષ માટે લાગણીનો અનુભવ. સ્ત્રીને સતત એવું થતું હોય છે કે સામેની વ્યક્તિ તેના પ્રત્યેની લાગણીને વ્યક્ત કર્યા કરે. પુરુષ માટે આ બાબત ઘણી મુશ્કેલ છે. અભાવ અને અભાવનો અનુભવ બંને એવા વિષયો છે જે વ્યક્તિની અંડર સ્ટેન્ડિંગ ઉપર આધાર રાખે છે છતાં આપણા સમાજમાં અભાવના પીડિતોનો તોટો જડે તેમ નથી. આ અભાવ ખરેખર ઊભો થયો છે કે ઊભો કરવામાં આવ્યો છે તે પણ આપણે સરખી રીતે જાણતા નથી કે જાણવા માગતા નથી. બસ, જીવનમાં અભાવ છે અને સામેનું પાત્ર તેના માટે જવાબદાર છે તેવા ઢંઢેરા પીટવામાંથી આપણે નવરા પડતા નથી.

અહીં દલીલ એવી થાય છે કે સ્ત્રીને પામવાની કે પરણવાની વાત આવે ત્યારે પુરુષ બધું જ કરતો હોય છે. એસએમએસ મોકલે, પત્રો લખે, ગિફ્ટ લાવે, દરેક તહેવાર, દરેક પ્રસંગ અને લગભગ બધું જ યાદ રાખતો હોય છે તે પછી લગ્ન બાદ બધું કેમ ભુલાઈ જાય છે. એક સમયે દિવસમાં પચાસ વખત આઈ લવ યુ કહેનાર પુરુષ હવે દિવસમાં એક વખત પણ કહી શકતો નથી. અહીંયાં એ માની લેવું ભૂલભરેલું છે કે પુરુષને હવે તે સ્ત્રીમાં રસ નથી કે પ્રેમ નથી. હા, એવું કહી શકાય કે હાલમાં તે પ્રાયોરિટીમાં નથી. સ્ત્રી સાથે આવ્યા બાદ સ્થિતિ બદલાય, જવાબદારી બદલાય તો પ્રાયોરિટી પણ બદલાય.

સ્ત્રી માટે રોમાન્સ અત્યંત જરૂરી છે. તે રોમાન્સને પોતાના જીવન સાથે જોડે છે. તેના માટે લાગણીઓની અભિવ્યક્તિ જ જીવનની સાર્થકતાને રજૂ કરનારી હોય છે. તેની સતત એવી અપેક્ષા હોય છે કે તેના પ્રત્યેની લાગણી શબ્દો દ્વારા રજૂ થવી જ જોઈએ. બીજી તરફ પુરુષને એવું નથી હોતું. તેના માટે માત્ર ભેટવું, સ્પર્શ કરવો કે પછી કાળજી રાખતા હોઈએ તે બતાવવું તેમાં જ પ્રેમ અને અભિવ્યક્તિ બધું જ આવી જાય છે. પત્ની ફેન ન ઉપાડે અને પતિ ગુસ્સો કરે એ પ્રેમ જ છે. બીમાર પત્નીને ડોક્ટર પાસે જવા માટે ધમકાવતો પતિ પણ પ્રેમ અને ચિંતા જ વ્યક્ત કરતો હોય છે. તે નવું મકાન કે કાર ખરીદી પત્નીને આપે તેમાં પણ પ્રેમ જ છે.

પુરુષ ઘરેથી નીકળે પછી અનેક પ્રકારનાં કામ, ટેન્શન, જવાબદારીઓ અને એડજસ્ટમેન્ટ હોય છે. તે આ બધામાં અટવાયેલો ફ્રતો હોય છે. બીજી તરફ સ્ત્રીઓને ઘરની જવાબદારી, સંતાનોની ચિંતા, સાસુ-સસરાની સંભાળ, ઘણું બધું હોય છે. દિવસના અંતે બંને મળે ત્યારે સ્ત્રી પ્રેમ અને ચાહતની ઇચ્છા રાખતી હોય છે જ્યારે પુરુષ માત્ર આરામની. આપણે ત્યાં વેલેન્ટાઈન્સ ડેને પ્રેમીઓનો દિવસ માનવામાં આવે છે. આપણે ક્યારેય એકબીજાને સર્મિપત પતિ કે પત્નીને વેલેન્ટાઈન્સ તરીકે સ્વીકારતા જ નથી. આપણે ત્યાં પ્રેમ અને પરિણયને અલગ દૃષ્ટિકોણથી જોવામાં આવે છે. આપણે પત્નીને પ્રેમિકા વિશે કે પતિને પ્રેમી વિશે સ્વીકારી શકતા જ નથી. જેની સાથે જીવનના દરેક તબક્કા પસાર કર્યા કે કરવાના છે તેનાથી મોટું કોઈ પ્રિય પાત્ર હોઈ જ ન શકે. ખાસ કરીને પ્રેમને અભિવ્યક્ત કરવાની વાત આવે ત્યારે સ્ત્રી અને પુરુષે પોતાની પ્રકૃતિથી વિરુદ્ધ જઈને રહેવું પડે તો જ પરિણય અને પ્રેમને એક કરી શકાય.

સ્ત્રી અને પુરુષ પરિણય બાદ કહેવાતા શબ્દો કરતાં જિરવાતા મૌનને સમજી જાય તોપણ લાગણીઓ અભિવ્યક્ત થઈ જાય છે. ચાહતા રહેવાનું રટણ કરતાં અનુભવ થાય તે વધારે મહત્ત્વનું છે. તું મારી સાથે રહેજે એવી વિનંતિ કરતા તું મારી સાથે જ છું એવો વિશ્વાસ સંબંધને વધારે મજબૂત અને હૂંફળો બનાવે છે.

-રવિ ઈલા ભટ્ટ

raviilabhatt@gmail.com

Categories: Very Nice

Tagged as:

Leave a Reply