તે જાગી. જાગવું પડ્યું. આખું શરીર તૂટતું હતું છતાં. કારણ કે સામેના એપાર્ટમેન્ટના પાંચ છ ઘરના ઍઠા વાસણો કપડાં અને પોતા રાહ જોતા હતા. તેણીએ જાગીને અરીસામાં જોયું.સુજી ગયેલી આંખો ફરતા કાળા કુંડાળા,,,,,,,ગાલ પર ગરદન પર અને છાતીપર…..ભરાયેલા બચકા અને ઉઝરડાને તે જોઈ રહી.
દારૂ પી અડધી રાતે આવી અને………….પછી સુઈ ગયેલા એના દારૂડીયા પતિ તરફ એક એણે એક ઘૃણા ભરી નજર નાખી.હજી ચાર પાંચ દિવસ પહેલા બન્ને બાળકો પડોશી બહેનને સોંપી, વરસતા વરસાદમાં રેલવેસ્ટેશનેથી શોધી રીક્ષામાં નાખી એને ઘેર લઈ આવી હતી. છતાં પાછું આજ…….કેટલા વરસોથી આજ કરમ કહાણી? નહી નહી તોય છેલ્લાં દસ બાર વરસ તો ખરાજ. શરૂ શરૂમાં પતિને સુધારવાના ખૂબ પ્રયાસ કર્યા પણ હવે તો જાણે આશા જ છોડી દીધી હતી.
ગરીબીના મેલા ગોદડાને ઓઢી સુતેલા બન્ને બાળકોને તે જોઈ રહી.ત્રીજા ધોરણમાં આવેલો યથાર્થ અને પાંચમા ધોરણમાં ભણતી ઋતુ.આ બન્ને બાળકોને કારણે તે જિંદગીનો અને સંબંધ નો ભાર વેંઢારી રહી હતી. પણ હવે તે ખૂબ થાકી ગઈ હતી,,હાંફી ગઈ હતી.
અચાનક કંઈક યાદ આવતા તેણે પેલો એલ્યુમિનિયમ નો ડબો ખોલ્યો.બાળકોના સ્કૂલડ્રેસ માટે પૈસા સંતાડ્યા હતા,પણ એ અત્યારે ? ન હતા. દારૂ નામનો એક દૈત્ય રોજ એને ઘેર આવતો.કાં તે પૈસા ચોરી જતો કાં મારીને લૂંટી જતો.તેણીએ ઘરમાં ચારે તરફ એક નિ: સહાય નજર કરી.ચારે બાજુ ગરીબીની ભૂતાવળ નાચતી હતી. કરિયાણા વાળા અને દુધવાળાએ આજ છેલ્લી તારીખ આપી હતી. બાળકોના સ્કૂલડ્રેસ લેવાના હતા, ફી ચડી ગઈ હતી., લાઈટબીલ ચડી ગયું હતું,….અને સૌથી દુઃખ અને ચિંતાની વાત એ હતી કે………એને મહિના ઉપર પંદર દિવસ ચડી ગયા હતા. હવે ત્રીજા સંતાનની કલ્પનાથી જ તે ધ્રુજી જતી હતી..કોને કહેવું? શું કરવું? જીંદગીની લડાઈ એકલા હાથે લડતા તે હાંફી ગઈ હતી.જાણે કોઈ બળાત્કારનું સંતાન હોય તેમ તેને જોર જોર થી રડી લેવાનું મન થયું,પણ તે રડી ન શકી. પેલા B-105 માં રહેતા કલાબેનને ત્યાં તે કામ કરતી હતી. તેની મદદ લેવાનું મનમાં નક્કી કર્યું.પણ હવે ત્રીજું સંતાન તો નહીં જ.
આજ કડવાચોથ હતી, પડોશી બહેને મંદિરે આવવા સાદ દીધો. મને કમને તે ગઈ.સ્ત્રીઓનો સમૂહ હાથમાં ચોખા લઈ વ્રતકથા સાંભળી રહ્યો હતો. તે પણ સૌથી છેલ્લે બેઠી.પણ આજ એનું મન ખૂબ અશાંત હતું.પૂજારીજી વ્રત એનું મહાત્યમ સમજાવી રહ્યા હતા. સતી સીતા, સતી સાવિત્રી મદાલસા ,અપાલા, મંદોદરી ,વગેરે પૌરાણિક પાત્રોને યાદ કરી પૂજારી વ્રતકથા કરી રહ્યા હતા. અખંડ સૌભાગ્યવતી….ભવ ભવ ના બંધન…..પતિએજ પરમેશ્વર.. વગેરે શબ્દો તે બંધ અને સજળ આંખે સાંભળતી રહી.
અત્યારે પોતાના મનમાં ઘસી આવતા એ વિચારોને એણે ખાળવા પ્રયાસ કર્યો પણ એમ વધુ આવવા માંડ્યા……જાણે આખા દિવસની તનતોડ મહેનત પછી તે સૂતી છે.દરવાજો ખખડે છે.એ અંદર આવે છે.શરાબની ગંધથી એ નાનો એવો રૂમ ભરાઈ જાય છે. અને સંભળાય છે બે ત્રણ ગાળો. એ પતિ નામના માણસમાં થી એક બિહામણો પુરુષ નીકળે છે,,,,,એનું ગોદડું ઊંચું કરી એ ઘુસી જાય છે,,,અને પછી માથું ફાટી જાય એવી શરાબની વાસ નીચે એ પડી રહે છે,,……..શબવત……………… એ પેલા હીરો હીરોઈન ના પ્રણય દ્રશ્યોને યાદ કરવા મથે છે.પડછાયો ગીધની જેમ એના શરીરના ચામડાને ઘડીવાર સુંઘે છે ચૂંથે છે. અને જતો રહે છે. નાનપણમાં સાંભળેલી પેલા રાક્ષસ અને પરી વાળી વાર્તા યાદ કરતી ઉજાગરા ને ઓઢી તે સુઈ જાય છે. સવારે એજ થાક સાથે જાગે છે. બાળકો તૈયાર કરે છે, શાળાએ મોકલે છે.
ખીંટીએ ટીંગાતા , પવનમાં ફરફરતા પેલા શર્ટ માંથી રેડ લાઈટ એરિયાની પેલી બજારું સ્ત્રીના મેકઅપ અને પરફ્યુમની બૂ આવે છે. તે અરીસામાં જુએ છે……પેલી બજારુ સ્ત્રીનું જાણે ખડખડ અટ્ટહાસ્ય સંભળાય છે.અને અરીસા પર લોહીથી લખાયેલું વંચાય છે. “”વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ એઈડ્સ””'”””””” તે ધ્રુજી જાય છે. કંપી જાય છે. ભયનું એક લખલખું એના શરીરમાંથી પસાર થઈ જાય છે. તેણે સાંભળ્યું હતું, થોડું વાંચ્યું હતું. તેથી ભયાનક કલ્પના શકયતા એના મનમાં દોડ્યા કરતી.તેને થતું આવુ પણ બની શકે………………………એ સિવાય આ દસ બાર વર્ષમાં કેટલા અપમાન ? કેટલા ચારિત્ર્યના આક્ષેપો? કેટલી મારામારી ? કેટલી ગાળાગાળી ? ક્યારેક ચાર દીવાલ વચ્ચે તો ક્યારેક જાહેર શેરીમાં..
પૂજારીજીની વાણી ગંગાનો અવાજ મોટો થતા તે વિચારતંદ્રામાંથી જાગી.તે કહી રહ્યા હતા.””આ વ્રત કરનાર સ્ત્રી અખંડ સૌભાગ્યવતી રહે છે.અને ભવોભવ એજ પતિ…………………………….સાંભળીને તેણી એ હાથના ચોખા ગુસ્સા સાથે ધૂળમાં ફેંકી દીધા,,,, કાન આડે હાથ દઈ તે ચિત્કારી ઊઠી,,
નહી………….. નહી ……….આ ભવ તો પૂરો કરી નાખું છું…….. પણ આવતે ભવ તો ???????
-વિજય મહેતા
Categories: SHORT STORIES / लघु-कथाए