Very Nice

આપણી જિંદગીમાં લોકોની અવરજવર

આપણી જિંદગીમાં લોકોની અવરજવર ચાલતી રહે છે. કોઈ થોડા સમય માટે તો કોઈ લાંબા સમય માટે આપણી લાઈફમાં આવે છે. માણસમાં એક પડાવ હોય છે. અમુક લોકો અમુક સમય રોકાય છે અને પછી ચાલ્યા જાય છે. દરેક વ્યક્તિ જાય ત્યારે આપણામાં કશુંક મૂકતી જાય છે. થોડીક મીઠાશ, થોડીક કડવાશ, થોડીક યાદ, થોડીક ફરિયાદ, થોડીક આશા, થોડીક નિરાશા, થોડોક આનંદ, થોડોક ઉત્સાહ, થોડીક હતાશા જનાર વ્યક્તિ આપણામાં મૂકતી જાય છે. જેની પાસે જે હોય એ મૂકતું જાય છે. અમુક લોકોને મળીને એટલે જ આપણે થોડાક હળવા થયા હોય એવું લાગે છે. એ માણસે આપણામાં થોડીક હળવાશ મૂકી હોય છે. કડવાશ મૂકી જનારા પણ કંઈ ઓછા નથી હોતા! એક માણસે સંતને ફોન કરીને કહ્યું કે, તમને મળવું છે, ક્યારે આવું? સંતે સામો સવાલ કર્યો કે, આમ કેમ અચાનક આવવાનું મન થયું? પેલા માણસે કહ્યું, છેલ્લા થોડા દિવસથી અમુક લોકો સાથે હતો. એ બધાની નેગેટિવિટી મારા પર સવાર થઈ ગઈ છે. એનાથી મુક્તિ મેળવવા તમારી પાસે આવવું છે. મને એવું ફીલ થાય છે કે મારી અંદર જે ભરાઈ ગયું છે એને ખાલી કરવાની જરૂર છે. થોડાક જાળા બાઝી ગયા છે એને સાફ કરવા છે.

આપણે કોઈને મળ્યા પછી અથવા તો કોઈની સાથે રહ્યા પછી એનું વિચારીએ છીએ કે, એની સાથે રહેવાથી મારામાં શું ફેરફારો થયા? થતાં હોય છે. આપણે એના ઉપર નજર નથી કરતા. આપણે એવું પણ નથી વિચારતા કે, જનારો માણસ મારામાં જે મૂકી ગયો છે, એ રાખવા જેવું છે કે પછી ઉખાડીને ફેંકી દેવા જેવું છે? અમુક લોકો આપણું મગજ બગાડી દે છે. એટલે જ આપણને એવું થાય છે કે, આ મને ક્યાં મળ્યો? તમારી લાઈફમાં એવી કઈ વ્યક્તિ આવી છે જેના વિશે તમને એવું થાય કે, આ મારી લાઈફમાં આવ્યો કે આવી ન હોત તો સારું હતું? ઘણા કિસ્સામાં એવું પણ થાય છે કે, કોઈ વ્યક્તિ આપણી લાઈફમાં આવે ત્યારે સારી લાગે છે. ધીમે-ધીમે એની સાચી ઓળખ આપણી સામે આવે છે. આપણને પછી સમજાય છે કે, આ વ્યક્તિ તો મેં ધારી હતી એવી નથી. આપણે કોઈ વ્યક્તિને ઓળખી જઈએ પછી પણ તેનાથી મુક્ત થઈએ છીએ ખરાં?

એક છોકરીની આ સાવ સાચી વાત છે. તેની લાઈફમાં એક છોકરો આવ્યો. છોકરીને તેના પ્રત્યે આકર્ષણ થયું. છોકરો જ્યારે પણ મળે ત્યારે સારી સારી વાતો કરે. છોકરીના વખાણ કરે. ધીમે-ધીમે બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. ઘણીવખત માણસ દૂર હોય ત્યારે સમજાતો નથી, પણ નજીક આવે ત્યારે પરખાઈ જતો હોય છે. છોકરીને એવી ખબર પડી કે, પોતે જેને પ્રેમી માને છે એ તો અનેક છોકરીઓને ફેરવે છે. જેવી વાતો મારી સાથે કરે છે એવી વાતો તો બીજી કેટલીય છોકરીઓ સાથે કરે છે. છોકરીને દુ:ખ થયું, પણ આખરે એ સમજી ગઈ કે, આની સાથે વધુ સંબંધ રાખવામાં માલ નથી. એક દિવસ છોકરો મળવા આવ્યો ત્યારે છોકરીએ કહી દીધું કે, મને તારી હકીકત ખબર પડી ગઈ છે. આજથી તારો અને મારો સંબંધ પૂરો. છોકરાએ કહ્યું, ફાઈન, તારી મરજી! એ તો જાણે કશો જ ફેર પડતો ન હોય એમ ઊભો થઈને ચાલ્યો ગયો. છોકરીને થયું કે, અરે આને તો કંઈ હતું જ નહીં! હું જ મૂરખ બની! આપણે મૂરખ બન્યા, આપણે છેતરાયા, એવું ભાન થાય પછી પણ આપણાથી સહન થતું નથી!

એ છોકરી ડિસ્ટર્બ રહેવા લાગી. તેની ફ્રેન્ડે પૂછ્યું કે, શું વાત છે? છોકરીએ બધી સાચી વાત કહી દીધી. તેની ફ્રેન્ડે કહ્યું કે, તેં જે કર્યું એ સારું કર્યું. આવા માણસ સાથે સંબંધ ન જ રખાય. આ વાત સાંભળીને છોકરીએ કહ્યું કે, તારી વાત સાચી છે, પણ એ મારા દિમાગમાંથી ખસતો જ નથી. એણે મને છેતરી. મને ક્યારેક તો એના પર એવો ગુસ્સો આવે છે કે, એને થપ્પડ મારી દઉં. એ શું બધી છોકરીઓને રમકડું સમજે છે? આ વાત ચાલતી હતી ત્યારે જ છોકરીની ફ્રેન્ડના મોબાઈલમાં એક ઈમેલ આવ્યો. તેણે મેઈલ ખોલ્યો. મેઈલ નક્કામો હતો. તેણે તેની ફ્રેન્ડને કહ્યું કે, આ મેઈલ જો. સાવ નક્કામો છે. હું આનું શું કરીશ? રિપોર્ટ સ્પામ એન્ડ અનસબસ્ક્રાઈબ! એવું કરીને તેણે કહ્યું, આપણી લાઈફમાં પણ અમુક સ્પામ લોકો આવી જતા હોય છે, એને અનસબસ્ક્રાઈબ કરી ડિલીટ કરી દેવાના હોય છે. તેં અનસબસ્ક્રાઈબ તો કરી દીધો, પણ હજુ ડિલીટ તો કર્યો જ નથી! એ તો કદાચ તને ભૂલી પણ ગયો હશે, તું શા માટે એને યાદ કરી કરે છે? તારા મનમાંથી પણ એને કાઢી નાખ! આપણને ન ગમતી વ્યક્તિને ફિઝિકલી જ દૂર કરી દઈએ એ પૂરતું હોતું નથી. માનસિક રીતે પણ તેને હટાવવી પડે છે. આપણા દુ:ખનું કારણ મોટાભાગે એ જ હોય છે કે, આપણે મનમાં ઘણું બધું ધરબી રાખીએ છીએ. મનમાં પણ અમુક ગાંઠો એવી હોય છે જેને ખોતરતા રહીએ તો વેદના જ થાય! એવી ગાંઠોને ઉખેડીને ફેંકી દેવી પડતી હોય છે!

આપણી જિંદગીમાં આવતા બધા જ લોકો આપણા હોતા નથી. આપણી જિંદગીમાં આવતા માણસને આપણે બને એટલી વહેલી તકે ઓળખી લેવો જોઈએ. જેટલું મોડું થાય એટલી વેદના વધવાનું જોખમ હોય છે. અમુક લોકો એવા પણ હોય છે જેને આપણે ફટાક દઈને દૂર કરી શકતા નથી. એવા સમયે સેઈફ ડિસ્ટન્સ રાખવું જરૂરી બની જાય છે. નકામા લોકો સાથે પણ ક્યારેક કામ પૂરતા સંબંધો રાખવા પડતા હોય છે. એક યુવાનની આ વાત છે. તેની સાથે કામ કરતી એક વ્યક્તિએ તેની સાથે દગો કર્યો. આ યુવાન ખૂબ જ દુ:ખી થયો. તેણે નક્કી કર્યું કે, હવે આની સાથે લિમિટેડ રિલેશન જ રાખવા છે. તેને તકલીફ એ જ થતી હતી કે, એ માણસ સામે ને સામે હતો. દરરોજ ઓફિસમાં એને જોવો પડતો. તેને જોઈને એના મગજની નસો તંગ થઈ જતી હતી. તેની હાલત જોઈને તેના મિત્રએ કહ્યું કે, એ સામે હોય છે, પણ તું એના પર નજર માંડ નહીં. તેને જોઈને કેમ બધું તારા મનમાં ફરીથી તાજું થઈ જાય છે? કોઈની હાજરીને ગેરહાજરી કરી દેવાની આવડત પણ જિંદગીમાં જરૂરી છે.

છેલ્લો સીન :

અમુક માણસ આપણી જિંદગીમાં એવું શીખવાડવા માટે આવતા હોય છે કે દરેક માણસ ભરોસાપાત્ર હોતા નથી! –કેયુ.

-કૃષ્ણકાંત ઉનડકટ

kkantu@gmail.com

Categories: Very Nice

Tagged as:

Leave a Reply