Sense stories / बोध कथाए

શિક્ષક ની દ્રષ્ટિ

“મમ્મી, આ શું રસોઈ બનાવી છે? જોયું? આજે પણ ગૃશા જમી નહિ. આવું કેટલી વાર થાય છે ? તું રસોઈ સારી ન બનાવી શકે??” ખિજાય અને અધુરું જમવાનું મુકી અને પુત્ર પ્રગાઢ પણ પત્ની પાછળ ચાલતો થયો….

ઝંખનાબેન આંસુ ભરી આંખ થી જોઈ રહ્યાં. પતિ હિમાંશુભાઈએ આ જોયું. ઝંખનાબેને આંખ લુછી, બધું ઉપાડી કામ પતાવ્યું, અને સુવા જતાં રહ્યાં.

હિમાંશુભાઈ પ્રોફેસર હતા. પાંચેક વર્ષ પહેલાં જ નિવૃત્ત થયા હતા. ખુબ જ હોંશિયાર અને વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. સાલસ સ્વભાવ, પોતાના વિષયમાં ખુબ જ નિપુણ અને વિદ્યાર્થીઓના સ્વભાવ ને તરત ઓળખીને તેની નબળાઈ દૂર કરી, કાબેલ બનાવી દેતા. એમની કુનેહપૂર્વકની રીત થી ખુબ જ લોકપ્રિય હતા.

ઝંખનાબેન ખુબજ સુશીલ, પ્રેમાળ, શાંત અને ઘરરખ્ખુ હતાં. એક પુત્ર પ્રગાઢ અને પુત્રી સુપ્રિયા હતાં. દીકરી પરણીને વિદેશ વસવાટ કરતી. પાંચ છ વર્ષે ભારત આવતી, અને ખુબજ સુખી હતી.

પ્રગાઢ ને પોતાના મિત્ર ની પિત્રાઈ બહેન ખુબ જ ગમી ગયેલ. જ્ઞાતી એકજ હતી, રંગે ચંગે લગ્ન થયા. ગૃશા આઝાદ સ્વભાવની હતી. હિમાંશુભાઈ એ પાંચ રૂમ નો બેઠા ઘાટ નો બંગલો બનાવેલ. વિસ્તાર પણ ખુબ જ સમૃદ્ધ લોકોનો હતો.

હિમાંશુભાઈ સવાર માં ઉઠી ચાલવા જતા, અને પછી કસરત કરતા. ઝંખનાબેન ઘરે બગીચામાં પાણી પાવું, પ્રાણાયામ અને યોગ કરતાં. હિમાંશુભાઈ આવે ત્યાં ઝંખનાબેન પોતાનામાં થી પરવારી ચા તૈયાર રાખે. બન્ને બગીચામાં હિંચકા પર બેસી ચા પીતાં, પછી જ બધું આગળ નું કામ કરતાં, આ દરરોજ નો નિયમ હતો.

ગૃશા ને વહેલું ઊઠવું ગમતું નહિ. પ્રગાઢ ને ટિફિન લઈને જવાનું હોય, ઝંખના બેન બધું તૈયાર કરી દેતાં. રોટલી બાકી રહેતી એ ગૃશા પ્રગાઢ પહેલાં ઉઠીને બનાવી દેતી. દેખાડતી એવું જાણે પોતે જ બધું કરતી હોય. છતાં ઝંખનાબેન મનમાં ન લેતાં. ગૃશા પ્રગાઢ ના જતાં બહાર જતી રહેતી. બપોરે અઢી ત્રણ વાગ્યે આવી જમી લેતી. પાંચ વાગ્યે ફરી બહાર જતી અને પ્રગાઢ ના આવ્યા પહેલાં આવી જતી.

જતાં જતાં સાંજે કહેતી “મમ્મી, હું બહાર જમીને આવીશ, તમે જમી લેજો. “આવું મહિનામાં દશ પંદર વખત થતું. આવે પછી પ્રગાઢ સાથે એક જ થાળીમાં જમવા બેસતી. પેટ ભરેલું હોય, એટલે બે કોળિયા ભરી ઉઠી જતી. પ્રગાઢ માનતો, મમ્મી ની રસોઈ ગૃશા ને ભાવતી નથી. આવું કેમ ચાલે ? મમ્મીએ રસોઈ માં ધ્યાન રાખવું જોઈએ. આજે ફરી આજ વાત પુનરાવર્તન થઈ.

આજે રવિવાર હતો. પ્રગાઢ ચા નાસ્તો કરી આવી અને ટીવી જોવા બેઠો. હિમાંશુભાઈ બોલ્યા…………… પ્રગાઢ, મારે વાત કરવાની છે. પ્રગાઢે ટીવી બંધ કર્યું.

હિમાંશુભાઈ એ ઝંખનાબેન અને ગૃશા ને પણ બોલાવી લીધાં. હિમાંશુભાઈ બોલ્યા, “તમારાં લગ્ન ને બે વર્ષ થયાં. આ બે વર્ષમાં દશ વાર પણ ગૃશા એ રસોઈ કરી નથી. ઘરને ઘર ગણ્યું નથી, છતાં તારી મમ્મી કાંઈ જ બોલતી નથી. હું પણ બૈરાં ની વાત માં નથી પડતો, પણ વાત મારી પત્ની ના માન સન્માન ની છે. મારી પત્ની આખા ઘર નું વૈતરું કરે છે, કોઈ ની સેવા કે મદદ ની અપેક્ષા નથી રાખતી.”

પ્રગાઢ અને ગૃશા બોલ્યાં”પપ્પા..”

હિમાંશુભાઈ બોલ્યા, શાંતી રાખો મારી વાત પુરી નથી થઈ, તેઓ આગળ બોલ્યા “હું આજે એક ફેંસલો સંભળાવું છું……..જો પ્રગાઢ અને ગૃશા ને સાથે રહેવું હોય, તો દર મહિને હવેથી દશ હજાર રૂપિયા આપવાના છે. સવાર સાંજ ની રસોઈમાં ઝંખના ની મદદ કરવાની છે. ઘર ના દરેક કામમાં સાસુ નો સાથ નિભાવવાનો છે. જો આ બધું મંજૂર હોય, તો પ્રેમ થી રહો, નહિ તો તમારી વ્યવસ્થા તમે કરી લેજો. એક મહિના પછી તમારો નિર્ણય મને જણાવજો. બેટા તારા માટે ગૃશા મહત્વની છે, તો મારા માટે મારી પત્ની ઝંખના સર્વસ્વ છે. તેનું અપમાન હવે હું સહન નહિ કરું.” આટલું કહી હિમાંશુભાઈએ કહ્યું “ઝંખના, ચાલો આપણે મંદિર જતાં આવીએ.” ઝંખનાબેન અવઢવ વચ્ચે પતિ ને અનુસર્યા.

પ્રગાઢ અને ગૃશા સ્તબ્ધ બની ગયાં હતાં. અચંબીત નેત્રોથી બંને ને જતાં જોઈ રહ્યાં. ગૃશાએ બધી રસોઈ કરી. હિમાંશુભાઈ અને ઝંખનાબેન આવી, જમી પોતાના રૂમમાં જતાં રહ્યાં.

મંદિરે ઝંખના બેને કહ્યું “આ શું? આજ તમે આ રીતે બોલ્યા? તમે જે કહ્યું એ યોગ્ય છે?”

હિમાંશુભાઈ બોલ્યા, “તમને ખબર નથી, કયા વિદ્યાર્થિ ને કેમ પાઠ ભણાવવો, તમે જોયા કરો.”

ગૃશા અને પ્રગાઢ પોતાના રૂમમાં વિચારી રહ્યા. “આવું આલિશાન ઘર, આવો વિસ્તાર, આવી સુખ સગવડ, ક્યાં શોધવા? બહાર ના ભાડા પણ કેટલાં? અગિયાર મહિને ખાલી કરવાનું, આના કરતાં…પ્રગાઢ બોલ્યો, હું દશ હજાર આપી દેવા તૈયાર છું, પણ………..”

ગૃશા બોલી “હું પણ ઘરના કામમાં, રસોઈમાં મમ્મી ને મદદ કરીશ. તમારા પગાર અને ભાડા બે છેડા ભેગા કરતાં તકલીફ પડી જશે. પાછું બાળક થાય તેનો ખર્ચ અને સાર સંભાળ પણ વધે, આપણે પપ્પા ની વાત મંજૂર રાખીશું.”

સવારે ગૃશા રસોડામાં આવી ગઈ. ઝંખનાબેન જોઈ જ રહ્યાં. પ્રગાઢ હિમાંશુભાઈ પાસે જઈને બોલ્યો…… “પપ્પા,અમે અહિયાં જ રહેશું, તમે કહ્યું એ રીતે જ. આમેય હવે તમને આ ઉંમરે એકલાં ન રખાય.”

હિમાંશુભાઈ બોલ્યા “ભલે બેટા, પણ ખુબ જલ્દી નિર્ણય લઈ લીધો ?”

પ્રગાઢ સંમતિમાં માથું હલાવી જતો રહ્યો.

મહિનો પુરો થતાં રૂપીયા દશ હજાર હિમાંશુભાઈ ને પ્રગાઢે આપ્યા. ગૃશા પણ ઘરમાં રહેતી થઈ, એટલે સાસુની નજીક આવી ગઈ. હિમાંશુભાઈ બહાર જવા તૈયાર થયા. ઝંખનાબેન બોલ્યા “કઈ બાજુ ?”

હિમાંશુભાઈ બોલ્યા, “દીકરા-વહુના નામનું ખાતું ખોલાવી, આ રકમ એમાં જમા કરાવવા. આ બચત એમને કામ આવશે.”

એમને જતાં જોઈ ઝંખનાબેન મનોમન બોલ્યા…………”વાહ! શિક્ષક ની દ્રષ્ટિ, ઘી ના ઠામ માં ઘી પડી ગયું.”

-અજ્ઞાત 

Leave a Reply