History

આહીર રાણૉ ડૅર

એક વખત શિહોરનો રાજા દેપાળજી લાવલશ્કર સાથે શિકારે નિકળ્યા હતા. કોળીયાકના જંગલોમાં માંચડો બંધાવી શિહોરનો રાજા સિંહનો શિકાર કરવા જામગરી સજી બેઠો હતો. સિંહને બોડમાંથી બહાર કાઢવા ઢોલ-નગારા સાથે રીડીયારમણ કરનારાઓએ જંગલ માથે લીધું હતું. પરંતુ બે દિવસથી માંચડા પર અડીંગો નાંખી બેઠેલા રાજાની નજરે સિંહ ન ચડતા તે નિરાશ થયો હતો.

દેપાજીની ધીરજ ખુટતા તે એક હાથમાં ભાલા સાથે કમરે તલવાર લટકાવી માંચડા ઉપરથી નીચે ઉતરી જાતવાન ઘોડા પર રાંગ વાળી સિંહની શોધમાં નીકળી પડ્યો હતો. ધુનમાંને ધુનમાં રાજા દેપાળજી રસાલાને પાછળ રાખી શિકારની શોધમાં આગળ નિકળી ગયા હતા. ઘનઘોર વનરાજીમાં આખો દિવસ રઝળપાટ કરવા છતાં દેપાજીને કયાંય શિકાર નજરે ન ચડતા તે નદી કિનારે આવી પહોંચ્યા હતા.

આખા દિવસની રઝળપાટથી થાકેલા શિહોરના ધણીએ નદીના શીતળ જળથી તરસ છીપાવી પોતાના ઘોડાને નિરાંતે પાણી પીવરાવી રહ્યો હતો, ત્યારે જંગલની ઝાડીમાં છુપાયેલો ડાલામથ્થો સાવજ લપાતો છુપાતો દબાતે પગલે દેપાજી તરફ આગળ વધી રહ્યો હતો. દેપાજી નજીક પહોંચતા જંગલના ધણીએ પોતાની નજર સામે ઉભેલા શિકાર પર તરાપ મારવાની તૈયારી કરી હતી.

બરાબર આ વખતે જંગલમાં ભેંસો ચરાવી રહેલા પંદર-સોળ વર્ષના ચાર આહીર યુવાનૉની નજર અચાનક સાવજ પર પડતા તેણે સમયસુચકતા વાપરી કડીયાળી ડાંગૉ સજ્જ કરી હતી. હજુ જેનો મુછનો દોરો ફુટુ ફુટુ કરતો હતો, રાજાને ચેતવવાનો યુવાનૉ પાસે સમય ન હોય તે દબાતે પગલે કાળ સ્વરૂપ સાવજ તરફ આગળ વધ્યો હતો. પોતાના શિકાર પર ટાંપીને આગળ વધતો જંગલનો ધણી કડીયાળી ડાંગધારી યુવાનથી અજાણ હતો.

ડાલામથ્થા સાવજે લાગ લઈ ત્રાડ પાડી શિહોરધણી ઉપર તરાપ મારી હતી. અચાનક સાવજની ત્રાડ સાંભળતા ગભરાયેલા રાજાના મોતીયા મરી ગયા હતા. સાક્ષાત કાળને પોતાની સામે જોતા રાજા પાસે તલવાર કે ભાલો સંભાળવાનો સમય ન હોય ઇશ્વર આધીન થતા આંખો બંધ કરી દીધી હતી, ત્યારે સાવજને તરાપ મારતો જોઈ યુવાનૉએ કડીયાળી ડાંગ ફેરવી છુટો ઘા કર્યો હતો. આંખના પલકારામાં તોપના ગોળાની જેમ છુટેલી ડાંગ સિંહના માથામાં લાગતા સિંહની ખોપરીનો ભુકકો બોલાવી લાકડીના ત્રણ કટકા હવામાં ઉડ્યા હતા. અને એ સાથે જંગલનો રાજા મરણચીસ નાંખતો ભોંય ભેગો થયો હતો.

શિહોરનો રાજા સાક્ષાતકાળને જોઈ ધ્રુજી ઉઠતા આંખો બંધ કરી ઉભો હતો, ત્યાં તેણે અચાનક સાવજની મરણચીસ સાંભળતા નવાઈથી આંખો ખોલી જોતા જાણે સ્વપ્ન જોતા નથી ને ? તેની ખાત્રી કરવા પોતાની આંખો ચોળી હતી. શિહોરના રાજા દેપાજીએ સ્વપ્ન નહીં પરંતુ વાસ્તવીકતા જાણતા તેણે પોતાના જીવનદાતા યુવાનૉને ભેટી કહેવા લાગ્યા હતા. ‘વાહ ! જુવાનૉ ધન્ય છે તને આજે તયૉ મારા જીવનદાતા બન્યા!’

’મહારાજ સંકટમાં આવેલાની મદદ કરવી એ તો આહીરનો ધરમ છે, આમાં અમૉએ કાંઈ નવું નથી કર્યું !’ સહજભાવે યુવાનૉએ જવાબ દીધો.

‘ધન્ય છે ભાઈ, નાના મોઢે આવી મોટી વાત કરનારા તારા મા-બાપને !’ દેપાળજીએ પોતાની ઓળખાણ આપી યુવાનૉ અંગે જાણકારી મેળવી હતી.

આ આહીર યુવાનૉ કામલીયા આહીર હતા, તલાજા પાસૅના ગામના, રાજાએ પૉતાનૉ જીવ બચાવનાર આહીર યુવાનૉનૅ તલાજા પાસૅના બાર ગામનૉ ગરાસ આપીયૉ, જૅ કામલીયાવાડ કહૅવાયૉ,આ કામલીયાનૉ ભાણૅજ રાણા ડૅર હતૉ,તૅનૉ પિતા જુનાગઢ જીલ્લાના ડેરવાણા ગામનો દેવો ડેર હતો, ગોકળીયા ગામ જેવા સુખી અને સંપન્ન ડેરવાણ ગામનો ડેર પરિવાર પેઢીઓથી ગરાસ ભોગવતા હતા. કોઈ રાજસત્તાના તાબા વગરનું ડેરવાણા ગામની સુખ-સમૃદ્ધિ જોઇ રા’ કુંભાજીએ ગોંડલરાજના તાબામાં લેવા ડેરવાણા ના ગરાસદારને કહેણ મોકલ્યું હતું. જોકે ડેરવાણાના સ્વતંત્ર સ્વભાવના આહીરોને કોઈની તાબેદારી મંજુર ન હોઈ રા’ કુંભાજીનું કહેણ નકારી કાઢ્યું હતું.

ડેરવાણ જેવા ચપટીમાં ચોળી શકાય તેવા નાના એવા ગામે ગોંડલના ધણીનું અપમાન કરતા રા’ કુંભાજીએ સેના સાથે આક્રમણ કર્યું હતું. રા’ કુંભાજીની વિશાળ સેના સાથેની તોપો સામે તલવાર, ભાલા, લાકડીયો અને જામગરી બંદૂકો સાથે ડેરવાણા મુકાબલો કર્યો હતો. જોકે ગોંડલસેના સામે આહીરો લાંબુ ટકી ન શકતા રા’ કુંભાજીએ કેર વર્તાવ્યો હતો. ગોંડલની સેનાએ ડેરવાણા ના આહીર ગરાસદારને પકડી તોપના ગોળે દીધા હતા.

રાણા ડેરની માએ પોતાનો ધણી યુદ્ધમાં મરાયો હોવાનું જાણતા પોતાના છ મહિનાના દિકરાને કાંખમાં લઈ લપાતી છુપાતી તળાજા પંથકમાં આવેલ પોતાના પિયરમાં પહોંચી ગઈ હતી. તળાજા પંથકમાં આ વખતે કાંબલીયા આહીરો બાર ગામનો ગરાસ ભોગવતા હતા. કાંબલીયાનો ભાણેજ અને ડેરવાણ ગામનો વારસદાર રાણૉ ડૅર મોસાળમાં લાડકોડથી મોટો થવા લાગ્યો હતો. રાણૉ ડેર સમજણો થતા જ જંગલોમાં એકલો નિર્ભયપણે રખડતો હતો, રાણા ડેરનું એક જ સ્વપ્ન હતું કે બાપનું વેર વાળવું ? મોસાળમાં રહી ભેંસો ચરાવવા સાથે તલબારબાજી અને મલ્લકુસ્તીમાં પાવરધો થયેલો દેવો ડેર સૌનો લાડકવાયો હતો.

રાણૉ ડેર અઢાર વર્ષનો થતા તેણે પોતાના બાપનું વેર વાળવા ગોંડલના રા’ કુંભાજી સામે બહારવટું જાહેર કર્યું હતું. બહારવટે નીકળેલા દેવા ડેરે ગોંડલના સુલતાનપુર, બંધીયા, ખોંખરી વગેરે ગામો ભાંગી હાહાકાર મચાવ્યો હતો.

ગોંડલ જેવા શક્તિશાળી રાજ સામે બહારવટે ચડેલા રાણૉ ડેરે ગોંડલના ગામડાઓ ધમરોળવાનું શરૂ કરતા રાજાની નિંદર વેરણ થઈ હતી. રાણૉ ડેર નિર્દોષ પ્રજાને રંજાડવાનું ટાળી રાજકોષ અને રાજના અમલદારોને લુંટવામાં આનંદ લેતો હતો. જોકે દિવસ ઉગતા બહારવટાના નામે જાણે અજાણે નિર્દોષો દંડાતા હોવાનું જાણતા રાણૉ ડેરનો અંતરાત્મા ડંખતો હતો.

ગુનો કોઈ કરે અને સજા કોઈ ભોગવે તે વાત દેવા ડેરને મંજુર ન હોઈ તેણે ગોંડલના ધણીને સીધો પડકાર આપવાનું મનોમન નકકી કર્યું હતું.
રાણૉ ડેરે ચોમાસાની એક મેઘલીરાતે ગોંડલના રાજમહેલમાં પહોંચી જઈ રા’ કુંભાજીના કુંવરનું અપહરણ કર્યું હતું. રાજકુંવરનું સેંકડો સૈનિકોના પહેરા ભેદી રાજમહેલમાંથી અપહરણ થતા ગોંડલ રાજમાં હાહાકાર મચી ગયો હતો. રાણા ડેરના કબજામાંથી રાજકુંવરને પાછો મેળવવા ગોંડલની શક્તિશાળી સેના આકાશ પાતાળ એક કરી રહી હતી, પરંતુ કુંવરનો કયાંય પત્તો લાગતો ન હતો. ત્યારે રાજમહેલના ઝાંપે લટકાવેલી જાસાચીઠ્ઠીએ રાજકુંવરના અપહરણનો ભેદ ખોલી નાંખ્યો હતો.

રા’ કુંભાજી પર લખાયેલી જાસાચીઠ્ઠીમાં રાણા ડેરે ડેરવાણા ના ગરાસદાર પોતાના બાપના વેર લેવા રાજકુંવરના અપહરણની વાત લખી હતી. જાસાચીઠ્ઠી વાંચતા જ રા’ કુંભાજીએ પોતાના વહાલસોયા કુંવરને છોડાવવા દેવા ડેરના પગલા દબાવ્યા હતા, પરંતુ રાણા ડેર સાથીઓ સાથે કુંવરને લઈ ગીરના ઘનઘોર જંગલોમાં ઉતરી જતા રા’ કુંભાજી મુંઝાયા હતા, પોતાના કુંવરની ચિંતા તેમને ઘેરી વળી હતી. એ સાથે રાણા ડેર જેવો ટેકીલો આહીર બાળહત્યા નહીં કરે તેવી ધરપત પણ હતી. જોકે ગીરના જંગલોમાંથી રાણા ડેરને શોધવો ગોંડલની સેના માટે સરળ ન હતું.

રાણા ડેરની હિંમત જોઈ તે ફરીથી ગમે ત્યાં અને ગમે ત્યારે ત્રાટકી શકે તેમ હોઈ રા’ કુંભાજીએ અગમચેતી વાપરી રાણા ડેર સાથે સમાધાનની વાત ચલાવી હતી. રાણા ડેરને સમાધાન માટે રાજી કરતા હતા, એ સાથે રા’ કુંભાજીએ રાણા ડેરને તેના બાપદાદાના ગામ ડેરવાણા નો ગરાસ ત્રાંબાના પતરે પાછો લખી આપ્યો હતો, એ સાથે ચાંદીના રૂપિયા પંદર હજાર રોકડા આપી સમાધાન કરતા દેવા ડેરે ગોંડલના રાજકુંવરને રેશમના કપડામાં વીંટી હેમખેમ પાછો સુપરત કર્યો હતો.

Categories: History

Tagged as: ,

Leave a Reply