(લગાગાગા×4)
પ્રભુ તારી કસોટીનું કરામત નામ રાખ્યું છે.
કરે પરવાહ તું એનું મહોબત નામ રાખ્યું છે.
નજર સામે ન આવે તું ના પૂછે હાલ શબ્દોથી,
મિલાવે હાથ આફતમાં શરારત નામ રાખ્યું છે.
ગગનમાં ચાંદ તારા ને ધરા પર પર્ણ પુષ્પો છે,
સતત વહેતા આ જળનું મેં ઇનાયત નામ રાખ્યું છે.
કરે છે બંદગી તારી ખુદા દિલથી જે દુ:ખી છે,
જમાનાએ તે પ્રીતિનું ખુશામત નામ રાખ્યું છે.
કરી છે સાફસૂફી તે જરા ઠપકારથી ઈશ્વર,
અમે તારી અદાનું આ હિફાજત નામ રાખ્યું છે.
પ્રભાતે ઓશ બિંદુમાં ઝબોળાઈ ખીલી ઊઠ્યું,
અમે એ ફૂલને ચૂમી નજાકત નામ રાખ્યું છે.
ભર્યો છે પ્રેમ દિલમાં આંખમાં કરુણામયી ધારા,
અમે આ શ્વાસને તારી અમાનત નામ રાખ્યું છે.
-પાયલ ઉનડકટ
Categories: Payal Unadkat