SHORT STORIES / लघु-कथाए

આટલા વહેલા કેમ?

આખો કલાસ એક ધ્યાનથી મેડમ સાક્ષી ભણાવતા હતા તે સમજતાં હતાં. મેડમ સાક્ષી આજે કલાસમાં આંકડાશાસ્ત્ર ભણાવવાના હતાં. તેમણે આગલા દિવસે જ કહ્યુ હતું કે નવું ચેપ્ટર છે, થોડું અઘરૂં છે, એટલે કોઇ રજા ન પાડે. મન અને મગજ બન્ને કલાસમાં જ રાખજો. આખો કલાસ એક ધ્યાનથી ભણતો હતો.

કિશને જોયુ કે તેની બાજુમાં બેઠેલો દિપેન પણ એક ધ્યાનથી જોતો હતો. પણ દિપેન બોર્ડ તરફ જોવાને બદલે મેડમ સાક્ષી તરફ જોતો હતો. કિશને તેને ઘીમેથી કહ્યુ, ‘દિપેન ભણવામાં ધ્યાન આપ.’

દિપેન કંઇ ન બોલ્યો, ફકત કિશન સામે જોઇને હસ્યો. કલાસ પૂરો થયા પછી કિશન દિપેનને હાથ પકડીને કેન્ટિનમાં લઈ ગયો, અનેપૂછયુ કે “તારૂં ધ્યાન કયાં હતું?”

દિપેને કહ્યુ, “યાર.. ખબર નહી, પણ હમણાં હમણાં ઘણાં સમયથી મેડમ સાક્ષી કલાસમાં આવે છે ત્યારે મારા દિલમાં કંઇક થાય છે. મારૂં ધ્યાન તેમના પરથી હટતું જ નથી.”

કિશને કહ્યુ, “દિપેન આ વર્ષ આપણું કોલેજનું છેલ્લુ વર્ષ છે. તારા માટે સારું પરિણામ લાવવું એ કેટલું મહત્વનું છે તે વિચાર કર, અને ભણવામાં ધ્યાન આપ. સાક્ષી મેડમ આપણાં ગુરુ છે, આપણા કરતા પંદર વર્ષ મોટા છે. તે આપણી સાથે મિત્ર જેવું વર્તન કરે છે તેનો મતલબ તેમનો સ્વભાવ સારો છે, તું ખોટા વિચાર ન કર.”

દિપેને કહ્યુ “હા, હું બઘું જ સમજું છું. પણ મારા મનને કેમ સમજાવું ? મારા મનમાં સાક્ષી મેડમને જોઇને જે ખુશીની લહેર ઊઠે છે તે પ્રેમ છે તે તને કેમ સમજાવું? તે ભલે આપણા ગુરુ હોય, પણ તું જ કહે કે જો એ આપણી વચ્ચે બેસે તો કોઇ કહી શકે કે તે પ્રોફેસર છે, સ્ટુડન્ટ નહી ??”

દિપેનની વાત સાચી હતી. સાક્ષીની ઉંમર 35 વર્ષની હતી. તે છેલ્લા 10 વર્ષથી પ્રોફેસર હતી. તેના લગ્નના બે વર્ષમાં તેના પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારપછી તેણે બીજા લગ્ન કર્યા ન હતા. 35 વર્ષની ઉંમરે પણ તે ખૂબ નાજુક હતી. વિઘવા હોવાથી મોટાભાગે આછારંગના કપડાં પહેરતી, બઘા સાથે હળીમળીને રહેતી, પણ બઘા સાથે એક અંતર રાખતી. દસ વર્ષની નોકરીમાં તેના વિષે એક પણ આડીઅવળી વાત થઇ ન હતી. સ્ટાફમાં પણ બઘા તેનો આદર કરતા. ગમે તે વિદ્યાર્થીને તકલીફ હોય તો તે હમેંશા મદદ કરતી. પરીક્ષાના સમયે વિદ્યાર્થીને કોલેજનો સમય પૂરો થયા પછી પણ કોલેજમાં બેસીને માર્ગદર્શન આપતી. વિદ્યાર્થીઓ માટે તે આદર્શ હતી. કલાસમાં તે ગેરવર્તન ચલાવી લેતી નહી. કલાસ ચાલુ હોય ત્યારે તે ફકત પ્રોફેસર રહેતી, પણ કલાસ પૂરો થાય પછી તે વિદ્યાર્થીઓ સાથે મિત્રતાપૂર્વકનો વ્યવહાર કરતી.

દિપેન સાઘારણ ઘરનો છોકરો હતો. ભણતાં ભણતાં તે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હતો. જો તે ફર્સ્ટકલાસ સાથે ગ્રેજયુએશન પૂરૂં કરે તો તેની નોકરી કાયમી થઇ જાય તેમ હતી. સાક્ષીને દિપેનની પરિસ્થિતિની ખબર હતી. આથી તે તેને વિશેષ મદદ કરતી. સાક્ષીની મદદનો દિપેને ઉંધો અર્થ લીઘો. તે મનોમન સાક્ષીને પ્રેમ કરવા લાગ્યો. કિશેને તેને સમજાવવાની કોશિશ કરી તો દિપેને કહ્યુ કે , ” હું સાક્ષીને ચાહું છું, અને નોકરીમાં સેટલ થયા પછી હું સાક્ષી આગળ પ્રેમનો પ્રસ્તાવ મૂકીશ.”

કિશને એક દિવસ હિંમત કરીને આ વાત સાક્ષીને જણાવી દીઘી. વાત સાંભળીને સાક્ષીએ કંઇ કહ્યુ નહી. બસ તેની આંખમાં ગુસ્સાની રેખા પસાર થઇ ગઇ. તેણે કિશનને આ વાત કોઈને ન જણાવવા કહ્યુ. કિશન પાસેથી વાત સાંભળ્યા પછી પણ સાક્ષીના વર્તનમાં કોઇ ફેર ન પડયો. તે હમેંશાની જેમ જ દિપેનને મદદ કરતી. કિશનને આશ્ર્ચર્ય થયું કે મેડમ દિપેનના દિલની વાત જાણીને પણ તેના પ્રત્યે તટસ્થ કેમ રહી શકે છે ? તેના મનમાં સાક્ષી પ્રત્યે માન વધી ગયુ.

પરીક્ષા પૂરી થઇ, રિઝલ્ટ આવી ગયુ… ધાર્યા પ્રમાણે દિપેન 70 ટકા માર્કસ સાથે પાસ થયો હતો. થોડા સમયમાં તેની નોકરી પણ કાયમી થઇ ગઇ.પછી એક દિવસ હિંમત કરીને તેણે સાક્ષીને જણાવી દીઘું કે પોતે તેને ચાહે છે, તેની વિરાન અને બેરંગ જિંદગીમાં રંગ પૂરવા માંગે છે. તે સાક્ષી સાથે લગ્ન કરવા માંગે છે.

સાક્ષીએ શાંતિથી કહ્યું કે, “મને આ વાતની ઘણા સમયથી ખબર છે.”

દિપેને આશ્ર્ચર્યથી કહ્યું, “તમને ખબર છે ? તમે મને કયારેય અણસાર ન આવવા દીઘો ?”

સાક્ષીએ કહ્યું, “હું એક શિક્ષક છું, મારૂ પ્રથમ કર્તવ્ય વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવવાનું છે, બગાડવાનું નહી. તારા માટે આ વર્ષ મહત્વનું હતું, જો હું કંઇ કહુ તો તેનાથી તારા ભણતરમાં અસર પડે અને તારૂં ભવિષ્ય બગડે, એટલે કંઇ બોલતી ન હતી, પણ હવે તને કહું છું કે આવી વાતો વિચારવાનું છોડી દે અને સારી છોકરી શોઘીને લગ્ન કરી લે.”

દિપેન રડી પડયો. તે સાક્ષીને ચાહતો હતો, પણ હજી તે પોતાની લાગણી એક પ્રેમીની જેમ વ્યકત કરી શકતો ન હતો. સાક્ષીએ તેને ઘણો સમજાવ્યો, પણ દિપેન એમ કહીને જતો રહ્યો કે હું તમારી રાહ જોઇશ.

એક વર્ષ આમ જ પસાર થઇ ગયું. દિપેન કયારેક સાક્ષીને મળવા કોલેજ આવતો. સાક્ષી તટસ્થ ભાવે વિદ્યાર્થીને મળતી હોય તેમ તેની સાથે વાત કરતી અને પોતાના તરફનું પાગલપન છોડીને જીવનમાં સેટ થવા સમજાવતી.

સાક્ષીની ત્રણ વર્ષની સમજાવટ પછી દિપેન હારી ગયો. મા-બાપે પસંદ કરેલી છોકરી સાથે પરણી ગયો. લગ્નની કંકોત્રી સાક્ષીના હાથમાં આપતા રડી પડયો. સાક્ષીએ હર્ષથી કહ્યું, “તારો આ નિર્ણય તને જીવનમાં સુખી કરશે, હું તારી શિક્ષક હતી અને રહીશ. તને ગમે ત્યારે જરૂર પડે ત્યારે મને યાદ કરજે.”

આજે દિપેન ખુશ છે, સુખી છે, સુંદર પત્ની, સારી નોકરી, ઊંચી આવક અને ઢિંગલી જેવી દીકરીથી તેનું જીવન ખુશહાલ છે, પણ હજી જયારે સાક્ષીને જોવે છે ત્યારે તેની આંખ ભરાય જાય છે અને વિચાર આવી જાય છે કે કાશ…. મેં થોડો વહેલો જન્મ લીઘો હોત તો… અથવા મેડમ થોડા મોડા ધરતી પર આવ્યા હો તો … આજે અમે સાથે હોત…. મેડમ તમે વહેલે શું કામ આવ્યા ?? પણ કાશ…..

-દિપા સોની “સોનુ”

Leave a Reply