Dr. Vishnu M. Prajapati

અંધારી રાતનો ગરબો…! ભાગ–૯ (અંતિમ ભાગ)

હરણીયા તળાવના પૂર્વ છેડે હવેલીમાં મયંક અને દિશાર્થી બન્ને એકલા હતા. અંધારી રાતમાં બન્નેની એકલતા અને બન્ને વચ્ચેનો ધસમસતો પ્રેમ એકમેક તરફ વહી રહ્યો હતો..!

યંગ કલ્ચર ગ્રુપના ગરબા શરૂ થતા જ દિશાર્થીએ અદભૂત ગરબા નૃત્ય શરૂ કર્યુ. મયંક ફાટી આંખે જોઇ જ રહ્યો. દિશાર્થીના પગ જે રીતે સ્ટેપ લઇ રહ્યા હતા તે સાવ સામાન્ય નહોતા, ગરબા અને વર્ષો જુની ભારતીય નૃત્યનું સંમિશ્રણ હતુ. અંધારી હવેલીમાં આવતા આછા પ્રકાશમાં તે ખીલી ઉઠી હતી. મયંકની ફરતે તે જાણે પોતાની જનમો જનમની પ્યાસ મીટાવી રહી હોય તેમ નૃત્ય કરી રહી હતી.

છેલ્લે ખૂબ ઝડપી ચલતીનો ગરબો ‘ ઘોર અંધારી રે રાતલડી મા નીકળ્યા ચાર અસવાર…!’ શરૂ થતા તેની ગતિ વધુ તેજ થઇ ગઇ હતી… મયંક દિશાર્થીના એ અદભૂત નૃત્યમાં ખોવાઇ ગયો હતો….! આખરે ગરબા પુરા થતા મયંકના આલિંગનમાં તે સમાઇ ગઇ. મયંકને વળગીને તેને આંખો બંધ કરી દીધી હતી.

‘તુ અદભૂત છે દિશાર્થી… તારુ વચન હતુ કે આ નવરાત્રીમાં તુ મને તારો પરીચય આપીશ.. પણ ક્યારે ?’ મયંક તેને ઓળખવા માંગતો હતો પણ દિશાર્થી તેનાથી દૂર ચાલી અને તે ઓરડીથી સામે દેખાતા પાણીના અંધકાર તરફ જોઇને બોલી, ‘આવતીકાલે છેલ્લું નોરતુ છે. તુ મને આવતીકાલે ઓળખી જઇશ.’

‘તુ આજે મને કેમ આ મહેલમાં લઇ આવી ?’ મયંકે પુછ્યું તો દિશાર્થી તેના ફૂલાયેલા શ્વાસોશ્વાસને મયંકના ઉરોસ્થલે લગાવી બોલી, ‘જનમોજનમની કોઇ અધુરી ઇચ્છા રહી ગઇ હતી એમ જ સમજ…! અને સાચુ કહુ તો તારા જેવા પ્રેમીને એકાંતમાં મળવા…!’ તે મયંકને વળગીને ઉભી રહી ગઇ. તેનામાં પ્રેમ, ડર, આક્રોશ, થાક અને મયંકની છાતી પર નિરાંત હોય તેવુ લાગી રહ્યું હતુ.

‘પરીચય વિનાનો આપણો પ્રેમ ક્યાં સુધી ?’ મયંકે ફરી એ જ વાત કરી.

‘આવતીકાલે રાત્રે ભાસ્કરને આ હવેલીમાં લઇ આવ..! મારો પ્રેમ અને મારો પરિચય બન્ને તારી સમક્ષ રજૂ કરીશ.’ દિશાર્થીએ એક ધગધગતો શબ્દપ્રવાહ વહાવ્યો અને ભાસ્કરનું નામ તેના હોઠ પર આવતા જ મયંકના મનમાં ફરી એક શંકા સળવળી ઉઠી.

‘તારા પ્રેમ અને પરિચય મેળવવા તે હું કરી બતાવીશ… પણ દિશાર્થી ખરેખર તું મને ચાહે છે’ને ?’ મયંકે જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે દિશાર્થીએ તેના હોઠ પર તેની મુલાયમ હથેળી દબાવીને તેને ચૂપ કરતા કહ્યું, ‘તારા જેવા પ્રેમીને કોણ ન ચાહે ? તને તો જનમોજનમ ચાહતી રહીશ..!’

આલિંગનમાં જ દિશાર્થીએ ગીત ગાયેલુ, ‘ઓ મેરે સનમ, ઓ મેરે સનમ, દો જીસ્મ મગર એક જાન હૈ હમ….એક દિલકે દો અરમા હૈ હમ.. ઓ મેરે સનમ ઓ મેરે સનમ…!!’ અને તે ગીત ગાતા ગાતા બન્ને છૂટા પડ્યા.

બીજા દિવસે મયંક ભાસ્કરને તે હવેલીએ કેવી રીતે બોલાવવો તેનો પ્લાન બનાવી લીધો અને તેને ખોતરને ફોન કર્યો કે આવતીકાલે રાત્રે તમને દિશાર્થી અને ભાસ્કરના તમામ રહસ્યો જાણવા મળશે જુની હવેલીમાં…! મયંક પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યો હતો.. તેની એક શંકા હતી કે દિશાર્થી અને ભાસ્કર મળીને કદાચ મને મારી પણ નાખે અને તે દસ્તાવેજો માંગી લે…! પણ ખેર પ્રેમ કર્યો જ છે તો હું તેને નિભાવીશ જ… અને તે દસ્તાવેજો ભાસ્કરને તો ક્યારેય નહી જ મળે…!

‘શું બે દિવસ પછી મારી લાશ પણ એ હરણીયા તળાવમાંથી જ મળશે ?’ આ વિચારથી મયંકના શરીરમાંથી ભયની ધ્રુજારી છુટી ગઇ.

છેલ્લા નોરતે યંગ કલ્ચર પાર્ટી પ્લોટમાં ભાસ્કર, આદિત્યરાય અને શહેરના બીજા કેટલાય નામાંકિત લોકો હાજર હતા. ખોતરને ટ્રેડીશનલ ડ્રેસના અલગ જ અંદાજમાં આવતો જોઇ ભાસ્કર અને આદિત્યરાયને ચીડ ચડી હોય તેવું લાગ્યું. આરતીનો સમય થતાં જ બધા એકસાથે
‘જય આદ્યશક્તિ… મૈયા જય આદ્યશક્તિ….
અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, અખંડ બ્રહ્માંડ દિપાવ્યા…
પડવે પંડિત મા… ઓમ જયો જયો માં જગદંબે…..’ ની આરતી ભાવપૂર્વક ગાવા લાગ્યા.

આરતી પુરી થતા વિશ્વભંરી સ્તુતી પણ કરી. ‘મામ પાહી ઓમ ભગવતી ભવ દુ:ખ કાપો…!’ની એક કડી ‘પાપી પ્રપંચ કરવા બધી વાતે પુરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો…!’ ગાતા ગાતા ખોતરની નજર વારંવાર ભાસ્કર પર જતી હતી.

મયંક પણ કાનુડાની જેમ સજીને પાર્ટી પ્લોટમાં આવી ગયો હતો. ભાસ્કર અને મયંકની નજર અથડાતા તે એકબીજાની સામે કતરાઇ રહ્યા હતા. આરતી, સ્તુતી અને થાળ પુરો થયા પછી આજે મહાપ્રસાદ આદિત્યરાય તરફથી હતો. તેમનું થોડુ ભાષણ હતું અને તેમને તેમાં પણ ભાસ્કરના વખાણ કરીને ચુંટણીનું બ્યુગલ જ વગાડ્યું.

થોડી શાંતી થતા જ ભાસ્કર ખોતરની પાસે આવ્યો અને બોલ્યો, ‘પેલો ખૂની મયંક હજુ ખુલ્લે આમ ફરી રહ્યો છે ? પોલીસ કોઇ કામ કરે છે કે નહી ?’

ખોતરે હળવેથી જવાબ આપ્યો, ‘તમને તો ખબર છે કે કાનૂન ખૂની હોવાના સબૂત માંગે છે અને મને તો તમારા ખોટા દસ્તાવેજો સીવાય બીજા કોઇ સબૂત મળ્યા જ નથી. પોલીસના હાથ તમારા સુધી પહોંચી શકે તે તો શક્ય જ નથી એટલે અમે બંધાઇ જઇએ છીએ..!’ ખોતરે વ્યંગ્યાત્મક રીતે કહેતા ભાસ્કર ચૂપ થઇ ગયો.

વાત આગળ વધારવા ખોતરે ભાસ્કરની એક દુ:ખતી નસ દબાવી, ‘અને હા… આજે પેલી જુની હવેલી તોડવાનું કામ કેટલે પહોંચ્યુ…?’

‘અરે ગઇકાલે જે લોકો આ હવેલીને તોડવા આવવાના હતા તેમનો જ એક્સિડન્ટ થયો એટલે હવે તે કામ બે દિવસ પછી… એટલે દશેરા પછી શરૂ થશે…!’ ભાસ્કરે અણગમા સાથે કહ્યું.

‘એટલે રાવણનો વધ થઇ જાય પછી જ ને…?’ ખોતરે જે રીતે કહ્યું તે રીત ભાસ્કરને પચી નહી.

ગરબા શરૂ થતા શૈલી અને ખોતર તો ખેલૈયા બની ગરબે ઘુમવા લાગ્યા. મયંક થોડીવાર પછી ત્યાં દેખાતો બંધ થઇ ગયો હતો. થોડીવાર પછી ભાસ્કર પર મયંકે કોલ કર્યો, ‘જુની હવેલી આવી જા… આપણે પેલો સોદો પતાવી દઇએ… અને હા, હવે કોઇ ચાલાકી નહી..! અને સાથે બીજો કોઇ માણસ નહી…!’

ભાસ્કર તો તરત જ સ્ટેજ છોડીને ચાલ્યો અને તેની પાછળ પાછળ શૈલી અને ખોતર પણ બહાર નીકળી ગયા. ખોતરે શૈલીને કહીને તે હવેલીમાં નાઇટ વિઝનના છુપા કેમેરા અગાઉથી જ લગાવડાવી દીધા હતા…

મયંક તે હવેલીએ પહોંચ્યો. દિશાર્થી હજુ ત્યાં નહોતી આવી. થોડીવારમાં ભાસ્કર તે વિશાળ ખંડમાં આવી ગયો. મયંકને જોઇને પોતાની ગન કાઢી દીધી. મયંકને તેનો કોઇ ડર ન હોય તેમ ઉભો રહ્યો.

‘આ બેગના બદલે શું જોઇએ છે તારે… ?’ ભાસ્કર અંધારી તે જુની હવેલીમાં બરાડ્યો તેના પડઘા ઝરુખામાંથી છેક પાણી સુધી પહોંચતા જ પાણીમાં એક વમળ ઉઠ્યું.. વિરાન હવેલીમાં તેની ચીખથી ભયાનક વાતાવરણ ખડુ થઇ ગયુ હતુ.

‘ફક્ત એ જ જાણવું છે કે આ હવેલીનો સોદો કઇ રીતે થયો હતો…?’ મયંકની આ વાતથી ભાસ્કરે અટ્ટહાસ્ય કર્યુ અને બરાડ્યો, ‘તું છેલ્લા એકવર્ષથી આ એક વાત જ પકડીને ઉભો છે… આજે તુ જાણી લે કે ખરેખર આ હવેલીનો સોદો કેવી રીતે થયો હતો..’ ભાસ્કર નહોતો જાણતો કે તે પોતે કેમેરામાં કેદ થઇ રહ્યો હતો.

ભાસ્કરના શબ્દો સાથે તેની ગન મયંક તરફ તકાયેલી જ હતી, ‘તે ડોસા ડોસીની શું હેસિયત કે અમને હવેલી આપવાની ના કહે…! અમે રાજા છીએ અને તે અમારી રૈયત… અને અમારી રૈયત એટલે અમારી રખાત…! ગઇ નવરાત્રીની એક રાતે તે ડોસા ડોસીને ઉઠાવીને આ સામેના મહેલમાં જ લઇ આવ્યો હતો અને તને પણ બોલાવ્યો હતો… તને એ નહોતી ખબર કે તે મહેલની પાછળની કોટડીમાં પણ તે ડોસા ડોસી સાથે બીજી એક વ્યક્તિને ઉઠાવી લાવ્યા હતા… તેના કારણે જ તેમને હવેલીના દસ્તાવેજોમાં સહી કરી આપી…!’ ભાસ્કરે જૂની વાત કહેવાની શરૂ કરી.

‘તે એટલે કોણ…?’ મયંકે સ્પષ્ટતા કરવા કહ્યું.

‘અમારા કુળની રખાત હતી સાલ્લી…! વર્ષો સુધી અમારાથી દુર રહી… વિદેશથી આવી અને અમારા હાથે ચડી ગઇ… તે નવરાત્રીમાં ગરબે રમવા માંગતી હતી… સરસ ચણિયચોળીમાં સજીને બહાર જતી હતી અને ડોસા ડોસીની સાથે તેને પણ પકડી લાવ્યા.. તે બન્ને પર બહુ જોર અજમાવ્યુ ત્યારે અમને બધી હકીકત ખબર પડી એ તે તો અમારી નર્તકી જ હતી એટલે તેને નચાવવી એ તો અમારો રાજધર્મ હતો…! તે અંધારી રાતે અમે તેને ગરબે નચાવી… તે બિચારીનો જીવ તે ઘરડા લોકોમાં હતો અને તે ડોસા ડોસીનો જીવ તો તેમની લાડલીમાં હતો.. અને તું જ્યારે રાતે આવ્યો ત્યારે આ રાજને તો તેની સાથે એક ગરબો ગાઇ પણ લીધો હતો…!! તને જોઇને તેનું મોં બંધ કરી પાછળની અંધારી કોટડીમાં લઇ ગયા… તે ત્યાંથી તને જોઇ રહી હતી…! તું તેમની જ્યારે વકીલાત કરી રહ્યો હતો ત્યારે તેઓ આ દૂર પેલી કોટડીના અંધારા ખૂણામાં છેલ્લા શ્વાસ લઇ રહ્યા હતા… તારા ગયા પછી જહોન અને મેં પણ તે અંધારી રાતે તેની સાથે ગરબા-નૃત્ય કર્યુ… તે હરણીની જેવી કોમળ હતી અને અમે ભૂખ્યા વરૂ જેવા…! જેમ અમારા પૂર્વજોને તરસી હરણીનો શિકાર કરવાની મજા આવતી હતી તે મજા તે રાતે અમે ભેગા મળીને લીધી…! તે સહન ન કરી શકી અને બેભાન થઇ ગઇ… ડોસા ડોસીને પણ સહી કરતા જ પતાવી દીધા…! ત્રણેયની લાશને તળાવ ખોદાઇ રહ્યુ હતુ તેમાં મોટા પથ્થર મુકીને દબાવી દીધી. હું નીકળ્યો ત્યારે તે જીવતી હતી પણ તેને જીવતી રાખીને અમારે મરવુ નહોતુ અને તે રાત્રે જ આખુ તળાવ પાણીથી ભરી દેવાનું જ હતુ એટલે અમે ત્રણેય પાણી ભરાઇ જાય ત્યાં સુધી આ કોટડીમાં મહેફીલ માણતા રહ્યા. આ જ હતી સત્ય હકીકત…!’ ભાસ્કરે તેની ગંદી જુબાનથી પોતે ખેલેલી ભયંકર પાપલીલા વર્ણવી.

‘તેનું નામ શું હતુ…?’ મયંકે ઉંચા અવાજે કહ્યું અને ત્યાં જ દિશાર્થી ભાસ્કરની બરાબર પાછળ દેખાઇ. મયંકે તેને ભાસ્કરની બાજુમાં ઉભેલી જોઇ ડરી ગયો.. શું તે ભાસ્કર સાથે છે ?’ તેનો ડર વધી રહ્યો હતો.

જો કે ભાસ્કરનું ધ્યાન તેની તરફ નહોતુ અને તેને પોતાનો મોબાઇલ કાઢીને તેમાં તેની તસ્વીર બતાવી અને તેની સાથે આચરેલી પાપલીલાની આખી વિડિયો પણ…! તે જોતા જ મયંકની આંખો ફાટી ગઇ, ‘ આ તો દિશાર્થી છે…! અને તે તો હજુ જીવે છે…!’

આ સાંભળતા ભાસ્કરે અટ્ટહાસ્ય કર્યુ અને હવેલીની ચારે દિવાલો પર અથડાય તેવા બુલંદ અવાજે બોલ્યો, ‘એ જીવે છે…? તો બોલાવ…! હું અત્યારે ફરી તેની સાથે ગરબે રમીશ… તેની સાથે આ વખતે આપણે બન્ને સાથે મજા કરીશુ…!’

‘તે અહીં જ છે… આ તારી પાછળ…!’ મયંક તેને ચૂપ કરવા તેનાથી પણ વધુ જોરથી બરાડ્યો…’ ભાસ્કર મયંકની વાત સાંભળી પાછળ ફર્યો….તેને ત્યાં કોઇ ન દેખાયું…!

તે ફરી ભયાનક રીતે હસી રહ્યો હતો અને બોલ્યો, ‘મને બેગ મળી ગઇ અને હવે તને મોત…!! મયંક આ હવેલીએ કેટલાયના જીવ લીધા છે આજે એક વધારે….!’ ભાસ્કર હવે નિરંકુશ હતો.. તેને પોતાની ગનની ટ્રીગર દબાવી પણ તેની આંગળીઓ જકડાઇ ગઇ હતી. ભાસ્કરને ખ્યાલ આવ્યો કે તે આખે આખો તે જગ્યાએ ચોંટી ગયો હતો… ખોતર અને શૈલી પણ તે ભયાનકતા નિહાળી રહ્યા હતા. ભાસ્કરનો મોબાઇલ તેનાથી જાણે કોઇએ ખેંચી લીધો હોય તેમ દૂર ફંગોળાઇ ગયો…. ભાસ્કરની આંખોમાં ડર વ્યાપી ગયો હતો… તે ધ્રુજી રહ્યો હતો…!

અને ત્યાં જ ભાસ્કરને પણ એક આછો પડછાયો દેખાયો…. અને તે ધ્રુજતા અવાજે બોલ્યો, ‘તુ જીવતી છે…? અમે તો તને જીવતે જીવત આ તળાવમાં દફનાવી દીધી હતી…!’

તે પડછાયામાંથી વર્ષોના આક્રોશનો એક અવાજ ઉઠ્યો, ‘હા, નરાધમ.. તારા જેવા પાપીના નાશ માટે આદ્યશક્તિ જગદંબાએ મને નવરાત્રીએ પાછી મોકલી છે. હું ગઇ નવરાત્રીમાં મારુ કામ પૂર્ણ ન કરી શકી એટલે મારે ફરી આવવું પડ્યુ…! તારા જેવા દુરાચારી, બળાત્કારી અને પાપીઓ, હરણી જેવી નિર્દોષને મારશે તો મા જગદંબા દુરાચારીઓને છોડશે નહી.. અને આજે તારો અંત છે…! તે અંધારી રાતે મારી જિંદગીને તમે પીંખી નાખી હતી… મારી ચણિયાચોળીના આભલાને જ નહી પણ મારી અનેક સપનાઓ ભરેલી જિંદગીને તમે વેરવિખેર કરી નાખી હતી… તમે જે રીતે મને જીવતી જ પથ્થરો મુકીને આ તળાવમાં ડુબાવી દીધી હતી તેવી જ રીતે જહોન અને રાજનને મેં ડુબાવી દીધા… આ બેગ મયંક સુધી પહોંચે અને લોકો સત્ય જાણે એટલે મારે આજના દિવસ સુધી રાહ જોવી પડી…! ભાસ્કર આજે તારો અંત એ રીતે જ થશે…!’ દિશાર્થી આજે ભયાનક લાગી રહી હતી. મયંક પણ તેની ભયાનકતા પર અચંબિત થઇ ગયો હતો.

તે પડછાયો મયંક તરફ આવ્યો અને કોમળ સ્વરે બોલ્યો, ‘મયંક… મારી મરતી આંખે મેં તને નિહાળ્યો હતો અને મારી અધુરી ઇચ્છા ગરબે રમવાની પુરી કરવા તારો સાથ લીધો હતો.. હું પણ તને ચાહવા લાગી હતી પણ પ્રેતને વળી પ્રેમ ક્યાંથી…? મને માફ કરી દેજે પણ આવતા જનમમાં જરૂર તારી રાધા બનીને આવીશ… આજે તો જગદંબા બની આ અસૂરનો વધ કરવા આવી છું..’ અને તેનો પડછાયો એકાએક અદ્રશ્ય થઇ ગયો…. અને બીજી જ ક્ષણે સામે મૂર્તિની જેમ ચોંટી ગયેલા ભાસ્કરને વીંટળાઇ ગયો અને તેને તે પેલી અંધારી કોટડીમાં ઉંચકીને લઇ ગયો અને પાછળની બારીમાંથી તે તળાવના ઉંડા પાણીમાં ગરક થઇ ગયો…!

મયંક પણ તેની પાછળ દોડ્યો… હરણીયા તળાવનું પાણી સાવ શાંત થઇ ગયું હતુ… તેને ત્યાંથી બૂમ મારી, ‘દિશાર્થી…. દિશાર્થી…! તું આમ છોડીને ન જઇશ… તારા વિના મારો પ્રેમ અધુરો છે… મારી નવરાત્રી અધુરી છે….!’ અને તેને પણ તે તળાવમાં મોતની છલાંગ લગાવી દીધી….!

ત્યાં જ દિશાર્થી જળમાંથી તેની પાસે આવી અને મયંકને આલિંગનમાં સમાવી છેક કિનારે લઇ આવી… અને તે ફરી ચાલી નીકળી… મયંકે તેને ઉભી રાખવા બૂમ પાડી,‘ દિશાર્થી મને પણ તારી સાથે લઇ જા… હું તારા વિના નહી જીવી શકુ…!’

દિશાર્થીએ તેનો હાથ હલાવતા કહ્યું, ‘ફરી ઢોલ ઢબૂકશે ત્યારે હું ફરી આવીશ અને એમ સમજી લે જે કે આવતી નવરાત્રીમાં ગરબાના તાલમાં અને ઢબૂકતા ઢોલની દાંડી સાથે તારી સાથે જ કે તારી આજુબાજુ જ હોઇશ…! હું તને નવરાત્રીમાં ગરબે ઘુમતો જોઇને મારી ઇચ્છાઓ પુરી કરીશ..! મયંક તારે મારા માટે અને આપણા પ્રેમ માટે જીવવાનું છે…! હું રોકાઇ નહી શકું…! મને માફ કરી દેજે…!’ આ સાંભળતા જ મયંકનો જમણો હાથ હવામાં લહેરાઇ ગયો અને દૂર ઉભેલી દિશાર્થી એક પડછાયો બની મયંકને સ્પર્શીને ચાલી ગઇ… મયંકના શરીરમાંથી એક શીતળ, ખુશનુમા અને અદભૂત આનંદની લહેર ઉઠી ગઇ હતી…!

ત્યાં જ છેલ્લા નોરતાનો છેલ્લો જયકાર બોલાઇ રહ્યો હતો, *‘આદ્યશક્તિ જગદંબે માત કી જય…!’*

-સમાપ્ત

લેખક : ડૉ. વિષ્ણુ પ્રજાપતિ

આપનો આ નવલકથા વિશેનો અભિપ્રાય ૯૮૨૫૮૭૪૮૧૦ પર અચૂક કરશો….

અંધારી રાતનો ગરબો…! ભાગ–૮

અંધારી રાતનો ગરબો…! ભાગ–૭

અંધારી રાતનો ગરબો…! ભાગ–૬

અંધારી રાતનો ગરબો…! ભાગ–૫

અંધારી રાતનો ગરબો…! ભાગ–૪

અંધારી રાતનો ગરબો…! ભાગ–૩

અંધારી રાતનો ગરબો…! ભાગ–૨

અંધારી રાતનો ગરબો..! ભાગ–૧

Leave a Reply