Dr. Vishnu M. Prajapati

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૯ (અંતિમ ભાગ)

કુંડળની ગુફા ધગધગતી મશાલોથી રાતીચોળ લાગી રહી હતી. કુંડળ તેની મંત્રશક્તિમાં લીન હતો…!

સુંદરા લાલ રંગની સાડીમાં સાક્ષાત દુર્ગાનું સ્વરુપ લાગી રહી હતી. તે જાણે સંમોહિત થઇ ગઇ હોય તેમ વિશ્વાસના બધા જ આદેશોનું ચૂપચાપ પાલન કરી રહી હતી. તેની નજર એકધારી ગુફાના પ્રવેશદ્વાર પર મંડાયેલી હતી. ધીરે ધીરે વિશ્વાસ અને સુંદરાએ ગુફાની અંદર પ્રવેશ કર્યો. આજે નવરાત્ર પૂર્ણ થવાના હતા અને નવ રાત્રિના દેવઅસુરના મહાયુધ્ધ પછી દુર્ગાશક્તિએ અસુરી શક્તિનો નાશ કર્યો હતો તેમ આજે પણ કોઇ ભયાનક ઘટના બનવાની હોય તેવા ભણકારા વાગી રહ્યા હતા.

ગુફામાં કુંડળે મહાયજ્ઞની શરૂઆત કરી દીધી હતી. ખોતર, શૈલી અને સાથે એક અજાણ્યો વ્યક્તિ પણ તાંત્રિક વેશમાં ગુફાની બહાર એક ટેકરી પરના અંધકારમાં લપાઇ ગયા હતા. ત્યાંથી ગુફાની ઉપર રહેલો અંદરનો ખુલ્લો હિસ્સો દેખાઇ રહ્યો હતો અને આધુનિક કેમેરા વડે ત્યાં થતી વિધિનું રેકોર્ડિંગ થઇ રહ્યું હતું. નવરાત્રીના અંતિમ દિવસ અને દશેરાની સવારે કુંડળની અઘોર સાધના પૂર્ણ થવાની હતી.

સવારે સૂર્યોદય પહેલા મહાબલીયોગના સમયે એક મહાકાય પશુની બલી આપવા બધી તૈયારીઓ થઇ ચુકી હતી.

આ તાંત્રિકવિધિ પૂર્ણ કરવા જેનામાં દૈવિશક્તિયોગ અને દશચક્રયોગ હોય તેવી કુંવારી સ્ત્રીના રક્તની જરૂર હતી અને તેના માટે સુંદરા સંપૂર્ણ ઉચિત હતી.

ભડભડ બળતા યજ્ઞથી થોડે દૂર સુંદરાને બેસાડી… તે કુંડળને ક્રૂર દ્રષ્ટિથી તાકી રહી હતી….!!

થોડીવારમાં જ એક કાર ગુફાના દ્વાર સુધી આવી પહોંચી અને એક ઓળો તેમાંથી બહાર નીકળ્યો. તેની ચાલ પરથી ખોતર ચમક્યો, ‘ ચંડેશ્વર…..???’ ચંડેશ્વરના એક પગમાં ખોટ હતી એટલે તે સહેજ વાંકી ચાલ ચાલતો હતો.

‘તે પણ આ કુંડળની કુંડળીમાં ફસાઇ જવાનો છે….!’ શૈલી પણ હવે બધા પુરાવાઓની કડીઓ મળતી જતી હતી એટલે ખુશ હતી.

સુંદરા અને કુંડળ વચ્ચે તાંત્રિક વિધિમાં વપરાતી વસ્તુઓ મુકેલી હતી… કુંડળની બાજુમાં બે આસન ખાલી હતા… ચંડેશ્વર આવતા જ વિશ્વાસ તેની પાસે ગયો અને કુંડળની સાથે બેસવા આગ્રહ કર્યો. કુંડળે લોહી અને ઘી મિશ્રિત એક પાત્ર ચંડેશ્વરના હાથમાં મુક્યુ અને તેની આહુતી આપવા ઇશારો કર્યો….!

‘મહાકાલેય સ્વાહા….!!’ ની ભયંકર ગર્જના સાથે કુંડળે તેનો જમણો હાથ આગ તરફ કરતો ત્યારે ચંડેશ્વર હાથમાં લાંબા અસ્થિ કંકાલથી રક્ત આહુતિ આપવા લાગ્યો.

ત્રિકાલશક્તિસંમોહનના અંતિમ ચરણમાં સુંદરાના રક્તની આહુતી આપવાની હતી એટલે વિશ્વાસે સુંદરાથી દૂર બેસેલા બે અઘોરીઓને ઇશારો કર્યો.

એક અઘોરીએ સુંદરાના મસ્તકે કંકુતિલક કર્યુ. બીજો અઘોરી તેને સાંકળે બાંધવા નજીક આવ્યો. સુંદરા કુંડળ અને વિશ્વાસ પર ક્રૂર નજરે તાકી રહી હતી…!!!!

સુંદરાને બાંધવા પેલો અઘોરી નજીક આવ્યો ત્યારે ખોતર ઓળખી ગયો કે તે એ જ હતો જેનો સામનો પેલા સ્મશાન પાસે થયો હતો અને તેના કમંડળમાં માનવભ્રૂણ તેને દેખાયા હતા…. અને ત્યાંથી જ તો ડો. ખેરનું પગેરું મળ્યું હતું…!! ખોતરે પોતાના હાથે રહેલા નિશાનનો બદલો લેવા બન્ને મુઠ્ઠી જોરથી ભીંસી દીધી.

તે અઘોરી મહાકાય અને શક્તિશાળી હતો… તેને તેના હાથમાં રહેલું ત્રિશૂળ બાજુ પર મુક્યું અને સુંદરાને પાછળથી બન્ને બાહુમાંથી પકડી લીધી. સુંદરા તેની પક્કડ અને તેના કદાવર શરીર સામે સાવ નિર્બળ લાગતી હતી.

‘સર… એ લોકો સુંદરાની બલી આપી દેશે…. જલ્દી કરો…!!’ શૈલીએ ખોતરને ઇશારો કર્યો… અને ખોતરે ઝાડીઓની પાછળ છુપાયેલ સ્પેશ્યલ કમાન્ડર્સને ધીરે ધીરે આગળ વધવા આદેશ આપી દીધો અને પોતે પણ ગુફાની લગોલગ પહોંચી ગયો…

ગુફાના દ્વારે ચરસી અઘોરીઓને કાબૂમાં લેતા વાર ન લાગી અને ખોતર સાથે બે ચુનંદા કમાન્ડર્સ ગુફાની અંદર એક અંધારા ખૂણામાં લપાઇ ગયા. શૈલી પણ એક વ્યક્તિને સાથે રાખીને ધીરે ધીરે ગુફામાં દાખલ થઇ.

પેલો અઘોરી હવે સુંદરાને મજબૂત રીતે પકડીને મહાકાલીની મૂર્તિ પાસે ઉભા કરેલા એક સ્તંભ સાથે બાંધવા લાગ્યો….!!

અને ત્યાં જ સુંદરા એકાએક અટ્ટહાસ્ય કરવા લાગી….!!! તેના આ પ્રકારના વર્તનથી કુંડળ, ચંડેશ્વર અને વિશ્વાસ પહેલીવાર ડરી ગયા.

સુંદરાએ તેના બન્ને હાથે પેલા અઘોરીને જેમ તણખલું ઉંચકતી હોય તેમ ઉંચક્યો અને વચ્ચે બળતી ભડભડતી આગમાં ફેંક્યો….. ‘આ મારી પહેલી માનવબલિ…..!!’ સુંદરાના છુટ્ટા વાળ અને મહાકાલીની આગળ જ તેનું ભયંકર સ્વરુપ ભલભલાને થથરાવી દે તેવું હતું.

‘કૌન હૈ તુ ?’ કુંડળે તેને જોઇને પડકાર ફેંક્યો. તે સમજી ગયો હતો કે તે સુંદરા તો નથી જ….!!’

‘તેરા કાલ….!!! મોહિની….!!’ મોહિનીનું નામ સાંભળતા જ વિશ્વાસ અને ચંડેશ્વર પણ ઉભા થઇ ગયા.

ત્યાં સુંદરાને દબોચવા બે અઘોરી પાછળથી આવ્યા… પણ સુંદરાએ તે બન્ને પોતાની ચાલમાં સફળ થાય તે પહેલા જ ઉંચકીને ગુફાની અંદર એક મોટા કાળમીંઢ પથ્થ્થર પર ફેંક્યા અને તે બન્નેના માથા વધેરાઇ ગયા. ….!!

‘મોહિની ? તુમ કો તો…. ??’ વિશ્વાસે ધ્રુજતા સ્વરે કહ્યું.

‘તું ક્યા સમજતા હૈ જમાલ ? તુમ્હારી કાલી શક્તિ કા હી ઇસ દુનિયામે સામ્રાજ્ય હૈ…!!!’ વિશ્વાસને સુંદરાએ જમાલના નામથી બોલાવ્યો ત્યારે તેને આંચકો આવ્યો…!!

ખોતરને પણ શૈલીએ ભેગા કરેલા પુરાવા પર ગર્વ થયો… વિશ્વાસ એ ઉત્તરપ્રદેશનો એક ભાગેડુ તાંત્રિક જમાલ હતો…. તે કુંડળ માટે કુંવારી છોકરીઓને પ્રેમજાળમાં ફસાવીને લાવી આપતો હતો.

‘હા, નરાધમો…. તમારો પાશવી બળાત્કાર હું કેમ ભૂલી શકું ? અને મારા ગર્ભને તમે જ તો પીંખી નાખ્યો હતો… દવાખાનામાંથી મને ઉઠાવી ગયા હતા…. વાવની અંદર મને હોશ આવતા મેં મારા લોહીથી ચીઠ્ઠી લખીને મુકી હતી….પણ કોઇ સુધી તે પહોંચી નહોતી…. હું મારી ભૂલ બદલ મારા પપ્પાની માફી માંગવા માંગતી હતી અને મારી એ જ અધુરી ઇચ્છા મારા આત્માને ભટકાવી રહી હતી… . તે રાતે એક ગાંડો ત્યાં આવ્યો હતો… ત્યારે રેડિયો પર અધુરી ઇચ્છા પુરી કરવાનો કાર્યક્રમ ચાલતો હતો… મારો અવાજ તેના સુધી પહોંચ્યો અને સુંદરામાં દૈવિશક્તિયોગ છે એટલે હવે તેના હાથે જ તમારો નાશ છે…. અને તમારા પાપોનો અંત છે…. અને સુંદરાના શરીરમાં રહેલા મોહિનીના આત્માએ ત્યાં પડેલું ત્રિશૂળ હાથમાં લીધુ… તે સાક્ષાત નવદુર્ગા આદ્યશક્તિ સ્વરુપ મહિષાસૂર મર્દિની લાગી રહી હતી.

જમાલ ઉર્ફ વિશ્વાસ સુંદરાના આ સ્વરુપને જોઇને મુખ્ય દ્વાર તરફ ભાગ્યો અને ત્યાં જ ઉભેલા ખોતરે તેને દબોચ્યો…. ‘ જમાલ…. ક્યાં ભાગે છે ? હજુ તો પોલીસની ખાતિરદારી બાકી છે….!!’

ખોતર હજુ આગળ વિચારે ત્યાં જ કોઇ અદ્રશ્ય શક્તિએ જમાલને ઉંચકીને પેલી બળતી લાશ સાથે આગમાં તેને ફેંકી દીધો અને ઘી રક્ત મિશ્રિત પાત્ર તેના પર ઠલવાઇ ગયું…. અને તે ભડભડ સળગવા લાગ્યો… તેની ભયંકર ચીસો ગુફામાં પડઘાઇ રહી હતી. ગુફા બળતા માંસના ગંધથી ગંધાવા લાગી.

ચંડેશ્વર આ દ્રશ્ય જોઇ બેહોશ થઇને ઢળી પડ્યો.

કુંડળે એક મંત્ર સાધિત જળ હાથમાં લીધુ અને મોહિની પર ફેંકવા ગયો ત્યાં જ સુંદરાએ એકક્ષણે ત્યાં બલી માટે વપરાતા મોટા તીક્ષ્ણ હથિયારને તેના હાથ પર ફેંક્યુ અને કુંડળનો જમણો હાથ કપાઇને આગમાં પડ્યો…. ‘કુંડળ વેદનાથી બરાડી ઉઠ્યો….!!’

કુંડળની બધી શક્તિઓ હવે હણાઇ ચુકી હતી. મોહિનીએ ભારેખમ કુંડળને ઉંચકીને મહાકાલીના મૂર્તિ નીચે પછાડ્યો…!! પછી તે તેની છાતી પર પગ મુકીને દબાવ્યો…. ‘સ્ત્રીની લાશ પર બેસતો તું આજે એક સ્ત્રીના હાથે હણાઇશ… નરાધમ તારા જેવી કાળી શક્તિઓને હણવા મા જગદંબે સદાય શક્તિ સ્વરુપે જન્મ લેતી રહેશે….!! અને કુંડળ તેના પગ નીચે તરફડી રહ્યો હતો.

મોહિનીએ દૂર પડેલા ત્રિશૂળને હવામાં જ તેની તરફ ખેંચી લીધું અને ભયાનક ત્રાડ સાથે તેની છાતીની આરપાર પોરવી દીધું…. કુંડળ તીખી વેદાના સાથે તરફડીને શાંત થઇ ગયો અને તે ભયંકર અટ્ટહાસ્ય કરવા લાગી… સુંદરા હવે સંપૂર્ણ મોહિની બની ચુકી હતી.

‘બેટા, મોહિની……!!’ શૈલી સાથે આવેલ પેલા વ્યક્તિએ સુંદરા તરફ જોઇને કહ્યું.

‘પપ્પા….!!! અને થોડીવાર પહેલા જે ભયંકર અસુર શક્તિનું સ્વરુપ હતી તે સાધારણ બાળા બનીને તેમની તરફ દોડી, ‘મને માફ કરો…. મારી ભૂલની મને સજા મળી ગઇ છે….!!’ તે તેના પપ્પાને વળગીને રડી રહી હતી.

‘બેટા.. મને માફ કરી દે હું ગુસ્સામાં હતો તેથી તારી સાથે વાત પણ કરવા તૈયાર નહોતો….!!’ તેના પપ્પા પણ હવે પીગળી ગયા હતા.

થોડીવાર પછી મોહિની તેના પપ્પાથી દૂર થઇ અને મહાકાલીની મૂર્તિ પાસે ઉભી રહીને બોલી, ‘મારી અધુરી ઇચ્છા પુરી થઇ છે અને હું સુંદરાને છોડીને જાઉં છું…!’ અને પછી એક સુંદરાના શરીરમાંથી કોઇ અલૌકિક શક્તિ ખેંચાઇને ચાલી જતી હોય તેમ મોહિનીએ સુંદરાનો દેહ ત્યજી દીધો. સુંદરા થોડીવાર ધ્રુજી અને પછી ફસડાઇ પડી…!!’

—— —–

દશેરાની સાંજે સુંદરાએ આંખો ખોલી ત્યારે તે પોતાના ઘરે હતી… સામે તેના પપ્પા અને ખોતર હાજર હતા. તે ગઇરાતથી સાવ અજાણ જ હતી… ખોતરે બધી વિગત સમજાવી… ડો. ખેરે પોતાનો ગુનો કબુલી લીધો હતો અને ચંડેશ્વરના સામ્રાજ્ય પણ સચ્ચાઇનો પડદો ખુલી જતા તેની ચુંટણીની ટિકીટ આપોઆપ રદ થઇ ગઇ…! કુંડળની ગુફામાંથી પકડાયેલ મડદાં અને પશુબલીના બધા પુરાવાથી તે અઘોર તાંત્રિક પર ફિટકાર વરસવા લાગ્યો અને કોઇ મેલીવિદ્યાએ જ તેમનો સર્વનાશ કર્યો તેવી અફવાઓએ પણ જોર પકડ્યું…!

સુંદરાએ દશેરાની રાતે તેના કાર્યક્રમનો છેલ્લો એપિસોડ શરૂ કર્યો….. ‘અધુરા નોરતાં… અધુરા ઓરતાં…!!’

આ સમયે પેલા રખડેલ રેડિયાના નંબર પરથી જ કોલ આવ્યો….. ભય પમાડે તેવા અવાજે તે બોલી રહ્યો હતો, ‘ મારે દશેરાની રાતે બાર વાગ્યે વાવની અંદર જલેબી-ફાફડા ખાવા છે….!!!’

સમાપ્ત

લેખક: ડૉ. વિષ્ણુ પ્રજાપતિ
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

આ વર્ષની નવ ભાગની નવલકથાનો આપનો અભિપ્રાય અવશ્ય આપજો.

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૮

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૭

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૬

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૫

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–4

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૩

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ – ૨

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…!ભાગ–૧

Leave a Reply