Dr. Vishnu M. Prajapati

અંધારી રાતનો ગરબો…! ભાગ–૮

તે સુંદરતાનો મધપુડો જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ તેની પાછળ ભીની અને મીઠી સુવાસ છોડતો ગયો. તેની ચાલ વિશ્વાસથી ભરેલી હતી અને તે મદમસ્ત સુવાસ ખોતરના કેબિનની અંદર દાખલ થતા જ ખોતરના ચહેરા પર મુશ્કુરાહટ આવી ગઇ. તેને આવકારતા ખોતરે કહ્યું, ‘આવ શૈલી, હું તારી જ રાહ જોઇ રહ્યો હતો.’

‘મયંકને ગિરફ્તાર કરી લીધો એમ…! અને આ બેગ પણ આખરે પોલીસ સુધી પહોંચી ગઇ ખરી..!’ જાણે તે બધુ જાણતી હોય તે રીતે વર્તવા લાગી.

‘તારુ કામ કેટલે પહોંચ્યુ…?’ ખોતરે હવે શૈલીનો રીપોર્ટ માંગ્યો.

‘ઘણુંખરુ સત્ય તો તમારા સુધી પહોંચી ગયું જ છે, બે ગુનેગારોને કોઇએ સજા તો આપી જ દીધી છે… અને તેનાથી ફાયદો ફક્ત એક ભાસ્કરને જ થયો છે. જો કે બેગ અહીં આવી જશે તેની કોઇને કલ્પના પણ નહોતી એટલે તે રઘવાયો થયો છે. સમજી લો કે હવે તમે પણ તેના નિશાને આવી ગયા છો…’ શૈલી પણ રહસ્યમય રીતે વાત કરી રહી હતી.

ત્યાં જ ખોતરની ગરબાની રીંગ વાગી… તે કોઇ નવો નંબર હતો. કોલ રીસીવ કરતા જ સામે છેડેથી કોઇ ઝડપથી બોલી રહ્યો હતો, ‘ભાસ્કરને તે બેગ આપી દો… એ બેગ થોડીવારમાં જ તમને પરત મળી જશે… આ સોદામાં ફર્ક એટલો હશે કે તેમાં કાગળની જગ્યાએ બે હજારની નોટો ભરીને આવશે.’ કોઇ ખોતરને ખરીદવાની કોશીશ કરી રહ્યું હતુ અને ખોતરને તેની નફરત હતી.

‘કોણ બોલે છે તુ ?’ ખોતરે સામે ઉંચા અવાજે કહ્યું.

‘આદિત્યરાય જ સમજો… વાત શાંતીથી પતી જાય તેમ છે… નહિ તો…!’ સામેવાળો હવે ધમકી આપી રહ્યો હતો.

ખોતરે પણ કહી દીધુ, ‘તારા આદિત્યરાયને પણ કહી દે જે કે ખોતરને ધમકી આપતા પહેલા સો વાર વિચાર કરી લે. નહી તો રાજમહેલમાંથી અને રાજકારણમાંથી પણ ખોતરીને બહાર કાઢી મુકીશ.’ અને ખોતરે તરત જ ફોન મુકી દીધો.

સામે બેસેલી શૈલી ખોતરના ગુસ્સા પર હસવા લાગી અને બેગમાં પડેલું ઝાંઝર હાથમાં લઇ બોલી, ‘આ ઝાંઝર પકડીને કંઇ કરી નહી શકો… જરુર તો છે ઝાંઝર પહેરનારીને શોધવાની..!

‘એ ક્યા મળશે ?’ ખોતરે તરત પુછયુ.

‘ફક્ત રાતે જ મળતી, અંધકારમાં છુપાઇ જતી, મયંક સીવાય બીજાથી છેટે રહેતી તે મયંકને જાણી જોઇને આ ખૂની ચાલમાં ફસાવી રહી છે અને ભાસ્કરનો છેલ્લો કાંટો આ મયંક જ બચ્યો છે જે ભાસ્કરની બધી ગુનાખોરીની દુનીયા જાણતો હોય…! ચુંટણી આવી રહી છે એટલે આદિત્યરાય ધીરે ધીરે ભાસ્કરની છબી સુધારવા માંગે છે અને તે કોઇપણ ભોગે..!’ શૈલીની આ વાત પણ સાવ નાંખી દેવા જેવી તો નહોતી જ..

‘એટલે એમ પણ બને કે ગઇકાલે રાતે મયંકનુ કાસળ કાઢવા તે હવેલીમાં લઇ ગયા. ભાસ્કરનો પ્લાન મયંકને મારી નાખવનો હોય પણ બાજી સાવ પલટાઇ ગઇ…’ ખોતરે અનુમાન લગાવ્યું.

‘એ જુની હવેલીમાં તે રાતે ભાસ્કર પણ હાજર હતો…!’ શૈલીએ આ વાક્ય કહ્યું ત્યારે ખોતરના હોઠ અને બન્ને ભવાં ઉંચા થઇ ગયા.

‘એટલે જુની હવેલીની પણ તપાસ કરાવવી પડશે.’ ખોતરે તેની ડાયરીમાં કોઇ નોંધ ટપકાવી રહ્યા હતા ત્યારે જ શૈલીએ કહ્યું, ‘ બોસ, એ કામ પહેલા જ પુરુ થઇ ગયું છે.’

ખોતર શૈલીની કામ કરવાની પધ્ધતિથી ખુશ થઇ ગયો અને આગળ બોલવા ઇશારો કર્યો.

બોસનો ઇશારો થતા જ શૈલીએ ગંભીર સ્વરે વાત શરૂ કરી, ‘ તે જુની હવેલીમાં કેટલાય દાયકાઓ પહેલા એક ઝાંઝરવાળી રહેતી હતી. તેનું નામ હતુ મહાદેવી…!’

‘ઓહ્…. ઇન્ટરેસ્ટીંગ..!’ ખોતરને જુની પુરાની સ્ટોરી સાંભળવી ખૂબ ગમતી એટલે તે ખુશ થયો.

શૈલીએ વાત આગળ વધારી, ‘ભાસ્કરના એક પૂર્વજે એ ગણિકા અને રાજનર્તકી માટે તે હવેલી બનાવી હતી. તે રૂપવતી અને ગુણવાન હતી. તે રાજા તેને રાણી બનાવવા માંગતો હતો પણ પ્રજાએ વિરોધ કરતા તેને અલગ હવેલીમાં રાજનર્તકીનું પદ આપીને તેને રાણીની જેમ જ રાખી હતી. પેઢીઓ બદલાતી ગઇ અને પછી મહાદેવીની દરેક દિકરીઓને રાજ દરબારમાં નૃત્ય કરવું પડતું. તેના નૃત્ય સાથે રાજ ઘરાનાનો કોઇપણ વ્યક્તિ તેની સાથે મનફાવે તેમ વ્યવહાર કરી શકતો. તે રાજનર્તકીની એક દિકરીએ સદીઓ જુની પરંપરા તોડી અને પોતાની કુખે જન્મેલી દિકરીને વિદેશ મુકી પોતે મોતને હવાલે થઇ ગઇ. પછીથી તે હવેલીનો કારોબાર ત્યાં રહેતા મુનિમ અને તેમની પત્ની ધર્માવતીના હાથમાં આવી ગયો. ફક્ત આ બન્ને જ જાણતા હતા કે તે દિકરી અત્યારે ક્યાં છે? રાજ પરિવારથી તેને કાયમ દૂર રાખી હતી. આ ભાસ્કરે તેમની પાસેથી હવેલીની જમીન પડાવવા ખૂબ જ કાવાદાવા કર્યા અને છેવટે તેને સફળતા મળી. ગઇ નવરાત્રીથી મુનિમ અને ધર્માવતી બન્ને ભાસ્કરને હવેલી વેચીને વિદેશ ચાલ્યા ગયા છે તેવી વાત વહેતી થઇ ગઇ હતી પણ તેમનો પાસપોર્ટ સુધ્ધા પણ ક્યારેય નીકળ્યો નહોતો…. !’ શૈલીએ સદીઓ જુના ઇતિહાસથી લઇ છેલ્લી નવરાત્રી સુધીનો અહેવાલ આપતા ખોતર ખુશ થયો.

‘અહીંથી આગળની વાત તો મયંકે મને કહી છે, પણ આ હવેલી અને ખૂનને શું લાગેવળગે ?’ ક્યારનાયે ચૂપ બેઠેલા ખોતરે પુછ્યુ.

શૈલીએ કહ્યું, ‘યંગ કલ્ચરમાં રાજન પર હુમલો કરનાર કોઇ અજાણ્યો શખ્સ તેને રુપિયા પડાવવા બ્લેકમેલ કરવા લાગ્યો હતો. રાજનની રંગરલીયાની કેટલીક ફિલ્મો તેની પાસે હતી. ભાસ્કર પાસે રાજને ખૂબ પૈસા પડાવ્યા હતા અને તે બેગનો આખરી સોદો પણ તે રાતે જ રાજન કરવાનો હતો…!’ શૈલીએ તે બ્લેકમેઇલરનો ફોટો અને તે ફિલ્મ પણ ખોતરને પોતાના મોબાઇલમાં બતાવી.

‘એટલે બહાર દોસ્તી અને અંદર દુશમની વધી ગઇ હતી એમ જ ને ?’ ખોતરે સ્પષ્ટતા કરતા કહ્યું.

‘હા, કારણ કે આ જમીનોમાં રાજન કરતા ભાસ્કર અને જહોનને વધુ પૈસા મળી રહ્યા હતા એટલે તે વધુ આકરો બન્યો હતો. તે બન્નેના ખોટા દસ્તાવેજો રાજન જ સાચવીને રાખતો હતો.’ શૈલીએ ખૂબ ઝીણી ઝીણી તપાસ કરી હતી.

‘તો પેલી વિદેશમાં ગયેલી મહાદેવીની છેલ્લી વંશજ રાજનર્તકીની કોઇ તપાસ..?’ ખોતરે છેલ્લી કડી વિશે પુછ્યું.

શૈલી જાણે ઘણું જાણી લાવી હોય તેમ બોલી, ‘મેં તે વિદેશમાં રહેતી તેની દિકરીને શોધવા પ્રયત્ન કર્યો.. તે પણ ગયા નવરાત્રમાં અહીં આવી હતી.. અને તે પણ લાપત્તા થઇ ગઇ હતી. પોલીસમાં તેની નોંધ પણ સુધ્ધા નથી કરવામાં આવી.’ શૈલીએ આ વાત કરી તો ખોતર પોતાનું માથુ ખંજવાળવા લાગ્યો અને બોલ્યો, ‘તેનું નામ શું છે?’

શૈલીએ તે નામ ફક્ત ચીઠ્ઠીમાં લખીને ખોતરની આગળ ધર્યુ તો ખોતર પોતાની ખુરશીમાંથી ઉભો થઇ ગયો… ‘ઓહ.. માય ગોડ…!’ ખોતર થોડીવાર મૂર્તિ બનીને તે નામ સામે જોતો જ રહ્યો.

થોડીવાર પછી તે બોલ્યો, ‘એટલે કે આ રાજનર્તકીને શોધવી, મયંકની અજબ ગજબની પ્રેમિકાને શોધવી અને ભાસ્કરની છેલ્લા એક વર્ષની બધી કુંડળી શોધીએ એટલે બધુ મળી જાય.’

શૈલીએ પણ હકાર ભણતા કહ્યું, ‘હા… એટલું જ કામ બાકી છે.. ભાસ્કરનું કામ હું પુરુ કરી દઇશ.. રાજનર્તકીની પુત્રીનું પગેરુ પોલીસ શોધી શકે છે અને મયંકને છોડી દો તો તે અજબ ગજબની પ્રેમિકા તો સામે ચાલીને જાળમાં ફસાઇ જ જશે.’ ખોતરે શૈલીને સાથે રાખીને અનેક કેસ સોલ્વ કર્યા હતા અને આજે પણ તેની મદદથી નવી કડીઓ ઉમેરાઇ હતી.

‘તુ અત્યારે જ તારા કામે વળગી જા.. હું મયંકને છોડી મુકુ છું.’ એટલું કહી મયંકને લોકઅપમાંથી બહાર કાઢ્યો.

મયંક પોતાને થોડી જ મિનિટોમાં જેલની બહાર જોઇ ખુશ થયો અને ખોતરની સામે બેઠેલી યુવતીને કેટલીયેવાર સુધી જોઇ રહ્યો અને પછી બોલ્યો, ‘શું ખૂની મળી ગયો ?’

‘ના, પણ તારી મદદની અમારે જરુર છે.’ ખોતરે મયંક પાસે મદદ માંગી.

‘દિશાર્થીનો જહોન અને રાજનના મોત સાથે સબંધ તો છે જ… હવે અમારે તેનો અને ભાસ્કરનો કોઇ સબંધ પુરવાર કરી દઇએ તો રાજન અને જહોનના મોત પાછળ ભાસ્કર રહેલો છે તે સાબિત થઇ શકે. દિશાર્થી જ હવે આ કેસમાં એક જોડતી કડી છે.’ ખોતરે ખૂબ સમજી વિચારીને તેના શબ્દો બોલી રહ્યો હતો.

‘હા, તો આજે રાત્રે જ હું તમને મેળવી દઇશ.’ મયંકે પ્રોમિસ આપ્યું.

ત્યાં જ યંગ કલ્ચર ગ્રુપના આયોજકો કેબિનમાં આવ્યા અને ખોતરને જોઇને કહ્યું, ‘સર નવરરાત્રીના છેલ્લા નોરતાની મહાઆરતીમાં તમે મહેમાન તરીકે આવો તેવુ અમારું આમંત્રણ છે.’

ખોતરને પણ નવરાત્રીનો શોખ હતો પણ આ હરણીયા તળાવની મર્ડર મિસ્ટ્રીમાં તે ગરબે ઘુમવાનું જ ભૂલી ગયો હતો. તેને સહર્ષ આમંત્રણ સ્વીકાર્યુ અને આવવાનું પ્રોમીસ આપ્યું. જો કે જતા જતા તેમને હસતા હસતા કહ્યું, ‘સર નાઇટડ્રેસમાં નહી પ્લીઝ…!’ અને બધા હસી પડ્યા.

મયંકે પણ એટલું કહ્યું, ‘સર જો મને આ ખાલી બેગ પણ મળી જાય તો ભાસ્કર પાસેથી કોઇક રહસ્ય તો હું જ મેળવી આપીશ.’

ખોતરે શૈલી તરફ જોયુ અને શૈલીએ પણ મંજૂરી આપતા ખોતરે તે બેગ ખાલી કરી અને અંદર તેવી જ જુની નકામી ફાઇલો મુકી અને ઉપર પેલી ચણિયાચોળી પણ મુકી આપી અને કહ્યું. ‘ઝાંઝર મારી પાસે રહેશે અને આ તારી પાસે..!’

મયંક ખોતરનો ઇશારો સમજી ગયો હતો. તેને બેગ હાથમાં લીધી અને બહાર નીકળી ગયો.

પોલીસ સ્ટેશનની બહાર જ એક શખ્સે મયંકને જોઇ તરત ફોન કર્યો, ‘બોસ, મયંક તે બેગ લઇને બહાર આવી ગયો છે…!’

કેબિનમાં બેઠેલી શૈલીએ પણ ખોતરને કહ્યું, ‘સર તમે આ આરતીમાં ટ્રેડીશનલ ડ્રેસ પહેરીને જજો… કોઇ રાધા રાહ જોઇને ઉભી જ હશે…!’ ખોતરે હજુ લગ્ન નહોતા કર્યા એટલે શૈલી પણ ક્યારેક ખોતરના અંગત જીવનમાં રસ લઇ લેતી હતી.

જો કે ખોતરના ચહેરા પર તો હવે આવનારી દરેક રાતોની ભયાનકતાની રેખાઓ જ ઉપસી રહી હતી.
મયંક પણ જાણે અન્ડરગ્રાઉન્ડ બની ગયો હોય તેમ ભાસ્કરથી દૂર રહીને કોઇ તકની રાહ જોઇ રહ્યો હતો. છઠ્ઠુ અને સાતમા નોરતાની રાત દિશાર્થીના ઇંતજારમાં દૂર ખૂણે બેસીને વિતાવી પણ તે દેખાઇ જ નહી. દિશાર્થીને શું થયું હશે ? મારી ઝાંઝરની વાતથી તેને શક થઇ ગયો હશે? કે પછી ભાસ્કરે તેને પણ…!! મયંકના દિમાગમાં અનેક વિચાર વમળો બની રહ્યા હતા.

ખોતર પર ડીઆઇજીનું અને રાજકીય દબાણ વધી રહ્યું હતુ. ન્યુઝ મિડિયામાં ઘણી વાતો જેમ તેમ છપાઇ કે બોલાઇ રહી હતી જો કે ખોતર તો ક્યારેય તેની નોંધ સુધ્ધાં લેતો નહોતો. ભાસ્કર પણ સાવ ચૂપ બનીને બેઠો હતો. કોઇ જાણતુ નહોતું કે તે મોતના મહાતાંડવ પહેલાનો શૂનકાર હતો…!

આઠમની આરતી પુરી થઇ… આદ્ય શક્તિ અંબે મા નો જયકાર થયો ત્યાં જ મયંકને તે તળાવના અંદરના અંધકારમાં એક પડછાયો દેખાયો… તે પડછાયો તેને પોતાની તરફ ખેંચી રહ્યો હતો… હા, તે દિશાર્થી જ હતી…! તેની કાળી ચણિયાચોળીના પહેરેલા આભલામાંથી ક્યારેક પ્રકાશના પ્રતિબિંબ દેખાઇ રહ્યા હતા..

‘મયંક…તું આવને હું ક્યારનીયે તારી રાહ જોઇને ઉભી છું… તું મારી સાથે ગરબે રમવા આવીશને…? તેના મદહોશ કરી દેતા અવાજમાં ગજબનું આકર્ષણ હતું. મયંક સુધબુધ ખોઇને તે તળાવના કિનારે પેલી ઝરુખાવાળી હવેલી તરફ ખેચાઇ રહ્યો હતો.

આ સમયે હરણીયા તળાવના સામેના છેડે રહેલી જુની હવેલીમાં ભાસ્કર નિશ્ચિંતપણે આવતીકાલે આ હવેલી તોડી પાડવાનો પ્લાન તેના એન્જીનિયર સાથે સમજી રહ્યો હતો….!

ક્રમશ: …….

લેખક : ડૉ. વિષ્ણુ પ્રજાપતિ

અંધારી રાતનો ગરબો…! ભાગ–૭                                                                                        અંધારી રાતનો ગરબો…! ભાગ–૯ (અંતિમ ભાગ)

Leave a Reply