સુંદરાએ આંખ ખોલી ત્યારે સવારના દસ વાગ્યા હતા. તેના પપ્પા સુંદરા પાસે આવ્યા તો ભેટીને રડી પડી…. ‘પપ્પા…. પપ્પા…..!’
‘કેમ શું થયું સુંદરા…? ચલ, જલ્દી ફ્રેશ થઇ જા…. દસ વાગી ગયા આજે દુર્ગાષ્ટમીની પૂજા કરવાની છે… બહુ મોડુ થયું છે…. હું સવારે બે ત્રણ વાર તને ઉઠાડી ગયો પણ તું ઉઠી જ નહી….!! વિશ્વાસ હમણાં જ આવે છે તેના કેટલા બધા કૉલ આવ્યા છે…??’
વિશ્વાસનું નામ સાંભળતા જ સુંદરની આંખો ચકળવિકળ થવા લાગી… ‘પપ્પા તમે પૂજા કરી લો…!’ સુંદરાનો અવાજ એકાએક ઘેરો થઇ ગયો. નવરાત્રીમાં સુંદરા પૂજા કરવાની અનિચ્છા દર્શાવે તે તેના પપ્પાને થોડું વિચિત્ર લાગ્યું.
‘પપ્પા વિશ્વાસ તમને પસંદ છે ?’ આજે સુંદરાનું બિહેવીયર અલગ હતું.
‘બેટા, મારી પસંદ નાપસંદનો હવે કોઇ મતલબ નથી પણ તે પૂછ્યું એટલે કહું છું કે મને પસંદ નથી પણ તારી ખુશીથી વધારે અમારે બીજું શું જોઇએ ?’ સુંદરાના પપ્પા ભારે પગલે બહાર ગયા.
સુંદરાને માથું ભારે લાગી રહ્યું હતું…. તે અહીં કેવી રીતે આવી….? ગઇ રાત્રે વાવમાં શું થયું હતું ? સુંદરાએ યાદ કરવા પ્રયત્ન કર્યો…. તે કાળી ઢીંગલી તેના બંધન મુક્ત કરવાનું કહી રહી હતી અને તેને તેના બંધનો તોડી નાખ્યા હતા….!! તેને ચીસ પાડી હતી અને એ પછી શું થયું તે બિલકુલ યાદ નથી….!
ત્યારે જ વિશ્વાસ એકાએક બેડરૂમમાં દાખલ થયો. સુંદરા આંખો બંધ કરીને સુતી હતી એટલે રૂમ અંદરથી બંધ કરી સુંદરાને પ્રગાઢ આલિંગનમાં લેવા તેના બેડ પર વાંકો વળ્યો…. ‘સુંદરા, માય ડાર્લિંગ….!!’
ત્યાં જ સુંદરાએ એકાએક તેના ભયાનક ડોળાં કાઢ્યાં….અને ડાબા હાથથી જ વિશ્વાસને હવામાં અધ્ધર લટકાવી દીધો. સુંદરાના હાથમાં જાણે કોઇ અનેકગણી શક્તિ આવી હોય તેમ વિશ્વાસને ઉંચકી લીધો હતો…. તે ગુસ્સાથી બરાડી, ‘તુ દૂર રહે મારાથી….!!’ બેડરૂમમાં એક ભયાનક દ્રશ્ય ખડું થઇ ગયું… સુંદરાનો અવાજ સાવ બદલાઇ ગયો હતો….
ત્યાં જ વિશ્વાસે ભયથી બૂમ મારી…. ‘સુંદરા….!!’
અને ત્યાં જ સુંદરાએ વિશ્વાસને બેડ પર ફેંક્યો અને ધ્રુજવા લાગી…! ‘મને શું થાય છે ? મેં હમણાં શું કર્યુ ?’ સુંદરાનો મૂળ અવાજ ફરી સંભળાયો…. તે ડરીને વિશ્વાસને વળગી પડી.
વિશ્વાસ વિચારી રહ્યો હતો કે શું આ કુંડળની કોઇ વિધિની અસરો છે….???’
‘મને શું થયું હતું ?’ સુંદરા હજુ પણ શૉકમાં હતી.
‘એક કામ કર આજે જ મારો મિત્ર કુંડળ જે દુર્ગાષ્ટમીની વિશેષ પૂજા કરે છે ત્યાં જઇએ એટલે તને સારુ લાગશે.’ વિશ્વાસે સુંદરાને કુંડળ પાસે લઇ જવાની એક તક દેખાઇ અને સુંદરા સહેજપણ આનાકાની વિના સાથે આવવા તૈયાર થઇ ગઇ.
—————–
ચુંટણીના પડઘમ વાગી રહ્યા હતા. વિપક્ષના નેતા ચંડેશ્વર સામ, દામ, દંડ અને ભેદની બધી રીતો અખત્યાર કરી ચૂક્યો હતો… પ્રજા ધીરે ધીરે તેની તરફ સંમોહિત થઇને આ વર્ષે પંદરેક વર્ષથી જીતતા આવતા મંત્રીને હરાવવા એકત્ર થઇ રહી હતી. તે જંગી સભાઓ અને આયોજનો કરી રહ્યો હતો… તે પોતાના નેટવર્કને મજબૂત કરીને સામેના પક્ષની એકએક નાની નાની ભૂલો કાઢીને તેના પર હાવી થઇ રહ્યો હતો… અને મંત્રી મહોદયની છાવણીમાં તેની અસરો થવા લાગી હતી..
મંત્રી મહોદય પાસે સમાચાર આવી રહ્યા હતા કે, ‘આ વખતે સટ્ટાબજાર, બુકીઓ અને મિડિયા એક્ઝિટ પૉલ પણ તેની તરફેણમાં છે…!!’
‘તે વોટર્સને ખરીદી રહ્યો છે…!’
‘એવું સંભળાય છે કે તે કોઇ તાંત્રિક વિદ્યા કરાવીને બધા પર વશીકરણ કરી રહ્યો છે…!’
‘આપણે કોરોના કોરોના કરીને બેસી રહીશું અને તે મેદાન મારી જશે…!’ બધા પોતપોતાનો બળાપો કાઢી રહ્યા હતા.
મંત્રી મહોદયે બધાનું સાંભળ્યા પછી ડીઆઇજીને ફોન કરી ચંડેશ્વર અને તેની આ કોરોનાકાળમાં બેરોક્ટોક ચાલતી રેલીઓ અને સભાઓ વિશે તાકીદ કરી અને ઓર્ડર્સ આપ્યા…. અને બીજુ ધ્યાન દોર્યુ કે શહેરમાં હમણાં હમણાં મેલીવિદ્યાઓ વધી રહી છે તેનું શું છે? મને બે દિવસમાં રીપોર્ટ કરો.
——–
વિશ્વાસની કાર સુંદરાને લઈ ડુંગરોના ઢોળાવોમાં આગળ વધી રહ્યો હતો. સુંદરા ચૂપચાપ બેઠી હતી. વિશ્વાસને હતુ કે સુંદરાને પૂજા માટે મનાવવા મહેનત કરવી પડશે પણ તે સામેથી તૈયાર થઇ ગઇ હતી.
તે વિચારી રહ્યો હતો કે સુંદરામાં પેલી ભયાનક શક્તિ શું કુંડળે જાગૃત કરી હશે અને છેલ્લા કેટલાક સમયથી તે જે ત્રિકાલશક્તિસંમોહનનો પ્રયોગ સુંદરા પર તો નથી કરી રહ્યો ને ? વિશ્વાસ જાણતો હતો કે ધીરે ધીરે કુંડળ તેની મેલીવિદ્યાનો વ્યાપ અનેકગણો વધારી રહ્યો હતો.
———-
આ સમયે ખોતર તેની કેબિનમાં આમતેમ આંટા મારી રહ્યા હતા. હાથ પરના ઘાવ રુઝાઇ ગયા હતા હવે ફક્ત નાની પટ્ટી બચી હતી. ટાંકા હતા પણ દર્દ નહોતું. સવારે જ ડીઆઇજીનો ફોન આવતા ચક્રો વધુ તેજ કરી દીધા હતા. ખોતરને લાગી રહ્યું હતું કે કેસની ઘણી ગુંચો ધીરે ધીરે ઉકેલાઇ રહી છે. ડૉ. ખેરને અચાનક જ કૉન્ફરન્સમાં જવાનું થયું છે તેવા કૉલ કરાવી તેમને ભૂગર્ભમાં છૂપાવી દીધા હતા..
ત્યાં જ ખડિંગ ખડિંગ ખડિંગ કરતો એક અવાજ ખોતરની કેબિનની તરફ આવી રહ્યો હતો… તેના એક જ હડસેલે ખોતરની કેબિનનો દરવાજો ખૂલી ગયો….!
ખોતર સાવધ બની ગયો બીજી મિનિટે જ ખોતરે તેની પિસ્તોલ સામે ધરી દીધી…!!
‘જય મહાકાલ….! કહીને તેને બન્ને હાથથી ત્રિશૂળ આગળ કર્યુ.
ખોતરની નજર સ્થિર થઇ. તે કોઇ અઘોરીબાવો નહી પણ અઘોરી સાધ્વી હતી…. તાંત્રિક વિદ્યામાં કોઇ સ્ત્રી પણ હોય છે તે ખોતરને પહેલીવાર ખબર પડી….
‘બચ્ચા…. મહાકાલ સે ડર…. ઔર તેરી બંદૂક હટા… વરના મૈં તુઝે ભસ્મ કર દૂંગી….!!’ મોં પર ચોળેલી ભભૂત, લાંબી જટા અને ગળામાં કેટલીયે ભાતભાતની માળાઓ તેને પહેરી હતી. ખોતરને લાગ્યું કે તે કોઇ બહુરુપી હશે એટલે પિસ્તોલ નીચે કરી.
‘બચ્ચા… તેરી કુંડલીમેં અપ્સરા હૈ મગર ઉસે તુ ઠુકરાતા હૈ, મહાકાલી તુઝ પે કોપાયમાન હૈ…!’ ખોતર સમજી ગયો એટલે નજીક જઇને નકલી વાળ ખેંચી કાઢ્યા… ‘શૈલી…???’
શૈલી ઉભી થઇ અને બોલી, ‘સર… બાવા-બાવી બનને કા વક્ત આ ગયા હૈ….!! ઔર એ લો સારે સબૂત…!’ ખોતર સમજી ગયો હતો કે શૈલીના દરેક પાત્ર ભજવવા પાછળ કોઇ રહસ્ય હોય જ છે.
ખોતરે બધુ ચકાસ્યુ અને કહ્યું, ‘હું પણ જોવું કે હવે આ કુંડળને કોણ બચાવે છે ?
ત્યાં જ કનુ કોઇને લઇને કેબિનમાં દાખલ થયો…. અને ખોતરના ટેબલની સામેની ખુરશી પર બેસાડ્યો.
ખોતરે તેને જોઇને કટાક્ષમાં કહ્યું, ‘બેસો મહાશય…. તમે તો ભારે છુપા રુસ્તમ નીકળ્યાં….?’
‘મને અહીં કેમ લાવ્યા છો ?’ તે હજુ સદમામાં હતો. પોલીસ સ્ટેશનમાં તેને કેમ લાવવામાં આવ્યો તેનાથી તે અજાણ હોય તેવો ડોળ કરી રહ્યો હતો.
‘મોહિની વિશે તું જણાવીશ કે હું જણાવું….? ડૉ. ખેર અને મોહિની અને તારી સહી…. મારી પાસે પુરાવા છે.’ ખોતરે ટેબલ પર પડેલો દંડો હાથમાં લીધો….અને પેલાના ચહેરાની લકીરો બદલાવા લાગી.
તે પોપટની જેમ બોલવા લાગ્યો, ‘મોહિની મારી કોલેજની ફ્રેન્ડ હતી… તે કોઇના પ્રેમમાં ભાગીને આ શહેરમાં થોડા દિવસ પહેલા જ આવી હતી…. એને મને નહોતું જણાવ્યું કે તે કોણ હતો પણ તે લવ મેરેજ કરવાના હતા…. તેના પપ્પા તેમના લગ્નના વિરુધ્ધમાં હતા… એક દિવસ તેનો ફોન આવ્યો કે તેના પ્રેમીએ દગો કર્યો છે અને તે પ્રેગનન્ટ છે… હવે તેની પાસે કોઇ રસ્તો નથી બચ્યો…. એટલે ગર્ભપાત કરાવવા તારે સાથે આવવું પડશે…
હું તેને લઇને ડો. ખેરને ત્યાં ગયો અને ત્યાં તેનું ડેથ થઇ ગયું. ડો. ખેરે તેની લાશ પણ ન આપી….!! હું વધારે તપાસ કરવા ગયો તો મને ધમકીઓ મળવા લાગી. ડો. ખેરને મળ્યો તો કોરોના ડેથમાં ખપાવી દીધું અને લાશ નહી મળે તેમ કહ્યું….! જો વધારે ઉલટતપાસ થશે તો મારી સહી તેમને બતાવી અને જેલના સળીયા પાછળ ધકેલાઇ જશે એમ કહ્યું….!! મોહિની તેના પરિવારની મરજી વિરુધ્ધ ભાગી હતી એટલે તેને સંભાળનાર કોઇ નહોતું…..મોહિની છેલ્લા શ્વાસ સુધી તેના પપ્પાને યાદ કરતી રહી અને તેને પોતાની ભૂલ બદલ માફી માંગવી હતી… પણ તેના પપ્પા વાત કરવા તૈયાર નહોતા…!! તે રાતે મોહિનીની લોહીથી લખેલી ચીઠ્ઠી સુંદરા પાસે જોઇ ત્યારે હું ગભરાઇ ગયો હતો તેમાં લખેલો નંબર તેના પપ્પાનો જ હતો એટલે મને શક ગયો કે મોહિની જીવે છે… પણ મને કોઇ જાણકારી મળી જ નહી…! મોહિનીનું નામ સાંભળતા હું તે રાતે સુંદરાની પાછળ પાછળ ગયો હતો… પણ તે ચીઠ્ઠી સુંદરાએ અગાઉ લઇ લીધી હતી…. મોહિની ક્યાંક જીવે છે અને તેના પ્રેમીની તલાશમાં જ હશે… તે તેને થયેલ દગાનો અવશ્ય બદલો લેશે….!!’ પેલાના શબ્દોમાં સચ્ચાઇ દેખાઇ રહી હતી.
શૈલી તેની પાસે આવી અને બોલી, ‘નિખિલ…. અમને મોહિની જીવે છે તો ક્યાં છે એનો કોઇ સુરાગ મળ્યો નથી… અને તે ચીઠ્ઠી કોને લખી ? કેમ લખી? એની તલાશ છે… આજે દુર્ગાષ્ટમી છે, આદ્યશક્તિ મોહિનીની રક્ષા કરે…..!!’
ત્યાં જ નિખિલને સુંદરાનો કૉલ આવ્યો, ‘આજે રાત્રે તેનો લાઇવ પ્રોગ્રામ નહી કરી શકે…. હું કુંડળ પાસે મહાપૂજા માટે જાઉં છું…તું સંભાળી લેજે…!’
અને રાત્રે જ્યારે નિખિલનો કાર્યક્રમ શરૂ થયો ત્યારે ખોતર અને શૈલી અઘોરીના વેશે વાવના પગથિયા ઉતરી રહ્યા હતા.
ત્રિશૂળના ખડિંગ ખડિંગ અવાજો દિવાલો સાથે અથડાઇને વધુ ભયંકર બની રહ્યા હતા…!!
ક્રમશ : …….
લેખક: ડૉ. વિષ્ણુ પ્રજાપતિ
અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૭ અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૯ (અંતિમ ભાગ)
Categories: Dr. Vishnu M. Prajapati