Dr. Vishnu M. Prajapati

અંધારી રાતનો ગરબો…! ભાગ–૭

મયંકને રાત્રે ઉંઘ નહોતી આવતી. દિશાર્થીનો સુંદર ચહેરો તેની સામે વારંવાર આવી રહ્યો હતો. સાવ લગોલગ આવીને ઝુંટવી લીધેલો પ્રેમરસ પણ તેને યાદોમાં મધુરો લાગી રહ્યો હતો.

મયંકે એકાએક ઉભો થઇને પેલુ ઝાંઝર હાથમાં લીધુ અને તેનો રણકાર સાંભળી જોયો. આ એ જ અવાજ જે દિશાર્થીના ઝાંઝરનો હતો અને તે તેને પહેરેલ ઝાંઝરની જોડ હોય તેવું જ લાગી રહ્યું હતું.. શું તે યોગાનુયોગ હશે કે કોઇ રહસ્ય…? દિશાર્થી મને ચાહી રહી છે કે કોઇ સ્વાર્થ માટે નચાવી રહી છે ? આજદિન સુધી તેને કોઇ પરીચય પણ નથી આપ્યો અને હું આંધળો બનીને તેની તરફ ખેંચાઇ રહ્યો છું…! શું તે કોઇ રહસ્ય બનીને મારી જિંદગીમાં આવી છે કે મને ફસાવી રહી છે…? મયંકને પોતે કોઇ ભેદી જાળમાં ફસાઇ રહ્યો હોય તેવો અહેસાસ થવા લાગ્યો.

રાજનના મોત પછી જહોન અને ભાસ્કર સાથે તેની દુશ્મનાવટ વધી ગઇ હતી. આજે જહોને મારી સાથે જે પ્રકારે મારામારી કરી હતી તેનાથી હવે ભાસ્કર ગમે ત્યારે તેની પર હુમલો કરાવશે તે નક્કી હતુ. રાજન તે રાતે નક્કી આ બેગ લઇને ત્યાં ગયો હશે અને કોઇ કારણોસર તેનું મોત થયું. તેના મોત પછી બીજી રાતે તે બેગને લેવા બે માણસો ત્યાં ગયા હતા. અચાનક તે બન્ને ક્યાં ગુમ થઇ ગયા તે પણ એક રહસ્ય જ છે…! શું દિશાર્થી ભાસ્કર સાથે મળીને આ મોતનો ખેલ તો નથી ખેલી રહીને…? આ વિચાર આવતા જ મયંકને કમકમાટી આવી ગઇ.

મયંકની આંખોમાંથી ઉંઘ ચાલી ગઇ એટલે તેને પેલી બેગ ખોલી. તે બેગમાં જમીનોના દસ્તાવેજો હતા. બધા દસ્તાવેજો વારાફરતી જોતા ખ્યાલ આવ્યો કે આ બધા હરણીયા તળાવની પશ્ચિમની જમીનોના છે. તેમાં એક દસ્તાવેજ પેલી જુની હવેલીનો હતો અને તેમા સહી થયેલી જોતા મયંકની મુઠ્ઠી જોરથી ભીંસાઇ ગઇ. ‘જહોન… આખરે તે તારુ ધાર્યુ જ કર્યુ હતુ એમ જ ને…!’

મયંકને કશાક અમંગળના એંધાણ વર્તાઇ રહ્યા હતા. જો કે રાત વધુ થઇ ગઇ હતી, તેની આંખો પણ ઘેરાવા લાગી એટલે તેને દિશાર્થીની જુની ચણિયાચોળી અને ઝાંઝર તે બેગમાં મુકી દીધા. આંખો બંધ થતા જ આંખોની પાંપણ નીચે પ્રેમ અને ઘુંટાતા રહસ્યોને લઇને દિશાર્થી સ્વપ્નમાં આવી પહોંચી…

રાત્રે ખોતરે કેટલાક તરવૈયાઓને બોલાવી તળાવના પશ્ચિમ ભાગને ફેંદાવી દીધો પણ કોઇ હાથ આવ્યું નહોતું.. ખોતરને પોતે નજરોનજર જોયેલુ એ દ્રશ્ય હજુ જાણે સામે જ તરવરતુ હતુ…! કોઇ તો હતુ જ કે તળાવમાં ગરકાવ થઇ ગયું પણ ગયા વર્ષે જ તળાવને વધુ ઊંડુ કર્યુ હોવાથી અને અંધકારને કારણે બધા તરવૈયાઓને કોઇ પરીણામ મળ્યું નહી અને તે સૌ થાકીને ચાલ્યા ગયા…

તે ગયા ત્યાં સુધી હવેલીમાંથી બે તગતગતી લાલ આંખો ખોતર અને તે લોકોની હિલચાલ પર નજર રાખી રહી હતી…!!

આ નવરાત્રી ખોતર માટે હરામ થઇ ગઇ હતી… રાજનનું મોત… મયંક અને જહોનની નજરે જોયેલી ઝપાઝપી… રાતે અચાનક જ ખેંચાઇને પાણીમાં ડુબી ગયેલી એ દેહાકૃતિ… આ બધુ વાતાફરતી તેની સામે તરવરી રહ્યું હતુ…!

સવારે આઠ વાગ્યા છતાં ઉજાગરાને કારણે ખોતર ઉઠી શક્યો નહોતો પણ મોબાઇલની રીંગ વાગતા જ તેની આંખ ખુલી,

‘રીસાણી છે જાનુ મારી બોલતી નથી,
બોલવાની ચ્યમ તમે બાધા લીધી..
બેબીને બોનવીટા પીવડાવો
બેબી મુડમાં નથી….!’’
નો નવા ગરબાનો રીંગટોન વાગી રહ્યો હતો.

કોલ રીસીવ કરતા જ સામેથી ખૂબ જ ઉતાવળમાં હોય તેમ અવાજ આવ્યો,’ સાહેબ… સાહેબ… હરણીયા તળાવમાં ત્રણ લાશો તરી રહી છે… તમે જલ્દી આવો…!!’

‘હેં… ત્રણ લાશો…?’ ખોતરની આંખો પહોળી થઇ ગઇ અને નાઇટડ્રેસમાં જ તળાવ તરફ જીપ ભગાવી મુકી.

સવાર સવારમાં જ હરણીયા તળાવ પાસે ભીડ વધી ગઇ હતી. ભીડની વચ્ચેથી જગ્યા કરતા કરતા ખોતર છેક કાંઠે પહોંચી ગયા. તરવૈયાઓ સાચવીને ખૂબ દુર્ગંધ મારતી બે લાશો બહાર કાઢી ચુક્યા હતા અને તેને પ્લાસ્ટિકની કોથળીમાં બરાબર બંધ કરી દીધી હતી.

‘સાહેબ, આ બન્ને લાશો ભાસ્કરની હવેલીની પાછળ જ હતી અને પેલી લાશ ત્યાં પેલા છેડે છે.’ પેલા હવાલદારે તેનો રીપોર્ટ આપતા કહ્યું.

ગઇકાલ રાતે જે દ્રશ્ય જોયું હતુ તે સાચુ હતુ તે ખોતરને સમજાઇ ગયું અને થોડીવારમાં જ તે લાશ પણ કાંઠે આવી ગઇ… તેનો ચહેરો જોતા જ ખોતર અને બધાની આંખો ફાટી ગઇ..’ આ તો જહોન….!!’

ઘણાંએ તો તેનો ફોટો ક્લિક કરી વ્હોટસએપ પર ફરતો પણ કરી દીધો. જો કે પોલીસે પછી તો તે બધાને દૂર કરી દીધા. ખોતર જહોનની લાશની લગોલગ બેસીને જોઇ લીધું કે જહોનની છાતી પણ દબાયેલી જ હતી…. જાણે કોઇ વજનદાર વસ્તુ તેની છાતી પર મુકવામાં આવી હોય અને ડુબાડી દેવામાં આવ્યો હોય…! જો કે તેના મોં સિવાય બીજે ઇજાનું એકપણ ચિહ્ન નહોતું.

‘મયંકને પકડીને પોલીસ સ્ટેશને લઇ આવો… ! તેના ઘરની તલાશી પણ લેજો અને જો કોઇ આનાકાની કરે તો પોલીસની રીત દેખાડી દેજો…!’ ખોતરે હવે નક્કર કામ કરવા માટેના હુકમ આપ્યા.

પછી ખોતરે કોઇને કોલ કરીને કહ્યું, ‘મેં તને જે તપાસ સોંપી હતી તેનો મને એક કલાક પછી રીપોર્ટ કર…!’ અને ખોતરે ફોન કટ કરી દીધો ત્યાં જ સવાર સવારની ખુશનુમા વાતાવરણની એક ઠંડી લહેર ખોતરના શરીરમાં કમકમાટી પેદા કરીને ચાલી ગઇ.

ખોતરે વાંકા વળીને છેલ્લી નજર જહોન તરફ કરી. જહોનની પણ જમણા હાથની મુઠ્ઠી બંધ હતી અને ખોતરને તે સહેજ ખોલતા તે બંધ મુઠ્ઠીમાંથી સુરાગની એક કડી ખોતરને મળતા તેના ચહેરા પર હળવું સ્મિત આવી ગયુ. ‘જે કાંટો રાજનના હાથમાં મળ્યો નહોતો તે હવે ખોતરના હાથમાં આવી ગયો હતો.’ ત્યાં જ ખોતરના મોબાઇલમાં ફરી જુદા ગરબાની રીંગ વાગી,

‘જી સર…!’ સામે ખુદ ડીઆઇજી સાહેબ હતા.

‘હા સર જહોનનું રાજનની જેમ જ મર્ડૅર કરવામાં આવ્યું છે, પેલા બન્નેની લાશ બે દિવસ પહેલાની હોય તેવું લાગે છે. આજે હું તમને બધી કડીઓ મેળવી આપીશ.’ ખોતર પહેલીવાર વિશ્વાસ વિના ખાતરી આપી રહ્યો હોય તેમ ઢીલા અવાજે બોલ્યો હતો.

મયંકને પોલીસ સ્ટેશનમાં ખોતરે સામેની જ ખુરશીમાં બેસાડ્યો. ખોતર આજે નાઇટડ્રેસમાં જ ઓફીસે આવી ગયો અને ટુથપીક ન મળતા ટેબલની એક ફાઇલ પર લગાવેલી ટાંકણી કાઢીને દાંત ખોતરવા લાગ્યો.

‘સાહેબ, આ મયંક…!’ હવાલદાર કંઇક કહેવા જતો હતો ત્યાં જ ખોતરની ત્રાંસી નજરે તે ચુપ થઇ ગયો.

ખોતરે કાંઇ પણ પુછ્યા વિના મયંકના ગાલ પર એક જોરદાર ઝાપટ મારી અને પછી પુછ્યું, ‘ હા, મયંક બોલ શું લઇશ, ચા કે કોફી ?’

ખોતર તેનો રૂઆબ અને ડર મયંકમાં પેદા કરવા માંગતો હતો પણ મયંક તેના ગાલ પર પંપાળતો બોલી ઉઠ્યો, ‘આ તો કાંઇ રીત છે ? મને અહીં કેમ લાવ્યા છો ?’

‘આ તો સવારે ચા-પાણી પીધા નથી એટલે થયું કે લાવ તારી સાથે ચાય પે ચર્ચા કરી લઉં…!’ ખોતરે ફરી ઉડાઉ જવાબ આપ્યો.

‘જો સાહેબ, મને હમણા જ ખબર પડી કે રાજનની જેમ જ જહોનની લાશ મળી છે. જો તમે મને રાજન કે જહોનના કેસમાં કંઇ પુછવા માંગતા હોય તો હું એટલું જ જાણું છું કે અમારી એક સમયની મિત્રતા કેટલાક કારણોસર મરી પરવારી હતી… એના સીવાય મને બીજું કાંઇ ખબર નથી.’ મયંકે ખોતરની તેજ નજર જોઇને કહેવાનું શરૂ કર્યુ.

‘સાહેબ… આ મયંકના ઘરેથી બેગ મળી છે….!’ પેલા હવાલદારે તે કાળી બેગ ટેબલ પર મુકતા કહ્યું.

‘તેમા જમીનોના દસ્તાવેજો છે…!’ મયંકે ખોતર તરફ જોઇને કહ્યું.

ખોતરે તે બેગ ખોલી અને અંદર જોઇને કહ્યું, ‘ઓહ્હ્હ… તમારા દસ્તાવેજોમાં ચણિયાચોળી અને ઝાંઝર પણ રાખવામાં આવે છે… અદભૂત…!’

મયંક પાસે હવે કોઇ જવાબ નહોતો તે ચૂપ થઇ ગયો એટલે ખોતર તેની નજીક આવી હાથ મશળવા લાગ્યો… ત્યાં જ ભાસ્કર ઝડપથી દાખલ થયો અને ખોતર તરફ જોઇને બોલ્યો, ‘આ બધુ શું ચાલી રહ્યું છે ? મારા બે મિત્રોને કોઇ મારી નાખે છે અને તમે અહીં નાઇટડ્રેસમાં ડ્યુટી કરો છો..?’ જો કે ભાસ્કરની નજર ટેબલ પર પડેલી બેગ અને મયંક પર પડતા તે ચૂપ થઇ ગયો.

તેને થોડીવાર પછી તેને એક કોલ કર્યો અને બધા સંભળાય તેમ બોલ્યો, ‘ડેડી, આપણી પેલી બેગ ખોવાઇ ગઇ હતી તે પોલીસને મળી ગઇ છે.’ તેની નજર વારેવારે બેગ તરફ જતી હતી.

ખોતર ભાસ્કરની રીત જોઇને પહેલીવાર તાડૂક્યો, ‘તમે કોટ શુટ પહેરીને જે સેવા કરો છો તેના કરતા એક હજારગણી સારી ડ્યુટી હું આ નાઇટડ્રેસ પહેરીને કરી રહ્યો છું.’ ખોતરની સિંહગર્જના થઇ હોય તેમ ભાસ્કર ચૂપ થઇ ગયો.

‘તું આને બહાર બેસાડ જરૂર પડશે ત્યારે અંદર બોલાવીશ.’ ખોતરે જે રીતે ઇશારો કર્યો તે જોઇ ભાસ્કરને અપમાન થતું લાગી આપોઆપ બહાર ચાલ્યો ગયો અને જતા જતા બોલ્યો, ‘દસ મિનિટમાં આ નાઇટડ્રેસમાંજ તારી બદલી ન કરાવી દઉં તો હું ભાસ્કર આદિત્યરાય નહી…!’ જો કે ખોતરે તેને તરફ બહાર જવાનો અંગુલી નિર્દેશ કરતા તે ધુંઆપુંઆ થતો ચાલી નીકળ્યો.

‘મયંક આ મારી ચા પુરી થાય ત્યાં સુધી જ હું ચુપ રહીશ અને તને બોલવાની તક આપીશ…’ ખોતરે ભાસ્કર ગયા પછી ટેબલ પર દંડો મુકતા કહ્યું…

મયંક સમજી ગયો હતો અને તેને સત્ય હકીકતો જણાવવની ઝડપથી શરૂઆત કરી, ‘હું, જહોન, રાજન અને ભાસ્કર માટે તળાવના પશ્ચિમ છેડાની જમીનો ખરીદવામાં દલાલીનું કામ કરી રહ્યો હતો. આ દસ્તાવેજો તેના છે, તેમાં કેટલાય દસ્તાવેજો ધાકધમકીથી પણ કરાવી લેવામાં આવ્યા છે. ભાસ્કરની સત્તા, રાજનની લુખ્ખાગીરી અને જહોનની હોંશીયારીથી આ બધુ કામ પાર પડી રહ્યું હતુ. તેની મને જ્યારે જાણ થઇ ત્યારે મેં તેમની સાથે સબંધો કાપી નાખ્યા અને ગઇ નવરાત્રીની એક રાતે મારે મારામારી પણ થઇ હતી. તે જુની હવેલી પોતાના નામે કરવાના હતા તેમાં બુઢ્ઢા દાદા દાદી રહેતા હતા. મને તેમની પર દયા આવી અને ભાસ્કરને ખૂબ સમજાવ્યુ પણ તેઓ સત્તાના નશામાં મદમસ્ત હતા. ગયા નવરાત્રમાં જ તે બન્ને દાદા દાદીને ઉપાડીને મહેલમાં લઇ ગયા હતા.. તે પછી તે દાદા દાદી ક્યાંક ચાલ્યા ગયા. હું તેમને કે પોલીસમાં પણ પુછતો હતો પણ મને કોઇ જવાબ નહોતો મળ્યો અને મેં તે કામ છોડી દીધું. તે દાદા દાદીએ મને એક ચીઠ્ઠી લખી આપી હતી તેનાથી તેમની સાથે બળજબરી થઇ છે તેવું પુરવાર થાય તેમ હતું… મેં તેમને બતાવી તો મને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી…!’ ખોતરની ચા હજુ અડધી જ થઇ હતી.

‘તો પછી તું દરરોજ રાતે હરણીયા તળાવ પર કેમ જાય છે ? અને તે તળાવમાંથી જ બધી લાશો મળી છે..! તારી બેગનું ઝાંઝર અને મારી પાસે રહેલ આ ઝાંઝરનો એક ભાગ એકસરખો છે… પાકો સબૂત છે, મયંક…! સમજી વિચારીને બોલજે…!’ ખોતરને લાગ્યું કે મયંક કોઇ ચાલાકી નથી કરી રહ્યો તો તે પણ શાંત રીતે પૂછવા લાગ્યો..

‘સાહેબ, નવરાત્રીની દરરોજ રાતે હું કોઇને મળવા જાઉં છું…!’ અને મયંકે દિશાર્થીની બધી હકીકત જણાવી દીધી…! જો કે આ અજબ ગજબની પ્રેમ કહાની સાંભળી ખોતર શંકા કરવા લાગ્યો.

‘એટલે જહોન તને કારમાં ઉઠાવી ગયો ત્યારે તે દિશાર્થી ત્યાં હતી જ…?’ ખોતરે સામે ઉલટ પ્રશ્ન કર્યો.

‘હા, તે સામે ઉભી હતી..!’ મયંકે હા કહી.

‘તારે અને જહોન વચ્ચે તે રાતે શું થયેલું ?’ ખોતર તેની આદત મુજબ કેસને ખોતરી રહ્યો હતો.

મયંકને લાગ્યું કે ખોતર ઘણુંબધુ જાણતો હતો એટલે તેને બધી સત્ય વાત કહી, ‘તેમને હતું કે આ બેગ મેં રાજન પાસેથી પડાવી લીધી છે… હું તે દાદા દાદી સાથે શું કર્યુ તે જાણવા માંગતો હતો… પણ તે હવેલીએ પહોંચતા જ મને ભાગવાનો ચાન્સ મળી ગયો અને હું ત્યાંથી ભાગી છૂટ્યો.’

‘પછી રાત્રે શું કર્યુ ?’ ખોતરે ચાની છેલ્લી ચુસ્કી લેતા કહ્યું.

‘પછી તો દિશાર્થી સાથે ગરબે રમ્યો અને પછી ઘરે ચાલ્યો ગયો, હમણાં જ મને ખબર પડી કે તળાવમાંથી જહોનની લાશ મળી છે.’

ચાનો કપ નીચે મુકી ખોતરે છેલ્લો પ્રશ્ન કર્યો, ‘મયંક તને લાગે છે કે કે આ ભાસ્કર બધી જમીન પર કબ્જો મેળવવા આ બધા ખૂન કરાવી શકે ?’
ખોતરની ચતુરાઇ પર મયંક તરત જ બોલ્યો, ‘હા, સાહેબ મને એ જ લાગે છે…! તે ખતરનાક છે…!’

‘હું આ ઝાંઝરના પુરાવાના આધારે તારી ધરપકડ કરુ છું જે બન્ને લાશ પાસે એક સરખા મળ્યા છે તેમાંથી એક તારી પાસે છે.’ મયંકને જેલનું નામ સાંભળતા જ પરસેવો છૂટી ગયો.

ખોતરે મયંકની વાત સાંભળ્યા વિના ડીઆઇજીને ફોન લગાવ્યો, ‘એક શંકાસ્પદને હું જેલમાં લઇ આવ્યો છું..!’

ત્યાં જ એક સ્વરુપવાન, સૌનું મન અને દિલ મોહી લે તેવી, એકદમ ચુસ્ત કપડાને કારણે શરીરના દરેક અંગ ઉભારને છતી કરતી, છટાદાર ચાલવાળી અને તેને જોઇને બહાર ઉભેલા સૌની મોંની લાળ ટપકી તેવી મોડેલને પણ શરમાવે તેવી એક છોકરી ખોતરની કેબિન તરફ બિન્ધાસ્ત આગળ વધી રહી હતી…

ક્રમશ: …….

લેખક : ડૉ. વિષ્ણુ પ્રજાપતિ

અંધારી રાતનો ગરબો…! ભાગ–૬                                                                                                              અંધારી રાતનો ગરબો…! ભાગ–૮

1 reply »

Leave a Reply