Dr. Vishnu M. Prajapati

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૭

નવરાત્રી આગળ વધી રહી હતી…. મડદાંની ચોરી, અઘોરી સાથે થયેલી ઝપાઝાપી, તેના કમંડળમાં જોયેલું દ્રશ્ય, સુંદરાને વાવામાં થયેલો ખૉફનાક અનુભવ, સુંદરાએ આપેલ ચીઠ્ઠી અને રખડેલ રેડિયોની બાતમી અને મોહિનીના પિતાનો નંબર બધા પર ખોતર શાંતિથી વિચારી રહ્યો હતો… ત્યાં જ તેના મોબાઇલની રીંગ રણકી, ‘નોરતાની રાત આવી, નોરતાની રાત….!’ ખોતર નવરાત્રીમાં ગરબાની જ રીંગટોન રહેતી.

સામેથી કોઈ ધમકીભર્યા સ્વરે બોલ્યું, ‘ખોતર…. રાતે જે થયું તે, તેને ભૂલી જવામાં જ સાર છે… તેને વધુ ખોતરવાની જરુર નથી… આ તો સારુ થયું કે ત્રિશૂળ છાતીમાં નથી વાગ્યું નહિતર…!’

‘કોણ છે તુ ?’ ખોતર બરાડ્યો.

‘પાંચ લાખ આજે રાત્રે તારા ત્યાં પહોંચી જશે…!! અને આ નંબર શોધવા ટાઇમ બગાડવાની જરુર નથી…!!’ તેને તરત જ ફોન કટ કરી દીધો.

ખોતર હવે વધુ ભૂરાટો થયો…. એક તો ગઇકાલે હુમલામાં થયેલ ઇજા અને આજે તેની તપાસ બંધ કરવાની કોઇની લુખ્ખી ધમકી… હવે તો જલ્દી મારે પરચો બતાવવો પડશે… ખોતર દવાખાનાના રૂમમાં આમતેમ આંટા મારવા લાગ્યો…!

ત્યાં જ સુંદરતાનો મધપુડો ધીરે ધીરે હોસ્પિટલના પગથિયા ચઢવા લાગ્યો. હોસ્પિટલનો સ્ટાફ અને કેટલાય દર્દીઓ તેની સુંદરતાને જોવામાં ઘડીભર કોઇ પોતાનું કામ તો કોઇ પોતાનું દર્દ ભૂલી ગયા. તે તેની પાછળ ભીની અને મીઠી સુવાસ છોડતો જતો હતો. તેની ચાલ વિશ્વાસથી ભરેલી હતી. ફિલ્મની ગ્લેમર એક્ટ્રેસને પણ આંટી ખવડાવી દે તેવી તેની કમનીય કાયા અને તેમાય સ્લીવલેસ ટોપ, લચકીલી કમરને ચપોચપ ચોટી ગયેલું જીન્સ, બ્લેક ગોગલ્સ, કાળા અને લાંબા ખુલ્લા વાળ તેની સુંદરતામાં અનેકગણો વધારો કરતા હતા. પવન પણ તેના રૂપમાં મોહી ગયો હોય તેમ નખરાળો બનીને તેની લટોને લહેરાવી રહ્યો હતો. ગળાથી છ આંગળ નીચે શરૂ થતી ટોપની ઉપરની ઝીપ અડધી ખુલ્લી હતી તેમાંથી માદકતાનુ સુગંધી ઝરણું વહી રહ્યું હતું

કનુ તો દૂરથી તેને જોઇને લાળ ટપકાવતો ઉભો થઇ ગયો.

તે મદમસ્ત સુવાસ ખોતરના સ્પેશ્યલ રૂમમાં દાખલ થતા જ ખોતરના ચહેરાની ચિંતાની રેખાઓ ઓસરવા લાગી. ‘આવ શૈલી, હું તારી જ રાહ જોઇ રહ્યો હતો.’

તે ખોતરની એકદમ કસોકસ નજીક આવી, ખોતરના હાથ પર લગાવેલ પાટા પર હાથ ફેરવતા બોલી, ‘બહુ દર્દ થાય છે’ને ..?’

શૈલીનું શરીર ખોતરને સ્પર્શી રહ્યું હતું એટલે ખોતરે સહેજ દૂર થતાં કહ્યું, ‘દર્દ ઓછું કરવા આવી છે કે દર્દ વધારવા…? તું આમ લટકમટક અને મૉડેલની જેમ આવે છે તો અહીં બધા તારા દર્દી બનીને તને તાકતા રહેશે ..!’

‘બધાની વાત છોડો… તમે શું જુઓ છો એ કહો સર…?’ અને શૈલીએ ખોતરની ઘડીભર ચોંટી ગયેલી નજર પકડી પાડતા કહ્યું.

‘તપાસ કેટલે પહોંચી ?’ ખોતરે તેની નજર ફેરવી લેતા રોમાંસની ઉભી થયેલી ક્ષણો વેરવિખર બની અને શૈલી દૂર થઇ.

‘શૈલી બધી તપાસ જ નહી પુરાવા સાથે આવી છે… સમજી લેજો કે ડો. ખેરની ખેર નથી. અને તેનાથી પણ વધુ ઉંડી તપાસમાં ત્રિશૂળધારી ભૂતોની કુંડળી પણ લાવી છું….!!’ શૈલીએ એકપછી એક પુરાવા ખોતરને આપતા ખોતર ખુશ થયો… ‘વાહ… શૈલી… આ જોઇને થાય છે કે…..???’

‘શું થાય છે સર…?’ શૈલી નજીક આવી.

‘હાલ જ પકડીને દબોચી લઉં….!’

‘તો રાહ શેની જુઓ છો, સર….?’ શૈલીના શબ્દોમાં માદકતા આવી.

‘હજુ એક બે ખૂટતી કડીઓ મળી જાય એટલે બીજા બધાને પણ એકસાથે દબોચી લઉં…!’

‘એટલે તમે ગુનેગારોને પકડવાની વાત કરતા હતા…?’ શૈલી નખરાળાં સ્વરે બોલી.

‘તું આ કેટલાક ફોન નંબરની રજેરજની માહિતી લાવ…. ! અને હા, RJ સુંદરાની બધી કુંડળી પણ જોઇશે…!’ ખોતરે તે પુરાવા પોતાની પાસે રાખ્યા અને શૈલીને નવું કામ આપ્યું.

શૈલી રૂમમાંથી બહાર નીકળી ત્યારે તેની સાથે મદહોશ કરતી સુગંધ પણ બહાર ચાલી ગઇ.

———
રાત ઘેરી બની રહી હતી. કાળા ડિબાંગ વાદળો ડુંગર પર છવાઇને તેને અંધકારમાં લપેટી રહ્યા હતા. વિશ્વાસ ગુફામાં દાખલ થયો ત્યારે કુંડલ સામેના એક અસ્થિ કંકાલ પર મુકેલા છ એક ઇંચ નાના માનવભ્રૂણ પર ત્રાટક કરી રહ્યો હતો. તેના પર કંકુ અને કેટલીક ભસ્મો નાખીને ચિત્ર વિચિત્ર મંત્રો બોલી રહ્યો હતો.

તે સામે બેઠો. કુંડળે તે ભ્રૂણને ઉંચકીને મહાકાલીની મૂર્તિ પાસે મુક્યું અને તે થોડીવાર તેની બે ભૂજાઓ ફેલાવીને મહાકાલી પાસે ઉભો રહી ગયો.

તે ભલભલાને થથરાવી દે તેવી તાંત્રિક સાધના કરતો. તેનું મોટું નેટવર્ક હતું. તે તેની ગુફામાંથી ફક્ત દશેરા અને કાળી ચૌદશના દિવસે જ બહાર નીકળતો અને તે ક્યાં જતો તેની કોઇ જાણી શકતું નહોતું.

કુંડળની તાંત્રિક વિદ્યાથી વિશ્વાસ રોડપતિમાંથી એકાએક કરોડપતિ બની ગયો હતો. ઉત્તરપ્રદેશના કોઇ અઘોરીના કહેવાથી તે કુંડળ સુધી પહોંચ્યો હતો. સંમોહન અને વશીકરણથી કુંડળ અને વિશ્વાસની જોડીએ અનેક કાળાધોળાં કામ કર્યા હતા અને એટલે જ તો કુંડળની ગુફામાં તે તેની મરજીથી હરીફરી શકતો હતો.

‘મેરી જિંદગી કી સબસે બડી સાધના ઇસ નવરાત્રમેં કી હૈ… અબ તુમ્હે ઉસે યહાં લેકે આના હોગા…!’ કુંડળે ત્યાં ઉભા ઉભા જ ઓર્ડર કર્યો.

‘વો હી ક્યું ?’ વિશ્વાસે પુછ્યું.

‘ઐસી શક્તિ હર કીસીમે નહી હોતી…… વો મનમોહિની હૈ… વો આદ્યશક્તિ કા સ્વરુપ હૈ…. ઉસકી કુંડલીમે દિવ્યશક્તિ યોગ હૈ…. ઉસકો મહાકાલીને બુલાયા હૈ…! યદી તુમ્હે વો ચાહિયે તો, ઇસ અષ્ઠ્મી કી રાત ઉસ પર સંમોહન વિધિ કરની હોગી…! ઉસસે તેરા મેરા ઔર સબકા કલ્યાણ હૈ….!!’ કુંડળનું એક બુલંદ અટ્ટહાસ્ય ફરી ગુફાઓની દિવાલ સાથે અથડાવવા લાગ્યું.

વિશ્વાસ ફક્ત તેની મરજીનો માલિક હતો… કારણ કે વિશ્વાસના કેટલાય રહસ્યો કુંડળ પાસે ધરોબાયેલા હતા.

‘સુંદરા કો મૈ પ્યાર કરને લગા હૂં…? ઔર સુંદરા ભી…..!’ વિશ્વાસે કુંડળને ધીમા સ્વરે કહ્યું.

‘વો પ્યાર નહી હૈ, વો મેરી સંમોહન શક્તિ કી તાકત હૈ…. જીસ દિન મૈ વો બંધ કર દુંગા, સુંદરા તુમસે દૂર હો જાયેગી…! તુમ્હે કુછ ભી કરકે ઉસે યહા લાના હોગા…! વરના વો તુમ્હે કભી નહી મીલેગી…!’

‘મગર…! વો નહી આઇ તો…?’

‘યદી મેરે લોગ ઉસે લાયેંગે તો તુમ્હે પતા હૈ કી ઉસકા ક્યા હસ્સલ કરેંગે… ઇસલીયે મૈ તુમ્હે કહતા હૂં…!’ કુંડળની આંખોના ડોળામાં લોહી ઉભરી આવતા તે ખોફનાક લાગી રહ્યો હતો.

‘મગર અબ મુઝે યે કોઇ વિધિ કરની નહી હૈ…!!’ વિશ્વાસે પહેલીવાર કુંડળની મરજી વિરુધ્ધ બગાવત કરી હોય એમ કહ્યું.

કુંડળ સમસમી ઉઠ્યો અને બલી માટે ઉપયોગ લેવાતો એક મોટો રાક્ષસી કદનો છરો ઉઠાવ્યો અને મહાકાલી મૂર્તિની નીચે બાંધેલ પશુને એક ઝાટકે રહેંસીને બરાડ્યો, ‘અબ તુમ્હે કરની પડેગી…. તુમ અબ ઇસ ચક્રવ્યુહ સે બહાર નહી નિકલ શકતે…! ઇસ ગુફામેં ઉસકો આના હી હોગા…!!’ કુંડળે તે નિર્જીવ થયેલ પશુનું માથું હાથમાં લીધું અને તેની નીચે થયેલ લોહીની ધારને મહાકાલીના મુખ પર છાંટ્યુ… ચમક્તી આગ અને મોં પર છંટાયેલ લોહીને કારણે મહાકાલીની મૂર્તિ અનેકગણી વિકરાળ લાગતી હતી…

હવે લોહીની ધાર બંધ થઇ હતી અને લોહી ટપકી રહ્યું હતું. કુંડળે તે લોહી ટપકતાં માંસ પર પર પોતાનું મોં મુક્યુ અને થોડીવાર ચૂસીને અટ્ટહાસ્ય કર્યુ. તેનું મોં લોહીથી લથબથ હતું અને ગુફા ગર્જી ઉઠી હતી…. ગુફાની દિવાલોની સાથે વિશ્વાસનું દિલ ખૂબ જોર જોરથી ધડકવા લાગ્યું.

——— —–

રાત્રે નવેક વાગે ઓપીડી પતી ગઇ હતી અને હાથમાં પાટો લઇને ખોતર ડૉ. ખેરની કેબિનમાં દાખલ થયા.
અજાણ્યો ચહેરો જોઇને ડૉ. ખેર બોલ્યા, ‘કોને બતાવવાનું છે ?’
ખોતરે એક ચીઠ્ઠી ડો. ખેરના હાથમાં મુકી અને વાંચવાનું કહ્યું. વાંચતા જ ડૉ. ખેર પરસેવેથી લથબથ થવા લાગ્યા… ‘તુ મને બ્લેકમેલ કરવા માંગે છે ? હું ઇજ્જતદાર ડોક્ટર છું.’

ખોતરે તેનું આઇડી કાર્ડ બતાવ્યું અને કહ્યું , ‘ચુપચાપ મારી સાથે ચલો એમાં જ તમારી ઇજ્જત સચવાઇ જશે’ ખોતરના ધારદાર શબ્દોથી ડો. ખેર ચૂપચાપ તેમની સાથે કોઇ અજાણી જગ્યાએ પહોંચી ગયા.

——- —-

સાતમની રાતે અધૂરા નોરતાં… અધૂરા ઓરતાં…! કાર્યક્રમ પતાવી સુંદરા તે વાવ પાસેથી નીકળી. ખોતરને મળ્યા પછી તેનો ડર ચાલ્યો ગયો હતો. ખોતરે સુંદરાને કેવી રીતે વર્તવુ એ સમજાવી દીધું હતું…. પણ વાવની પાસે પસાર થતા તેનું મન વાવની અંદર જવા લલચાયું…. રાતના અગિયાર વાગ્યે મોબાઇલની ફ્લેશ લાઇટે સુંદરાએ વાવના પગથિયે પગ મુક્યો અને અંદર ભૂગર્ભમાં સળવળાટ થયો.

સુંદરાના ચહેરા પર ડર નહોતો. તે આગળ વધી… એકાએક ફરી કેટલીક ચિબરીઓના ચિત્કાર અને ચામાચિડિયાના ઝુંડ તેની પાસેથી નીકળી ગયા… સુંદરાને કોઇ જ ડર નહોતો… તે વાવની અંદર આગળ વધી રહી હતી…. ‘સુંદરા….. સુંદરા….!!’ એક ભયંકર અવાજ નીચેથી આવ્યો….

સુંદરા સહેજ પણ ગભરાઇ નહી તેને સામે જવાબ આપતા કહ્યું, ‘રખડેલ રેડિયા તું મને ડરાવીશ નહી…. મને ખબર છે કે તું અંદર છે…. હું આવું છું….!!’

જે તરફથી અવાજ આવતો હતો ત્યાંની છેક ભૂગર્ભની સાંકડી દુર્ગંધિત જગ્યા પર સુંદરા પહોંચી….. સુંદરાની નજર તેની દિવાલના નાના ગોખમાં મુકેલ એક કાળી ઢીંગલી પર પડી…. તેને લાલ દોરીથી બાંધીને મુકેલી હતી…..તેના પર કેટલીક વિધિઓ કરવામાં આવી હતી…. સુંદરાના મોબાઇલની ફ્લેશ લાઇટ તેના પર પડતાં તે ડરી ગઇ….!

‘રેડિયો તું ક્યાં છે ?’ સુંદરાના અવાજમાં ધ્રુજારી હતી.

‘સુંદરા મને છોડાવ…..!! મારી અધુરી ઇચ્છા પુરી કર…!!’ સુંદરાએ જોયું તો કોઇ સ્ત્રીનો અવાજ તે ઢીંગલીમાંથી આવી રહ્યો હતો……!!! અને સુંદરાની એક ભયાનક ચીખ વાવના ભૂગર્ભમાંથી સોંસરવી નીકળીને કાળા ડિબાંગ વાદળો સુધી અથડાઇ ગઇ….!

ક્રમશ : …….

લેખક: ડૉ. વિષ્ણુ પ્રજાપતિ

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૬                                                                                        અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૮

1 reply »

Leave a Reply