SELF / स्वयं

રાવણ

દરેક સંતનું એક અતિત હોય છે..
દરેક દુર્જનનું એક ભવિષ્ય હોય છે…

‘રાવણ’ શબ્દ સાંભળતાં જ આપણને દસ માથાવાળો રાક્ષસ યાદ આવી જાય છે. પરંતુ રાવણ એ કોઈ રાક્ષસ નહોતો, રાક્ષસદ્વીપમાં રહેવાને કારણે તેઓ રાક્ષસ તરીકે સંબોધાયા. તેઓએ ખરેખર ખૂબ જ વિદ્યાઓ સાધ્ય કરી હતી. અને તે વિદ્યાઓને કારણે જ તેઓ ખૂબ જ બળવાન બની ગયા હતા. ત્રણેય ખંડના તે સ્વામી હતા. અને આ વાતનો જ તેમને અહંકાર હતો.

તેમણે પોતાની વિદ્યાશક્તિ દ્વારા રાજા ઈન્દ્ર, સોમ, યમ, વરૂણ, કુબેર વગેરે દિકપાલોને પણ દાસ બનાવ્યા હતા. રાવણના પુત્ર મેઘનાદે વૈતાઢ્ય પર્વતના રાજા ઈન્દ્રને જીત્યો હોવાથી તે ઈન્દ્રજિત તરીકે પણ ઓળખાયો.

એક વખત રાજા રાવણ પોતાના પુષ્પક વિમાનમાં બેસીને ગગન વિહારની મોજ માણી રહ્યા હતા, ત્યાં અચાનક તેમની નજર નીચે પડી. મરુત્ત નામનો રાજા કોઈ મહાયજ્ઞનું આયોજન કરી રહ્યો હતો. યજ્ઞમાં હોમવા માટે કેટલાય પશુઓને વાડામાં પૂર્યા હતા. રાવણ આ દ્રશ્ય જોઈને ધ્રજી ઉઠ્યા. તેમણે વિચાર્યુઃ ‘ઓહ ! ધર્મના નામે કેવો અધર્મ ? સર્વજ્ઞ ભગવંતોએ કરુણામય ધર્મ બતાવ્યો છે. જ્યારે આ મૂઢ લોકો પશુઓની હત્યામાં ધર્મ સમજી રહ્યા છે. મારે તેને અટકાવવો જ જોઈએ.

અને તરત જ તેમણે વિમાન નીચે ઉતાર્યુ. મરુત્ત રાજાને સમજાવતાં કહ્યું – “હે રાજન્ ! આ બધું શું છે ? ધર્મ તો દયામાં છે, નિર્દયતામાં નહિ, પશુઓની હિંસાથી કદી ધર્મ થઈ શકે નહિ. માટે આ બધું બંધ કરો.” મરુત્ત રાજાએ શક્તિશાળી રાજા રાવણના શબ્દોનું પાલન કરતાં યજ્ઞનું વિસર્જન કર્યુ.

એવું નથી કે રાજા રાવણે માત્ર યુદ્ધો જ કર્યા છે ને ઘોર પાપો જ કર્યા છે, તેમણે ધર્મની આરાધના પણ કરેલી છે. ભગવાનની ભક્તિ તો તેમના રોમ રોમમાં વ્યાપ્ત હતી. રાવણનું જીવન ખરેખર ખૂબ જ વિરોધાભાસી હતું. ક્યારેક આવેશમાં આવી જઈ ઘોર પાપો પણ કર્યા તો ક્યારેક ખૂબ જ ભાવપૂર્વક ભગવાનની ભક્તિ પણ કરી.

એક વખત રાવણ પુષ્પક વિમાનમાં બેસી રત્નાવલી નામની કન્યાને પરણવા જઈ રહ્યા હતા. પણ અચાનક રસ્તામાં તેમનું વિમાન અટકી ગયું. રાવણે ક્રોધે ભરાઈને નીચે નજર કરી. અષ્ટાપદ પર્વત પર રહેલા વાલિ મુનિ દેખાયા. વાલિ મુનિ જ્યારે ગૃહસ્થાવસ્થામાં હતા ત્યારે રાવણ સાથે તેમનું યુદ્ધ થયું હતું. અને એ યુદ્ધમાં રાવણનો પરાજય થયો હતો. ત્યારબાદ વાલિ મુનિ વૈરાગ્યવાસિત બની સાધુ બની ગયા હતા.

રાવણને થયું કે સાધુ અવસ્થામાં પણ વાલિ મુનિનો મારા પરનો ડંખ ગયો નથી. સાધુના વેશમાં શેતાનનું કામ કરે છે. રાવણને પોતાની વિદ્યા તથા બળનું અભિમાન હતું. તેમણે વગર વિચાર્યે વિમાન નીચે ઉતાર્યુ. તેમના રોમે રોમમાં ક્રોધ વ્યાપી ગયો હતો. તે મુનિને જ નહિ પણ આખા તીર્થને નષ્ટ કરવા તૈયાર થયા.

એક હજાર વિદ્યાઓના સ્મરણપૂર્વક પૂરી તાકાતથી આખા પર્વતને અદ્ધર ઉચક્યો. મોટી મોટી શિલાઓ પર્વત પરથી ગબડવા લાગી. પંખીઓ માળા છોડી ચીં.. ચીં… કરતા ઉડવા લાગ્યા. સિંહ જેવા મોટા મોટા પ્રાણીઓ ગર્જના કરવા લાગ્યા. ચારેબાજુ હાહાકાર મચી ગયો. હકીકતમાં મુનિએ તેમનું વિમાન નહોતું અટકાવ્યું પણ એમના તપના તેજથી વિમાન સ્વયં અટકી ગયું હતું.

આ બાજુ વાલિ મુનિ વિચારમાં પડી ગયા. અરે… અચાનક જ વાતાવરણ અશાતં કેમ બની ગયું.? આ પર્વતને કોણ હલાવી રહ્યું છે? તેમણે પોતાના જ્ઞાનથી રાવણનું પરાક્રમ જાણ્યું. મુનિએ વિચાર્યુ કે જો આ રાવણે મારા પર જ હુમલો કર્યો હોત તો મારે કોઈ જ પ્રતિકાર કરવાની જરૂર નહોતી. કારણ કે ક્ષમા એ મારો ધર્મ છે. પણ આ તો આખા તીર્થને ડૂબાડવા તૈયાર થયો છે. અત્યારે મારાથી ઉપેક્ષા કેમ થાય? અત્યારે તો ક્ષમા નહિ પ્રતિકાર જ મારો ધર્મ છે. એ જો ભૂલુ તો કર્તવ્યભ્રષ્ટ થયો ગણાઉં.. વળી મારી પાસે એવી શક્તિ પણ છે જ.

આવી જ કોઈ વિચારણાથી વાલિ મુનિએ પગનો અંગૂઠો સહેજ દબાવ્યો અને તરત જ રાવણ પર ભયંકર દબાણ આવ્યું. ડુંગરનો ભાર જાણે રાવણ ઉપર ખડકાયો. જેમ તેમ કરીને તે પર્વત નીચેથી બહાર નીકળ્યા. હકીકત જાણ્યા પછી તેમને પારાવાર પશ્ચાતાપ થયો. તે વિચારવા લાગ્યા “અરેરે, અનેકોને તારનાર તીર્થને જ હું ડૂબાડવા ચાલ્યો. મારા જેવો પામર કોણ? અન્ય સ્થાનમાં કરાયેલું કર્મ તીર્થસ્થાનમાં છૂટે, પણ તીર્થસ્થાનમાં કરાયેલું આ ઘોર પાપકર્મ ક્યાં છૂટશે?

તેઓ વાલિ મુનિ પાસે ક્ષમાયાચના કરવા ગયા. પણ મુનિએ તો તેમને ક્યારનીયે ક્ષમા આપી દીધી. હતી. પશ્ચાતાપની પાવન ગંગામાં સ્નાન કરતાં કરતાં તેઓ અષ્ટાપદના મંદિરમાં ગયા. ભરત મહારાજાએ બનાવેલા સોનાના મંદિરો અને રત્નોની મનોહર મૂર્તિઓ જોઈને ભાવવિભોર બની ગયા. રાવણ અને તેમની પત્ની મંદોદરી ભગવાનની ભક્તિમાં એકાકાર બની ગયા.

મંદોદરી નૃત્યમાં બહુ કુશળ હતી તો રાવણ સંગીત વિદ્યામાં નિપુણ હતા. મંદોદરી પ્રભુ સમક્ષ ભાવપૂર્વક નૃત્ય કરવા લાગી તો રાવણ વીણા વગાડવામાં તલ્લીન થઈ ગયો. તેઓ અનન્ય અને અવર્ણનીય આનંદની અનૂભુતિ કરવા લાગ્યા. પણ અચાનક, રાવણની વીણાનો એક તાર તૂટી ગયો. ભક્તિમાં એકલીન થયેલા રાવણે તેમની પાસે રહેલી એક લાઘવી કળા અજમાવી. એની મદદથી પોતાના જાંઘની એક નસ ખેચી કાઢી અને વીણામાં જોડી દીધી. નૃત્ય-સંગીતની ભક્તિ અખંડ રહી.

રાવણની આવી ભક્તિ જોઈ ત્યાં દર્શન માટે આવેલા ધરણેન્દ્રએ રાવણને ‘અમોઘં દેવદર્શનં’ કહીને વિશિષ્ટ વિદ્યાઓ આપી. અષ્ટાપદ પર્વત ઉપર કરેલી ભક્તિના કારણે જ રાવણે તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું. દશરથ પુત્ર રાજા રામની પત્ની સીતાના અપહરણ બાદ રામ સાથેના યુદ્ધમાં તેમનો પરાજય થયો હતો. અષ્ટાપદને ઉપાડીને ફેંકી દેવા તૈયાર થનાર પણ રાવણ હતો અને ભગવાનની ભક્તિ કરતાં કરતાં શરીરમાંથી નસ ખેંસી નાખનાર પણ રાવણ જ હતો.

અજ્ઞાત 

Leave a Reply