Dr. Vishnu M. Prajapati

દાંડિયાની જોડ | ભાગ–૬

કોલેજમાં સ્વરાને રિધમ સામે દેખાતા જ તે ઝડપથી તેની પાસે ગઇ અને કેન્ટીન પાસે જ ઉભો રાખ્યો. રિધમ દરરોજ દાંડિયા લાવવાનું ભૂલી જતો અને બહાના બનાવતો હતો.

‘રિધમ… તું મને પેલી દાંડિયાની જોડ આપી દે…’ સ્વરાએ રિધમ પાસે આજે તો પઠાણી ઉઘરાણી કરી.

‘સ્વરા… એ દાંડિયાની જોડ તો અદ્ભૂત છે, તને નવરાત્રિ પછી આપું તો ન ચાલે…?’ રિધમે એ રીતે કહ્યું કે તેને દાંડિયા આપવાની ઇચ્છા ન હોય.

‘મારા પપ્પા કેમ જાણે રોજ પુછે છે… !! મારે શું કરવું….? અને તને તે જોડ કેમ ગમવા લાગી…? શું છે તે દાંડિયાની જોડમાં…?’ સ્વરા તો ગુસ્સે થઇ અને રિધમને કોલેજમાં બધાની વચ્ચે ખખડાવવા લાગી.

રિધમે તેને શાંતિથી સમજાવ્યું, ‘જો સ્વરા એક કામ કર… આજે રાત્રે મારા ઘરે આવ. હું તને દાંડિયા પણ આપી દઇશ અને તને જાણવા પણ મળશે કે તે દાંડિયાની જોડ મારી પાસે રાખવાનું રહસ્ય શું છે ?’

‘એટલે… તું મને તારા ઘરે બોલાવવા માટે નાટક કરી રહ્યો છે?’ સ્વરા અકડાઇને બોલી.

‘જો સ્વરા, તુ સમજ….! હું તને મારા ઘરે બોલાવવા આ નાટક કરી રહ્યો હોય એવું નથી… આમ પણ આપણું ગ્રુપ આજે મારી સોસાયટીમાં આવવાનું છે, તું તેમની સાથે આવ અને રાત્રે જ હું તને બતાવીશ કે તે દાંડિયાની જોડ મારી પાસે કેમ રાખી છે.’ રિધમે ખૂબ શાંતિથી કહ્યું એટલે સ્વરાને વિશ્વાસ આવ્યો.

‘ઓકે… પણ જો મને લાગ્યું કે તું ખાલી ફ્લર્ટ કરે છે તો તારું આવી બન્યું…’ છેલ્લે તો સ્વરાએ ધમકી આપી પણ છેવટે તે ગરબે ઘુમવા આવવા તૈયાર થઇ.

રિધમે તેનાથી દૂર જતા એમ પણ કહ્યું, ‘આજે ગર્લ્સ માટે વિનર પ્રાઇઝમાં ફેમસ બ્રાંડની ચણિયાચોરી છે… તારે તે જીતવી હોય તો તને ટફ કોમ્પિટિશન આપે તેવી એક છોકરી સામે જીતવું પડશે.’

‘હું જીતવા નહી પણ દાંડિયાની જોડ લેવા આવું છું… અને તેં કહ્યું કે તારી સોસાયટીમાં કોઇ એવી છોકરી છે જે મને હરાવી શકે…?’ સ્વરાને પહેલીવાર કોઇ કહી રહ્યું હતું કે તેની સામે ગરબાની ટફ કોમ્પિટિશન છે. જો કે સ્વરાના શબ્દો રિધમ સુધી પહોંચે તે પહેલા તે દૂર નીકળી ગયો હતો.

સ્વરા કોલેજથી ઘરે આવી અને સાંજે પપ્પાને કહ્યું, ‘ ડેડી, આજે મારું કોલેજનું ગ્રુપ રિધમની સોસાયટીમાં ગરબા માટે જવાનું છે અને તેની સોસાયટીમાં જ અમે ગરબે ઘુમવાના છીએ… તમે કહો તો હું જઇશ…’

શ્રૃજલના કાને રિધમનું નામ પડતાં જ તે સોહામણાં યુવાનનું ચિત્ર યાદ આવી ગયું. તે કહીને ગયો હતો કે અંકલ તમને વાંસળી વગાડતાં આવડે છે ? તેની નજર સંગીત પારખું અને તેજસ્વી હતી. પણ પપ્પાનાં દ્રષ્ટીકોણથી આવી નજરો પોતાની દિકરી માટે અસુરક્ષિત લાગતી હોય છે.

શ્રૃજલે કહ્યું, ‘સ્વરા, તું જાય તેનો વાંધો નથી, પણ સાચવજે… મારી દુનીયામાં હવે એકમાત્ર તું જ છે…’ શ્રૃજલની આંખોમાં બાપની ચિંતા ઉપસી આવી.

‘અરે, પપ્પા… અમે બધા ક્લાસમેટ સાથે જવાના છીએ…. અને…. હું જઇશ તો તમારી દાંડિયાની જોડ પણ લેતી આવીશ. તે કોલેજ લાવવાનું ભૂલી જાય છે.’ સ્વરાએ જાણી જોઇને દાંડિયાની જોડની વાત ઉખેળી અને તેની અસર શ્રૃજલની આંખોમાં વર્તાઇ.

‘હા… મને કોઇ વાંધો નથી… આ તો એમ જ… દિકરીનો બાપ છું, એટલે….! રાતે બહુ મોડું ન કરતી….’ શ્રૃજલે રજા આપી.

રિધમની સોસાયટીનો કોમન પ્લોટ પાર્ટીપ્લોટથી કમ નહોતો.. તેમાં ભવ્ય રાસ ગરબાનું આયોજન હતું. ધીરે ધીરે બધા ભેગા થયા અને ગરબાની શરૂઆત થઇ. રિધમે ગરબા રમતી વખતે આંગળી ચિંધીને એક છોકરી સામે ઇશારો કર્યો.. જો કે સ્વરાની નજર તેની સામે અનેક્વાર ગઇ હતી. તે સ્વરાની ઉંમર જેટલી જ હશે, તે નોન ઇન્ડિયન હતી. ગુલાબી ટમેટા જેવા ગાલ, ભૂરા વાળની ઉડતી લટો, ગુલાબની પાંદડી જેવા હોઠ અને લચકતી કમર, સ્કિન ટાઇટ જીન્સ અને ચુસ્ત ટીશર્ટથી તેના શરીરના ઉભાર સૌ કોઇને આકર્ષિત કરે તેવા હતા.

તેનો માત્ર દેખાવ જ નહી પણ ગરબાના સ્ટેપ પણ ગુજરાતીઓને ચઢી જાય તેવા હતા… અને આજે પહેલીવાર સ્વરાને લાગ્યું કે રિધમ સાચુ કહેતો હતો તેની સાથે ટફ કોમ્પિટિશન થવાની હતી.

સ્વરા પણ તેનું બેસ્ટ પરફોર્મંન્સ આપી રહી હતી.. તેના સ્ટેપ જોઇ તે તેની નજીક આવી અને શુધ્ધ ગુજરાતીમાં બોલી, ‘ મને તમારા સ્ટેપ શીખવાડશો ?’ તેના અવાજમાં મધુરતા અને સરળતા હતી. અને બીજા રાઉન્ડમાં બન્ને એકબીજાની સાથે ગરબે ઘુમવા લાગ્યાં. તે માત્ર એક નજરથી નવા સ્ટેપ શીખી જતી હતી અને સ્વરા કરતા પણ વધુ અંગમરોડ કરીને તે સ્ટેપ સારી રીતે કરે રહી હતી. નિર્ણાયકો તે બન્નેની પાસે ઘણીવાર આવીને ચક્કર મારી ગયા.

‘હેલ્લો આઇ એમ લીઝા …યુ પ્લે ગરબા વેરી નાઇસલી’ બ્રેક્માં જ્યારે સ્વરા, રિધમ અને કોલેજ ગ્રુપના ફ્રેન્ડસ નાસ્તો કરી રહ્યા હતા ત્યાં સામે ચાલીને આવીને સ્વરા સામે દોસ્તીનો હાથ લંબાવ્યો.

‘આઇ એમ રિધમ.. લીવ ઇન ધીસ સોસાયટી…’ સ્વરા બોલે તે પહેલા રિધમે પોતાનો પરિચય આપીને તેના હાથને પકડી લીધો. સ્વરાએ તેની સામે ત્રાંસી નજરે જોયું તો તરત જ રિધમે તેનો હાથ મુકી દીધો.

‘આઇ એમ સ્વરા.. યુ ઓલ્સો પ્લે વેરી નાઇસ..’ સ્વરાએ પણ પોતાનો પરિચય આપ્યો. અને લીઝા થોડી મિનિટોમાં જ સૌ સાથે હળીમળી ગઇ. તે ગુજરાતી સારું જાણતી અને બોલી પણ શકતી હતી.

‘તમે આ સ્ટેપ ક્યાંથી શીખ્યા ?’ સ્વરાએ પુછ્યું.

‘ફ્રોમ માય મોમ….’ લીઝા એ મમ્મી કહેતા જ સ્વરાને તેની મમ્મી યાદ આવી ગઇ.

‘તમે પણ તમારી મમ્મી પાસે જ શીખ્યા હશો ?’ લીઝા ખૂબ માન આપીને વાત કરી રહી હતી.

‘યા…’ સ્વરાએ એક શબ્દમાં જવાબ આપ્યો.

ત્યાં રિધમ લીઝા માટે નાસ્તાની પ્લેટ લઇ આવ્યો. જો કે લીઝા એ તેનો સન્માનપૂર્વક ઇન્કાર કરતા કહ્યું, ‘ સો સ્પાઇસી… સો સોરી..’

સ્વરાએ લીઝા ને ન દેખાય તે રીતે રિધમને પાછળથી ચૂંટલો ખણ્યો અને રિધમને સંભળાય તે રીતે હોઠ દબાવીને બોલી, ‘ બહુ આશિકવેડાં કરવાનું રવા દે… અમારા માટે કોઇ’દી નાસ્તાની પ્લેટ લાવ્યો છે?’

ત્યાં સ્ટેજ પરથી રાસ રમવા માટે એનાઉન્સમેન્ટ થયું અને એમ પણ કહ્યું કે આ રાઉન્ડ પછી ઇનામ વિતરણ છે. રાસની શરુઆત થઇ, રિધમે સ્વરાને તેની દાંડિયાની જોડ આપી… બધા પોતપોતાની રીતે જોડી બનાવી ગોઠવાઇ ગયા. લીઝા સ્વરાની સામે આવીને ઉભી રહી… રિધમ સ્વરાની બાજુમાં હતો અને તેને સ્વરાને લીઝા ના હાથમાં રહેલા દાંડિયા તરફ જોવા ઇશારો કર્યો.

અને સ્વરાની નજર લીઝા ના હાથ પર ચોંટી ગઇ. તેના હાથમાં એવી જ દાંડિયાની જોડ હતી જે સ્વરાના હાથમાં હતી. સ્વરાએ ઝીણી નજરે જોયું તો તેના દાંડિયાની જોડ પર ગોપીનું ચિત્ર કોતરાયેલું હતું.

રાસ શરુ થયો અને રિધમે કહ્યું, ‘ આ લીઝા ત્રણ દિવસથી સોસાયટીમાં આવી છે, તેના હાથમાં તેં આપેલા દાંડિયા જેવી જ દાંડિયાની જોડ જોઇને મને તેની સાથે ઇન્ટ્રો કરવાની તક મળશે તેવું વિચારી હું દાંડિયા મારી પાસે રાખતો હતો. તારી દાંડિયાની જોડ પર કૃષ્ણની કોતરાયેલી છબી છે અને તેની જોડ પર રાધાની… મને એવું લાગ્યું કે આ બન્ને જોડ સાથે જ બની હશે. બન્ને બેજોડ અને એન્ટીક પીસ છે.’

અને સાચે જ એવું જ હતું. તે બન્ને રાધા કૃષ્ણની જોડ હોય તેમ બનાવેલી હતી. સ્વરા, લીઝા, રિધમ અને તેના બધા ફ્રેન્ડસ છેલ્લા તાલ સુધી રાસ રમ્યાં… લીઝા તો રાસ રમીને લાલ ગલગોટા જેવી થઇ ગઇ હતી.. વળી તેના ચહેરા પર જામેલા પ્રસ્વેદ બિંદુઓ પર રોશનીનો પ્રકાશ પડતા તે વધુ તેજસ્વી લાગી રહી હતી.

બેસ્ટ ગરબા પ્લેયર એનાઉન્સમેન્ટમાં એનાઉન્સરે જાહેરાત કરી, ‘ આ વખતે બધા નિર્ણાયકોનું માર્કિંગ ટોટલ કરતા ફર્સ્ટ નંબર પર બે લેડીને સરખા માર્ક્સ મળ્યાં છે.. અને તે છે સ્વરા અને લીઝા …..’

બન્ને વચ્ચે એક ચણિયાચોરી હતી એટલે આયોજકો મુંઝાયા. જો કે ત્યારે સ્વરાએ કહ્યું, ‘ આ ઇનામ હું લીઝા ને મળે તે જાહેર કરું છું અને લીઝા તે મારી ગિફ્ટ છે તેમ સમજી રાખી લે.’

જો કે લીઝા એ તેની ગિફ્ટ સ્વીકારી પણ સ્વરા સામે એવી શરત રાખી કે તે તેને આખું શહેર બતાવશે અને તેને કંપની આપવી પડશે. રિધમે તરત જ તેની ઓફર સ્વીકારી લીધી અને બોલ્યો, ‘ડોન્ટ વરી, મૈ હું ના….!’ જો કે સ્વરાની કતરાતી નજરથી તે ચુપ થઇ ગયો.

જો કે સ્વરાનું ધ્યાન તો લીઝા ના હાથમાં ગોળ ગોળ ફરી રહેલા દાંડિયાની જોડમાં હતું.

ક્રમશ: ………

– ડૉ. વિષ્ણુ પ્રજાપતિ

દાંડિયાની જોડ ભાગ–૫                                                                                                                                   દાંડિયાની જોડ | ભાગ–૭

Leave a Reply