Dr. Vishnu M. Prajapati

અંધારી રાતનો ગરબો…! ભાગ–૬

અંધકારમાં દિશાર્થી અને મયંકનું પ્રગાઢ આલિંગન વધુ ચુસ્ત બની રહ્યુ હતુ એ જ સમયે ગરબાની ધૂન ચાલી રહી હતી, ‘લગ જા ગલે કી ફિર યે હસી રાત હો ન હો…. શાયદ ફિર ઇસ જનમ મેં મુલાકાત હો ન હો…!’

ભીના ભીના હોઠની મદમસ્ત યુવાનીનો પ્રથમ સ્પર્શ માણવા મયંક વધુને વધુ નજીક આવી રહ્યો હતો ત્યાં જ દિશાર્થી એકાએક મયંકના આલિંગનમાંથી મુક્ત બની અંધકારની બહાર આવી ગઇ. મયંકના તરસ્યા હોઠ અને માદક મનની બધી જ તરસ અધુરી રહી ગઇ હતી. થોડી ક્ષણ પહેલા જ દિશાર્થીના રોમે રોમમાંથી પ્રેમનું જે અજબનું આકર્ષણ જાગ્યુ હતુ તે સાવ સંકેલાઇ ગયુ હતુ. દિશાર્થી એકાએક તેનો મુડ બદલતા બોલી, ‘કેટલુ સરસ ગીત છે, નહી ? શાયદ ફિર ઇસ જનમ મેં મુલાકાત હો ન હો…!’

મયંકના છેક હોઠે આવેલો પ્રેમરસનો પ્યાલો સ્પર્શ્યા વિના સાવ સ્વાદહીન બની દૂર ચાલ્યો ગયો હતો. દિશાર્થીને એકાએક બદલાયેલી જોઇને પૂછ્યું, ‘શું થયું દિશાર્થી ?’

દિશાર્થીએ મયંકની સામે જોયા વિના જ પોતે પહેરેલી ચણીયાચોળીની ડિઝાઇન જોઇને કહ્યું, ‘કાંઇ નહી…! તારી ચોઇસ સરસ છે… અને ફિટીંગ પણ પરફેક્ટ છે.’

‘મારી ચોઇસ નહી, પણ તું સુંદર છે…! લાગી રહ્યું છે કે ચાંદ આજે કાળી વાદળીઓની ઓઢણી ઓઢી મારી પાસે આવ્યો છે.’ મયંક ફરી દિશાર્થીની નજીક જવા લાગ્યો.

‘આપણે વધુ નજીક ન આવવું જોઇએ..’ દિશાર્થીએ વધુ દૂર જતા કહ્યું.

‘કેમ ? તારી આંખોમાં તો નથી લાગતું કે તું મારાથી દૂર રહેવા માંગે છે…!’ અજવાળે દિશાર્થીને જતા જોઇ મયંક બે ઘડી ખોવાઇ ગયો. કાળી ઓઢણી અને તેના ચમકતા ચાંદલાઓમાં તેની ખૂબસુરતી અનેકગણી વધી ગઇ હતી.

દૂર બાઇક તરફ જતા તે બોલી, ‘હું વધારે નજીક આવીને તને દુ:ખી કરવા માંગતી નથી કારણ કે થોડા દિવસો પછી જ આપણો વિયોગ નક્કી છે એટલે આપણે આપણા સબંધોને રોકી રાખવા જોઇએ.’

મયંકને તેની વાત ન ગમતા તે ઉભો રહી ગયો અને બોલ્યો,‘તો શું આ વખતે ફરી એજ રીતે તું મને એકલો મુકીને ચાલી જઇશ ?’

‘હા, એ નક્કી છે મયંક…! તેમાં હું પણ કંઇ કરી શકું તેમ નથી.. હું તને બધુ સમજાવી શકુ તેમ નથી પણ અત્યારે આપણને આ સંગાથની મળેલી ક્ષણો ગુમાવવી નથી…ચલ, મનભરીને ગરબે ઘુમી લઇએ..!!!’ દિશાર્થી હવે મયંકથી દૂર રોડ ક્રોસ કરી પાર્કિંગ ઝોનમાં રહેલા બાઇક પાસે પહોંચી ગઇ હતી.

મયંક ઉદાસ બની ગયો હતો તે દિશાર્થીને સમજી શકતો નહોતો. થોડી ક્ષણ પહેલા તો લાગ્યું હતુ કે તે ભવોભવની સંગાથી બની જશે પણ બીજી ક્ષણે વિયોગની વ્યથા ઠાલવવા લાગી હતી. કોઇપણ પરિચય વિના શરૂ થયેલો તેમનો પ્રણય ખરેખર કઇ દિશા તરફ જઇ રહ્યો હતો ? દિશાર્થી તેનો પ્રેમ અને પરિચય બન્ને કેમ છુપાવી રહી છે ? આંખોમા પ્રેમ અને શબ્દોમાં વ્યથા છે તે બન્નેનું રહસ્ય શું છે ?

મયંકને એકપણ સવાલના જવાબ મળશે કે નહી તે પણ નહોતો જાણતો છતાંપણ પોતે દિશાર્થી પ્રત્યેના પ્રેમના પથ પર ખૂબ આગળ નીકળી ગયો હતો. મનમાં અનેક પ્રશ્નો લઇ તે તેની પાછળ ચાલી રહ્યો હતો ત્યાં તેને ખ્યાલ આવ્યો કે તેના એક પગનાં જ પાયલ માંથી રુમઝુમનો અવાજ આવી રહ્યો હતો…! તે ઝડપથી તેની પાસે જવા માંગતો હતો ત્યાં જ એક કાર ખૂબ ઝડપથી તેની આગળ આવીને ઉભી રહી. દિશાર્થી અને મયંકની વચ્ચે કાર આવી જતા તે બન્ને એકમેકને જોઇ શકતા નહોતા.

તે કારમાંથી એક વ્યક્તિ ઝડપથી બહાર આવ્યો અને મયંકને ધમકી આપવા લાગ્યો, ‘જો મયંક, ભાસ્કરની આ છેલ્લી ધમકી છે, પેલા કાગળ તારી પાસે હોય કે તેં ફરી કોઇ ચાલાકી કરી હોય તો આપી દેજે, નહી તો….!’

‘નહી તો તું શું કરી લઇશ…!! ભાસ્કરને કહેજે કે થાય તે કરી લે પણ હું તમને તમારું ધાર્યુ નહી કરવા દઉં..!’ મયંકના વળતા જવાબથી તે વધુ ગુસ્સે ભરાયો અને મયંકને મારવા હાથ ઉગામ્યો પણ મયંકે બીજી ક્ષણે તેને તેનાથી વધુ ઝડપથી તેનો પ્રતિકાર કરી એક ફેંટ મારી દીધી.

બરાબર ગાલ પર પડેલીની મયંકની વજનદાર ફેંટથી તેનો અંદરનો ગાલ ચીરાઇ ગયો અને તેના મોંમાથી થૂંક સાથે લોહીનો કોગળો બહાર આવી ગયો…

કારની બહાર આવેલા યુવકની હાલત જોઇને અંદર બેઠેલા બીજા ત્રણ બદમાશ જેવા યુવાનો બહાર આવ્યા અને મયંકને ઉપાડી કાર તરફ ખેંચી લીધો. મયંકને ખૂબ બળજબરીપૂર્વક તેમને પકડી રાખ્યો હતો અને તે કાર ભયંકર ચીચીયારી સાથે તે જગ્યાથી દૂર દોડવા લાગી.

મયંકે કારની બીજી બાજુ જ્યાં દિશાર્થી ઉભી હતી ત્યાં નજર કરી પણ દિશાર્થી ત્યાં નહોતી… તે એકાએક ક્યાં ગઇ ? આ હુમલાથી તે ગભરાઇ ગઇ હશે કે કારની પાછળ દોડી હશે તે મયંક નક્કી ન કરી શક્યો. કારની પાછળની સીટમાં મયંકને ગળામાંથી દબોચીને ચૂપ કરી દીધો હતો અને પેલા વ્યક્તિએ મયંકને આગળની સીટમાંથી જ બે લાતો મયંકને ઠોકી પોતાનું વેર વાળી રહ્યો હતો.

તે કાર હરણીયા તળાવની પશ્ચિમ તરફના વળાંકે તેજ ગતીથી વળાંક લેતા રોડ પર ટાયરોના ઘસાવાનો અવાજ આવ્યા અને કાળા લસરકાની છાપ પડી ગઇ.

‘સાહેબ, તમે કેમ કાંઇ કરતા નથી ?’ હવાલદારે ટુથપીક પરથી દાંત ખોતરતા ખોતર સાહેબ તરફ જોઇને કહ્યું.

‘હા, હું મારા દાંત ખોતરું છું’ને…!’ ખોતરે સાવ બિન્દાસ્ત જવાબ આપ્યો.

‘સાહેબ, આ એ જ હતો જે દરરોજ નવ વાગે આ તળાવ પર આવે છે…! તેને કોઇ ઉઠાવી ગયું લાગે છે અને રાજન છેલ્લે તેને મળ્યો હતો..’ હવાલદારે ચોખવટ કરી.

ખોતરે હવે ટુથપિક પાકીટમાં મુકતા કહ્યું, ‘તે એજ ને જેને ચલણ આપ્યું હતુ ? તે દંડના ચલણમાં તેનું નામ મયંક લખેલું છે.’

હવાલદાર તો ખોતરના દિમાગ પર વારી ગયો અને બોલ્યો, ‘વાહ, સાહેબ શું દિમાગ છે તમારું ?’

જો કે ખોતરે તેના તરફ કોઇ ધ્યાન ન આપ્યું અને જીપ સ્ટાર્ટ કરી અને હવાલદાર બાજુમાં બેસતા જ ખોતરે પુછ્યું, ‘આ મયંકે પહેલા જેને માર્યુ હતુ તે કોણ હતો ?’ જીપનું એક્સિલેટર એકાએક દબાવતા જ જીપ્સીએ જાણે ઉડવાનું શરૂ કર્યુ.

‘સાહેબ, એનું નામ જહોન છે, શહેરના જાણીતા બિલ્ડર માઇકલ જહોનનો દિકરો અને ભાસ્કરનો જમણો હાથ છે…!’ હવાલદારે ખોતરની અપેક્ષા કરતા વધુ માહિતી આપતા તે ખુશ થયો અને એક હાથ સ્ટિયરીંગ પકડી બીજા હાથે નવી ટુથપીક આપી અને કહ્યું, ‘આને તારા માથામાં ફેરવ અને માથામાં તેનાથી ખંજવાળતો જા અને મને જહોનની કુંડળી કહેતો જા…!’

તેને તરત જ તે પ્રમાણે કર્યુ અને સાથે સાથે બોલવાનું શરૂ કર્યુ, ‘જહોન પણ આપણા સાહેબના રાજનની જેમ જ રખડેલ અને બગડેલ ઓલાદ… કોઇની જમીનો હડપ કરી લેવામાં તે હોંશિયાર… તેને ભાસ્કરનું પૈસાનું અને સત્તાનું પીઠબળ… સાહેબ બીજુ કહું તો આ તળાવનું નામ જ્યારથી હરણીયા તળાવમાંથી બદલીને ભાસ્કર તળાવ કર્યુ છે ત્યારથી જ તેમની પનોતી બેઠી છે… ગયા નવરાત્રમાં આ તળાવને સરખું કરી આજુબાજુની જમીન પચાવી પાડવાની શરૂઆત કરી હતી. છેલ્લા કેટલાય વર્ષોથી સુકાયેલા આ તળાવમાં ગયા વર્ષે જ પાણી ઠાલવીને આ જગ્યાની રોનક વધારતા આ જમીનોના ભાવ ઉંચકાયા હતા…પણ પાછળની હવેલી અને તેની આજુબાજુની જમીનના સોદા પછી કોકડું ગુંચવાયુ હતુ…’ ખોતર પણ હલાવદારની ખોપરી ખોતરવાથી કેટલીયે માહિતી નીકળી શકે છે તે સાંભળી રહ્યો હતો.

ખોતરે હવે તેની જીપ તળાવના પશ્ચિમ બાજુ વાળી. ત્યાંથી થોડે આગળ તે કાર ઉભી હતી અને કારના બધા દરવાજા ખુલ્લા હતા. ખોતરે તેની જીપ અને લાઇટો બંધ કરી શું થાય છે તે જોવા નજર ઝીણી કરી.. થોડે આગળ એક જુની પુરાની હવેલી હતી જો કે તે હવેલી પણ હવે ખંડેર બની ગઇ હતી.

આ જગ્યા સાવ સુમસામ અને અંધકારથી વધુ ડરાવની લાગી રહી હતી. ત્યાં જ તે અંધકારમાંથી મયંક ભાગીને તળાવની આડશ લઇને ભાગવામાં સફળ થયો હોય તેવું લાગ્યું. પેલા બદમાશો તેનો પીછો કરી રહ્યા હતા અને એક પડછાયો તળાવની કિનારે ઉભો રહી મયંકને પકડી લાવે તેની રાહ જોઇ રહ્યો હતો…

ખોતરે ત્યાં શું થાય છે તે જોઇ રહ્યો હતો… ત્યાં જ તળાવના કિનારે ઉભેલો એ પડછાયો અચાનક જ તળાવ તરફ ખેંચાયો…અને ધબાકના મોટા અવાજે તે પાણીમાં પડ્યો.. મોટો પથ્થર પાણીમાં પડ્યો હોય તેમ બીજી ક્ષણે જ તે પાણીમાં ગરકાવ થઇ ગયો.

ફક્ત એક મિનિટમાં જ શું થયું તે ખોતરને પણ સમજાયું નહી…! જો કે સામે દૂર અજવાળામાં મયંક ભાગી રહેલો દેખાઇ રહ્યો હતો.

મયંક ત્યાં જતી એક રીક્ષામાં બેઠો અને ફરી ત્યાં આવી ગયો જ્યાં દિશાર્થી રાહ જોઇને ઉભી હતી. દિશાર્થી દૂર પાળે બેઠી હતી અને મયંકને જોતા તે દોડીના પાસે આવી, ‘શું થયું હતુ મયંક ?’ તેને મયંકના ગાલ પર તેનો મુલાયમ હાથ ફેરવતા કહ્યું.

‘જહોનને હું જોઇ લઇશ…! એ શું સમજે છે તેના મનમાં.. તેને છોડીશ નહી.’ મયંક ગુસ્સામાં હતો. દિશાર્થીએ તેને શાંત કર્યો અને થોડીવાર પછી બન્ને મનને હળવું કરવા નવરાત્રીના ગરબે રમવા પહોંચી ગયા.

જ્યારે ઇન્સ્પેક્ટર ખોતર તળાવના એક અંધારીયા ખૂણેથી શાંત બની ગયેલી પાણીની આછી લહેરો અને તેના પર પડતી લાઇટના પ્રકાશના પ્રતિબિંબને જોઇ રહ્યો હતો. ત્યાં જ પેલા બદમાશો તે કાર લઇને નાસી છૂટ્યા…

નવરાત્રી પૂરી થયા પછી દિશાર્થી મયંકને બાય બાય કહીને ચાલી રહી હતી ત્યાં મયંકે પુછ્યું, ‘દિશાર્થી, તારા એક પગનું ઝાઝર ક્યાંક ખોવાઈ ગયું લાગે છે.. તેનો અવાજ કેમ નથી આવતો..?’

ત્યાં જ દિશાર્થીએ તેના બંને પગ સહેજ ખુલ્લા કર્યા.. એક પગ ખાલી અને બીજા પગનું ઝાઝર જોતા જ મયંકને કંપારી છૂટી ગઈ…!!

ક્રમશ: …….

લેખક : ડૉ. વિષ્ણુ પ્રજાપતિ

અંધારી રાતનો ગરબો…! ભાગ–૫                                                                                                           અંધારી રાતનો ગરબો…! ભાગ–૭

Leave a Reply