સવારે દસેક વાગ્યે ખોતરે આંખ ખોલી… જમણાં હાથ પર પાટો હતો… અંદર થોડું થોડું દર્દ થઇ રહ્યું હતું….!
‘સાહેબ… સાહેબ… ગજબ થઇ ગયો… બધુ છાપામાં આવી ગ્યું….!’ ખોતર આંખ ખોલે એની જ રાહ જોઇને કનુ કોન્સ્ટેબલ સામે જ બેઠો હતો.
‘શું છાપામાં આવ્યું…?’ ખોતરે સહેજ બેઠાં થતાં કહ્યું.
‘સાહેબ તમે રાત્રે ડોક્ટરને કીધુ હતું કે કોઇ અઘોરીબાવાએ ત્રિશૂળ માર્યુ છે.. તે વાત લીક થઇ ગઇ અને છાપામાં આ આવ્યું છે…!!’
સનસની અખબારનું ટાઇટલ પેજ કનુએ ખોતર સાહેબની સામે ધર્યુ,
‘કોઇ અદ્રશ્ય શક્તિએ ત્રિશૂળથી કર્યા ઇન્સપેક્ટરને ઘાયલ….! લોકોમાં ભૂત-પલિતની વહેતી થયેલી અફવાઓ…!!’
‘ગઇ રાત્રે સ્મશાન રોડ પર ઇન્સ્પેક્ટર ખોતર અને તેમના સાથી કનુ કોન્સ્ટેબલ સાથે પેટ્રોલિંગ પર નીકળ્યાં હતા. જ્યાં કોઇ અજાણ્યાં શખ્શે ત્રિશૂળથી ઇન્સ્પેક્ટર ખોતર પર હુમલો કર્યો હતો. તેમના સાથી કનુ કોન્સ્ટેબલનું કહેવું હતું કે તેને ખવિશ જેવું ભૂત ભાગતા જોયું હતું….! જ્યારે ઇન્સ્પેક્ટરનું કહેવું હતું કે તે કોઇ અઘોરીબાવો હતો…! શું નવરાત્રીના કાળ ચોઘડિયામાં મહાપ્રેત સાથે ઇન્સ્પેક્ટર ખોતરનો સામનો થયો હતો ? કે પછી મડદાંની ચોરીનો ઉકેલ ન કરી શકનાર પોલીસતંત્ર હરતા ફરતા સાધુ સંતો પર ધાક જમાવવા જતા તેમના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું છે ? શહેરને સુરક્ષિત રાખવાના વચનો આપનાર પોલીસ પણ શું અસુરક્ષિત…?’
ભેળસેળીયા સમાચાર સાથે હાથમાં ત્રિશૂળ ભોંકાયેલી ખોતરની એક તસ્વીર પણ છાપે ચઢી ગઇ હતી.
‘સનસની અખબાર તો સૌથી વધુ તેજ લાગે છે નહી કનીયા…?’
‘હા, સાહેબ… તમારા પર હનુમાનદાદાની કૃપા છે કે તમે ખવિશના હુમલા પછી બચી ગયા…!! મેં પહેલા પોલીસ ઇન્સપેક્ટર જોયા જે ભૂત સામે બાથ ભીડે સાહેબ…!’ અને કનીયાએ સલામ ઠોકી.
‘એ ભૂત નહોતું…!’ જો કે આગળની કોઇ વાત કનુને કહેવાની જરુર નહોતી એટલે ચૂપ થઇ ગયા.
થોડીવારમાં ડોક્ટર આવ્યા… તપાસ કરી અને બોલ્યા, ‘સારુ છે કે મેઇન આર્ટરી સાઇડ પર રહી ગઇ… નહિતર…!’
‘તમે મારી તસ્વીર લીધી અને ન્યુઝપેપરવાળાંને આપી પણ દીધી ?’ ખોતરે ઉલટતલાસની સ્ટાઇલમાં પુછ્યું.
‘સાહેબ, આવો કેસ તો ભાગ્યે જ આવે છે… તલવાર, ધારીયા, દાંતરડા, ચાકુ કે બ્લેડકટરથી હુમલા થતા જોયા છે પણ ત્રિશૂળથી હુમલાનો આ પહેલો કેસ જોયો…!’ ને ડોક્ટર હસી પડ્યાં.
‘શું હાથ બરાબર તો છે ને ?’ ખોતરે તેના જમણાં હાથની આંગળીઓ હલાવતા કહ્યું.
‘હા, કોઇ ચિંતા જેવું નથી. ત્રણ ચાર દિવસમાં રુઝ જ આવી જશે… દસ દિવસ પછી ટાંકા તોડી દઇશું… બપોર પછી તમારે ઘરે જવું હોય તો જઇ શકશો….!’ ડૉક્ટર તેમનું રુટીન ચેકઅપ પતાવી નીકળી ગયા.
ખોતર કંઇક વિચારી રહ્યા હતા ત્યાં જ રૂમમાં કોઇ સુંદર અને નમણી યુવતીએ અંદર આવવાની પરમિશન માંગી.. કનુ તો તેની સુંદર આંખો અને સુંદર ચહેરાને જોઇને સ્થિર થઇ ગયો.
‘યસ કમ ઇન…!’ ખોતર વિચારમાં જ હતો તેને દરવાજા તરફ નજર નહોતી કરી.
‘તે નજીક આવી… અને બોલી મને ઓળખી ?’
‘સોરી… આપણે પહેલા મળ્યા હોય તેવું યાદ નથી.’ ખોતરે તેની તરફ નજર કરતા કહ્યું.
‘આપણે ફોન પર મળ્યાં છીએ….. બે દિવસ પહેલા આપે મને ફોન કર્યો હતો…!!’
ખોતરને યાદ ન આવ્યું એટલે તેને સામેથી પરિચય આપ્યો, ‘હું છું RJ સુંદરા…!!’ સુંદરાનું નામ સાંભળતા જ કનુ ઉભો થઇ ગયો… ‘તમારો કાર્યક્રમ સરસ છે, મેં જ સાહેબને તમારો નંબર આપ્યો હતો…!’ ખોતરે કડક નજર કરી તો કનુને ચૂપ થઇ જવું પડ્યું.
‘મારે એકાંતમાં તમારી સાથે કેટલીક વાત કરવી છે.’ સુંદરાએ જે રીતે કહ્યું એટલે કનુ સમજી ગયો કે તેને રૂમની બહાર નીકળી જવું જોઇએ. તે બહાર ગયો.
સુંદરાએ તેને મળેલી પેલી ચીઠ્ઠી બહાર કાઢી અને કહ્યું, ‘ જે સ્થળે તમારા પર હુમલો થયો છે તે રોડની વાવમાં મને પણ એક ભયંકર અનુભવ થયો હતો… ભૂત છે કે મારો ભ્રમ તે હું જાણતી નથી… પણ આ ચીઠ્ઠીનું રહસ્ય મને સમજાતું નથી. મેં છાપામાં તમારું વાંચ્યુ એટલે અત્યારે જ તમને મળવા અહીં આવી છું.’
ખોતરે ડાબા હાથે ચીઠ્ઠી હાથમાં લીધી અને સુંદરાએ તેના લાઇવ કાર્યક્રમમાં આવેલો અજાણ્યો ફોન, મોહિનીની અધુરી ઇચ્છા, તેને વાવમાં સંભળાયેલા અવાજો, મોહિનીના પિતા સાથે એક્વાર થયેલી વાતચીત અને જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબર બધી રજેરજની માહિતી ખોતરને જણાવી.
‘સુંદરા… આ કોઇના લોહીથી લખાયેલા અધુરા ઓરતાં છે અને તે પુરા કરવા તને કેમ નિમિત્ત બનાવી તે ઇશ્વર જાણે…! પણ આ મહત્વની કડીઓ છે જેની પાછળ કંઇક રંધાઇ ગયું હોય તેવી મને બદબુ આવે છે…!’ ખોતરનું દિમાગ અત્યારે તેજીથી વિચારી રહ્યું હતું.
‘અને હા, જે નંબર પરથી કૉલ આવ્યો હતો તે નંબર પણ વિચિત્ર છે… સીધી રીતે જવાબ પણ નથી આપતો… કદાચ તે મોહિનીને જાણતો હોય…?’ સુંદરાએ તે નંબર પણ આપ્યો.
ખોતરે તે નંબર પર નજર કરી અને વાંચીને ખડખડાટ હસી પડ્યો….!
‘કેમ હસો છો ? નંબર લખવામાં કંઇક ગરબડ છે ?’ સુંદરા નિર્દોષભાવે બોલી.
‘એ તને નહી ખબર પડે… હું તને આ વ્યક્તિને હમણાં જ અહીં હાજર કરી શકું છું…!’
‘પણ એ તો માથા ફરેલ હોય એવો લાગે છે… RJનું કોઇ ભૂત વળગેલું હોય એમ વાતો કરે છે…!’
‘તું RJ છે એટલે તેને મળવાની મજા આવશે… આમ પણ મારે તેનું કામ છે…!!’ ખોતરે બૂમ મારી, ‘ કનુ….!!’
સલામ ઠોકતો કનુ અંદર આવ્યો…. ‘બે સ્પેશ્યલ ચાનો ઓર્ડર આપીને તું અત્યારે જ રખડેલ રેડિયોને અહીં ઉપાડી લાવ….!!’
‘રખડેલ રેડિયો…?’ સુંદરા અટપટું નામ સાંભળીને હસી પડી.
‘તુ એને જોઇશ એટલે તને ખબર પડી જશે… તું બેસ…ત્યાં સુધીમાં હું ફ્રેશ થઇને આવું….!!’ ખોતર ધીરેથી ઉભા થયા.
ખોતરે ચાય પે ચર્ચા શરૂ કરી, ‘ તેને ગાવાનો બહુ શોખ હતો.. રેડિયો પર કામ કરવું હતું, પણ તેને નોકરી મળી નહી એટલે દારુની લતે ચઢી ગયો અને તેનું મગજ અસ્થિર થઇ ગયું. હાલ તે હરતો ફરતો રેડિયો બનીને જુદા જુદા શહેરોમાં ફર્યે જાય છે…!’
‘ઓહહ… એટલે તે ગાંડો છે ? મેં ફોન કર્યો ત્યારે તેનું બિહેવીયર સાવ વિચિત્ર હતું…. પણ તે વાવ સાથે કોઇ ભેદી વાત તો અવશ્ય છે જ…!!’ સુંદરા હજુ અંદરથી ડર અનુભવી રહી હતી.
ત્યાં જ દરવાજે એક સાવ સુકલકડી, મેલોઘેલો, ગળે ત્રણ ચાર જાતના રેડિયો, મંજીરા, પાવો, નાનું ઢોલકું જેવા વાંજિત્રો ટીંગાડેલા ત્રીસેક વર્ષના છોકરાને કોલરથી પકડીને કનુ દાખલ થયો…. ‘સાહેબ રખડેલ રેડિયો હાજર…!’
‘સલામ સાહેબ….!! મારે સવારના લાઇવ કાર્યક્રમનો ટેમ થઇ ગ્યો છે…!’ અને તેની આદત મુજબ હેડકી ખાધી. સુંદરા સમજી ગઇ કે આ પેલો જ છે.
‘અલ્યા સવાર સવારમાં પીને આવ્યો છે ?’ ખોતરે ધમકાવતા કહ્યું.
‘સાહેબ ચા કરતા સસ્તો છે…. વધુ ક્વોન્ટીટી છે….અને ચઢે’ય છે એટલે…!!’ તેના પગ આડાઅવળાં થઇ રહ્યા હતા…
‘સારુ, આ છે RJ સુંદરા…!’ RJ સુંદરાનું નામ સાંભળતા જ તે ટટટાર થઇ ગયો અને બોલ્યો, ‘ ઓહ્હ્હ્હ્હ્હ RJ સુંદરા… મીટ માય સેલ્ફ આઇ એમ RJ ક…. ક….ક… કિરણ….!!’ તે હાથ મીલાવવા નજીક આવ્યો પણ કનુએ તેને પકડી રાખ્યો.
‘મોહિની ક્યાં છે ?’ ખોતરે કનુનો દંડો ડાબા હાથમાં લેતા કહ્યું.
‘કોણ મોહિની…?’ દંડો જોતા તે ડરી ગયો હતો.
‘જેને પહેલા નોરતાની રાતે તારા ફોન પરથી આ RJ સુંદરાને તેના લાઇવ પ્રોગ્રામ અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! માં કોલ કર્યો હતો….!!’
તે થોડો વિચારમાં હોય તેવું લાગ્યું અને પછી બોલ્યો, ‘સાહેબ… પેલા નોરતે મારો બર્થ ડેથ હતો… એટલે હું રાતે આઠ વાગે જ વાવમાં બે બાટલીને નાસ્તો લઇને પીવા જતો રીયો તો….!! પછી તો સાહેબ તમને ખબર છે’ને….!’ દંડો જોઇને તેની હેડકી બંધ થઇ ગઇ હતી.
‘સારુ તારો ફોન આપ….!!’ ખોતરે તેનો ફોન લઇ લીધો અને કનુને તેને બહાર લઇ જવા ઇશારો કર્યો.
‘સાહેબ સવારે મારો લાઇવ પ્રોગ્રામ છે…મારો ફોન…!!’ પણ કનુ ઘસડીને તેને બહાર લઇ જતો હતો ત્યાં તે બોલ્યો…. સાહેબ વાવમાં રોજ રાતે કંઇક થાય છે…!! ને કોઇક ત્યાંથી આવે’ને જાય છે….!!’ તે રખડેલ રેડિયોના છેલ્લા શબ્દો સાંભળતા જ ખોતરે કનુને ઉભો રહેવા ઇશારો કર્યો.
ખોતરે પોતાના ખિસ્સામાંથી એક ગુલાબી નોટ કાઢી અને રખડેલ રેડિયોના ખિસ્સામાં મુકી અને કહ્યું, ‘મને સાચુ કહીશ તો બીજી પણ આપીશ…!’
દંડા કરતા ગુલાબી નોટની તેના પર વધુ અસર થઇ અને તેના મોઢેથી કેટલાક રહસ્યો આપોઆપ ખુલવા લાગ્યા જેનાથી સુંદરાના મોં પરની રેખાઓ બદલાવા લાગી….!!
ક્રમશ : …….
લેખક: ડૉ. વિષ્ણુ પ્રજાપતિ
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦
અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૫ અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૭
Categories: Dr. Vishnu M. Prajapati