Dr. Vishnu M. Prajapati

અંધારી રાતનો ગરબો…! ભાગ–૫

ઇન્સ્પેક્ટર ખોતર તેની આદત મુજબ ટુથપીકથી દાંત ખોતરી રહ્યો હતો. તે એકપછી એક બધા હરણીયા તળાવથી લઇને યંગ કલ્ચર પાર્ટી પ્લોટના બધા ડ્યુટી પરના પોલીસને વારાફરતી સાંભળી રહ્યો હતો. પાર્ટી પ્લોટના સીસીટીવી ફૂટેજમાં પણ અંધારુ હોવાથી ફક્ત કાચ તુટતા દેખાઇ રહ્યા હતા… તે કારની આસપાસ કોઇ નહોતું.

‘એટલે રાજન બીજા નોરતાની રાતે તે તળાવ પર એકલો જ આવ્યો હતો..?’ ખોતરે એક હવાલદારની સામે જોઇને કહ્યું.

‘હા, સાહેબ.’

‘રાતે તે ત્યાં કેમ આવતો હશે ?’

તે હવાલદારે ખોતર સાહેબ સામે જોઇને ધીરેથી કહ્યું, ‘સાહેબ, બધાને ખબર છે કે તે શરાબ અને શબાબનો શોખીન હતો… મેં પણ તે રાતે તેના હાથમાં બ્રાંડેડ બોટલ જોઇ હતી… તે આપણા સાહેબનો છોકરો એટલે તેને કહીએ પણ શું ?’

‘બીજુ કંઇ ખાસ જે તે જોયું હોય…?’ ખોતરને ખોતરણી કરવામાં મજા આવતી હતી.

‘હા, સાહેબ આ ચાર નવરાત્રીમાં મેં એક યુવાનને દરરોજ ત્યાં જોયો છે. તે બરાબર નવ વાગ્યે આવે છે અને એકવાર તો મેં તેને દંડ કરી ચલણ પણ પકડાવી દીધુ હતુ.’ તેને વધારાની માહિતી પણ આપી.

‘તે ચલણ મને મોક્લાવ…!’ ખોતરે આખરે ટુથપીક વોલેટમાં મુકી આજની ઇન્કવાયરી પુરી કરી.

ઇન્સપેકટર ખોતરે અનેક જટીલ કેસો તેની કુશાગ્ર બુધ્ધિથી પાર પાડ્યા હતા. ખોતર તેની અટક હતી, તેને દાંત અને મળેલા દરેક ખૂન કેસને ખૂબ બારીકાઇથી ખોતરવાની આદત હતી.

‘રાજનના દરેક મિત્રોની માહિતી, તેના શોખ, તેની રોજિંદી ક્રિયાઓ અને તેનો બાયોડેટા મને ક્યારે મળશે ?’ ખોતરે બાજુમાં ઉભેલા સબ ઇન્સ્પેકટરને કહ્યું.

‘ડીઆઇજી સાહેબે આ ફાઇલમાં આપને બધુ મોકલી આપ્યું છે અને સાંજે સાત વાગે તમને મળવા બોલાવ્યા છે.’ તે સબ ઇન્સપેક્ટરે એક ફાઇલ આપતા કહ્યું.

તે ફાઇલ વાંચતા ખોતર એકાએક હસી પડ્યો, ‘જે દરરોજ સ્વિમીંગમાં જાય છે તે જ તળાવમાં ડૂબી મર્યો..! સ્વિમીંગ પુલના કોચ પાસેથી માહિતી લઇ આવો કે તે તરવાનું શીખવાડ્યું હતુ કે ડુબવાનું ?’ ખોતરની ઝીણી નજરનો પરચો ત્યાં ઉભેલા દરેકને થવા લાગ્યો હતો.

‘તેના મિત્રોમાં ભાસ્કર, જહોન મુખ્ય છે અને તેની નીચે બાર નામો છે. તે બધાની પૂછપરછ કરવી પડશે.. અને પોસ્ટમોર્ટમ રીપોર્ટ ?’ ખોતરે ફાઇલ ફંફોસતા કહ્યું.

‘તે ડીઆઇજી સાહેબ પાસે જ પહેલા પહોંચશે અને એટલે જ સાંજે તમને ત્યાં બોલાવ્યા છે સર..!’ સબ ઇન્સપેક્ટરે કહ્યું ત્યાં જ ખોતરની મોબાઇલ રીંગ રણકી. તેની રીંગટોન પણ ગરબાની જ હતી,

‘ઘોર અંધારી રે રાતલડીમાં નિસર્યા ચાર અસવાર…!
કાળે ઘોડે રે કોણ ચઢે માં કાળકાનો અસવાર…
કાળકા માવડી રે રણે ચડ્યા મા સોળ સજી શણગાર…!!’

રીંગટોનની મજા લેતા લેતા ખોતરે ફોન રીસીવ કર્યો, ‘યસ સર…!’

થોડીવાર ચુપ રહીને ફરી કહ્યું, ‘સાંજે મળીશ ત્યાં સુધી તો ખૂની તરફની દિશા મળી જશે તેવુ લાગે છે..!’ એટલું કહી ફોન મુકી દીધો.

‘એટલે સર, રાજનનું ખૂન થયું છે?’ સબ ઇન્સપેક્ટરની આંખો પહોળી થઇ ગઇ.

‘દારુ પીને લોકો મસ્તીએ ચઢે છે… આત્મહત્યા થોડી કરે છે ?’ ખોતરે જે રીતે જવાબ વાળ્યો તે જોતા બધાને લાગ્યું કે ખોતર સાહેબનું ભેજું જુદી જ માટીનું બનેલુ છે.

સાંજે બરાબર સાત વાગે ડીઆઇજી રઘુરાયની કેબિનમાં પણ ખોતરની દાંત ખોતરવાની પ્રક્રિયા ચાલુ હતી. પોસ્ટમોર્ટમ રીપોર્ટ રઘુરાયના હાથમાં હતો. તે ખોતરને કહી રહ્યા હતા, ‘મૃત્યુ તો પાણીમાં ડુબવાથી જ થયું છે..! તે આત્મહત્યા કરે તેમ નહોતો, તેને કોઇ દુ:ખ નહોતું, બોડીમાં પુષ્કળ પ્રમાણમાં આલ્કોહોલ મળ્યુ છે જે રીપોર્ટ દબાવી દીધો છે.’ રઘુરાયે એક પિતા અને પોલીસ બન્ને નજરે કેસ જોઇ રહ્યા હતા.

‘તમે મને આલ્કોહોલ વિશે સત્ય કહ્યું તેનો આનંદ થયો.’ ખોતરે સાહેબ તરફ ઇશારો કરી પોસ્ટમોર્ટમની ફાઇલ હાથમાં લીધી.

‘તારી પાસે કોઇ કંઇ છુપાવે તો’ય તું ખોતરીને બહાર કાઢી લે તેવો છે..!’ રઘુરાય પુત્રના મોતના દુ:ખને દબાવી હસવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

‘ભાસ્કર વિશે શું લાગે છે?’ ખોતરે તેની આદત મુજબ જ ખોતરણી શરૂ કરી.

‘રાજ વંશનો બગડેલો વારસ, મારા દિકરાને તેનાથી દુર થવા અનેકવાર સમજાવી ચુક્યો હતો પણ તે કરી ન શક્યો… તે ભાસ્કર સાથે મળીને હમણા તેના મહેલથી તળાવની પશ્ચિમ છેડાની જમીનો ખરીદવામાં પડ્યા હતા. તેને ભાસ્કર સાથે સારુ બનતું હતુ કોઇ દુશ્મનાવટ થાય તેવી કોઇ વાત નહોતી.’ રઘુરાયે કહ્યું.

ખોતર પોસ્ટમોર્ટમનો રીપોર્ટ ઝીણવટથી જોવા લાગ્યો, ‘ફેફસા દબાયેલા છે તેનો મતલબ છે કે તેની છાતી પર કોઇ ભારે દબાણ આવ્યું હોવું જોઇએ. પાણીમાં ડુબાયેલા વ્યક્તિના ફેફસા ફુલાયેલા જ હોય.’ ખોતરની આ વાતથી ખુદ ડીઆઇજી પણ ચકિત થઇ ગયા.

‘આ વાત મારા ધ્યાને કેમ ન આવી ?’ રઘુરાયે ટેબલ પર હાથ પછાડતા કહ્યું.

‘જો કે ફેફસા દબાય તેવું દબાણ થયું હોય અને છાતી પર એક પણ વાગ્યાનું નિશાન ન હોય તે મારી સમજથી બહાર છે.’ ખોતરે જ્યારે આ બીજો પોઇન્ટ કહ્યો ત્યારે રઘુરાય ફરી ચિંતીત મુદ્રામાં આવી ગયા.

ખોતરની નજર રીપોર્ટ પર ફરી રહી હતી અને ત્યાં જ કોઇ કડી મળી હોય તેમ બોલ્યો, ‘બીજી એક અગત્યની વાત એ છે કે તેના જમણા હાથની મુઠ્ઠી બંધ છે અને તેની અંદર અણીદાર વસ્તુ ખુંચી ગઇ હોય તેવા નીશાન છે.’

‘એ તો એમ પણ હોય કે તેને ડૂબતા પહેલા કોઇ કાંટાળી વનસ્પતિ પકડી હોય અને તેના કાંટા તેના હાથમાં વાગ્યા હોય..’ રઘુરાયે તર્ક લગાવ્યો અને ખોતરની વાત પર પૂર્ણવિરામ મુકી દીધુ.

ખોતર માટે પૂર્ણવિરામ તો ત્યારે જ આવે જ્યારે કેસ સોલ્વ થઇ જાય. તેને ખૂબ ગંભીરતાથી વાત આગળ વધારી, ‘સર આ પોસ્ટમોર્ટમ કરનારને શાબશી જરુર આપજો કે તેને એ પણ લખ્યું છે કે તેના હાથમાં ફક્ત નિશાન જ મળ્યાં છે… કોઇ વસ્તુ મળી નથી….એટલે કે બંધ મુઠ્ઠીમાંથી તે કાંટા વાગ્યા હોય તો જાય ક્યાં ?’

ખોતરની વાત સાંભળતા જ ખુદ ડીઆઇજી ઉભા થઇને ખોતરની સીટ પાસે આવી ગયા અને બોલ્યા, ‘મને લાગે છે કે કેસ સોલ્વ થઇને જ રહેશે.’

ખોતરને મશ્કા નહોતા ગમતા તે સત્યનો ચાહક હતો એટલે બોલ્યો, ‘સર, આ તો આપણા જેવા સત્તાધારી લોકો પોસ્ટમોર્ટમને ગુંચવી નાંખવા ડોક્ટરોને મજબૂર કરતા હોય છે, બાકી હું માનું છું કે કોઇ લાશ ક્યારેય જુઠ્ઠુ બોલતી નથી. અને આ રીપોર્ટ સ્પષ્ટ કહી રહ્યો છે કે રાજનની છાતી પર ભયંકર દબાણ આવેલું છે, તેને કોઇ વસ્તુ પકડેલી છે… દારુ પીનારા મોજમસ્તી જરુર કરી શકે… પાણીમાં કુદીને આત્મહત્યા નહી…!’

‘એટલે આ મર્ડર જ છે?’ રઘુરાયે થોડીવાર વિચારીને કહ્યું.

ખોતરે ખુરશી પરથી ઉભા થતા કહ્યું, ‘સો ટકા અને તે આ ખોતરની ખાતરી છે. તમને ખબર છે’ને સર કે મને ખાલી ખાલી ખાતરી આપવાનો કોઇ શોખ નથી.’

રઘુરાય તેના આત્મવિશ્વાસને જોઇ રહ્યા હતા અને તેમને અંગુઠો ઉંચો કરી હકાર ભણી હતી. જો કે જતા જતા ખોતરે કહ્યુ પણ ખરુ કે, ‘સર, કેસ હાથમાં લીધા પછી મને પોલીટીકલ પ્રેસર, બદલીની ધમકી વગેરે વગેરે ગમતું નથી એટલે…!’

‘હું તારી સાથે જ છું, નિશ્ચિંત બની કામ કર…તે બધુ હું સંભાળી લઇશ.’ ખુદ ડીઆઇજી સાહેબે ખોતરને ખાતરી આપતા તે ઝડપથી ઓફીસની બહાર નીકળ્યો.

ત્યાં જ તેના ફોનની રીંગ વાગી,

‘એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ,
અમદાવાદી નગરી એની ફરતી કોટે કાંગરી,
માણેકલાલની મઢી, ગુલઝારી જોવા હાલી…
એ વહુ તમે નો જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી…!’
ખોતરે કોલ રીસીવ કરી અને સામે છેડે સાંભળ્યા પછી કહ્યું, ‘હા, હું પહોંચુ જ છું ત્યા…!’

**** ***

મયંકને ખાત્રી હતી કે આજે દિશાર્થી ચોક્કસ આવશે જ…! પાંચમુ નવરાત્ર ગરબે રમવા તે ગોવાળીયાનું કાળું કેડિયું પહેરીને આવ્યો હતો. ગૌરવર્ણ અને માંસલ શરીરથી તે વધુ સોહામણો લાગી રહ્યો હતો. તે કાળા રંગની, આભલાવાળી અને ગામઠી ચણિયાચોળી દિશાર્થીને ગિફ્ટમાં આપવા માટે લાવ્યો હતો.

‘આજે તો તેને લડીશ અને કહીશ કે તારા વિના મારી નવરાત્રી સાવ સુની સુની લાગે છે…!’ મયંક તેની કાયમી જગ્યાએ રાહ જોઇને ઉભો હતો.

યંગ કલ્ચરમાં આરતી પૂર્ણ થતાની સાથે જ દિશાર્થી દૂર ઉભેલી દેખાઇ. તેને આજે પણ તેની જુની ચણિયાચોળી જ પહેરી હતી. તે સામે આવતા જ મયંક તેની બધી ફરીયાદો ભૂલી ગયો અને બોલ્યો, ‘દિશાર્થી હું તારા વિના નથી રહી શકતો, પ્લીઝ મને મુકીને ન જઇશ.’

દિશાર્થી તેને સાંભળતા જ હસવા લાગી અને ગાલ પર ટપલી મારતા બોલી, ‘આજે તો કાનુડા જેવો લાગે છે. ગોપીઓની તો લાઇન લાગશે… મારી ક્યાં જરુર છે તારે ?’

‘મારે તો રાધા જોઇએ છે, તારા જેવી…?’ મયંકે એકહાથે તેનો હાથ પકડતા કહ્યું.

‘હું તો દિશાર્થી છું, રાધા નહી…! અને તારો બીજો હાથ પાછળ કેમ છે ?’ દિશાર્થીએ પાછળ વળીને જોયું.

‘તારા માટેની આ મારી ગીફ્ટ…’ મયંકે તેની બેગ તેની તરફ કરી.

દિશાર્થીએ તે ખોલીને જોતા જ ખુશ થઇ ગઇ અને બોલી, ‘તને કેવી રીતે ખબર પડી કે મને કાળો રંગ વધારે ગમે છે ?’

‘તને ગમી’ને… તો અત્યારે જ પહેરી લે..!’ મયંકે પાછળના અંધકાર તરફ જોઇને કહ્યું.

‘પણ તુ મારી પાછળ નહી આવે’ને ?’ દિશાર્થીએ કામણગારી નજર લડાવતા કહ્યું.

‘તું બોલાવીશ તો જરુર આવીશ.’ મયંકે પણ રોમાન્ટિક અદાથી કહ્યું.

દિશાર્થી તે ચણિયાચોળી લઇને પાછળના અંધકારમાં ગઇ અને થોડીવાર પછી મયંકને અંદર બોલાવ્યો. તેનાથી પીઠ પર લાગેલી દોરી બંધાતી નહોતી.

તેની મુલાયમ અને ગોરી ગોરી પીઠ જોતા જ મયંકના રોમેરોમ હર્ષથી ખીલી ઉઠ્યા. તે દોરી બાંધતા દિશાર્થીની પીઠ પર થતો સ્પર્શ તેને વધુ રોમાંચિત કરી રહ્યો હતો. દોરી બરાબર બંધાઇ ગયા પછી મયંક પોતાને કાબૂમાં રાખી શકે તેમ નહોતો એટલે તે બહાર જવા લાગ્યો… અને ત્યાં જ એ અંધકારમાં દિશાર્થીએ મયંકને પકડીને દીર્ધ આલિંગનમાં સમાવી લીધો અને બન્નેના હોઠ એકમેકની લગોલગ આવી ગયા….

ક્રમશ: …….

લેખક : ડૉ. વિષ્ણુ પ્રજાપતિ

અંધારી રાતનો ગરબો…! ભાગ–૪                                                                                                                    અંધારી રાતનો ગરબો…! ભાગ–૬

1 reply »

Leave a Reply