‘ડીંગ ડોંગ…!’ ડૉ. ખેરે બેલ મારી અને પછીનું પેશન્ટ દરવાજાની અંદર આવ્યું. ફાઇલ ટેબલ પર મુકી અને તે કપલ ડોક્ટર સામે તાકી રહ્યું.
‘હમ્મ્મ બેન, બોલો શું થયું છે ?’
‘ચોથો મહિનો છે…’ બેનના બદલે ભાઇ બોલ્યા.
‘હા, તો પહેલા તપાસ કરી લઇએ અને દવા શરૂ કરી દઇએ….!’
‘તપાસ કરાવી લીધી છે, ડો. ભૂંગળા સાહેબે મોકલ્યા છે…!’
ભૂંગળા સાહેબનું નામ પડતાં જ ડૉ. ખેરે ચશ્માંની દાંડી સીધી કરી અને બન્ને તરફ થોડીવાર તાકીને જોયું. તેમને પેન નીચે મુકીને કહ્યું, ‘ક્યારે દાખલ થાવ છો ?’
‘તમે કહો તો અત્યારે જ… બધી તૈયારી સાથે આવ્યા છીએ…!’
ખેરે તેની સૌથી ભરોસાપાત્ર નર્સને બોલાવી અને કહ્યું, ‘આમને સ્પેશ્યલ રૂમમાં દાખલ કરી દે… બધુ સમજાવી દેજે… ચોથો મહિનો છે… !’ નર્સ બધુ ઇશારાથી જ સમજી ગઇ હતી.
‘સાહેબ કેટલા થશે..?’
‘એ બધુ સમજાવી દેશે… જો મંજુર હોય તો જ રોકાજો અને આ તો ભૂંગળા સાહેબના તમે ખાસ છો એટલે… બાકી તો…!’ ખેર સાહેબે તેમને નર્સની સાથે જવા ઇશારો કરી દીધો.
બીજા દર્દીને બોલાવે તે પહેલા ડોક્ટરે ભૂંગળાને કૉલ કરીને ઉલટ તપાસ કરી લીધી. ફોન ડિસકનેકટ કર્યો ત્યાં જ AGR નામથી એક કૉલ આવ્યો અને ડો. ખેર મલકાઇ ઉઠ્યાં.. કૉલ રીસીવ કર્યો… અને તેમને ચુપચાપ સામેથી આવતા અવાજને સાંભળ્યો. થોડીવાર પછી એટલું જ કહ્યું, ‘આજ રાત કો મીલ જાયેગા….!!’
થોડીવાર પછી પેલી નર્સ આવી અને બોલી, ‘સાહેબ તેઓ તૈયાર છે, દવાઓ મંગાવી લીધી છે. તેમના ફૉન જમા કરી લીધા છે. લગભગ દસ વાગ્યા સુધીમાં કામ પતી જશે. કાલે સવારે વહેલા રજા આપી દઇશું.
‘પૈસા જમા કરાવી દીધા…?’
‘હાં…! કોડવર્ડમાં જ બધી વાત ખતમ કરી ડો. ખેરે પછી તરત પોતાની રૂટીન ઓપીડી શરૂ કરી.
ઓપીડીમાં છેલ્લે આવેલ એક વ્યક્તિને કન્સલ્ટીંગ રૂમમાં દાખલ થતો જોઇ ડો. ખેર ઉભા થઇ ગયા. ‘તું અહીં કેમ આવ્યો…?’
‘તમે એને મારી નાખી અને લાશ પણ મને નથી આપી… શું તે જીવે છે ? તમે એને ક્યાંક ભગાડી તો નથી દીધી ને ?’
‘તું જાણે છે કે એને કોરોના પોઝીટીવ હતો એટલે લાશ ન મળે…. અહિંથી તેને કોરોના વોર્ડમાં દાખલ કરી હતી અને ત્યાં જ તેનું ડેથ થઇ ગયું હતું. ડેથ સર્ટીફિકેટ મળી જશે.’ પણ તારે આમ વારંવાર અહીં ન આવવું.. એના પરિવારને સમજાવી દેવાની જવાબદારી તારી છે. તે પ્રેગનન્ટ હતી અને તેના ડિક્લેરેશન લેટર પર પણ તારી સહી છે. મારો મતલબ એ છે કે બધા પુરાવા મારી પાસે પણ છે એટલે મહેરબાની કરીને મારા પર કોઇ આરોપ મુકતા પહેલા તારે સો વાર વિચારવું પડશે.
સામે બેસેલો માણસ ગુંચવાઇ ગયો હતો અને ગુસ્સાભરી ચાલે કેબીનની બહાર નીકળી ગયો.
———-
‘ગુડ ઇવનિંગ અમદાવાદ… હું છું તમારી RJ સુંદરા, અને તમે સાંભળી રહ્યા છો મારી સાથે સ્પેશ્યલ કાર્યક્રમ ‘અધુરા નોરતાં… અધુરા ઓરતાં…!’ ચલો સાંભળીયે કે પાંચમા નોરતાની પહેલી ફરમાઇશ કોની છે ?
ત્યાં કૉલ આવ્યો, ‘સુંદરા, હું ઘનશ્યામભાઇ બોલું છું.. મારે તમારા આ કાર્યક્રમથી બધાને કંઇક કહેવું છે…!’
‘હા, જરુર…!’
‘આ નવરાત્રીમાં અનેક યુવાન દિકરીઓના પપ્પાને નિરાંત થઇ છે… પહેલા તો રાત્રે ગરબા ઘુમવા જતી તો મનમાં શંકા-કુશંકા થતી રહેતી… ક્યાંક ઘરે નહી આવે એવો ડર પણ રહેતો…. છાપામાં નવરાત્રી પછી ગાયનેક હોસ્પિટલના ન્યુઝ વાંચીયે તો ગભરાઇ જતા હતા કે ક્યાંક અમારી દિકરી અવળે માર્ગે તો નહી હોય ને ? કોઇ તેને ફોસવાવી તો નહી ગયું હોય ને ? તમારી ઉંમરના યુવાનોને મારી વાત નહી ગમે પણ યુવાન દિકરીના પિતા મારી વેદના સારી રીતે સમજી શકશે…!! બેટા સુંદરા… તું પણ કોઇની દિકરી છે, તારા પિતાજીને પુછી જો જે કે દિકરી સમયસર ઘરે પાછી ન ફરે તો કેવી વેદના થાય છે ? તેના માટે મેં તમારા કાર્યક્રમ પર એક વિશેષ ગરબો લખ્યો છે તે સંભળાવવો છે…!’
‘જરુર અંકલ….!’ સુંદરા બોલી. સુંદરાને લાગ્યું કે તે વ્યક્તિ ખરેખર એક પિતાની મનોવ્યથા રજૂ કરી રહ્યા હતા.
તેમને ગરબાના લયમાં તેમનો સ્વરચિત ગરબો ગાવાનો શરૂ કર્યો…
‘અધુરા નોરતાં ભલે ગયા…. અધુરા ઓરતા ભલે રહ્યા…!!
પણ,
દિકરી ઘરમાં સાથે રહી તો, દિકરી ઘરમાં સાથે રહી તો…!!
મા બાપના ટેન્શન હળવા થયાં…!! હા, મા બાપના ટેન્શન હળવા થયાં…!!
અધુરા નોરતાં ભલે ગયા…. અધુરા ઓરતા ભલે રહ્યા…!!
પણ,
લટખૂટ ખર્ચા બંધ થયા …. લટખૂટ ખર્ચા બંધ થયા ….!
ને રખડતાં રોમિયો ઘરમાં રહ્યાં…! હા, રખડતાં રોમિયો ઘરમાં રહ્યાં…!
અધુરા નોરતાં ભલે ગયા… અધુરા ઓરતા ભલે રહ્યા…!!
પણ,
નવદુર્ગાની આરતી સૌએ કરી.. પરિવાર સાથે પૂજા કરી…
એકબીજાની સાથે સંપી રહ્યા… હા, આ નોરતાં યાદગાર રહ્યાં…!!’
અને ઘનશ્યામભાઇએ પોતાના દિલની વાત કરીને સૌને ખુશ કરી દીધા… છેલ્લે કહ્યું, ‘દિકરા સુંદરા, કદાચ, મેં કંઇ ખોટું કહ્યું હોય તો માફ કરજે…! નવરાત્રીના કારણે સમાજમાં ઘણાં કિસ્સા એવા બને છે કે દિકરીના બાપને તેમના જીવનનો કાયમનો વસવસો રહી જાય છે. એટલે મારી અધુરી ઇચ્છા હતી કે આ ગરબો સૌ સાંભળે તે તમારા કાર્યક્રમ થકી પુરી થઇ… મા જગદંબે તને અપાર શક્તિઓ આપે…!’
સુંદરાએ પણ તેમના અભિવાદન સાથે કોલ પુરો કર્યો… આ સમયે સુંદરાને અંદરોઅંદર તેના પપ્પાનો વિચાર આવી ગયો…!! શું તે પણ મારા માટે આ રીતે જ વ્યથિત થતા હશે ?’ જો કે તેને તેનું મન તેના કાર્યક્રમમાં પોરવી દીધું.
——–
રાત્રે બરાબર બાર વાગ્યા હતા… રસ્તાઓ સૂમસામ હતા…. ક્યાંક ટોળે વળેલાં લોકો ખોતરની ગાડીની સાયરન વાગતા જ વેરવિખેર થઇ જતા હતા.
પોલીસવાન ખોતરના હાથના ઇશારે શહેરની લાઇટોના અજવાળાંથી દૂર કોઇ અંધારીયા રસ્તા તરફ વળી….! ખોતરે વાનની સ્પિડ ધીમી કરી અને અહીં કોઇ ચહલપહલ છે કે નહી તે જોવા સામેના રસ્તા પર આંખો ઝીણી કરી… આગળ રસ્તો સાવ ભેંકાર હતો… વાનના પ્રકાશને કારણે કાળો ડામર અને આજુબાજુની ઝાડીઓ જ દેખાઇ રહી હતી.
‘સાહેબ…. અહીંથી જલ્દી કરો… આ રસ્તો નથી સારો…!’
‘કેમ નથી સારો….? શું ભૂવા પડી ગયેલા છે…?
‘સાહેબ.. ભૂવા નહી, રાતે ભટકતાં ભૂતોનો આ રસ્તો છે…!! આગળ પેલું કબ્રસ્તાન છે…!’
ખોતર આજે રાત્રે તે કબ્રસ્તાન જ જોવા માંગતો હતો જેમાંથી કોઇ મડદાં ઉઠાવી રહ્યું હતું.
કબ્રસ્તાનથી થોડે દૂર ખોતરે ગાડી ઉભી રાખી… કનુ કોન્ટેબલ તો સામે કબ્રસ્તાન જોતા જ ડરીને થીજી ગયો…. ‘જય હનુમાન જ્ઞાન ગુન સાગર…!’ ગણગણવા લાગ્યો.
‘ચલ, કનીયા… અંદર જઇએ…!’ ખોતરે તેની ટોર્ચ હાથમાં લેતા કહ્યું.
‘સાહેબ, બાર વાગ્યા છે…. સામે કબ્રસ્તાન અને નોરતાંની રાત… મેં સાંભળ્યું છે કે ભૂતો અને ચૂડેલો નવરાત્રીમાં ગરબે રમતા હોય છે…!!’ કનુ ગાડીમાં જ તેનો દંડો પકડીને બેસી રહ્યો.
‘હું જવું છું… આ નોરતાંમાં આમેય ગરબે રમવા નથી મળ્યું… જોઇએ ભૂતોની નવરાત્રી કેવી હોય છે…!’ ખોતરે વાનની લાઇટ બંધ કરી તો અંધકાર છવાઇ ગયો… ખોતરે તેની ટોર્ચની સ્વીચ ઓન કરતા કાળો અંધકાર ચીરાઇ ગયો.
ખોતરની નજર કબ્રસ્તાનના દરવાજા પર સ્થિર થઇ. મુખ્ય રસ્તાથી કબ્રસ્તાન થોડું અંદર હતું અને રસ્તો ઉબડ ખાબડ હતો. કબ્રસ્તાનના આગળના ભાગે જુની વાવ હતી… આ તેનો પાછળનો ભાગ હતો. આ રસ્તો રાતે ભેંકાર જ રહેતો હતો… ખોતર મડદાંની ચોરીના રહસ્યને જાણવા રાતે જ આવ્યો હતો… કદાચ કોઇ ક્લૂ મળે…!!
આગળ વધે ત્યાં રસ્તા તરફ એકસાથે કેટલાક કૂતરાઓએ ભસવાનું શરૂ કર્યુ… અને ત્યાં જ ખોતરના હાથની ટોર્ચના સેલ ડીમ થઇ ગયા… તેનો પ્રકાશ ઘટવા લાગ્યો….!!
સામે રસ્તા તરફથી ‘ખડીંગ, ખડીંગ…’ ના અવાજ સાથે નજીક આવી રહ્યું હતું… આછી લાઇટમાં કોઇ પહાડી માણસનો ઓળો ઝડપથી આ તરફ વધી રહ્યો હતો…
ખોતરે લાઇટ બંધ કરી અને અંધકારમાં તેની ગતિવિધી જોવા છુપાઇ ગયો… તે લાંબા ફલંગે ચાલી રહ્યો હતો અને તેના હાથમાં રહેલ કોઇ વસ્તુ રોડ સાથે અથડાવીને ડરામણો અવાજ પેદા કરી રહ્યો હતો..
તે નજીક આવ્યો ત્યાં જ ખોતરે તેની તરફ ટોર્ચનો પ્રકાશ ફેંક્યો…!!
‘બરાબર તેના મોં પર પ્રકાશ પડતાં જ ખોતર આંચકો ખાઇ ગયો… !! એક ભયાનક ચહેરો… પડછંદ શરીર… હાથમાં લાંબુ ત્રિશૂળ…. લાંબી દાઢી… શરીરે ચોળેલી ભભૂત….!! તે કોઇ પડછંદ અને અલમસ્ત અઘોરી બાવો હતો…!’
ચહેરા પર લાઇટ જોઇને તે ચમકી ગયો અને બરાડ્યો, ‘કૌન હૈ ?’
‘તુ કૌન હૈ ?’ ખોતરે સામે પડકાર ફેંક્યો.
તે સમજી ગયો હોય તેમ ભાગવા જતો હતો પણ ખોતરે તેના પર તરાપ મારી દીધી… ખોતર પણ ભલભલાને પછાડે તેવો ચુસ્ત હતો…. ખોતરના આ સાહસથી તે રસ્તા પર પટકાયો અને તેના હાથમાં પકડેલું મોટું કમંડળ પડી ગયું.
ખોતરે ટોર્ચ હાથમાં લીધી અને તેનો આછો પ્રકાશ તે કમંડળ પર ફેંક્યો…..!! તેમાં કાળા કપડાંથી ઢંકાયેલી વસ્તુ ખુલી ગઇ હતી અને તે જોતા જ ખોતરની આંખો ફાટી ગઇ…! તે કપડાની અંદર એક બીજું કપડું હતું અને તેની પરનું નામ ખોતરની નજરે ચઢી ગયું. આ નજરચૂકનો ફાયદો પેલાએ ઉઠાવ્યો અને તેના હાથમાં રહેલા ત્રિશૂળની અણીને ખોતરના જમણાં હાથમાં ખૂંપાવી દીધી… તે નિર્દય હતો… ‘ઓહ… આઉચ…!!’ ની ભયાનક ચીસ ખોતરના મોંમાથી નીકળી ગઇ… અને ટોર્ચ પણ છુટી ગઇ.
વાનમાં બેઠેલો કનીયો સાહેબની રાડ સાંભળીને ડરી ગયો પણ હિંમત એકઠી કરીને નીચે ઉતર્યો અને સાહેબ જ્યાં હતા તે તરફ દોડ્યો…. કોઇએ સાહેબ પર હુમલો કર્યો છે તે જોઇ તેને દોડીને સહેજ નજીક આવીને તેનો દંડો પેલા ઓળા પર ફેંક્યો… કનીયો નાનપણથી જ નિશાનેબાજ હતો એટલે તેનો દંડો બરાબર તેના કપાળમાં વાગ્યો અને તે ફંગોળાયો…!
જમણાં હાથમાં ત્રિશૂળ ભોંકાયેલું હતું…. એટલે ખોતરે તેની પિસ્તોલ કાઢવા ડાબો હાથ તે તરફ કર્યો…. રસ્તા પર પડેલી ટોર્ચનું અજવાળું આમતેમ ફરી રહ્યું હતું… તે ઓળો ખોતરની પિસ્તોલ જોઇ ગયો એટલે તેજ ગતિથી ઉભો થયો, કમંડળ ઉઠાવ્યું અને સામેના અંધારમાં અદ્રશ્ય થઇ ગયો….
‘સાહેબ… સાહેબ કરતો કનુ કોન્ટેબલ ફાટી આંખે સાહેબના હાથમાં ભોંકાયેલા લાંબા ત્રિશુળને જોઇ રહ્યો…!! સાહેબ તે કોઇ ખવિશ જ હતો…. આ રોડ પર ચૂડેલ, ખવિશ ને જંડ બધું થાય છે…..!!
જો કે ખોતરે તે તરફ ધ્યાન ન આપતા ટોર્ચ હાથમાં લીધી અને તે ક્યાં ગયો તે શોધવા લાગ્યો પણ પલવારમાં તે અંધારામાં ઓગળી ગયો હતો…!! ખોતરને હાથમાં ભયંકર વેદના અને લોહીની ધાર શરૂ થઇ ગઇ હતી.
કનુ કોન્ટેબલે મહામહેનતે ત્રિશૂળ સાથે ખોતરને વાનમાં બેસાડ્યા અને હોસ્પિટલ તરફ વાન હંકારી દીધી…. રસ્તામાં ખોતરે કોઇકને ફોન લગાવ્યો…. ‘શૈલી…. તું અત્યારે જ આ રોડ પરની…..!!!!’’ ખોતર પોતે આ હાલતમાં જે ઓર્ડર આપી રહ્યા હતા તે જોઇને કનુ આભો જ બની ગયો…. તે સારી રીતે જાણતો હતો ક સાહેબ અત્યારે ઘવાયેલા સિંહ જેવા હતા….!!’
ક્રમશ : …….
લેખક: ડૉ. વિષ્ણુ પ્રજાપતિ
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦
અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–4 અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૬
Categories: Dr. Vishnu M. Prajapati
1 reply »