Dr. Vishnu M. Prajapati

અંધારી રાતનો ગરબો…! ભાગ–૪

આજે બીજી ઓક્ટોબર, ચોથુ નવરાત્ર અને ગાંધીજયંતિ. ચારેબાજુ સ્વચ્છતા અભિયાન અને ગાંધીબાપુના વિચારોની બોલબાલા એકાએક વધી ગઇ હતી. મયંકની આખી કોલેજ પણ સફાઇ અભિયાનમાં સક્રિય રીતે જોડાઇ હતી. શહેરના દરેક વિસ્તારને ટીમ પ્રમાણે વહેંચી દેવામાં આવ્યા હતા. મયંક અને તેમની ટીમને ભાસ્કર તળાવના પૂર્વ તરફના ભાગની સફાઇની જવાબદારી હતી. સવારે હરણીના સ્ટેચ્યુથી સફાઇ શરૂ કરી મયંક તેના પચ્ચીસેક કોલેજ ફ્રેન્ડસ બપોર સુધી મહેલે પહોંચ્યા હતા.

મયંકના છેલ્લા બે નવરાત્ર દિશાર્થી વિનાના એકલવાયા રહ્યા હતા. તે દરરોજ રાતે આ તળાવ પર રાહ જોઇને જતો રહેતો પણ દિશાર્થી તેના કહ્યા પ્રમાણે નહોતી જ આવી. પહેલા નોરતાની રાતે ભાસ્કરની કાર પર અજાણ્યા શખ્શના હુમલાથી ભાસ્કર રઘવાયો થયો હતો. રાજનની આંખ માંડ માંડ બચી હતી. તે કારમાં દારૂની બોટલો હતી તેવો વિડિયો વાયરલ પણ થતા તે કેસ દબાવી દેવાયો હતો. પણ, આખાય શહેરમાં ભાસ્કરની કાર સાથે જે બન્યું તે ઘટના ટોક ઓફ ધ ટાઉન બની ગઇ હતી.

પહેલી રાતે જ ખૂબ ગરબે ઘુમ્યા પછી દિશાર્થીને ખૂબ ચક્કર આવી રહ્યા હતા એટલે મયંકને કહી દીધુ હતુ કે તે ત્રણ રાત સુધી ગરબે રમવા આવી શકશે નહી. મયંકે ખૂબ સમજાવી પણ તેને આખરે કહી દીધુ હતુ, ‘મયંક મારી તબિયત સારી નથી.. અને મને લાગે છે કે આ દિવસોમાં હું ગરબે રમવા નહી આવી શકું… તારે સમજવુ જોઇએ..!’

મયંક સમજી ગયો હતો એટલે તેને કહ્યું, ‘સારુ મળવા તો આવી શકે છે ને?’ તો તેને સ્પષ્ટ ના કહી હતી અને કહ્યું હતુ કે તેને કેટલાક પર્સનલ કામો પણ પતાવવાના છે અને પછી તે તેની એ જ જગ્યાએ રાતે ઉતરીને બાયબાય કહી દીધુ હતુ.

તે રાતે પેલા પોલીસવાળાની ડ્યુટી હજુ પણ ત્યાં જ હતી.. મયંકને જોઇને તે તેની તરફ ઝડપથી દોડ્યો હતો પણ મયંકે તેને અવગણીને બાઇક હંકારી મુક્યું હતુ.

‘મયંક… મહેલના ઉપરના ઝરુખે ભાસ્કર તને બોલાવે છે.’ તળાવના કિનારે કચરો સાફ કરતા મયંકને જોઇ જહોને કહ્યું અને મયંક તેના વિચારોમાંથી બહાર આવ્યો.

‘હું ગંદકી દૂર કરવાનું કામ કરુ છું. તેને કહી દે કે મયંક પાસે સમય નથી.’ મયંકે જહોનને સ્પષ્ટ કહ્યુ પણ જહોન ત્યાં ઉભો જ રહી ગયો એટલે મયંક મરજી ન હોવા છતાં ત્યાં ગયો.

મહેલ તો હવે ખંડેર બની ગયો હતો પણ ભાસ્કર અને તેના બગડેલા મિત્રો મહેલની કેટલીક જગ્યાએ મહેફિલો સજાવવા તળાવ તરફનો એક મોટો ખંડ અને પેલો ઝરુખો કે જ્યાંથી સિંધુરાય હરણીનો શિકાર કરતા હતા તે ઝરુખાની મરમ્મત કરાવી આકર્ષક બનાવી દીધો હતો.

મયંકને આવતા જોઇ ભાસ્કર બરાડ્યો, ‘રાજન ક્યાં છે ?’

‘એ મને શું ખબર..?’ મયંકે સહજતાથી કહ્યું.

‘નોરતાની બીજી રાતે તું આ તળાવ કિનારે આવ્યો હતો અને રાજન પણ આવ્યો હતો તે દિવસથી રાજન લાપત્તા છે.’ ભાસ્કરે મયંકના કોલર પકડીને જોરથી દબાવતા કહ્યું.

‘તારા કરતા પણ વધુ તાકાત મારી છે અને તેનો તને પરચો મળી ગયો છે એટલે પહેલા મારો કોલર છોડી દે.’ મયંકે પણ તેના હાથથી ભાસ્કરની મુઠ્ઠી દબાવી તો તેને કોલર છોડવો પડ્યો.

ભાસ્કર તે ઝરુખા તરફ ગયો અને બોલ્યો, ‘મારા પૂર્વજો અહીંથી સામે કિનારે રહેલા હરણોનો શિકાર કરી જાણતા હતા. તને હું મશળીને ક્યાં ફેંકી દઇશ તે કોઇને ખબર પણ નહી પડે. તુ સીધી રીતે કહી દે કે રાજન ક્યાં છે?’

‘ભાસ્કર, હું જાણતો નથી..! અને તેને શોધવાનું કામ પોલીસનું છે, મારુ નહી.’ મયંકના જવાબથી ભાસ્કર ધુંઆપુંઆ થઇ ગયો.

‘તું સારી રીતે જાણે છે કે રાજન ડીઆઇજી રઘુરાયનો એકનો એક દિકરો છે, તે તેને ગમે ત્યાંથી શોધી લેશે..! પણ જો તેમાં તું સંડોવાયેલો હશે તો તારી ખાલ ઉતરડી લેશે.’ ભાસ્કરે ધમકીભર્યા સ્વરે કહ્યું.

‘હા, તો સાંભળ ! તે રાતે રાજન મને તળાવના કિનારે જ મળ્યો હતો તેને કહ્યું હતુ કે રાત્રે મહેલમાં મહેફિલ છે….! જો તુ કહીશ તો તમારી એ મહેફિલોની વાત તેના પપ્પાને કરી દઇશ.’ મયંકે તેમની રંગરલીયા મનાવવાની ગુપ્ત વાત કરીને ભાસ્કરને થોડીવાર માટે બોલતો બંધ કરી દીધો.

ભાસ્કરે વાત બદલવા તે ઝરુખાથી જ સામે કાંઠે આંગળી ચિંધીને કહ્યું, ‘મયંક, આપણે કોઇ દુશ્મનાવટ નથી… સામેની પેલી જુની હવેલી અમે ખરીદી લીધી છે. ત્યાં હોટલ બનશે અને છેલ્લા નોરતે જ તેને તોડવાનું કામ શરૂ થશે. તું કોઇ અટકચાળો કરતો નહી.’

મયંકે તરત જ કહ્યું ‘ખરીદી લીધી નહી પણ પચાવી પાડી છે એમ કહે, ભાસ્કર…!’ મયંકના શબ્દોના તેજતિખારા ભાસ્કરના અંગેઅંગને દઝાડી રહ્યા હતા.

ત્યાં જ ઝરુખાની નીચે વિદ્યાર્થીઓમાં કોલાહલ થવા લાગ્યો અને મયંક અને ભાસ્કર બન્ને તેમને ટોળે વળેલા જોઇ નીચે દોડ્યા. બધાએ નાક પર રૂમાલ ઢાંકી દીધા હતા અને ત્યાં ખૂણામાં એકઠા થયેલા પ્લાસ્ટિક અને ગંદકીમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી. તે ગંદકીની વચ્ચે કોઇનું પાણીથી ફુલાયેલુ શબ તરી રહ્યું હતુ. મયંક અને તેના મિત્રોએ તે કચરાને દૂર કરી તેને કાંઠે ખેંચ્યુ.. તેનો ચહેરો જોતા જ મયંક અને ભાસ્કર એકસાથે બોલી ઉઠયા, ‘રાજન….!!!!’

ત્યાં જ મયંકની નજર રાજનના જમણા હાથ પર પડી તો એક ઝાંઝર તેની મુઠ્ઠીમાં બંધ હતુ. બધા તીવ્ર દુર્ગંધને કારણે તેનાથી દૂર તરફ જઇ રહ્યા હતા અને નજર ચૂકવીને તે ઝાંઝર મયંકે તેના ખિસ્સામાં સેરવી લીધુ. તેના શરીરમાંથી સડેલા શરીર અને સાથે દારુની પણ ખૂબ વાસ આવતી હતી.

ભાસ્કરે બધાને ત્યાંથી દૂર કરી દીધા અને પોલીસને બોલાવી લીધા. પોલીસે તે જગ્યા સીલ કરી દીધી અને તેની બોડીને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ. ઝરુખા નીચે પડેલી દારુની તુટેલી બોટલોના ગ્લાસ પણ પોલીસે કબ્જે કરી લીધા.

‘હરણીયા તળાવમાંથી રાજનની મળેલી લાશ…!’ થોડી જ મિનિટોમાં આખાય શહેરમાં સૌના મોંઢે ચર્ચાતો વિષય બની ગયો.. લોકો હજુ પણ આ તળાવને ભાસ્કર તળાવ તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. રાજનના પપ્પા ડીઆઇજી રઘુરાય પણ ત્યાં આવી પહોંચ્યા અને તેમની લાલ અને મોટી આંખોમાં પુત્રના મોતની વેદના કરતા કાતિલને દબોચવાનું ખુન્નસ વધારે હતું.

‘અહીં છેલ્લા ચાર દિવસથી પોલીસ ડ્યુટી પર કોણ છે ? મને તાત્કાલિક રીપોર્ટ કરો… લાશ સૌથી પહેલા કોને જોઇ ?’ મોટી મૂછોની નીચે કાળા હોઠમાંથી નીકળતા તેમના શબ્દો ભારે ભરખમ હતા.

કોલેજની ટીમના બધા વિદ્યાર્થી તરફ ભાસ્કરે ઇશારો કર્યો.. ત્યારે જ રઘુરાયે બધાની તરફ આંખો ફેરવીને કહ્યું, ‘લાશને બહાર કોને કાઢી ?’

બધાએ મયંક તરફ ઇશારો કર્યો તો તરત જ કહ્યું, ‘તને તે લાશને જોઇને શું લાગ્યું ?’

જો કે મયંકે તો નજીક આવીને બેધકડ કહ્યું, ‘ સર, દારુની બહુ વાસ આવતી હતી…!’ આ સાંભળી રઘુરાયે જોરથી દાંત ભીંસીને મયંક તરફ કડક નજરે જોયું અને ઓર્ડર કર્યો, ‘બધાને અહીંથી દૂર લઇ જાવ…! આ જગ્યાએ મારી પરમિશન વિના કોઇ આવી નહી શકે અને ઇન્સ્પેક્ટર ખોતરને કહો મને અત્યારે જ મળે.’ ડીઆઇજી સાહેબના હુકમ સાંભળી બાજુમાં ઉભેલા એક વર્દીધારીએ સલામ ઠોકીને ‘જી સર…!’ કહ્યું.

ડીઆઇજીના એકના એક સંતાનનું મોત એ કોઇ નાની સુની વાત નહોતી… ભાસ્કરે પણ મહેલની બધી તપાસ થાય તે પહેલા ઝરુખામાં અને મહેલના પેલા ખંડને બરાબર ચેક કરી લીધો અને તેમાં પડેલી કેટલીયે વસ્તુઓ હટાવીને તે દિવાલની પાછળ ફેંકી દીધી.

સવારથી સાંજ સુધી રાજનનું ખૂન કે આત્મહત્યાની કેટલીયે અફવાઓ લોકમુખે ચર્ચાવા લાગી હતી. ઇન્સપેક્ટર ખોતરે પણ તેની બધી શક્તિઓ કામે લગાડી લીધી હતી.

મયંક રાત્રે તૈયાર થઇ ભાસ્કર તળાવની સામે દિશાર્થીનો ઇંતજાર કરી રહ્યો હતો… એકાદ કલાક વધારે વીતી જતા તેને ખ્યાલ આવી ગયો કે દિશાર્થી હવે નહી આવે એટલે તેને આશા છોડી દીધી.. ભાસ્કર તળાવનો મુખ્ય દ્વાર સાવ સૂમસામ હતો પણ એકાએક બે ઓળાઓ ઝડપથી પગથીયા ચડી અંદર ગયા અને મયંકે પણ તેનો પીછો કર્યો.

પેલા બન્ને સીધા મહેલના ખંડ તરફ ગયા…. તે બન્ને ખૂબ ઝડપથી ચાલી રહ્યા હતા એટલે તે આ જગ્યાને સારી રીતે જાણતા હતા.. થોડુ આગળ ચાલીને ખંડના ઉત્તરે રહેલા એક દરવાજાથી તળાવ પર જતા પગથીયાં તરફ આગળ ચાલ્યા. અહીં વધારે અંધારુ હતુ એટલે એકે તેના મોબાઇલની ફ્લેશ લાઇટ ઓન કરી. તેની લાઇટ ત્યાંથી આગળ રહેલી એક નાનકડી ઓરડીના દરવાજા તરફ ફેલાઇ.

બીજાએ તેની પાસે રહેલી ચાવીથી તે દરવાજો ખોલ્યો… અંદર પણ અંધકાર જ હતો છતાં બન્ને અંદર ગયા અને થોડીવારમાં જ હાથમાં એક મોટી બેગ લઇને બહાર નીકળ્યા. મયંક દુરથી તે બન્નેની હિલચાલ જોઇ રહ્યો હતો અને ત્યાં જ તે ઓરડીમાંથી એક ભયંકર અવાજ અને પવનના સૂસવાટા સાથે તે દરવાજો અથડાયો…! તે બન્ને ડરી ગયા.. મહામહેનતે તે દરવાજે લોક લગાવવા ગયા પણ ફરી તે દરવાજો કોઇએ અંદરથી ખોલ્યો હોય તેમ ખુલી ગયો અને તે બન્ને એકક્ષણમાં જ અંદર ખેંચાઇ ગયા…! તેના હાથની બેગ દરવાજા આગળ જ પડી ગઇ અને બન્ને એકાએક ગાયબ થઇ ગયા હોય તેમ ત્યાં શૂન્યાવકાશ છવાઇ ગયો.

મયંકે થોડીવાર રાહ જોઇ પણ ત્યાં કોઇ હિલચાલ નહોતી એટલે તે અંધકારમાં જ આગળ વધ્યો. તે ઓરડીની અંદર રહેલી પાછળની બારી ખુલ્લી હતી.. એટલે તેઓ ત્યાંથી ભાગી ગયા હશે…! મયંકે પગમાં આવેલી તે બેગ ઉઠાવી અને પાછો ફર્યો…

એકાએક જ તેને ખ્યાલ આવ્યો કે તે ઓરડીની બારી તો પાછળ ઉંડા તળાવ તરફ ખૂલે છે… તે બન્ને ક્યાં ગયા ?

રાત્રીના બારને પાંચ મિનિટ થઇ ગઇ હતી…. યંગ કલ્ચર પાર્ટી પ્લોટમાં ગરબાની રંગત જામી ગઇ હતી પણ દિશાર્થી વિનાનું ચોથુ નવરાત્ર મયંક માટે તો ઘોર અંધકાર જેવું જ હતુ….

ક્રમશ: …….

લેખક : ડૉ. વિષ્ણુ પ્રજાપતિ

અંધારી રાતનો ગરબો…! ભાગ–૩                                                                                                                       અંધારી રાતનો ગરબો…! ભાગ–૫

Categories: Dr. Vishnu M. Prajapati

Tagged as:

1 reply »

Leave a Reply