Dr. Vishnu M. Prajapati

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–4

વાવ ના ખોફનાક અનુભવ પછી સુંદરા ડરી ગઇ હતી…!!

પણ કેમ જાણે તેનું મન વારેવારે તે ચીઠ્ઠી તરફ ખેંચાતુ હતું. વાવ તરફ કોઇ અજાણ્યો ચહેરો તેને આકર્ષી રહ્યો હતો. તે ચીઠ્ઠીમાં લખેલ નંબર પર બે ત્રણ વાર ફોન કરવા પ્રયત્ન કરી જોયો પણ હવે ફૉન સ્વિચ ઑફ આવતો હતો. ત્રણ નોરતાં પુરા થઇ ગયા. સુંદરા વધુને વધુ તેના કાર્યક્રમ તરફ ફોકસ કરવા માંગતી હતી. વિશ્વાસ સાથે ક્યારેક ખપપૂરતી વાત થઇ જતી હતી પણ કેમ જાણે વિશ્વાસ ઉમળકાથી તેની સાથે વાત કરતો નહોતો… તે બીઝી રહેતો હતો… ધીરે ધીરે વિશ્વાસ પ્રત્યે ન સમજાય તેવો અણગમો થવા લાગ્યો હતો.

વિશ્વાસ તો સોહામણો અને ચોકલેટી હતો જ… તે અચાનક જ મારી જિંદગીમાં આવ્યો અને ધીરે ધીરે મિત્રતા પ્રેમમાં કેવી રીતે પરિવર્તિત થઇ ગઇ તેનો ખ્યાલ જ ન રહ્યો. સુંદરાના નિર્ણય સામે તેના પપ્પાને નારાજગી હતી… પણ સુંદરાએ લગ્ન કરવાનો આખરી નિર્ણય લઇ લીધો હતો. પપ્પા જો મંજૂરી આપશે તો તેમની મરજીથી… નહિતર કોર્ટ મેરેજ…!

આજકાલના યુવાનો પાસે આ કોર્ટ મેરેજનું ખૂબ મોટું હથિયાર આવી ગયું છે. પરિવક્વ ઉંમર થતા જ પ્રેમની દુનિયામાં ખોવાઇ જવું… ‘દો જીસ્મ મગર એક જાન’ અને ‘એક દૂજે કે લિયે’ની ફિલોસોફીમાં પરિવારની વ્યાખ્યા ભૂલી જ જાય છે. જેને બાળપણથી નાસમજ જિંદગીને સમજણી બનાવી તેને પોતાના પ્રેમના દુશ્મન સમજી લે છે.

સુંદરાને લાગતું કે વિશ્વાસમાં ખરેખર કોઇ સંમોહનશક્તિ છે. પહેલીવાર તેને આરજેના એક ફંક્શનમાં જોયો હતો અને પછી બીજા દિવસે જ તેને સામેથી તેની કેટલીક ગઝલો અંગે કાર્યક્રમ તૈયાર કરવા મળવાનું ગોઠવ્યું હતું. રેડિયો એફએમ પર તેની યુવાદિલોને પીગળાવી દે તેવી ગઝલોનો એક કાર્યક્રમ શરૂ થયો.. અને વિશ્વાસ અનેકના હૈયાની સાથે સુંદરાના દિલમાં પણ વસી ગયો હતો. ધીરે ધીરે તેમની અંગત મુલાકાતો વધતા પ્રેમની દુનિયમાં ખોવાઇ ગયા હતા. ઇન્ટરનેશનલ એક્સપોર્ટના બિઝનેસ સાથે તે જોડાયેલો હતો. વિશ્વાસ તેના બિઝનેસ વિશે વધારે વાતચીત કરતો નહોતો. તે બીજા રાજ્યમાંથી અહીં સ્થિર થયો હતો.. તેનો પરિવાર ઉત્તરપ્રદેશના કોઇ નાના ગામડામાં રહેતો હતો… જો કે સુંદરાને તેનાથી કોઇ મતલબ નહોતો.

‘મોહિની, મોહિની, મોહિની….! આ નામ મારા મગજમાંથી કેમ ખસતું નથી…?’

‘શું આ ચીઠ્ઠી કોઇએ મને ડરાવવા મુકી હશે ?’

‘વાવની અંદરથી આવતા પેલા ગેબી અવાજો મારો ભ્રમ હશે ?’

સુંદરા એકલી પડતા અનેક પ્રશ્નો અને વિચારોમાં ખોવાઇ જતી.

આજે નક્કી કર્યુ કે તે હવે છેલ્લો પ્રયત્ન કરી લેશે, જો કોઇ સફળતા મળી તો ઠીક નહિતર મોહિનીનું ચેપ્ટર કાયમ માટે બંધ કરી દેશે.
ચીઠ્ઠી પર લખેલો નંબર હવે સ્વીચ ઑફ જ આવતો હતો એટલે હવે કદાચ મા જગદંબાની એ જ ઇચ્છા હશે એમ સમજી તેને જે નંબર પરથી લાઇવ પ્રોગ્રામમાં કૉલ આવ્યો હતો તે નંબર લગાવ્યો.

થોડી રીંગ વાગ્યા પછી કોઇએ કૉલ રીસીવ કર્યો, ‘હલ્લ્લ્લ્લૂ…..! હું છું આરજે ‘હિચક…..!’ ક…. ક…. ક…. કિરણ’ સામે કોઇ લાંબી લાંબી હેડકી ખાતા ખાતા બોલી રહ્યો હતો.

આરજે સાંભળતા જ સુંદરાને નિખિલની યાદ આવી અને તેને કહ્યું હતું કે કોઇ બીજી ચેનલના લોકો પણ લાઇવ પ્રોગ્રામમાં બિનજરુરી કૉલ કરીને પરેશાન કરતા હોય છે.

‘એટલે તમે મને હેરાન કરવા ફોન કર્યો હતો…?’ સુંદરાનો ડર જતો રહ્યો અને ગુસ્સો વધી ગયો.

‘મૈ ‘હિચક…..!’ આપકો ક્યું પરેશાન કરું ? આપ આપકી ફરમાઇશ બતાઇયે ? ‘હિચક…..!’

‘એય હિચકુ…. તું પહેલા તારે હેડકી બંધ કર અને પછી લાઇવ પ્રોગ્રામ આપ… કયા એફએમ પર તું છે…?’

‘મેરા ફાલતુ ટાઇમ મત ખા, ‘હિચક…..!’ પહેલે તેરી ગીત સુનનેકી ખ્વાહીશ બતા… ‘હિચક…..!’ પેલો જે રીતે વાત કરી રહ્યો હતો તે સાંભળી સુંદરાને તમાચો મારવાની ઇચ્છા થઇ આવી.

‘મોહિની કહાં હૈ ?’ સુંદરાએ આખરે મુદ્દાની વાત કરી.

આ સાંભળતા જ પેલાએ શરૂ કર્યુ, ‘ આપકી યે બેહતરીન ફરમાઇશ હૈ લમ્હે ફિલ્મ ઔર અદાકારા હૈ શ્રી દેવી… ઔર ગીત ગાયા હૈ લતા મંગેશકરજીને…!! ‘હિચક…..!’ અને તેને જાતે જ ગીત ગાવાનું શરૂ કર્યુ…

‘મોરની બાગામાં બોલે આધી રાતમાં….
છનનછન ચૂડિયાં ખનક ગઇ દેખ સાહિબાં….
ચૂડિયાં ખનક ગઇ હાથમાં…. મોરની બાગામાં બોલે આધી રાતમાં….!!

તે ખૂબ જ સારા સ્વરમાં ગાઇ રહ્યો હતો અને ગાતી વખતે વચ્ચે તેની હેડકી બંધ થઇ જતી હતી..

એક અંતરા બાદ સુંદરા કંટાળી અને બોલી,’ અડધી રાતે બાગમાં બોલતી મોરની નહી પણ અડધી રાતે વાવમાં બોલતી મોહિનીની વાત કરું છું, મોહિની…!’

પેલાએ અડધી રાત શબ્દ સાંભળતા તરત શરુ કર્યુ, ‘મેરી ફેવરીટ રેખાજીકી ફિલ્મ ઉત્સવ કા યે સુમધુર નગમા પેશ કરતા હું આપકે લીયે…! યે મધુર ગીત ભી ગાયા હૈ લતા મંગેશકરજીને…. ‘હિચક…..!’ અને તેને ગીત શરૂ કર્યુ,

મન ક્યું બહેકા રે બહેકા…
મન ક્યું બહેકા રે બહેકા આધી રાત કો… !!
બેલા મહેકા હો
બેલા મહેકા રે મહેકા આધી રાત કો…!!’

તે બેકગ્રાઉન્ડમાં ઝાંઝર ખખડાવી અને અને માટલા પર કોઇ વસ્તુ અથડાવીને ડરી જવાય એ રીતે ગાઇ રહ્યો હતો.

સુંદરાને લાગ્યું કે કોઇ ખોપડી કે માથા ફરેલો રેડિયો જોકી લાગે છે. તેની વાત પરથી તો ચકરી મગજનો જ લાગતો હતો. એવું પણ બને કે કોઇ આરજે પાગલ થઇ ગયો હોય અથવા તેના પર આરજેનું ભૂત તેની માથે સવાર થયું હોય….! સુંદરાએ ફોન કટ કરી દીધો.

જો કે હવે મોહિનીનો કોઇ અણસાર કે સંકેત મળવો મુશ્કેલ બની ગયો હતો. સુંદરાને એક વસવસો હતો કે પહેલા નોરતે મોહિનીએ કહેલી તેની અધુરી ઇચ્છા હજુ સુધી પુરી થઇ નથી અને આજે ચોથુ નોરતું પણ આવી ગયું.

———-

પોલીસ કરી રહી છે આંખ આડા કાન… પોલીસતંત્રની ઘોર નિષ્ફળતા….!

‘સોસાયટીના નાના ગરબાના આયોજનો પર જમાવી રહી છે રૉફ અને રાજકીય પાર્ટીઓ કરી રહી છે કોઇપણ જાતના સોશિયલ ડિસ્ટન્સ વિના ચુંટણીનો પ્રચાર…!’

‘આજે પક્ષ પ્રમુખ પોતે માસ્ક વિના અને સૌને માસ્ક પહેરી રાખવાની આપે છે સલાહ…!’

‘માતાજીની તસ્વીરને ચરણસ્પર્શ કરવામાં પાબંધી અને ચુંટણી ઉમેદવારને પગે લાગવા લોકોએ લગાવી લાઇન…!’

શહેરના ‘સનસની’ અખબારે આજના પેપરમાં ગરમાગરમ હેડ લાઇન્સ બનાવીને પોલીસતંત્ર અને રાજકીય પાર્ટીનો બરાબર ઉધડો લઇ લીધો હતો.

‘નવરાત્રીમાં પ્રસાદ પર કડક નિયમો અને દારુની રેલમછેલ…!’

‘લોકોની તો સુરક્ષા કરી ન શકે પણ કબ્રસ્તાનમાંથી થઇ રહી છે મડદાંની ચોરી…!’

પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેકટર એક પછી એક સમાચાર વાંચીને અકળાઇ ગયા હતા એટલે છેવટે કંટાળીને છાપાનો ડુચો વાળીને ડસ્ટબીનમાં ફેંકી દીધું.

ત્યાં જ કનુ કોન્સ્ટેબલ દાખલ થયો અને સલામ ઠોકતા બોલ્યો, ‘ખોતર સાહેબ, તમારી કોઇ આખરી ઇચ્છા છે ?’ આ સાંભળી ઇન્સપેક્ટર ખુરશી પરથી ઉભા જ થઇ ગયા.

‘કેમ આજે મને ફાંસી થવાની છે કે મારી આખરી ઇચ્છા પુછે છે, કનીયા ?’

પોતાની ભૂલ સમજાઇ એટલે તે તેની ટોપી પર ખંજવાળતા બોલ્યો, ‘ના ના સાહેબ તમને અને ફાંસી….? અરે તમે બધાને ફાંસીએ ચઢાવો તેવા છો… આ તો હું એમ કે’તો તે કે તમારી કોઇ અધુરી ઇચ્છા છે તો રાતે પેલા રેડિયો પર ફોન કરજો. ડીજે સુંદરા બધાની અધુરી ઇચ્છાઓ પુરી કરે છે.’

‘એ ડીજે નહી… આરજે સુંદરા છે અને જે રેડિયો પર પ્રોગ્રામ હૉસ્ટ કરે એને આર જે એટલે કે રેડિયો જૉકી કહેવાય…’ ખોતર સાહેબે ચંદુ આગળ થોડા અંગ્રેજી શબ્દોનું સાચું જ્ઞાન આપ્યું.

‘ઇ હૉસ્ટની ખબર નઇ… પણ શહેરમાં ઘોસ્ટ વધ્યા હોય એવી અફવા વધી રહી છે, સાહેબ…!’ ચંદુએ પહેલીવાર અંગ્રેજી શબ્દોનો જબરજસ્ત પ્રાસ બેસાડતા ખોતરના ચહેરો મલકાઇ ગયો.

‘સાહેબ છાપામાં તમે વાંચો છો’ને…? મડદાંની ચોરીઓ થવા લાગી છે બોલો ?’ કનુ કોન્ટેબલ એકદમ નજીક આવીને ખાનગીમાં કહેતો હોય તેમ બોલ્યો અને પછી દૂર ઉભો રહી ગયો.

કનુ કોન્ટેબલની વાત સાવ નાખી દેવા જેવી નહોતી એટલે ખોતરે કોઇને કૉલ લગાવ્યો, ‘કામ કેટલે પહોંચ્યુ ?’ થોડીવાર સાંભળીને ખોતરે ફોન મુકીને કનુ તરફ ઇશારો કરીને કહ્યું, ‘અધુરી ખ્વાહિશ પુરી કરતી સુંદરાનો નંબર મને આપ…!!’

કનુ કોન્ટેબલે એક ચીઠ્ઠીમા નંબર લખી આપ્યો.

ચોથા નોરતાની રાત્રે નવ વાગે સુંદરાનો કાર્યક્રમ શરૂ થયો…., ‘ગુડ ઇવનિંગ અમદાવાદ, હું છું તમારી સુંદરા… શરૂ કરીએ આજનો કાર્યક્રમ, અધુરા નોરતાં… અધુરા ઓરતાં…!!

તે સમયે જ ખોતરે ફોન લગાવ્યો, ‘ હું ઇન્સ્પેક્ટર ખોતર બોલું છું, મારી પણ એક ખ્વાહિશ છે બોલો પુરી થશે ?’

ઇન્સ્પેક્ટરના ફોનથી સુંદરા ખુશ થઇ અને બોલી, ‘જરૂર, આ કાર્યક્રમ જ નવરાત્રીની કોઇની અધુરી ઇચ્છા રહી ગઇ હોય તે પુરી કરવાનો છે… બોલો આપની ફરમાઇશ…!’

ખોતરે કહ્યું, ‘મારે શહેરના લોકોને સંદેશો આપવો છે કે, શહેરના લોકો જરુરી સોશિયલ ડિસ્ટન્સ રાખે, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરતા રહે… જાહેર કાર્યક્રમોમાં રાજકીય પક્ષોના હાથા ન બને.. શહેરમાં ચાલી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપે…! અને રાજકીય નેતાઓ પણ પોતાના પર સંયમ રાખે…!! યાદ રાખો કે પોલીસતંત્ર કાયમ તેમની સાથે છે…’

‘જી આપનો આ સંદેશો આખુ શહેર સાંભળી રહ્યું છે, અને આપની બીજી કોઇ ફરમાઇશ ?’

‘હા મારો મનપસંદ ગરબો સાંભળવો છે, ‘એક લાલ દરવાજે તંબુ તાણીયા રે લોલ…!’
સુંદરાએ તરત ગીત શરૂ કર્યુ,

આ સમયે એફએમ સાંભળી રહેલા એક વ્યક્તિની આંખો ચકળવકળ થવા લાગી અને કોઇને ફોન લગાવી ગુસ્સામાં બરાડ્યો, ‘ આ ખોતરને થોડો ખોતરવાની જરુર લાગે છે….!!’

ક્રમશ : …….

લેખક: ડૉ. વિષ્ણુ પ્રજાપતિ
મોબા. ૯૮૨૫૮૭૪૮૧૦

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૩                                                                                       અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૫

1 reply »

Leave a Reply