મયંક તે દેહાકૃતિ તરફ આગળ વધ્યો અને મયંકને વિશ્વાસ જ હતો કે તે આવાજ દિશાર્થીનો જ છે…! તે ભાન ભૂલીને તેના તરફ દોડ્યો…! તે દેખાકૃતિ પણ આગળ આવી.. મયંક તેની લગોલગ આવીને બોલ્યો, ‘મને હતુ જ કે તુ આવીશ….!’
‘પણ, મને નહોતી ખબર કે આપણે ફરી મળીશું…!’ મયંકની અપેક્ષા કરતા તેના સાવ ઉલ્ટા જ જવાબથી મયંક ખામોશ થઇ ગયો.
‘એટલે તારે આવવાની ઇચ્છા નહોતી એમ જ ને…!’ મયંકને ખોટુ લાગી ગયુ હોય તેમ બોલ્યો.
‘ના બાબા ના… સાચુ કહુ તો આ વખતે મને કોલેજમાંથી રજા મળે એમ જ નહોતુ અને મારા દેશથી અહીં આવી જવુ એટલું સહેલુ નથી…! આ તો મારા નવરાત્રીના શોખને હું રોકી શકતી નથી એટલે આવવું પડ્યું…’ દિશાર્થીએ મયંકને સમજાવતા કહ્યું.
મયંક ફરી અકળાયો અને બોલ્યો, ‘એટલે તું નવરાત્રી માટે જ આવી છે..! મારા માટે નહી ?’
‘નવરાત્રી માટે જ તો ..! તારા માટે શું કામ?’ દિશાર્થીના શબ્દોમાં બે હોઠ વચ્ચે દબાયેલુ હાસ્ય મયંક અંધકારને કારણે જોઇ શકતો નહોતો.
‘સારુ તો પછી, તું અહીં અંધારામાં ક્યાંથી ?’ મયંકે વાતને બદલતા કહ્યું.
દિશાર્થી થોડીવાર વિચારીને બોલી, ‘મેં તને પેલા પોલીસ સાથે રકઝક કરતા જોયો… મને સમજાઇ ગયું કે હવે તું કોઇને ન દેખાય તે રીતે આ અંધારીયા ખૂણામાં આવીને મારી રાહ જોઇશ.. હું પહેલેથી પાછળ સંતાઇ ગઇ અને તને સરપ્રાઇઝ આપવા માંગતી હતી…! હવે બધી વાત પછી, તુ ચલ જલ્દી, ગરબા શરુ થઇ જશે.’
દિશાર્થી હવે સહેજ અજવાળામાં આવી અને મયંકની નજર દિશાર્થીની કામણગારી કાયામાં ખોવાઇ થઇ. એ જ મસ્તીભરી આંખો, મુલાયમ ગાલ અને ગુલાબની પાંદડી જેવા હોઠ, હોઠની ઉપર અને સહેજ જમણા ગાલ તરફ એક શ્યામવર્ણુ એક નાનું નિશાન તેની સુંદરતામાં વધારો કરતુ હતુ. લહેરાતા કાળા ભમ્મર વાળની વચ્ચે તેનો ચહેરો પૂનમના ચાંદ જેવો શોભી રહ્યો હતો, આછી આછી ઓઢણીની નીચે ઉઠેલા યુવાનીના યુગ્મ ઉભાર, ચણિયાચોળીમાં ખુલ્લી દેખાતી તેની પાતળી કમરની લચક અને છટાદાર ચાલને મયંક અનિમેષ જોઇ રહ્યો.
દિશાર્થી જાણે સમજી ગઇ હોય તેમ બોલી, ‘છોકરાઓ પાસે આ નજર સિવાય બીજી કોઇ નજર હોય છે?’
તેના બિંદાસ્ત પણે બોલાયેલા શબ્દોથી મયંકની નજર ઢળી ગઇ અને થોડીવાર પછી બોલ્યો, ‘ અરે… આ તો… મને એમ લાગે છે કે મેં તને હજુ તો ગઇકાલે જ અહીં મુકી હોય અને આજે ફરી લેવા આવ્યો હોય તેવી જ તુ દેખાય છે…! અને તારી ચણિયાચોળી પણ એ જ છે જે તે છેલ્લી નવરાત્રીમાં પહેરી હતી… અને જો આ તારી ચોળી પર ચોંટેલા આભલા પણ ત્યારે’ય તુટેલા હતા.’ મયંકની નજર તે આભલા તરફ ફરી ફરી જઇ રહી હતી.
‘અચ્છા તું તે તુટેલા આભલા જોઇ રહ્યો હતો કે પછી…?’ ફરી દિશાર્થીએ બોલ્ડ પ્રશ્ન કર્યો.
‘હા… હા…! અરે ના, નહી તો…. આ તો નજર ગઇ એટલે..?’ મયંકની જીભના અને શબ્દોના ગોટાળા થતા જોઇ દિશાર્થી હસવા લાગી અને મયંક તરફ કાતિલ નજરે જોઇને બોલી, ‘એમ તારી નજર બધે જ હોય તો જો મારા આ મારી ઓઢણી અને ચણિયાના પણ કેટલાય આભલા તુટેલા છે…! તે તને કેમ ન દેખાયા ?’
તેના સૂચક પ્રશ્નથી મયંક મુંઝાઇ ગયો તે કહી શકતો નહોતો કે દિશાર્થીને કેવી રીતે સમજાવવી કે તે બેહદ સુંદર છે એટલે તેની નજર પણ તેની કાબૂ બહાર થઇ જતી હતી.
મયંકને વિચારમાં ખોવાયેલો જોઇ દિશાર્થીએ તેનો હાથ પકડી ખેંચ્યો અને કહ્યુ, ‘આમ જ ઉભો રહીશ તો અહીં અંધારામાં જ આપણે ગરબે રમવું પડશે..!’ દિશાર્થીના હાથનો સ્પર્શ થતા જ મયંકે એક ઝણઝણાટી અનુભવી.
ઝાડીના ઘોર અંધકારમાંથી મયંક અને એક સ્વરૂપવાન છોકરીને બહાર આવતા જોઇ પેલો પોલીસવાળો રોડ ક્રોસ કરી તેમની તરફ આવવા લાગ્યો. તેને આવતો જોઇ દિશાર્થીએ મયંકને બાઇક જલ્દી ભગાવવા કહ્યું… પણ અણીના સમયે જ બાઇક સ્ટાર્ટ થતા વાર લાગી, તે સાવ લગોલગ આવી ગયો અને મયંકનો હાથ પકડીને અંધારા તરફ ઇશારો કરીને બોલ્યો, ‘ યંગમેન…! તારુ બાઇક અને તારી ઉભરતી જુવાની બન્નેને નો પાર્કિંગ અને રોંગ સાઇડમાં છે,…!!’ તે આગળ કંઇક બોલવા જતો હતો પણ પાછળ બેઠેલી દિશાર્થી તરફ નજર જતા તે થોડીવાર રોકાઇ ગયો….અને ત્યાં જ મયંકનું બાઇક સ્ટાર્ટ થતા જ તેને બાઇક હંકારી મુક્યુ.
તે પાછળ કંઇક બબડતો હતો, જો કે મયંકને હવે તેમા કોઇ રસ નહોતો. તેને તો અત્યારે બાઇક પાછળ ચપોચપ બેસેલી દિશાર્થીના એ તુટેલા આભલાનો સ્પર્શ રોમાચિંત કરી રહ્યો હતો.
‘શું આ વખતે કોઇ નવી શરત છે કે…?’ મયંકે ચાલુ બાઇકે જ પુછ્યુ.
‘ના… આ વખતે કોઇ શરતો નહી…, તને છોડીને ગયા પછી મને પણ અહેસાસ થયો કે મારે કમ સે કમ એક પરિચય તો આપવો જોઇતો હતો અને સાચુ કહું તો મને પણ તારી ખૂબ યાદ આવતી હતી…! દિશાર્થીએ તેનું માથુ હવે મયંકના ખભા પર ઢાળી દીધુ અને મયંકનુ દિલ વધુ જોરથી ધડકવા લાગ્યું.
‘તો હવે તો કહે કે તુ કોણ છે?’ મયંકે તેનો પરીચય પુછ્યો.
દિશાર્થીની નજર પાર્ટી પ્લોટની બહાર મોટા બેનર પર પડી. તે તેની તરફ વારંવાર જોઇ રહી હતી અને કંઇક વિચાર કર્યા પછી કહ્યુ, ‘જો તુ મને કાયમ સાથ આપવાનું વચન આપીશ તો તને મારો પરીચય આપીશ.. અને સેલ્ફી નહી પણ તારે જેટલા ફોટા પાડવા હોય તેટલા ફોટા પણ પાડવા દઇશ… બસ… ખુશ…!’ અને ત્યારે જ મયંકે બાઇકને બ્રેક મારી અને આંચકાને કારણે દિશાર્થીના અંગેઅંગનો પ્રેમ સ્પર્શ મયંકની પીઠે થતા તે રોમાંચિત થઇ ગયો.
‘તો અત્યારની આપણી આ પહેલી સેલ્ફી.’ મયંકે એટલુ કહી એક સેલ્ફી લેવા મોબાઇલ બહાર કાઢ્યો.
સેલ્ફીનું ક્લિક થવું અને ત્યાં જ દિશાર્થીએ તેનો એક હાથ વચ્ચે લાવી દીધો અને બોલી, ‘મયંક, મારી વાત હજુ અધુરી છે, મારી શરત એટલી છે કે મારો પરીચય હું જ તને સામેથી આપીશ તે મારું પ્રોમીસ છે અને હું તને કહીશ ત્યારે જ તારે મારી સેલ્ફી લેવી…!’ દિશાર્થીની વાત સાંભળી મયંક ચુપ થઇ ગયો અને મોબાઇલ સ્ક્રિન પર જોયુ તો અંધારાને કારણે સેલ્ફી સ્પષ્ટ નહોતી દેખાતી.
આજે યંગ કલ્ચરમાં ભીડ વધારે હતી. વરસાદી વાતાવરણ સવારે થયું હતુ પણ મેઘરાજાએ પણ ખેલૈયાઓ માટે ખમૈયા કર્યા હોય તેમ લાગી રહ્યું હતુ. બન્ને પાર્ટી પ્લોટની અંદર દાખલ થયા.
દિશાર્થીની નજર મુખ્ય સ્ટેજ પર વારંવાર ફરી રહી હતી. સ્ટેજ પર આજના મહેમાનોનો પરીચય અને પછી ગરબા શરુ થશે તેવી જાહેરાત થઇ ચુકી હતી.
બાજુની મોટી ટીવી સ્ક્રિન પર ભાસ્કરને જોઇ તે બોલી, ‘આ કોણ છે ? બહાર બેનર પર પણ તેનો ફોટો છે?’
‘એ તો ભાસ્કર છે… આ વર્ષની નવરાત્રીમાં તે મુખ્ય સ્પોન્સર છે અને તેના પપ્પા આ શહેરના ધારાસભ્ય છે. આવતી ચુંટણીમા તેના પપ્પા તેને ટીકીટ મળે તે માટે આ બધુ કરી રહ્યા છે.’ મયંકે વિસ્તારપૂર્વક જવાબ આપ્યો.
‘તુ ઓળખે છે તેને ?’ દિશાર્થી આગળ પૂછ્યુ.
મયંકે એન્ટ્રી પાસ પર રહેલી તેની તસ્વીર બતાવતા કહ્યું, ‘હા… આ તો એક નંબરનો હરામી છે…! બધાય દુર્ગુણ તેનામાં છે.. અને તેના બે નંબરી કામો ઢાંકવા તેના પપ્પા મથામણ કરતા ફરે છે.’
દિશાર્થીએ પાસ હાથમાં લીધો અને બારીકાઇથી જોયો અને પછી ટીવી સ્ક્રિન પર જોઇને બોલી, ‘તેના નાક પર કેવુ ભયાનક નિશાન છે નહી ? તે પાસ પરના ફોટામાં દેખાતુ નથી પણ આ મોટી ટીવી સ્ક્રિન પર દેખાય છે.’ બરાબર આ સમયે જ ભાસ્કરનો ચહેરો સ્ક્રિન પર દેખાઇ રહ્યો હતો.
‘હા, ગઇ નવરાત્રીમાં જ તલવારબાજી રમતા તેને વાગ્યું હતું…! તસ્વીરોમાં તો એડીટીંગ કરી કાઢી નખાય પણ ઉંડો ઘા એમ થોડો મટી જાય…? જો કે તારે મળવું હોય તો અત્યારે જ તને મળાવી દઉં… પણ સાચુ કહુ તો તે મળવા જેવો નથી…!’ મયંક ભાસ્કર વિશે ઘણુંબધુ જાણતો હતો.
‘તું તેને ખૂબ નજીકથી ઓળખતો હોય તેવુ લાગે છે?’ દિશાર્થીએ પુછ્યુ.
‘હા… અમારી પહેલા એક ખૂબ નજીકની ઓળખાણ થઇ હતી…!! પણ એ બધુ પછી કહીશ..!’ મયંકે વાત બદલવાની કોશિશ કરી.
જો કે ત્યારે જ મયંકની ઉંમરનો જ એક યુવાન તેની નજીક આવ્યો અને મયંકને જોરથી પીઠ પર ધબ્બો મારતા બોલ્યો, ‘કેમ અમને તો તુ સાવ ભૂલી જ ગયો…? મળતો નથી કે મહેલ પર આવતો નથી..!’
મયંકે પાછા ફરીને તેને જોઇને કહ્યું, ‘ઓહ્હ્હ જહોન, મને હતુ જ કે ભાસ્કર છે એટલે તું આસપાસ હોઇશ જ… અને ક્યાં છે રાજન..?
જહોને મયંકના કાનની નજીક જઇને કોઇ સાંભળી ન જાય તે રીતે કહ્યું, ‘એ તો ભાસ્કરની કારમાં પેક તૈયાર કરી રહ્યો છે…! આજે રાત્રે મહેલમાં જલ્સો છે આવવું છે…? ગઇ નવરાત્રીની જેમ જ…!’
‘ના.. હો… તને ખબર છે’ને મને તેમાં કોઇ જ રસ નથી.’ મયંકે જહોનને સારી રીતે સંભળાય તે રીતે કહ્યું.
‘જેવી મયંકપ્રભુની ઇચ્છા…!! પણ પેલી રાત યાદ છે’ને…? ભાસ્કર કહેતો હતો કે મયંકને યાદ કરાવ નહિ તો…!’ જહોન હવે મયંકને ધમકી આપી રહ્યો હતો.
મયંકે પણ ગુસ્સામાં કહ્યું, ‘તેને કહેજે કે થાય તે કરી લે…!!’ અને જહોન ત્યારે જ તેનાથી દૂર ચાલ્યો ગયો.
મયંકે આજુબાજુ જોયું તો દિશાર્થી તેની પાસે નહોતી….તે તેને શોધવા લાગ્યો…!
પાર્ટી પ્લોટની બહાર પાર્કિંગમાં એક પડછાયો ધીરે ધીરે ભાસ્કરની કાર તરફ આવી રહ્યો હતો… અને બીજી જ ક્ષણે એક મોટો પથ્થર આગળના કાચ પર પડ્યો હોય તેમ તૂટ્યો અને તે ગ્લાસની કેટલીયે કરચો અંદર બેઠેલો રાજનના ચહેરા પર ઘુસી ગઇ અને તેના મુખેથી એક ભયાનક દર્દભર્યો ચિત્કાર ઉઠ્યો…! ભયંકર વેદના સાથે તેની નજર તે તુટેલા ગ્લાસમાંથી બહાર ગઇ અને બરાડ્યો., ‘તું…???’
ત્યાં જ ગાયકે માઇક હાથમાં લીધુ અને ‘એ હાલો…!’ ગરબાની ધૂન શરૂ કરતા જ દિશાર્થીએ અહીં તહીં ભટકતા મયંકનો હાથ પકડ્યો અને ગરબાના સ્ટેપ શરૂ કર્યા….!
ક્રમશ : …….
લેખક : ડૉ. વિષ્ણુ પ્રજાપતિ
અંધારી રાતનો ગરબો…! ભાગ–૨ અંધારી રાતનો ગરબો…! ભાગ–૪
Categories: Dr. Vishnu M. Prajapati
1 reply »