Dr. Vishnu M. Prajapati

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૩

સુંદરા ગઇ રાત્રે ખૂબ જ ડરી ગઇ હતી. વાતાવરણમાં ઠંડીનો ચમકારો, સ્લીવલેસ ડ્રેસ અને વાવમાં થયેલ ભયાનક અનુભવને કારણે રાત્રે સહેજ તાવ ચઢી ગયો હતો. ચીઠ્ઠી વાંચવાની રાત્રે હિંમત થઇ નહોતી… પણ સવારે ઉઠીને બેડ પર જ ચીઠ્ઠી હાથમાં લીધી અને ધીરે ધીરે તેની દબાયેલી ગળીઓ ખોલવાનું શરૂ કર્યો. ચીઠ્ઠી ખોલતા જ અંદરથી જાણે કોઇએ ઘગધગતો અંગારો મુક્યો હોય તેટલી ગરમી સુંદરાની મુલાયમ આંગળીઓ પર અનુભવાઇ.

સાવ ચુંથાયેલા કાગળ પર જાડા, મોટા અને આછા કથ્થાઇ રંગથી કંઇક લખેલું હતું…! સુંદરાએ તે શબ્દો પર આંગળી ફેરવી અને ત્યાં જ તે ચમકી ગઇ, કારણ કે આ ચીઠ્ઠીના અક્ષરો કોઇ શાહીના નહી પણ લોહીથી લખાયેલા હતા…! આ અગાઉ પણ કોઇએ તેને લોહીથી અનામી પ્રેમપત્ર લખ્યો હતો… જો કે ગઇરાતનો ભયંકર અનુભવ અને આ લોહીના અક્ષરો જોઇને ભયની કમકમાટી સુંદરાના આખા શરીરમાંથી પસાર થઇ ગઇ. ચીઠ્ઠી પર કેટકેટલીક જગ્યાએ લોહીના બુંદો પણ પડેલા હતા…!

‘મારું નામ મોહિની છે. પ્લીઝ મારા પપ્પાને આ નંબર પર ફોન કરીને કહેજો કે મને માફ કરી દે….!!’ આ અક્ષરોની નીચે ફોન નંબર લખેલો હતો…. એની નીચે લખતા લખતા સહી ખુટી જાય એમ આછું આછું વાક્ય લખવાનો પ્રયત્ન કર્યો હતો પણ તે સ્પષ્ટ દેખાતું નહોતું.

સુંદરાને ચીઠ્ઠી પરથી એવું અનુમાન લગાવ્યું કે આ છોકરી અને તેના પપ્પા વચ્ચે કોઇક તકલીફ થઇ છે અને તેની તેના પપ્પા સાથે વાત કરવાની ઇચ્છા અધુરી રહી ગઇ છે…. પણ તરત બીજા પ્રશ્નો સળવળવા લાગ્યા…!

‘એ પોતે તેના પપ્પા સાથે કેમ વાત કરતી નથી ?’
‘તેને ચીઠ્ઠી લોહીથી કેમ લખી છે ?’
‘એ ચીઠ્ઠી લખનાર મોહીની અત્યારે ક્યાં હશે ?’

સુંદરાએ તેનો મોબાઇલ ઉઠાવ્યો અને ચીઠ્ઠીમાં લખેલ નંબર ડાયલ કર્યો. થોડી રીંગ વાગ્યા પછી કોઇ પુરુષે કૉલ રીસીવ કર્યો, ‘હેલ્લો…! જય અંબે…!’

‘જય અંબે અંકલ..! હું સુંદરા બોલું છું…. મોહિની વિશે મારે તમને કંઇક કહેવું છે…!’ સુંદરા આગળ કંઇક કહે તે પહેલા સામેથી જવાબ આવ્યો, ‘મરી ગઇ છે મોહિની અમારા માટે…!’ અને ફોન કટ થઇ ગયો.

સુંદરા તેમના આવા વર્તન બદલ ખીજાઇ પણ તે હકીકત એ હતી કે મોહિનીને એટલી હદ સુધી તેઓ નફરત કરતા હતા કે તેનું નામ પણ સાંભળવા તે તૈયાર નહોતા.

બીજા નોરતે પણ સુંદરાનો અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! કાર્યક્રમ અદભૂત રહ્યો… અનેક પ્રેમીપંખીડાઓ અને ખેલૈયાઓની આ નવરાત્રીની અધુરી ઇચ્છાઓ સુંદરા અને આખું શહેર માણી રહ્યું હતું.

પ્રોગામ પુરો કરી સુંદરા તેની બ્યુટી કીટ પર્સમાં મુકવા જતી હતી ત્યાં પેલી ચીઠ્ઠી દેખાઇ. તેને બહાર કાઢી શું કરવું તે વિચારી રહી હતી ત્યાં નિખિલ તેની પાસે આવ્યો… ‘સુંદરા ક્યાંક આ પેલી ચીઠ્ઠી તો નથી’ને જેનો લાઇવ પ્રોગ્રામમાં કૉલ આવ્યો હતો…?’

‘હા..’

‘તો ખરેખર એના કોઇ અધુરા ઓરતાં છે ?’

‘હા, એ કોઇ છોકરી છે અને તેને તેના પપ્પા સાથે વાત કરવી છે પણ તેના પપ્પા તેનું નામ પણ સાંભળવા તૈયાર નથી… લાગે છે કે તેના અધુરા ઓરતાં પુરા નહી કરી શકું.’

‘તો લાવ ચીઠ્ઠી મને આપ…! હું ટ્રાય કરી જોવું…!’ નિખિલે ચીઠ્ઠી હાથમાં લીધી… લોહીથી ખરડાયેલ શબ્દો અને સૌથી ઉપર નામ વાંચતા જ તેનો કપાળે પરસેવાના બુંદ ઉપસી આવ્યા.

પણ સુંદરાએ તરત નિખિલના હાથમાંથી ચીઠ્ઠી લઇ લીધી અને બોલી, ‘સોરી નિખિલ , મને લાગે છે કે આ છોકરીના અધુરા ઓરતા મારે જ પુરા કરવા જોઇએ.’ સુંદરાએ ચીઠ્ઠી ખેંચી લીધી જો કે તેને ખ્યાલ ન આવ્યો કે નિખિલના હાથ ધ્રુજી રહ્યા હતા. સુંદરાએ કૉલ રેકોર્ડમાંથી ગઇરાત્રે આવેલ ફોન નંબર મેળવી લીધો હતો.

રાત્રે સુંદરા વાવ પાસેથી નીકળતા તે ચીઠ્ઠી તેના યથાસ્થાને મુકવાની ઇચ્છા થઇ આવી કારણ કે તે તે ચીઠ્ઠી મુજબની આખરી ઇચ્છા પુરી કરી શકી નહોતી અને લોહીથી ખરડાયેલા શબ્દો તેને વારંવાર ડરાવી રહ્યા હતા.

નવરાત્રી બંધ હતી એટલે બધા રસ્તાઓ સૂમસામ હતા. વાવથી સહેજ દૂર સ્કૂટી પાર્ક કરી સુંદરા વાવ તરફ ધીરે ધીરે આગળ વધી. વાવના કાળા અને મજબૂત જુના પથ્થરો પર સુંદરાના હાઇ હિલ સેન્ડલના મજબૂત સૉલ પડતા જ ખટાક… ખટાક અવાજ શરૂ થયો…! તે અવાજ વાવના ભૂગર્ભમાં જતા જ જાણે અંદરથી કોઇ ભૂતાવળ જાગી ઉઠી હોય એમ ભયંકર ચિચિયારીઓ સાથે કેટલાય ચામાચિડિયા એકસાથે ઉડીને સુંદરાની લગોલગથી પસાર થયા…. અંધારુ અને એકાએક ઉઠેલી ચિત્રવિચિત્ર અવાજોની કિકિયારીથી સુંદરા થીજી ગઇ…. સુંદરાને લાગ્યું કે નીચે ભોયરાંના ઘોર અંધકારમાં કોઇ તેને ખેંચી રહ્યું છે…. તે ડરી ગઇ… અને ચીઠ્ઠી મુકીને જલ્દી ભાગી જવા વિચાર્યુ… !

ચીઠ્ઠી હાથમાં લીધી અને પેલા ગોખલા તરફ આગળ વધી ત્યાં જ વાવની અંદરથી કોઇ ભેંકાર અવાજનો પડઘો સંભળાયો…. ‘સુંદરા….!!!’

હવે સુંદરાની ડર સહન કરવાની બધી મર્યાદા પુરી થઇ ગઇ હતી એટલે તે ચીઠ્ઠી મુઠ્ઠીમાં બંધ કરી અને બહાર ભાગી… તેની પાછળ કોઇક કહી રહ્યું હતું, ‘મારી અધુરી ઇચ્છા પુરી કર સુંદરા….!!!’ પણ સુંદરાની હિંમત નહોતી કે વાવ તરફ પાછુ વળીને નજર કરે….!!!!

દૂર અંધકારમાં મોં પર બુકાની ઢાંકીને એક અજાણ્યો ઓળો સુંદરાની હરકતને જોઇ રહ્યો હતો અને તેને ભાગતા જોઇ તે ધીરે ધીરે વાવ તરફ ગયો. અંદર ઘોર અંધકારમાં તે લાઇટ કરી કંઇક શોધી રહ્યો હતો….!!

ત્યાં જ વાવની પાછળ રહેલા કબ્રસ્તાનમાં કેટલાક કૂતરાઓએ એકસાથે ભયાનક રીતે ભોંકવાનું શરૂ કર્યુ અને તે ઓળો પણ ડરના માર્યો ત્યાંથી ભાગ્યો….!

——————————

રાત્રીના બાર વાગ્યે ગુફાના અંધકારમાં ભભૂકતી આગ સામે અઘોરીની આંખોમાંથી ક્રોધનો લાવા નીકળી રહ્યો હતો. તેની આગળ થોડે દૂર પડેલી ત્રણ માનવ ખોપડીની આંખમાંથી તે સળગતી આગનો તેજ પ્રકાશ બહાર આવી રહ્યો હતો.

હિંગોળક જેવી તેની મોટી આંખો તેજ અગ્નિને પણ એકધારી તાકી રહી હતી. તેની આંખો અને તેનું શરીર ભયંકર આગને ખમી શકે તેવા બની ચુક્યા હતા. બાજુની એક અડધી ખોપડીમાં ભરેલ લાલ ચટાક લોહીને જમણા હાથની અંજલીમાં લીધું… વિશાળ કમંડર જેવી તેની હથેળીના ખોબામાંથી કેટલુંક લોહી નીચે ટપકી રહ્યું હતુ….!! ભલભલાના હાજા ગગડાવી દે તેવું તે દ્રશ્ય હતું. ચારેબાજુ વિખરાયેલું કંકુ અને તેની મધ્યમાં માનવકદની એક મહાકાલની ડરાવી દે તેવી પ્રતિમા હતી. કેટલાક પશુ અને માણસોના હાડકાની માળા તેને પહેરાવી હતી અને તેના પગ પાસે હમણાં જ કપાયેલા પશુનું માંસ વિખરાયેલું પડ્યું હતું.

તેને પોતાની રક્ત અંજલિ અતિભયાનક મહાકાલની મૂર્તિ સામે ઘરી અને ઘોરગર્જના સાથે કોઇ ભેદી શ્લોક્નું ઉચ્ચારણ કરતા કરતા જમણા હાથને આગ તરફ હવામાં સ્થિર કર્યો….. ‘ઓમ અશ્ય પશ્ય ભૂવો ન: ક્લીહ: ભૈરવાય રક્તાય પ્રપ: …!!’ છેલ્લા શબ્દની સાથે જ તેને હાથમાં ભરેલા લોહીની છાલક આગ પર ફેંકી… લોહીની સાથે માંસ પણ બળ્યું હોય તેવી વાસ ગુફામાં પથરાઇ ગઇ… અને તેને ઉંડો શ્વાસ ખેંચ્યો..! આ સુગંધ તેને ખૂબ જ ગમતી હોય તેમ આંખો બંધ કરીને થોડીવાર તે ઉંડા શ્વાસોશ્વાસ લેવા લાગ્યો અને ફેફસામાં સુગંધ ભર્યા પછી હાથ પર ચોંટેલા રક્તને ચાટવા લાગ્યો….!!

ગુફાની ખરબચડી દિવાલ પાસેના કાળમીંઢ પથ્થર પર બીજો એક અઘોરી ત્યાં કશુક ઘસીને ચલમમાં ભરી રહ્યો હતો… પણ બે દિવસથી એકપણ શબ્દ બોલી શકનાર વિશ્વાસે અત્યારે હિંમત એકઠી કરીને કહ્યું, ‘‘એ કંકુ નાંખવાની જરૂર કેમ પડી ?’ તે સારી રીતે જાણતો હતો કે અઘોરીને તેની વિદ્યા વખતે છંછેડવો એટલે મોતના મુખમાં હાથ નાંખવા બરાબર છે.

‘તો ક્યાં ઉસે ખૂન સે નહલા દૂં….?? દુર્ગા કી પૂજા કિતની ભી કરલે મગર મહાકાલી કી ચરનો મે ઉસે આના હી હોગા…!!’ એટલું કહીને અઘોરીએ અટ્ટહાસ્ય કર્યુ અને ગુફાની દિવાલો ઘણઘણવા લાગી.

ત્યાં જ એક ત્રીજો અઘોરી ગુફામાં દાખલ થયો… ‘મહેમાન આ ગયે હૈ… દસ પેટી જમા કરવા દીયા હૈ…!’

આ સાંભળતા જ તેની આંખો તગતગવા લાગી અને સામે બેઠેલા વિશ્વાસને કહ્યુ, ‘અભી તુ ઇસ રાસ્તે સે બહાર નીકલ…. પીછે મુડ કે મત દેખના….!’ વિશ્વાસ જાણતો હતો કે આ ગુફામાં તેની સામે બેસવું એટલે મોતને મુઠ્ઠીમા રાખીને બેસવું અને તેના આદેશનો અનાદર એટલે ક્રુર મોત….!!

વિશ્વાસ ઉભો થયો ત્યાં તેની નજર તે અઘોરી જેના પર બેઠો હતો ત્યાં નજર પડી અને એક ક્ષણમાં તેને ચક્કર આવી ગયા… તે કોઇ મડદાં પર બેઠો હતો…. અને તે માનવમાંસનું ભક્ષણ કરતો હતો….!! વિશ્વાસની સહનશક્તિ બહારનું તે દ્રશ્ય હતું એટલે તે ભાગ્યો…!!’

બહાર આવીને તેને થોડા ઉંડા શ્વાસ લીધા. તેનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. સહેજ શ્વાસ હેઠો બેસતા જ દૂર દૂર નજર કરી. આસો સુદ બીજના આછા અજવાળે દૂર દૂરના ડુંગર દેખાઇ રહ્યા હતા.. પણ તેની પાછળના ઘેરા અંધકારને કારણે બધા અઘોરી તાંત્રિક જેવા ડરાવના લાગ્યા.

ગુફાનો મુખ્ય દરવાજો અહીંથી દૂર હતો… ત્યાં સળગી રહેલી મશાલને કારણે ત્યાંની ચહલપહલ દેખાઇ રહી હતી. ત્યાં બહાર પડેલી એક પૉશ કારમાંથી ચહેરો ઢાંકીને કોઇ ઉતર્યુ અને ગુફાની અંદર જવાની ખૂબ ઉતાવળ હોય તેમ તે ઉતરીને ભાગ્યો… તે વિચિત્ર રીતે ચાલી રહ્યો હતો.. વિશ્વાસની આંખો ઝીણી થઇ અને એકાએક તેના રુંવાડા ઉભા થઇ ગયા… ‘આ અહીં…?’

ક્રમશ : …….

લેખક : ડો. વિષ્ણુ પ્રજાપતિ

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ – ૨                                                                                      અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–4

Leave a Reply