Sense stories / बोध कथाए

કુહાડીમાંથી પ્રેરણા……એક બોધકથા

એક જ માતા – પિતાના બે સંતાન હોય છતાંપણ એક સરખી સફળતા મેળવી શકતા નથી . આ વાત આપણે સૌ જાણીએ છીએ પરંતુ આવું કેમ બને છે તે અંગે ઘણાં ઓછા લોકો જાણતા હોય છે . આનું રહસ્ય એ છે કે સફળતા મેળવવા માટે જે માર્ગ અપનાવવામાં આવે છે તે માર્ગનો સતત મહાવરો કરવામાં આવે…સતત પરિશ્રમ કરવામાં આવે …યોગ્ય દિશામાં ચાલવામાં આવે તો અવશ્ય સફળતા મળે…મળે ને મળે જ……. પરંતુ આ જાણકારીના અભાવે કરવામાં આવતો પરિશ્રમ કે મહેનત માત્ર વેઠ બની જતી હોય છે . ત્યારે માત્ર સમયની જ બરબાદી થતી હોય છે . જ્યારે એક જ સરખું વાતાવરણ…એક જ સરખું પર્યાવરણ…એક જ સરખી ભૌતિક સગવડ મળવા છતાં એકને સફળતા મળે અને બીજાને નિષ્ફળતા મળે ત્યારે સમજી લેવાનું કે ખામી આપણા પરિશ્રમમાં જ રહેલી છે . આ વાતને વધારે પૃષ્ટિ આપવા માટે એક સચોટ ઉદાહરણ સમજીએ…….

એકવાર બે વ્યક્તિઓને એક સરખી કુહાડી આપવામા આવી. એક જ જંગલમાં જઈને લાકડા કાપી લાવવાનું કામ સોંપવામા આવ્યું. બન્નેની કુહાડીની ધાર પણ સરખી જ હતી . બન્નેને સમય પણ સરખો જ આપવામા આવ્યો હતો . આ લાકડા કાપવાનું કામ સતત પંદર દિવસ સુધી કરવાનું હતું . બન્ને દરરોજ જંગલમાં જાય અને લાકડા કાપી સાંજે પાછા આવે . પંદર દિવસને અંતે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે…..એક વ્યક્તિ નિયમિત જેટલા લાકડા કાપતો હતો તેટલા જ લાકડા દરરોજ કાપી લાવતો હતો . જ્યારે બીજા વ્યક્તિના કામમાં તફાવત જોવા મળ્યો . બીજા વ્યક્તિના લાકડા કાપવામાં દિવસે ને દિવસે ઘટાડો થતો જણાયો . આનું કારણ સમજાયું નહિ . બન્નેને એક સરખું જંગલ અને એક સરખી કુહાડી છતાં આટલો બધો તફાવત…..! સંશોધનના અંતે જાણવા મળ્યું કે પહેલો વ્યક્તિ જે એક સરખા લાકડા કાપી લાવતો હતો તે દરરોજ સાંજે ઘરે આવીને કુહાડીની ધાર કાઢતો હતો . ધાર કાઢેલી કુહાડી લઈને જ બીજા દિવસે લાકડા કાપવા જતો . તેથી જ તેને સુંદર પરિણામ પ્રાપ્ત થતું . જ્યારે બીજો વ્યક્તિ સાંજે આવીને થાક્યો – પાક્યો કુહાડી ફેંકી ઊંઘી જતો . એ બુઠ્ઠી કુહાડી લઈને બીજા દિવસે જંગલમાં જતો . માટે જ દિવસે ને દિવસે ઓછા લાકડા કપાતા હતા . તેનો પરિશ્રમ માત્ર વેઠ બનીને રહી ગયો હતો .

આ પ્રસંગ પરથી આપણે એ બોધ મેળવવાનો છે કે…..આપણે સૌ આપણા કામની ધાર નિયમિત કાઢતા રહીશું તો અવશ્ય સફળતા મળશે. કાલે કરવાના કામ માટે આગળના દિવસે આયોજન કરવાથી અવશ્ય સફળ થવાય છે . સાથે – સાથે કામનું પુનરાવર્તન કામને મજબૂત બનાવે છે . અભ્યાસ કરતા બાળકો માટે તો આ ઉદાહરણ અક્સિર ઈલાજ સમાન છે . જો બાળકો નિયમિત અભ્યાસમાં પુનરાવર્તન કરતા રહે તો ચોક્કસથી પોતાના ધ્યેય સુધી પહોંચી શકે છે .

-જીતુ નાયક

9228705796

Leave a Reply