Dr. Vishnu M. Prajapati

અંધારી રાતનો ગરબો…! ભાગ–૨

મયંકને એક એક ક્ષણ હવે યુગો યુગો જેવી લાગી રહી હતી. તે સમય કરતા ઘણો વહેલો એક વર્ષ પહેલા નિશ્ચિત કરેલી જગ્યાએ આવી ગયો હતો. તળાવની બાજુના રસ્તાની સાઇડ પર બાઇક પાર્ક કરી તેની આંખો ચોતરફ કોઇને શોધી રહી હતી. વરસાદી વાતાવરણને કારણે વાતાવરણમાં ઘણી ઠંડક હતી. કોઇએ ન ધાર્યુ હોય તે રીતે આવેલો આ હવામાનનો પલ્ટો નવરાત્રીની મજા બગાડી રહ્યો હતો.. પણ મયંકની નવરાત્રી તો હવે કોઇને મળવાની તાલાવેલી પર વધુ કેંદ્રિત હતી.

‘શું તે પણ મને મળવા મારા જેટલી જ ઉતાવળી હશે કે ફક્ત હું જ પાગલ છું ?’ મયંક પોતાના પ્રેમના પાગલપણાને સાવ ક્ષુલ્લક સમજી દિલને અનેકવાર મનાવવાની વ્યર્થ કોશિશ કરી ચૂક્યો હતો પણ દિશાર્થી માટે તેનું ધબકતું દિલ તેની બીજી કોઇપણ વાત સ્વીકારવા તૈયાર નહોતું. ‘તે જરુર આવશે’ એવો તેના દિલનો ધબકતો અવાજ તેને અનેકવાર સાંભળ્યો હતો.

મયંક થોડીવાર માટે તળાવના કિનારે લટાર મારવા નીકળ્યો. અહીંથી યંગ કલ્ચર ગ્રુપ નવરાત્રી મહોત્સવ થોડે જ દૂર હતો એટલે તેની સાઉન્ડ સિસ્ટમનો ચારે તરફ ફેલાઇ રહેલો અવાજ પણ સંભળાઇ રહ્યો હતો. રાત્રીના બરાબર નવ કલાકે આરતી શરૂ થશે અને સમયસર ગરબા પણ પૂર્ણ કરવાના તે આગ્રહી હતા.

કિનારે પહોંચતા જ પાણીથી છલોછલ ભરાઇ ગયેલા તળાવ ઉપરથી આવતી ઠંડી લહેર મયંકના શરીર પરથી પસાર થતાં જ તેના અંગેઅંગમાથી કંપારી છૂટી ગઇ. આજે પહેલું નવરાત્ર હતુ એટલે શોર્ટ ટ્રેડીશનલ ઝભ્ભો અને પાયજામો પહેરીને તે આવ્યો હતો. રેશમી પાતળુ કાપડ અને ખુલ્લા શરીરને કારણે તે વધુ ઠંડીનો અહેસાસ અનુભવી રહ્યો હતો. જો કે ખુશનુમા વાતાવરણ અને પ્રેયસીની મુલાકાત પૂર્વેની આ ક્ષણ તેને વધુ આહલાદક લાગી રહી હતી.

ચારે તરફ તેની ફરતી નજર તળાવના મુખ્ય દ્વાર પર જ લખાયેલી તક્તી પર થોડીવાર માટે સ્થિર થઇ. તે બોર્ડ પર આ જુના ‘હરણી તળાવ’નું નવું નામ કરણ થઇ ગયું હતુ. શહેરના ચુંટાયેલા નેતા આદિત્યરાયના પુત્ર ભાસ્કરના નામથી આ તળાવનું નામ ‘ભાસ્કર તળાવ’ કરી દીધુ હતુ. જો કે શહેરના લોકોને આ સહેજેય ગમ્યું નહોતુ. છાપામાં કચવાટ તો છપાયો હતો પણ સત્તા આગળ શાણપણ નકામું હતુ.

હરણી તળાવ સાથે એક પૌરાણિક કથા જોડાયેલી હતી. આ શહેર એક પૌરાણિક નગર હતું. પ્રાચીન સમયમાં આ નગરથી પશ્ચિમ તરફ ઘનઘોર જંગલ હતુ અને તે જંગલના પશુઓને પાણી પીવા માટે મહારાજા રત્નાકરરાયે ઘણા વર્ષો પહેલા આ તળાવ ખોદાવ્યું હતુ. આ તળાવ પર હરણના ટોળે ટોળાં પાણી પીવા આવતા એટલે તેનું નામ હરણી તળાવ પડ્યું હતું.

તળાવની પૂર્વ તરફ રાજાનો ભવ્ય મહેલ હતો. જો કે તે મહેલ અત્યારે ખંડેર હાલતમાં હતો. મયંકની નજર તે ખંડેર તરફ જ હતી. આજે ભલે તે ખંડેર લાગતો પણ ભૂતકાળમાં તેની ભવ્યતા અનેકગણી હશે તે તેની તોતીંગ દિવાલો અને ઝીણી કોતરણીવાળા ઝરુખા દર્શાવી રહ્યા હતા.

તળાવના મુખ્ય ગેટની સહેજ અંદર તળાવ તરફ એક હરણી અને તેના બે બચ્ચાનું સ્ટેચ્યુ બનાવેલું હતુ. તે સ્ટેચ્યુ પણ એક ઐતિહાસિક ઘટનાની સાક્ષી પુરતું હતુ. તે હરણી તેના બચ્ચા સાથે પાણી પી રહી હતી ત્યાં જ પૂર્વ દિશાના મહેલના ઝરુખેથી આવેલું એક સનસનતુ તીર તે હરણીની આરપાર નીકળી જાય છે અને તેનું એક બચ્ચુ આમ અચાનક પોતાની માતાને લાગેલા જીવલેણ તીર તરફ મોતનું સાક્ષી બની ખૂબ નિર્લેપ ભાવે જોઇ રહ્યું હતુ જ્યારે તેનું બીજુ બચ્ચુ મહેલની દિશામાં કાતિલ નજરે તાકી રહ્યુ હતુ. તે સ્ટેચ્યુની કારીગરી પણ ચોક્ક્સ એંગલ અને અદભૂત હાવભાવ સાથે બનાવેલ હતુ.

રાજા રત્નાકરરાયની પછીની પેઢીના રાજા સિંધુરાયમાં તેના પૂર્વજોમાં રહેલો સેવાનો એકેય છાંટો નહોતો. તે સિંધુરાય સાંજે તેના મહેલના ઝરુખેથી પાણી પીવા આવેલા નિર્દોષ હરણોનો શિકાર કરતો હતો. છેક પૂર્વથી તેને છોડેલુ તીર તળાવના પશ્ચિમ છેડે પાણી પીતા એક હરણાંનો શિકાર અચૂક કરી લેતુ. સિંધુરાય બળવાન, ક્રુર અને શોખીન શાસક હતો. તે ફક્ત સામે કાંઠે પાણી પીતી હરણીના જ નહી પણ તળાવને કાંઠે પાણી ભરવા આવેલી સ્વરુપવાન હરણીઓના પણ શિકાર કરી લેતો…! અને આ મહેલમાં આવી કેટલીયે હરણીઓ તેની હવસનો શિકાર બની હતી.

આ ખંડેર મહેલની ચાર દિવાલોની અંદર આવી અનેક હરણીઓના રુદનો શાંત કરી દેવામાં આવ્યા હતા. જો કે એવું પણ કહેવાતું કે બે બચ્ચાવાળી હરણીના શિકાર પછી આ તળાવ કાંઠે ફરી એકેય હરણ પાણી પીવા નહોતુ આવ્યું. આ ઘટના પછી તો સાત પેઢીઓ નીકળી ગઇ. રાજા અને રજવાડાઓ ખલ્લાસ થઇ ગયા, પણ કેટલીક લોકવાયકાઓ અને લોકકથાઓ હજુ પણ લોકોના મનમાંથી ભૂંસાઇ નહોતી.

મયંકે તેની નજર તે સ્ટેચ્યુ પરથી હટાવી આજુબાજુ આવતા જતા લોકો તરફ ફેરવી. પહેલા આ તળાવ તરફ ફરકવાય કોઇ આવતુ નહોતુ પણ ગયા વર્ષથી જ આ તળાવની રોનક વધારતા આ બાજુ રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગો બનવા લાગી હતી.

‘શું દિશાર્થીને યાદ તો હશે’ને કે તેને એકવર્ષ પહેલા કોઇને વચન આપ્યું હતુ ? શું તે તેને આપેલુ વચન પાળશે ? તું આવતી નવરાત્રીએ મારી સાથે ફરી ગરબે રમવા આવીશ’ને…? હું તારી રાહ જોઇશ..!! તેના શબ્દો અત્યારે પણ મયંકને સંભળાઇ રહ્યા હતા.

તેને એ પણ કહ્યું હતુ કે કોઇ સંજોગોવશાત ન પણ આવી શકી તો સુખદ સ્પપ્ન સમજી તુ ભૂલી જજે. પણ મયંક આખાય વર્ષમાં એક પલ માટે પણ તેને ભૂલ્યો નહોતો. વર્ષ દરમ્યાન ઘણીવાર તે યંગ કલ્ચર પાર્ટી પ્લોટના રસ્તે કોઇપણ કામ વિના ચક્કર મારી આવતો હતો. તે જુના તળાવના કાંઠે પણ ઘણીવાર બેસીને આવતા જતાને નીરખી લેતો, કદાચ, દિશાર્થી સાથે મુલાકાત થઇ પણ જાય…! પણ, દિશાર્થી તો ખરેખર સાવ અદ્રશ્ય જ થઇ ગઇ હતી. મયંકે દિશાર્થી સાથે સેલ્ફી લેવાની પણ કોશિશ કરી હતી અને તેને ત્યારે જ નવી શરત ઉમેરી હતી કે મયંકે તેની સેલ્ફી કે કોઇ તસ્વીર પણ ન લેવી..!

મયંક ઘણીવાર તેને ભૂલી જવી જોઇએ તેમ વિચારતો હતો પણ તે ભૂલવાની દરેક કોશિષ નિષ્ફળ રહી હતી અને વધુ ઉત્કટતાથી તેને ચાહવા લાગ્યો હતો. આ વર્ષે તો તેને જાન્વી અને તેના ફ્રેન્ડ સર્કલને પણ તેમની સાથે નવરાત્રી નહી કરે તેવું સ્પષ્ટ કહી દેતા તેમને આંચકો લાગ્યો હતો. વરસાદના કારણે શહેરના ઘણાખરા પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન મોકૂફ રાખ્યું હતું. જો કે યંગ કલ્ચર ગ્રુપે તો વોટર પ્રુફ ડોમ બનાવી આ તક ઝડપી લીધી અને તેથી તેની ડિમાન્ડ એટલી બધી વધી ગઇ કે તેના પાસ પણ મળવા મુશ્કેલ થઇ ગયા હતા. જો કે મયંકે તો અગાઉથી જ તેના બે પાસ બુક કરી લીધા હતા.

એવામાં બહાર થોડો કોલાહલ સંભળાતા જ મયંક રોડ તરફ ઝડપથી ચાલ્યો. થોડે દૂર એક પોલિસવાન દરેક વાહનચાલકોને ઉભા રાખી હેલ્મેટ, લાયસન્સ વગેરેની તપાસ કરી રહી હતી. મયંકે જોયુ તો તેનું બાઇક નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલું હતુ એટલે તે ઝડપથી દોડ્યો પણ તે પહોંચે તે પહેલા જ એક પોલિસ તેની પહેલા તે બાઇક પાસે પહોંચી ગયો હતો.

મયંક કાંઇપણ બોલે તે પહેલા તે પોલિસે ચલણબુક ખોલીને નામ લખાવવા કહ્યું. મયંક ‘સાહેબ… સાહેબ…!’ની આજીજી કરવા લાગ્યો પણ આખરે તેને રોંગ પાર્કિંગનો દંડ ભરવો જ પડ્યો. તે પોલિસે તેનું નામ સરનામું લખી ચલણ આપતા કહ્યું, ‘લાયસન્સ અને હેલ્મેટનું પણ ભેગું ચલણ ફાડીશ તો તારુ પાકીટ ખાલી થઇ જશે એટલે આટલો દંડ ભરી ભાગ અહીંથી…!’

મયંક પાસે કોઇ રસ્તો નહોતો, રકઝક અને દંડ ભરે ત્યાં સુધીમાં તો યંગ કલ્ચર પાર્ટી પ્લોટની આરતી પૂરી થઇ ગઇ હતી અને બોલો અંબે માત કી જય…! નો એક ગગનભેદી અવાજ સંભળાયો. ગરબા હવે શરુ થશે… પણ દિશાર્થી હજુ સુધી આવી નહોતી.

મયંક ત્યાંથી થોડે દૂર પોલિસની નજર બચાવીને એક ખૂણાના અંધારાની આડશ લઇને તેની રાહ જોવા લાગ્યો. તે અંધકારમાં હતો પણ રોડ પરની લાઇટથી તે ત્યાંની બધી જ અવરજવર નિહાળી શકે તેમ હતો.

અને ત્યાં જ….. મયંકને પાછળના અંધારામાંથી અચાનક જ રુમઝુમ રણકતા પાયલનો અવાજ તેની તરફ આવી રહ્યો હોય તેમ અહેસાસ થયો. મયંકે તે અવાજની દિશામાંથી આવતા ચહેરાને જોવા આંખો ઝીણી કરી… અને ધીરે ધીરે આછા અજવાળે એક દેહાકૃતિ દેખાઇ.. શું તે એ જ હશે? જેની તે એક વર્ષથી આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો…!

તેની દેહાકૃતિ જોતા જ મયંકનું દિલ એક ક્ષણવાર માટે ધડકવાનું ચુકી ગયું…!! તે જડવત બની ગયો હતો.. જે ક્ષણની તે એકવર્ષથી આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો તે ક્ષણ તેની નજર સામે ધીરે ધીરે પ્રગટ થઇ રહી હતી…!

યંગ કલ્ચર ગ્રુપની રીધમ શરુ થઇ ગઇ હતી. તેના ઢોલની પહેલી દાંડી પડી અને ઢોલનો રણકાર ચોરતફ ફેલાવવા લાગ્યો… તે ઢોલના તાલે જ તે દિશામાંથી અવાજ આવ્યો, ‘ મેં કહ્યું હતુ’ને મયંક કે સમયને જતા ક્યાં વાર લાગે છે…? ઢોલ ઢબૂકશે એટલે હું આવીશ અને ફરી આવતી નવરાત્રી આપણે સાથે ગરબે રમીશુ.’

મયંક તેનો શબ્દ રણકાર સાંભળી બાઇક પરથી ઉછળી પડ્યો અને તે પડછાયા તરફ દોડ્યો….!

ક્રમશ: …….

લેખક : ડૉ. વિષ્ણુ પ્રજાપતિ

અંધારી રાતનો ગરબો..! ભાગ–૧                                                                                                                          અંધારી રાતનો ગરબો…! ભાગ–૩

Leave a Reply