ફોન કટ કરી કપાળે રેલાયેલો પરસેવો વિશ્વાસે હાથરૂમાલથી દૂર કર્યો. દર નવરાત્રીમાં દુર્ગામાતાના મંદિરે બહુ ભીડ હોય છે પણ કોરોનાનાને કારણે આ વર્ષે બહુ ભીડભાડ તો નહોતી જ…! પણ કોઇ બાધા પૂરી કરવા કે કોઇ પોતાની વર્ષોથી નવરાત્રીમાં માથું ટેકવવાની નેમ પૂરી કરવા તો આવતું જ હતું. વિશ્વાસે માસ્ક બરાબર ફીટ કર્યુ અને સુંદરા પાછળ દોડ્યો. સુંદરા આગળ નીકળી ચુકી હતી.
સુંદરા એક પણ વિસામો લીધા વિના એકધારી ચાલી રહી હતી. તેને દુર્ગામાતામાં અતૂટ શ્રધ્ધા હતી અને જ્યાં શ્રધ્ધાનું બળ હોય છે ત્યાં શરીરબળ આપોઆપ અનેકગણું વધી જતું હોય છે.
આખરે મંદિરના મુખ્યદ્વારે પહોંચતા જ સુંદરાએ પુજાની થાળી સાથે બન્ને હાથ જોડી દુરથી જ મંત્રજાપ શરૂ કરી દીધા. આગળ પુરુષ અને સ્ત્રી વિભાગ જુદો હતો એટલે બન્ને જુદાં પડ્યાં. સોશિયલ ડિસ્ટન્સના દોરેલા કુંડાળા પ્રમાણે બન્ને આગળ વધી રહ્યા હતા. પહેલા નોરતે જ મા દુર્ગાના દર્શન થતા જ સુંદરા ભાવવિભોર બની તેની થાળીના ફૂલ સામે ધર્યા… પણ પૂજારીએ ઇશારાથી જ ન સ્વીકારવા કહ્યું અને સામે લખેલા બોર્ડ પર આંગળી ચિંધી. ‘કોરોનાને કારણે કોઇએ પ્રસાદ કે ફૂલ ચઢાવવા નહી.’ સુંદરાએ થાળી પાછી લીધી અને તેમાંથી બે ફુલ જમણાં હાથમાં લઇ બન્ને આંખ અને હૃદય પર સ્પર્શ કરી અલગ મુક્યાં.
વિશ્વાસ આગળ વધ્યો તેની અંદર વિચારોનું તોફાન જાગ્યું હતું…. અહીં દુર્ગામા અને ત્યાં કાલીમાં…. શું એક ઉજાસ અને બીજું અંધકારનું પ્રતિક છે ? કાલીમાને જોઇએ તો ક્રોધ, ગુસ્સો અને શત્રુને હણીને રક્તપાન માટે એમની જીભ તરસતી હોય તેવું લાગે…! શું એક માર્ગ શ્રધ્ધાનો અને બીજો માર્ગ અંધશ્રધ્ધાનો છે…?? અને ત્યાં જ ખોફનાક એક ચહેરો નજર સામે તરવરતા વિશ્વાસ ડરી ગયો…!’
‘ચલો અબ જલ્દી કરો…!’ ત્યાં ઉભેલા સિક્યોરીટીના અવાજે વિશ્વાસ ભાનમાં આવ્યો અને સુંદરા જ્યાં ઉભી હતી ત્યાં આગળ વધ્યો.
‘કેમ આજે વધારે માંગ્યુ કે શું ?’ સુંદરાએ તેના થાળની થોડી પ્રસાદ વિશ્વાસને આપતા કહ્યું.
‘હા, કદાચ, રીટર્ન જર્નીમાં કંઇક ચાન્સ મળે…!!.’ મંદિર બહાર વરસાદી વાતાવરણને કારણે વિશ્વાસે રોમાન્ટિક બનતા કહ્યું.
‘મંદિરમાં પણ તને આવું જ યાદ આવે છે ? ચલ જલ્દી મોડું થાય છે.’ સુંદરા અત્યારે બિલકુલ રોમાન્સના મુડમાં નહોતી અને તેના ખુલ્લા પગ ઝડપથી પગથીયાં પર નીચે ઉતરવા લાગ્યા.
‘સુંદરા હું પણ જોઉં છુ કે ક્યાં સુધી તું મારાથી બચી શકે છે ?’ ગુસ્સાભર્યા વિશ્વાસના શબ્દો સુંદરા સુધી પહોંચે તે પહેલા જ હવામાં ઓગળી ગયા અને વિશ્વાસે પણ તેની પાછળ નીચે ઉતરવાની શરૂઆત કરી.
આ સમયે દુર્ગામાતાના મંદિરના એક ખૂણામાં ધૂણી ધખાવી બેઠેલા, આખા શરીરે ભભૂત ચોળેલા એક અઘોરી બાબાની નજર આ બન્ને પર ક્યારનીયે મંડરાઇ રહી હતી. હાથમાં ચરસ ભરેલી ચલમની એક લાંબી કસ ખેંચી અને ધુમાડાની ધુમ્રસેરો હવામાં છોડી. વિશ્વાસ અને સુંદરા તે ધુમાડાની વચ્ચે ઓઝલ થતા જોઇ તે અઘોરીએ તરત મોબાઇલ કાઢી કોઇને કૉલ કર્યો, ‘વો અભી ઇધર સે નિકલે હૈ…!! હોંશિયાર રહેના…!’
વિશ્વાસ અને સુંદરા કાર પાસે પહોંચ્યા. સુંદરાએ દરવાજો ખોલ્યો અને આગળ મુકેલા સેન્ડલ પર નજર જતાં જ સુંદરાને ભયની ધ્રુજારી સાથે આંચકો આવ્યો…. ‘ઓહ માય ગોડ… આ કંકુ ક્યાંથી આવ્યું ?’ કાર બંધ છે અને ગ્લાસ પણ…!!’
વિશ્વાસ પણ તેના સેન્ડલ જોઇને આંચકો ખાઇ ગયો. ‘ સુંદરા, મા દુર્ગાની તારી પર કૃપા વરસી છે.’ વિશ્વાસના આ શબ્દોની સુંદરા પર કોઇ અસર ન થઇ…. તે હજુ ભયથી સેન્ડલને તાકી રહી હતી.
‘ક્યાંક પૂજાની થાળી સજાવતી વખતે કંકુ સેન્ડલ પર પડી ગયું હોય…!’ વિશ્વાસનો બીજો તર્ક સુંદરાને વ્યાજબી લાગ્યો એટલે સેન્ડલ સાફ કરીને પહેરી લીધા …. સેન્ડલ પર બાકી વધેલું કંકુ સુંદરાના પગના તળીયે પ્રસરવા લાગ્યું.
કાર સ્ટાર્ટ કરે ત્યાં જ વિશ્વાસનો મોબાઇલ રણકયો. ફરી પેલો નંબર જોતા જ વિશ્વાસ કારથી બહાર નીકળ્યો, ‘ મૈ બાદ મેં બાત કરતા હું.’ એટલું કહીને ફોન કટ કરી કારને ફરી શહેર તરફ દોડાવી દીધી.
રસ્તામાં એકપણવાર બન્ને વચ્ચે કોઇ ખાસ વાતચીત ન થઇ. સુંદરા હજુ કંઇક અજુગતી ઘટના બની છે તેવો ડર મહેસૂસ કરી રહી હતી. તેને દુર્ગામાતાની પ્રસાદનું ફૂલ હાથમાં લીધું અને મંત્રજાપ શરૂ કર્યા. ફૂલ હાથમાં લેતા જ પગ પર પ્રસરેલું કંકુ આપોઆપ સુકાઇ ગયું. સુંદરા થાકી ગઇ હોવાથી તેને આંખ મીંચી દીધી અને વિશ્વાસની અંદર એક ભયાનક તોફાને ઉત્પાત મચાવી દીધો હતો.
——————————-
સાંજે છેક ચાર વાગ્યે સુંદરા ઓફીસે પહોંચી. સુંદરાને જોતાં જ પ્રોગ્રામ હેડ અખિલ સામેથી મળવા આવ્યો. ‘ વાઉવ… આજનો તારો કાર્યક્રમ જોરદાર રહેશે તેવું લાગી રહ્યું છે. કેટલીબધી પોસ્ટ અને લાઇક્સ મળી છે.’
‘થેન્ક્સ…!’ સુંદરાએ તેની તરફ વધારે ધ્યાન ન આપતા આજની સ્ક્રિપ્ટ પર નજર કરી.
‘વિશ્વાસ સાથે કેવી રહી લોંગ ડ્રાઇવ ?’ અખિલ સુંદરા સાથે વાત કરવા માંગતો હતો પણ સુંદરાએ ધ્યાન ન આપ્યું તે પોતાના દરેક સોશિયલ પેજને લેપટોપ પર ઓપન કરી ચેક કરવા લાગી.
સુંદરાને માથું સહેજ ભારે લાગ્યું એટલે ટેબલ પર માથું ઢાળીને થોડીવાર સૂઇ ગઇ અને ત્યારે અખિલ સુંદરાની ફેવરીટ કૉફી બનાવીને લાવ્યો.
‘કેમ શું થયું સુંદરા?’
‘આ તો સવારે વહેલી ઉઠી હતી એટલે થોડું માથું દુ:ખે છે.’
‘આ એક કપ કોફી અને મારી એક નવી ગઝલ તારા માથાનો દુ:ખાવો મટાડી દેશે.’ અખિલે કપ સુંદરા સામે ધર્યો.
‘કૉફી જરુર લઇશ પણ તારી ગઝલ નહી ફાવે…!!’ સુંદરાએ અખિલની ગઝલનો છેદ ઉડાડી દીધો.
‘વિશ્વાસે તો આજે તારા માટે કોઇ નવી ગઝલ લખી હશે નહી..?’ અખિલના વારંવાર આ પ્રકારના વર્તનથી સુંદરા અકળાઇ ઉઠી અને બોલી, ‘અખિલ તને વિશ્વાસથી કોઇ પ્રોબ્લમ છે ?’
‘અરે ના… આ તો એમ જ…..!!’ અખિલ સુંદરા પોતાના કારણે ઇરિટેટ થઇ છે તે જાણી અખિલ પોતાની ઑફીસ તરફ ચાલ્યો ગયો.
રાત્રે સુંદરા ફરી તરોતાજા બની ગઇ હતી. બરાબર નવ કલાકે તેનો લાઇવ કાર્યક્ર્મા શરૂ થયો…!
‘ગુડ ઇવનિંગ અમદાવાદ….!
દાંડિયા, રાસ અને ગરબા વિનાની સુની સુની નવરાત્રીમાં તમારી અધુરી ઇચ્છાઓને પુરી કરવા સુંદરા આવી છે નવો કાર્યક્રમ લઇને… અધુરા નોરતાં… અધુરા ઓરતાં…!! કોઇની નવરાત્રીની સ્પેશ્યલ ખ્વાહિશ સાંભળીયે તે પહેલા મા જગદંબાના સ્તુતી કરી લઇએ…. સુંદરાએ પોતના મધુર સ્વરમાં સ્તુતી શરુ કરી.
યા દેવી સર્વભૂતેષુ શક્તિ રુપેણ સંસ્થિતા…. નમસ્તસ્યે… નમસ્તસ્યે નમસ્તસ્યે નમો નમ: ||
સ્તુતિ બાદ તરત જ એક કૉલ આવ્યો સામે છેડેથી વાતની શરૂઆત થઇ, ‘હેલ્લો સુંદરા હું ગોરધનકાકા બોલું છું… મારી એક ખ્વાહિશ આ નોરતાંમાં તું પુરી કરી આપીશ ?’
‘હા, કાકા… તમે ક્યાંથી બોલો છો ?’
‘સુંદરા… મારું સરનામું તો નહી આપું… પણ મારે એક ગરબો કોઇને ડેડીકેટ કરવો છે…!’
‘સારું કયો ગરબો અને કોને નામ ?’
‘પેલો આવતા જતા જરા નજર તો નાખતા જજો… બીજુ તો કંઇ નહી પણ કેમ છે કહેતા જજો…! અને આ ગરબો મારી બીજી શેરીમાં રેતી મંજુલાને ડેડિકેટ કરવો છે… આ નોરતામાં ગરબે રમાતું નથીને એના વિના રહેવાતું નથી… એને કહેજો કે કોરોનાનો ડર રાખ્યા વિના ક્યારેક કેમ છો કહી જાય… મને કોરોના થયા પછી એને મારી સામે જોવાનું;ય છોડી દીધું છે.’ કાકાની વાત સાંભળી સુંદરા ખડખડાટ હસી પડી અને બોલી, ‘કાકા, તમે લાઇવ છો અને કાકી સાંભળશે તો..?
‘તારી કાકી તો લગ્ન થઇ ગ્યા પછી કોઇદી મારું સાંભળતી જ નથી એટલે કોઇ ચિંતા ન કર…! અને મારા જેવા કેટલાયના દિલના આ અરમાન હશે કે આવતા જતા નજર તો નાખતા જજો….!’
‘વાહ… કાકા તમારા યુવાદિલને સો સો સલામ… અમે પુરી કરીએ તમારા અધુરા ઓરતાં…. અને સાંભળીએ આજનો ગરબો ગોરધનકાકાને નામ….! અને ત્યાં જ ગરબાની રમઝટ શરૂ થઇ.
ગરબો પુરો થતાં જ બીજો કૉલ, ‘હેલ્લો સુંદરા…!’
‘હા, સુંદરા સ્પિકીંગ..!’
‘ આ વખતે મારા બોય ફ્રેન્ડ સાથે નવરાત્રીમાં ગરબે રમવાની મારી ઇચ્છા અધુરી રહી ગઇ છે તો મારા બોયફ્રેન્ડને નામ એક ગરબો સંભળાવશો.’
‘શું છે તારા બોયફ્રેન્ડનું નામ ?’
‘શ્યામ…!’
‘કયો ગરબો ?’
‘તારા વિના શ્યામ એકલડું લાગે… અને બાય ધ વે લૉકડાઉનના આગળના દિવસે જ એને પ્રપોઝ કર્યુ હતું… એ પછી કોલેજ બંધ છે અને તેની બહુ યાદ આવે છે…!’
‘અચ્છા તો અમે પુરા કરીએ તમારા અધુરા ઓરતાં…!’ અને શરૂ થયો એક અધુરી ઇચ્છા પુરી કરવાનો ગરબો… તારા વિના શ્યામ એકલડું લાગે… રાસ રમવાને વહેલો આવજે હોં…!
ગરબો પુરો થતા ફરી એક રીંગ આવી…. ‘સુંદરા મારી અધુરી ઇચ્છા પુરી થશે ?’ એકદમ રુક્ષ અને સૂર વિનાનો કોઇ સ્ત્રીનો અવાજ સંભળાયો.
‘હા, જરુર…! તમે જણાવો કે તમારી અધુરી ઇચ્છા શું છે…!’ અને ત્યાં જ સામે છેડે એકસાથે કેટલાય કૂતરા ભસવાનો અવાજ શરૂ થયો. થોડીવાર પછી તે બોલી, ‘મારી અધુરી ઇચ્છા એક નથી અનેક છે…!’
‘તમારી ઓળખાણ…? અને ક્યાંથી બોલો છો ?’
‘મને કોઇ ચૂડેલ તો કોઇ ડાકણ કે કોઇ અવગતે ગયેલા આત્માના નામે ઓળખે છે…. હું સ્મશાનમાં રહું છું…!’ એકાએક ખીજાયેલો અને ભેંકાર અને તરડાયેલા તેના અવાજથી સ્વરાએ તેનો હેડફોન કાન પરથી હટાવી લેવો પડ્યો.
‘ઓહ… મજાક સારી કરો છો… આ લાઇવ પ્રોગ્રામ છે… તમે તમારી ઓળખાણ કોઇને કહેવા ન માંગતા હોય તો કોઇ વાંધો નહી… ફક્ત તમારી અધુરી ઇચ્છા જણાવો…!’ સુંદરાને લાગ્યું કે કોઇ તેને જાણી જોઇને પજવી રહ્યું છે.
‘જો તમે ઇચ્છા પુરી ન કરી શકતા હોવ તો આ અધુરા નોરતાં, અધુરા ઓરતાં પ્રોગ્રામ બંધ કરો.’ પેલી વ્યંગમાં બોલીને ભયાનક રીતે અટ્ટહાસ્ય કરવા લાગી.
‘પ્લીઝ, તમારું નામ કહો અને તમારી અધુરી ઇચ્છા શું છે…?’
‘તો સાંભળ સુંદરા… આજે રાત્રે જ્યારે ઓફીસેથી ઘરે જાય ત્યારે જુની વાવના ત્રીજા પગથિયાના ગોખલામાં એક ચીઠ્ઠી છે… તેમાં છુપાયું છે મારું રહસ્ય… તું તે વાંચીને મારી ઇચ્છા પુરી કરીશ, બોલ ?’ પેલી સ્ત્રી કોઇ ભેદી રીતે વાત કરી રહી હતી… ત્યાં જ બહારથી તેનો ફોન કટ કરી દેવાયો… નિખિલ સારી રીતે જાણતો હતો કે ઘણીવાર પ્રોગ્રામનો મુડ ખરાબ કરવા તેની કોમ્ટીટેટીવ ચેનલવાળા આવા કૉલ કરતા હોય છે…
બધાની અધુરી ઇચ્છાઓ સાંભળી આખરે સુંદરાએ તેનો પહેલી નવરાત્રીનો કાર્યક્રમ સફળ રીતે પુરો કર્યો….!! જોકે સુંદરાનું મન પેલા અજાણ્યા કૉલથી વિચલિત થઇ ગયું હતું.
છેક અગિયાર વાગ્યે સ્કુટી પર સુંદરા એકલી ઘરે નીકળી… અને વાવ પાસે પહોંચતા જ તેનું મન સળવળ્યું…. તેને સ્કુટી રોડની સાઇડ પર લીધી અને મોબાઇલની ટોર્ચના પ્રકાશથી વાવના ઝાડી ઝાંખરા દૂર કરતા કરતા ત્રીજા પગથિયે પહોંચી…!!
અને ત્યાં જ એકસાથે ત્રણ ચિબરીઓ ભયાનક ચિત્કાર કરતી બરાબર તેની એકદમ નજીકથી પસાર થઇ. સુંદરા ડરથી થરથરવા લાગી. પોતાના સાહસ માટે અફસોસ કરવા લાગી… પણ ત્રીજા પગથિયે દૂર ગોખલાંમાં પ્રકાશ કરતાં તેમાં એક પથ્થરની નીચે એક ચીઠ્ઠી દબાયેલી પડી હતી.
સુંદરાએ ધીરેથી એ ચીઠ્ઠી ઉઠાવી અને ત્યારે જ વાવની ગુફામાંથી એકાએક ખૂબ ઠંડી હવાની મોટી લહેર ઉઠી અને તેની સાથે કેટલાય સુકા પાંદડાઓ સુંદરા પર પડ્યા….. અને સુંદરા બહાર તરફ ભાગી….. વાવની અંદરથી કોઇ ગેબી આંખો તેના પર મંડરાયેલી હતી….!! અને બહાર રોડ પર દૂરથી સુંદરાની હરકતને કોઇ નિહાળી રહ્યું હતું…!
આ સમયે વિશ્વાસ એક અંધારી ભયાનક ગુફામાં ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો…!’
ક્રમશ :…….
લેખક : ડો. વિષ્ણુ પ્રજાપતિ
અધુરા નોરતાં… અધુરા ઓરતાં…!ભાગ–૧ અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ–૩
Categories: Dr. Vishnu M. Prajapati