Dr. Vishnu M. Prajapati

અંધારી રાતનો ગરબો..! ભાગ–૧

‘આવી આસોની રઢીયાળી રે રાત…!!’ જેવા જુના ગરબા ભૂલીને ડીજેના તાલે હિલોળે ચઢવા સૌ થનગની રહ્યા હતા. ફ્રેન્ડ સર્કલ અને પાર્ટી પ્લોટના કલ્ચરમાં ફેરવાયેલી નવરાત્રીને મનભરી માણવા ખેલૈયાઓએ બધી તૈયારીઓ પણ કરી લીધી હતી.

મયંકને પણ ગરબાનો ભારે શોખ. નવરાત્રી હોય કે યુથ ફેસ્ટીવલ, ગરબાના અવનવા સ્ટેપ શીખવા તો સૌ મયંક પાસે જ જતા. નવરાત્રી એ તેનો મનગમતો તહેવાર હતો. નવરાત્રી આવતા જ તેનો ઉત્સાહ પણ અનેકગણો વધી જતો. જો કે મયંકે આ વર્ષે પણ બધી તૈયારીઓ કરી જ લીધી હતી. આ વર્ષ તેના માટે કંઇક વિશેષ બનવાનું હતુ. તે ગયા વર્ષના છેલ્લા નોરતાની રાતથી જ ફરી નવરાત્રી આવવાની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો.. તેની આતુરતા પાછળ કામણભર્યુ કારણ હતુ અને તે ઇંતેજારી ફક્ત શોખ માટે નહોતી પણ કોઇક માટે જોયેલી વાટ અને વિરહનો અંત આવવાનો હતો..

‘તું આવતી નવરાત્રીએ મારી સાથે ફરી ગરબે રમવા આવીશ’ને…? હું તારી રાહ જોઇશ..!!’ એક વર્ષ પહેલા કોઇકે મયંકનો હાથ પકડીને આખુ વર્ષ ઇંતજાર કરતો કરી દીધો હતો. જો કે તેની આંખોમાં પણ વિયોગની વેદના અને શબ્દોમાં પ્રેમની હેલી ઉભરાઇ તો હતી જ…!

‘હા, આવીશ.. પણ એક વર્ષનો ઇંતજાર કેમ ? આવતીકાલે જ મળીએ.. મારે તને કહેવું છે કે હું તને..!!’ મયંક કંઇક કહેવા જતો હતો ત્યાં જ તેની મુલાયમ હથેળીએ મયંકના હોઠ પર ચીપકી ગઇ હતી. તેનો સ્પર્શ આહલાદક હતો. શબ્દ અને સ્પર્શ બન્નેનું આહલાદક માધુર્ય મયંકે માણ્યું હતુ. બન્ને તેના અંગેઅંગમાંથી વહીને મયંકના હોઠ સુધી આવી ગયુ હતું,

‘કુછ ના કહો…! કુછ ભી ના કહો…! ક્યા કહના હૈ ? ક્યા સુનના હૈ ? મુઝકો પતા હૈ…! તુમકો પતા હૈ…!’ મયંકના હોઠ પર હથેળી દબાવી તેને ગાયેલું ગીત આજે પણ મયંકની સ્મૃતિપટમાં એજ પ્રેમસ્વરમાં ગુંજતુ હતુ અને મયંક માટે તો તે સમય થંભી જ ગયો હતો.

તેને પોતાની હથેળી દૂર કરતા મયંકનો ફરી વાકપ્રવાહ શરૂ થયેલો, ‘ન કોઇ ઓળખાણ કે ન કોઇ ઝાઝો પરીચય, આમ જ છુટા પડી જવાનું..?’ મયંક ત્યારે વિયોગની વ્યથામાં ગરકાવ થઇ ગયો હતો.

‘આ નવરાત્રી જ આપણી ઓળખાણ હતી અને ફરી આવતી નવરાત્રી જ આપણી ઓળખાણ લઇને આવશે.’ તેને જ્યારે કહ્યું ત્યારે ચારેબાજુ નિરવ શાંતી હતી.

‘એટલે છેક આવતી નવરાત્રી સુધીનો લાંબો ઇંતજાર…!’ મયંકે તેનો હાથ પકડીને કહેલું.

‘સમયને જતા ક્યાં વાર લાગે છે? ઢોલ ઢબૂકશે એટલે હું આવીશ અને ફરી આવતી નવરાત્રી આપણે સાથે ગરબે રમીશુ.’ તેનો રણકતો અવાજ મયંકને આજે પણ એટલો જ યાદ હતો.

‘તું મને એ તો કહેતી જા કે કઇ કોલેજમાં છે ? તારો કોઇ કોન્ટેક્ટ નંબર ?’ મયંક પૂછતો રહ્યો પણ તે તો ‘ગુમનામ હૈ કોઇ, બદનામ હૈ કોઇ, કિસકો ખબર, કૌન હૈ વો ? અનજાન હૈ કોઇ…!! ’ એ ગીત ગાઇને મયંકને વધુ પજવી રહી હતી.

‘તારા બાઇક પર મને લોંગ ડ્રાઇવ કરાવ..!’ તેની છેલ્લી ખ્વાહિશ હોય તેમ તે મયંકના બાઇક પાછળ ચીપકીને બેસી ગઇ હતી. ગયા વર્ષના એ છેલ્લું નોરતું પુરુ કરી મયંક અને તે ખેલૈયાના વેશમાં શહેરને દૂર મુકી કેટલેય દૂર સુધી જઇ આવ્યા હતા.

છેલ્લે તેને બાઇક પરથી ઉતરીને કહ્યું હતુ, ‘ઢોલ ઢબૂકશે એટલે હું આવીશ. તું અહીં જ મને લેવા આવજે.’

‘હું તને કોઇ પરિચય વિના જવા દેવાનો નથી.’ મયંકે તેનો હાથ પકડી ઉભી રાખી હતી.

‘એ શક્ય નથી, મયંક..! અને હું તને મારો પરિચય આપી શકુ તેમ પણ નથી. હું આ નવરાત્રીમાં કોઇ સાથીની તલાશમાં હતી, મારે મનભરીને ગરબે રમવું હતું.. સારુ થયું કે છેલ્લા બે નોરતામાં તુ મળી ગયો. તારી સાથે ગરબે ઘુમતા મારી ઇચ્છા પુરી થઇ ગઇ… આપણી દોસ્તી આ નવરાત્રી પુરતી જ હતી.’ તેને જતા જતા ખૂબ સ્પષ્ટ જવાબ આપતા મયંક હતાશ થઇ ગયો હતો.

‘એમ તો તારી ઇચ્છા પુરી થઇ અને મારી ઇચ્છાઓ અધુરી રાખવાની ?’ મયંકે તેને રોકી રાખવા વાત આગળ વધારી હતી.

‘કઇ ઇચ્છા બાકી રહી ગઇ તારી ? તું પણ મારી સાથે સરસ રીતે ગરબે રમ્યોજ છે,ને ?’ તેની આંખોમાં ભલે કામણ હતુ પણ હોઠ પર સચ્ચાઇ વધારે હતી.

‘એટલે તેનો અર્થ એવો થાય કે નવરાત્રી પુરી એટલે સબંધો પુરા ?’ મયંકને ગુસ્સો આવ્યો.

તે થોડીવાર શાંત રહી અને એટલું કહેલું, ‘સારુ, આવતી નવરાત્રીએ તારી બાકી રહેતી બધી ઇચ્છાઓ પુરી કરવા હું આવીશ.. આ જ જગ્યાએ હું તને મળીશ, આવતી નવરાત્રીએ…!’

‘ઓહ્હ્હ… એમ થોડુ હોય ? છેક આવતી નવરાત્રીએ ? થોડા દિવસ બહાર જવાની હોય તો બરાબર છે પણ એક વર્ષમાં વચ્ચે ફરી ક્યાંય નહી મળી શકાય ?’ મયંકે ફરી તેને મનાવવાનો પ્રયત્ન કર્યો.

તે ખૂબ હોંશિયાર હતી, તેને મયંકને સમજાવતા કહ્યું, ‘આપણી નવરાત્રીની ફ્રેન્ડશીપ સરસ રહી એટલે કહી દઉ કે હું વિદેશમાં રહું છું.. મારા માતા-પિતા પણ પરદેશમાં છે. હું અહીં ફક્ત નવરાત્રી કરવા જ આવી હતી. હવે થોડા દિવસમાં પાછી જવાની છું. વધુ પરિચય કેળવીને હું પોતે દુ:ખી થવા માંગતી નથી અને તને દુ:ખી જોવા માંગતી નથી. આવતી નવરાત્રીમાં ફરી તને મળીશ… આ જગ્યાએ… એ સિવાય વધારે હું તને કંઇપણ કહી શકુ તેમ નથી.’

‘ઓકે, જેવી તારી મરજી, પણ તારુ નામ તો કહીને જઇશ કે તેનું પણ રહસ્ય રાખવું છે ?’ મયંકે હવે તેને અલવિદા કહેવાની તૈયારી કરી લીધી હતી.

‘દિશાર્થી’ તેને આખરે મયંકનું માન રાખ્યું.

‘બહુ સરસ નામ છે, હું તારી રાહ જોઇશ..!’ મયંકે બાઇક સ્ટાર્ટ કર્યુ.

‘આવતા વર્ષે આ જ જગ્યાએ, અહીં જ મળીશ… પણ જો કોઇ સંજોગોવશાત ન મળી શકાયુ તો આ એક સુખદ સ્મરણ સમજી મને ભૂલી જજે…!’ તેને પણ તેનો જમણો હાથ હલાવી મયંકને હવે બાય બાય કહી દીધુ હતુ.

‘ઘરે મુકી જવુ…?’ મયંકે પુછી જોયેલુ. તે થોડી ગંભીર બની અને પછી કહેલુ, ‘એટલે તારે હું ક્યા રહુ છુ તે જાણવું છે? મયંક, આપણે પહેલીવાર મળ્યા ત્યારે કેટલીક શરતો કરી હતી તે તને યાદ છે’ને ? જો તુ એ શરતો તોડી નાંખવા માંગતો હોય તો હું ફરી આવીશ નહી.’

મયંકે અનિચ્છાએ પણ આખરે તેને તે શરતો ફરી યાદ કરતા કહેલુ કે, ‘હા મને બરાબર યાદ છે કે તે કહેલુ કે મારે તારો પીછો કરવો નહી, તું ક્યાં રહે છે કે તારા વિશે જાણવાની કોશીશ કરવાની નહી, આપણી મિત્રતા નવરાત્રી પુરતી રહેશે… બસ ખુશ…!’ અને તેને જતા જતા મયંકના ગાલ પર દીર્ધ ચુંબન આપ્યું અને નીકળી ગયેલી.

એ દીર્ધ ચુંબન આજે પણ મયંકના ગાલે સળવળી રહ્યું હતુ. તે બિન્દાસ્ત હતી. ગરબે ઘુમતી તેના દરેક અંગ ઉભાર નિ:સંકોચ તેની સાથે અથડાવતી. યુવાનીમાં જ આમ અનાયાસે સ્વરૂપવાન ફ્રેન્ડ મળી જવી એ મયંક માટે એક સ્વપ્નસમુ જ હતુ.

તે બન્નેની મુલાકાત પણ એક અકસ્માત જેવી જ હતી. જાન્વી સાથે સહેજ અણબનાવ બનતા જ તે બીજા ગ્રુપ સાથે ચાલી ગઇ હતી. મયંક શહેરથી દૂર ‘યંગ કલ્ચર’ ના બે પાસ લઇને આવ્યો હતો અને જાન્વીને સાથે લઇ જવા માંગતો હતો. જો કે જાન્વીએ સ્પષ્ટ કરી દીધેલુ કે હું એકલી તારી સાથે આવી શકીશ નહી…! મયંક ગુસ્સામાં એકલો જ ત્યાં જવા નીકળેલો ત્યાં શહેરના સૌથી જુના તળાવ પાસે જ તે મળી ગયેલી.

સોળે શણગાર સજીને તે ઉભેલી અને મયંકને જોઇ ‘યંગ કલ્ચર’ સુધીની લીફ્ટ માંગી હતી.

‘યંગ કલ્ચર’ પાર્ટીપ્લોટમાં ફક્ત યુવાહૈયાઓને જોડીમાં જ એન્ટ્રી હતી. મયંકને હતુ કે ત્યાં કોઇ મળી જશે અને પેલીને પણ તેનો કોઇ ફ્રેન્ડ આવવનો હતો તે નહોતો આવ્યો… યોગાનુયોગ બન્નેની સરખી જ સ્થિતિ હતી એટલે બન્ને સાથે ‘યંગ કલ્ચર’માં ગયા હતા.

‘તુ મારો ગરબા પાર્ટનર બનીશ ?’ તેને સામેથી મયંકને પ્રપોઝલ મુકેલુ અને મયંકને પણ પાર્ટનરની જરુર હતી જ.

તેના ગરબાના સ્ટેપ અને અંગોની લચક અદભૂત હતી. અંગેઅંગની તેની સુંદરતાથી મયંક મોહી ગયેલો. બ્રેકમાં મયંકે તેનો પરીચય પુછ્યો ત્યારે તેને કહેલું કે, ‘આપણે એકબીજાના નામ જાણવા નહી, આ તો અચાનક જ પાર્ટનર બની ગરબે રમવા આવ્યા છીએ. હું તને મારો કોઇ પરીચય નહી આપુ અને જો તે તને મંજુર ન હોય તો હું બીજા પાર્ટનરને શોધી લઇશ.’ તેની આંખો ખરેખર જાણે બીજા પાર્ટનરને શોધી રહી હોય તેમ ચારેબાજુ વારંવાર ફરી રહી હતી.

તેની વર્તણૂક ન સમજાય તેવી હતી, પણ મયંક તેની સુંદરતામાં ખોવાઇ ગયો હતો એટલે તેને તેની બધી જ શરત મંજુર કરી લીધી હતી. તેને જ્યાંથી લિફ્ટ લીધી હતી ત્યાં જ તે ઉતરી જતી અને મયંક પહેલા દૂર ચાલ્યો જાય તેનો આગ્રહ રાખતી…!

મયંક અંદરોઅંદર તેને ચાહવા લાગ્યો હતો પ્રેમની ધારા વહાવી તે નવરાત્રી પુરી થતા જ સાવ નિષ્ઠુર બની ચાલી જશે તે મયંકે વિચાર્યુ પણ નહોતુ. તેને છેલ્લે કહેલું વાક્ય આજે ફરી મયંકના કાનમાં ગુંજી રહ્યું હતુ, ‘‘તું આવતી નવરાત્રીએ મારી સાથે ફરી ગરબે રમવા આવીશ’ને…? હું તારી રાહ જોઇશ..!!’

આજે પહેલુ નવરાત્ર, મયંક ફરી સજીધજીને તે જગ્યાએ અનેક સપનાઓ લઇને તેની શોધમાં નીકળી પડ્યો…!!

ક્રમશ :…

લેખક : ડૉ. વિષ્ણુ પ્રજાપતિ

અંધારી રાતનો ગરબો…! ભાગ–૨

Leave a Reply