Dr. Vishnu M. Prajapati

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…!ભાગ–૧

સવારનું પહેલું કિરણ પથરાતાં જ વ્હાઇટ ફોરચ્યુનર કાર શહેરથી થોડે દૂર રોડની સાઇડ પર સૂમસામ જગ્યા મળતા બ્રેક મારીને ઉભી રહી ગઇ. બ્લેક ફિલ્મ કૉટેડ ગ્લાસની અંદર શું થઇ રહ્યું છે તે બહારના લોકો માટે કળવું મુશ્કેલ હતું. પણ…. અંદર બેઠેલા હેન્ડસમ યુવાને બાજુમાં બેસેલી સુંદરાને બાહુપાશમાં લેવા પોતાનો ડાબો હાથ તેની મુલાયમ ગરદન તરફ આગળ કર્યો.

તે મૃગલીની જેમ ચકોર અને સાવધ હતી. બીજી ક્ષણે તેને તેના હાથને દૂર ફંગોળી દીધો અને કહ્યું, ‘આ અત્યારે નહિ, હજુ તેની ઘણીવાર છે.’

સુંદરાના પ્રતિકારથી તે યુવાનના ચહેરાની રેખાઓ એકાએક બદલાઇ ગઇ. તેને નામરજીથી પોતાનો હાથ ફરી સ્ટીયરીંગ પર મુક્યો.

‘વિશ્વાસ, કંટ્રોલ યોર સેલ્ફ…! આપણે કોઇ રોમાંસની સફર પર નથી જઇ રહ્યાં.’ સુંદરાના મુલાયમ ગુલાબી હોઠની અંદરથી આવેલા શબ્દોમાં સહેજ તીખાશ હતી…. કારમાં એકાએક ગરમી વધી જતા એસીએ તેનું કામ શરૂ કર્યુ…!

થોડીવાર પછી સુંદરા બોલી, ‘આજે પહેલું નોરતું છે, હું દર પહેલા નોરતે શહેરથી દૂર આવેલા દુર્ગામાતાના મંદિરે અવશ્ય જાઉં છું અને દૂર્ગામાતાની પૂજા કરુ છું. તને સાથે લેવાનો મતલબ એ છે કે થોડીવાર સાથે રહીએ તો હું અને તું એકબીજાને સારી રીતે સમજી શકીએ…! અને તું જે કરી રહ્યો છે કે વિચારી રહ્યો છે તેના માટે હું આ સમયે બિલકુલ તૈયાર નથી.’

‘બે મહિના પછી તો આપણાં લગ્ન છે, થોડીક તો છૂટછાટ…??’

‘વ્હોટ યુ મીન બાય છૂટછાટ….??’ ફરી સુંદરાનો ગરમીનો પારો આસમાને ચઢતા એસી આપોઆપ પોતાની રીતે એડજસ્ટ થઇ રહ્યું હતું.

‘ઓકે… ઓકે… આ તો કોરોનાને કારણે આપણાં લગ્ન પાછા ઠેલાઇ ગયા નહિતર તો તું અત્યારે સુધી પ્રેગનન્ટ પણ થઇ ગઇ હોત…!!’ તેના સાવ રદ્દી જોક પર બાજુમાં બેસેલી સુંદરા સમસમી ઉઠી.

‘વિશ્વાસ… તું તારી ગઝલમાં પ્રેમની લાગણીઓને આબેહૂબ રીતે ઢાળી શકે છે પણ સ્ત્રીની લાગણીઓને તું નહી સમજી શકે ….! તારી આ કામાંધ માંગણીઓ પર સંયમ રાખે તો સારુ છે. સંયમિત જીવનની પણ એક આગવી આભા છે. નવરાત્રી તો કામવાસનાને દૂર કરી શક્તિ ઉપાસનાનો અવસર છે… મને મારી શક્તિ ઉપાસના પર કેન્દ્રિત થવા દે, વળી, આજ રાતથી મારો નવરાત્રી સ્પેશ્યલ લાઇવ કાર્યક્રમ શરૂ થાય છે. બપોરે ત્રણ વાગ્યા પહેલા તો મારે ઓફીસ પર પહોંચવું જરુરી છે…!’ સુંદરા વિશ્વાસને જાણે ડ્રાઇવર તરીકે જ સાથે લાવી હોય તેવો ઓર્ડર કરી દીધો.

‘એઝ યુ સે સુંદરા… આજે બપોર પછી હું પણ નવ દિવસ સુધી કોઇને નથી મળવાનો. તું જેમ શક્તિ સાધના કરે છે તેમ હું પણ દર નવરાત્રિમાં સિધ્ધિ સાધના કરું છું… મને હતું કે તારું ચુંબન મને નવ દિવસ સુધીની ઉર્જા આપશે…!’ વિશ્વાસે કારને ફરી રસ્તા પર દોડાવવા સાઇડ મિરર પર નજર કરી અને કાર પાણીના રેલાની જેમ સરકી. ગઇ રાત્રે વિશ્વાસ રોમાંસના સુંવાળા સપનાઓ જોઇને આવ્યો હતો તે બધા ચકનાચૂર થઇ ગયા હતા.

એકમેકની સાવ લગોલગ બેસેલા સુંદરા અને વિશ્વાસ વચ્ચે જાણે યોજનોની દૂરી હોય તેમ બન્ને પોતપોતાની આગવી વિચારોની દુનિયામાં ખોવાઇ ગયા. વિશ્વાસે રેડિયો એફ એમ ઓન કર્યો. ઘડિયાળમાં બરાબર સાત વાગ્યા હતા અને સુંદરા આજે સવારનો તેનો રેકોર્ડેડ કાર્યક્રમની તૈયારી કરીને આવી હતી. કારની અંદર મોગરાની મીઠી સોડમની સાથે સુંદરાનો મીઠો મધુરો અવાજ રેલાવવા લાગ્યો,

‘પ્રખ્યાત શાયર વિશ્વાસ તેમની એક ગઝલમાં લખે છે કે,
ઇચ્છાઓ ક્યાં બધાની પુરી થઇ છે,
પ્રેમની પ્યાલી કાયમ અધુરી રહી છે.
પીધો ઘુંટડો જેને એકવાર મનભરીને,
તરસ તેની ત્યાંથી જ તો શરૂ થઇ છે.

ગુડ મોર્નિંગ અમદાવાદ…!!
હું છું તમારી સવારની અફલાતૂન ચ્હા… !
તમારા મીઠા મધુરા શબ્દોની વ્હા…!
અને દિલને દિલથી જોડતી RJ સુંદરા ઝા…!!

દિલને દિલથી જોડવા હું છું કાયમ તમારી સાથે…! મને ખબર છે કે તમારું દિલ કોઇકના ઝરૂખામાં, કોઇકની લટકતી ઝુલ્ફોમાં, કોઇકની નખરાળી નૈનનમાં તો તમારી લખેલી સ્પેશ્યલ કવિતાની લૈલામાં ક્યારેક તો લાગ્યું જ છે…! કોઇકના માટે દિલના ધબકાર વધી ગયા છે, કોઇકને ભીડમાં શોધવા તમારી આંખો કેટલીયવાર તરસી છે… જિંદગીમાં કોઇક તો છે જેને તમે દિલોજાનથી મહોબ્બત કરી છે…! કોઇકનો ધૂમ સ્ટાઇલમાં પીછો પણ કર્યો છે તો કોઇકનો લાંબો ઇંતજાર પણ…!

પ્રેમ કેટલાય પ્રકારે થાય છે, પોળમાં થતો પ્રેમ, કોલેજનો પ્રેમ કે બેસ્ટ ફ્રેન્ડશીપમાંથી થયેલ લવશીપ, એરેન્જ મેરેજ કે લવ મેરેજનો પ્રેમ, પહેલી નજરનો પ્રેમ કે સોશિયલ મિડિયા પર થયેલા ચેટીંગનું સેટીંગ…! આ બધામાં તમે કોઇને નવરાત્રી પર કોઇ સ્પેશ્યલ રીતે પ્રેમ કર્યો છે અથવા નવરાત્રીનો કોઇ અલગ જ અનુભવ થયો છે તો મને જણાવો… કારણ કે આ નવરાત્રી ગરબે રમવા માટે નહી પણ પ્રેમના સંસ્મરણો વાગોળવા માટે છે. સો બી રેડી…. વીથ યોર ફેવરીટ RJ ગર્લ સુંદરા ઝા..! અને પછી તરત જ સોંગ શરૂ થયું,
‘પ્યાર કરનેવાલે પ્યાર કરતે હૈ શાન સે…. જીતે હૈ શાન સે, મરતે હૈ શાન સે….!!’

ગીત સાથે જ વિશ્વાસે સુંદરા તરફ જોઇને કહ્યું, ‘તો મારી ગઝલથી જ શરૂઆત કરી છે ? અને આ તારો રાતના લાઇવ પ્રોગ્રામનો આઇડિયા મને ખૂબ જ ગમ્યો… કાર્યક્રમનું નામ પણ અફલાતૂન છે, ‘અધુરાં નોરતાં, અધુરા ઓરતાં…!’ મારા પણ આજના ઓરતાં અધુરા રહી ગયા છે તો હું તને જરૂર ફોન કરીશ જ…!’

વિશ્વાસના રોમાંસ સામે સુંદરા નિર્લેપ જ હતી અને તે આંખો બંધ કરીને કોઇ મંત્રજાપ કરી રહી હોય તેમ લાગતું હતું.

રેડિયો પર ગીત પૂરુ થતા ફરી સુંદરાના કોકીલકંઠેથી ફરી શબ્દોની ધારા ફૂટી, ‘ નવરાત્રી એટલે પૂજા, આરતી, આસ્થા, આરાધના, શક્તિનો તહેવાર…!! બટ ગાયઝ આઇ નૉ કે તમને વધારે ઇન્ટરેસ્ટ શેમાં છે ? તમારી પૂજા, આરતી, આસ્થા ક્યાં છુપાયેલી છે એને શોધવામાં હું કરીશ તમારી મદદ… કારણ કે તમારી ગર્લ ફ્રેન્ડ કોઇ દિવસ તમને નહિ કહે કે મારું દિલ પણ તારામાં લાગ્યું છે….!

આ વખતે અનેક યુવાહૈયાંઓના સપનાઓ રોળાઇ ગયા છે…! નવરાત્રી તો ફક્ત કેલેન્ડરમાં જ આવી હોય તેવું લાગે છે. ડ્યુ ટુ કોરોના ગવર્મેન્ટ ઇઝ વેરી સ્ટ્રીક્ટ એન્ડ વી મસ્ટ ફોલો ઓલ રુલ્સ….! તમને પાર્ટી પ્લોટના ગરબા ભલે ન સંભળાય પણ મારી સાથે તમને ક્યારેય નહી લાગે કે નવરાત્રી નથી આવી…આજે રાત્રે હું લઇને આવી છું તમારા માટે નવરાત્રી સ્પેશ્યલ કાર્યક્રમ, ‘અધુરા નોરતાં…. અધુરા ઓરતાં…!’ આ કાર્યક્રમમાં આપ નવરાત્રીની આપની કોઇ ઇચ્છા અધુરી રહી ગઇ હોય તો મને જણાવશો… આપની ખ્વાહિશ પુરી કરવામાં હું તમને મદદ કરીશ. આ વખતે નોરતાં ભલે અધુરા રહે પણ કોઇના અરમાન અધુરા રહી ન જાય તેવો મારો પ્રયાસ છે…! રાત્રે નવ વાગ્યે ડાયલ કરો નંબર… ########### અને જણાવો તમારી અધુરી ખ્વાહિશ…! ફેસબુક પર કે ટ્વીટર પર તમારી પોસ્ટ મુકી શકો છો. તો આજે રાત્રે બરાબર નવ વાગ્યે શરૂ થશે નવરાત્રી સ્પેશ્યલ લાઇવ કાર્યક્રમ ‘અધુરા નોરતાં અધુરા ઓરતાં…! તો તમારી અને ફક્ત તમારી જ RJ સુંદરા સાથે આવશોને ?’

વિશ્વાસે રેડિયો ઓફ કર્યો અને સુંદરાના સુંદર સંસ્મરણોને વાગોળવા લાગ્યો. સુંદરા એટલે નાજુક હરણી, ગભરું પણ અનેકગણી સુંદર…! જયપુરના ગુલાબી પથ્થરમાંથી બની હોય તેવી તેની કંડારેલી કમનીય કાયા કોઇનું પણ વશીકરણ કરી નાખે તેટલી મનમોહક હતી. રેડિયો જોકીના એક કાર્યક્રમમાં વિશ્વાસ ચીફ ગેસ્ટ તરીકે ગયો હતો અને ત્યારે સુંદરા સાથે પહેલી મુલાકાત થઇ હતી. વિશ્વાસે તે રાત્રે જ તેની પહેલી નજરના પ્રેમની કવિતા લખી હતી.. વિશ્વાસ પોતે થોડા સમયમાં જ લટખૂટ સંપત્તિનો માલિક બનેલો અને સાથે સારો ગઝલકાર હતો…! સુંદરા અને વિશ્વાસ વચ્ચે ધીરે ધીરે મિત્રતા અને પછી પ્રેમના અંકુરો ફૂટ્યા હતા.

ગાડી ડુંગરાળ રસ્તા પર તેજ રફતારથી આગળ વધી રહી હતી. ડુંગરોની વચ્ચે દુર્ગામાતાનું ભવ્ય મંદિર હતું. કાર સમય કરતા વહેલા ત્યાં પહોંચી ગઇ…! સુંદરાએ લાલ રંગની બાંધણીની એક ઓઢણી માથે ઢાંકી. હાથમાં રહેલી પૂજાની થાળી સરખી કરી અને તેમાં સેનેટાઇઝર પણ મુક્યું. વિશ્વાસે નીચે પાણીની બોટલમાંથી પાણી ગટગટાવ્યું અને બોટલ સુંદરા સામે ધરી…!

સુંદરાએ વિશ્વાસને યાદ અપાવતા કહ્યું, ‘તને ખબર તો છે કે હું પૂજા કર્યા પછી જ અન્ન જળ લઉં છું.’

વિશ્વાસ થોડો ઝંખવાયો અને નીચે ઉતરીને સુંદરા તરફનો દરવાજો ખોલ્યો. સુંદરાએ તેના સેન્ડલ ઉતારી દીધા અને નાજુક પગ નીચે મુકે તે પહેલા વિશ્વાસ શાયરની અદામાં બોલ્યો, ‘આપકે નાજુક પાંવ દેખે, બહુત હસીન હૈ, ઇન્હે જમીન પર મત રખિયેગા મૈલે હો જાયેંગે….!’

સુંદરા તેની આ અદા પર મોહી પડી અને બોલી, ‘વિશ્વાસ, હું ખુલ્લા પગે જ છેક મંદિર સુધી જઇશ, દર્શન ન થાય ત્યાં સુધી એક શબ્દ પણ નહી બોલું… હું દરેક નવરાત્રિમાં આ રીતે જ મંત્રજાપ કરું છું… આ મારી આસ્થા છે.’ અને સુંદરાએ તેના સુંવાળા પગ જમીન પર મુકતા જ તેના મુલાયમ પગના તળીયે લાલીમા ઉપસી આવી.

‘પણ સેન્ડલ પહેરીને ચાલે તો શું ફર્ક પડે ?’ વિશ્વાસને જવાબ આપે તે પહેલા સુંદરાએ માસ્કથી પોતાના સુંદર ચહેરાને ઢાંકી દીધો અને ખુલ્લા પગે મંદિર તરફ પ્રયાણ શરુ કરી દીધું હતું. વિશ્વાસે પણ માસ્ક ચઢાવી ચૂપચાપ તેની પાછળ પાછળ પગ માંડ્યા…!!

પચાસેક પગથિયાં ચઢ્યાં પછી વિશ્વાસની ફોનની રીંગ રણકી…. ફોન પર નામ વાંચતા જ વિશ્વાસના કપાળેથી પરસેવો છૂટી ગયો અને હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. પગથિયાં ચઢ્યાંનો હાંફ છે કે અંદરનો ડર તે વિશ્વાસ સમજી ન શક્યો અને ફોન રીસીવ કરતાં જ સામે છેડેથી ઘોઘરો અવાજ સંભળાયો, ‘તુમ્હે દેવીમાં નહી કાલિમાં બુલા રહી હૈ…! યે મત સમઝ લેના કી હમ તુમ્હે ભૂલ ગયે હૈ…!!’

ત્યાં જ પદયાત્રીઓના એક ઝુંડમાંથી કોઇકે જયઘોષ કર્યો , ‘ બોલો આદ્યશક્તિ જગદંબે માત કી…….’ અને આખું ટોળું એક સાથે ગર્જી ઉઠ્યું… ‘ જય….!!’ પ્રચંડ જયઘોષના નાદના ગગનભેદી અવાજ સાંભળતા વિશ્વાસનો ફોન કટ થઇ ગયો…. વિશ્વાસે જોયું તો સામેનો ડુંગર કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઇ ચુક્યો હતો… એકાએક ઠંડી લહેરો વછૂટવા લાગી હતી અને તેનાથી પ્રસરેલી ઠંડકથી શરીરમાં ધ્રુજારી અને કમકમાટી થવા લાગી હતી.

ક્રમશ : …….

લેખક : ડો. વિષ્ણુ પ્રજાપતિ

અધુરા નોરતાં… અધુરા ઓરતાં…! ભાગ – ૨

 

Leave a Reply